સૌથી પહેલા આ શબ્દો વિષે સમજ મેળવવી જરૂરી છે.

અન્યાય (Injustice)-ગેરવ્યાજબી ભેદભાવ,પૂર્વગ્રહ,દમન,અસહિષ્ણુતા,અસમાનતા,વહાલા ધવલાની નીતિ,એકતરફી વર્તન,ગેરકાનૂની અન્યાયી વર્તન વગેરેનો સમાવેશ તેમાં થાય છે .

અન્યાય એ વ્યક્તિના અધિકારોનું હનન છે,ગેરવ્યાજબી વ્યવહાર છે. અન્યાયને સમજવા માટે ન્યાયને સમજવાની જરૂર છે. ન્યાય એટલે નૈતિક અધિકાર જે નૈતિક,તાર્કિકતા,કાનુન,કુદરતી ન્યાય, પ્રાદેશિક, સમાનતા ન્યાય સંગત,સમાનતા ઉપર આધારિત છે.

શોષણ(Exploitation)-કોઈ પણ વસ્તુ,સંબંધ કે વ્યક્તિ/જૂથ/સમુદાયનો ગેરવ્યાજબી કે યોગ્ય કે ક્રૂર રીતે ઉપયોગ કરવો/ગેરલાભ લેવો.

શોષણ એટલે સામાજિક સંબંધોમાં કોઈ વ્યક્તિ સાથે  ગેરવ્યાજબી અયોગ્ય વ્યવહાર કરવો અથવા તેમનો અયોગ્ય રીતે લાભ લેવો.બીજી રીતે કહીએ તો શોષણમાં લોકોનો ઉપયોગ એક ચીજવસ્તુની જેમ કરવામાં આવે છે જેમાં નીચેના પ્રકારો જોવા મળે છે.

-વ્યક્તિ કે જૂથોના અધિકારો પર પ્રતિબંધ મુકવા.

-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈને કામ કરવા દબાણ કરવું.

-કોઈની ઈચ્છા વિરુદ્ધ અથવા તેની સંમતિ કે જ્ઞાન વિરુદ્ધ તેનો ઉપયોગ કરવો.

-લોકો વચ્ચે,વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સેવાઓના લાભમાં ભેદભાવ કરવો.

સંઘર્ષ (Conflict)સંઘર્ષ એ વિચાર,મંતવ્ય અને હિત વચ્ચેનું ઘર્ષણ છે.તે સમસ્યા નથી.જ્યાં વિસંવાદિતા છે ત્યાં સંઘર્ષ છે.સંઘર્ષને વ્યક્તિ કેવી રીતે હેન્ડલ કરે છે તે મહત્વનું છે.તેની બે રીતો છે હિસા દ્વારા અને અહિંસા દ્વારા.

સંઘર્ષના જુદા જુદા પ્રકાર છે :

-આંતર્વૈયક્તિક સંઘર્ષ

-આંતર સામુદાયીક સંઘર્ષ

-આંતર રાજ્ય સંઘર્ષ

-આંતર ધર્મ સંઘર્ષ

-આંતર દેશ સંઘર્ષ

સંઘર્ષના ઉકેલની રીતો :કાનૂની રીતે,મધ્યસ્થી દ્વારા,સંવાદ દ્વારા,લવાદ દ્વારા અને ગાંધીજીની સંઘર્ષ નિવારણની મહત્વની પધ્ધતિ હતી તે સત્યાગ્રહ.

ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સામુદાયિક પ્રયોગોમાં સૌથી મહત્વનો પ્રયોગ તે સામુદાયિક સત્યાગ્રહનો હતો. સત્યાગ્રહમાં સત્યનો આગ્રહ અને અહિંસક પ્રતિકાર બે બાબતો છે.સત્યાગ્રહ શેના માટે ?સામાજિક, રાજકીય અન્યાય કે અનીષ્ઠના નિવારણ માટે,અસમાનતા,અન્યાયને દુર કરવા. સત્યાગ્રહ સામાજિક અન્યાય માટેની અનિષ્ઠ સામેની લડત છે.સત્યાગ્રહમાં સંગઠિત સમુદાય એ સાધનોનો આશ્રય લઇ શકે છે અને હિંસાનો ઉપયોગ ત્યાજ્ય ગણીને ધાર્યું પરિણામ લાવી શકે છે. જેના દ્વારા ની;શસ્ત્ર અને અસહાય દલિત-પીડિત પ્રજાઓને પોતાના અન્યાયો,જુલ્મો અને દુ:ખો માટે,જગતની શસ્ત્રસજ્જ અને પાશવી સત્તાઓ સામે લડવાનું અને ન્યાય મેળવવાનું શસ્ત્ર એટલે સત્યાગ્રહ.

સત્યાગ્રહની પદ્ધતિ:

1.સત્યાગ્રહમાં ગાંધીજી જે પણ સમસ્યા છે કે અન્યાય થયો છે તેની સત્યતાની પૂરી ચકાસણી કરતા.

2.જે લોકોને અન્યાય થયો છે તેમને અન્યાય સામે લડવા સંગઠિત કરતા -તેઓને તેમની સમસ્યા સમજાવતા,એ અન્યાય સામે લડત અહિંસક માર્ગે કરવા તૈયાર કરતા.પ્રતિજ્ઞા કરાવતા.ગમે તે ભોગ આપવો પડે -જાન માલનું નુકશાન થાય પણ પીછેહઠ નહિ કરવા તેમના મનોબળને મક્કમ કરતા.

3.જેની સામે સત્યાગ્રહ છે તેમના માટે પુરતો આદરભાવ રાખતા,માનવીય લાગણી દાખવતા.

4.અસંગઠિત શક્તિ અને સાધનશુદ્ધિ હોય તો ન્યાય અવશ્ય મળે તેમાં તેઓ દ્રઢ વિશ્વાસ રાખતા.

સત્યાગ્રહના વિવિધ સ્વરૂપો હતા.જેમાં કાયદાનો સવિનય ભંગ,અસહકાર,ઉપવાસ,બહિષ્કાર અને રજૂઆત કે વાટાઘાટ.જ્યાં સુધી વાટાઘાટથી ઉકેલ આવતો હોય ત્યાં સુધી સત્યાગ્રહના બીજા રસ્તા ના લેવા તેવું તે સ્પષ્ટ માનતા.સમાજકાર્યમાં ગાંધીજીના સત્યાગ્રહ એટલે કે અન્યાયના અહિંસક પ્રતિકારની રીત ઘણી ઉપયોગી છે.