ગાંધીજીએ પોતાના અણીશુધ્ધ નીતિમય અને સેવાપરાયણ જીવન દ્વારા સેવાનો એક નવો અર્થ આપ્યો. તેમણે દેશના અનેક સ્ત્રી પુરૂષોને એવા જીવનની પ્રેરણા આપી. એમની હયાતી દરમ્યાન એમના જીવનથી અને વિચારથી પ્રેરાઇને હજારો નિષ્ઠવાન અને ભેખધારી સેવક-સેવિકાઓ પછાત વિસ્તારોમાં નાની મોટી આશ્રમ સંસ્થાઓ સ્થાપીને બેઠા છે.આજે પણ એ પરંપરા ચાલુ છે.
દેશના વિવિધ સેવાકાર્યોને માટે ગાંધીજીએ અનેક સંસ્થાઓ, સંઘો અને સમિતિઓની રચના કરી હતી એમાં કામ કરનારા સેવકો સંયમી, સાદા, ચારિત્ર્યશીલ, આર્થિક વ્યવહારમાં ચોખ્ખા અને પોતાના કાર્યને વિશે સમર્પિત હોવા જોઈએ એવું એક મૂલ્ય એમણે ઊભું કર્યું હતું. આવા જનતાના સાચા સેવકોના નામોમાં રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, જુગતરામ દવે, ઠકકરબાપા, શ્રીકાંત શેઠ વગેરેનો સમાવેશ થાય છે.આ સેવકોના લક્ષણો અને તેની કાર્યપધ્ધતિને એક સમાજકાર્યકર તરીકે જાણવા સમજવા જરૂરી છે જે નીચે મુજબ છે.
1. સેવકોનું ચારિત્ર્ય અણીશુધ્ધ હતું :
સમાજમાં સેવકોને પોતાના સેવાકાળ દરમ્યાન સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં આવવાનું થાય છે. તેમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.સેવકનું ચારિત્ર્ય શુધ્ધ નહીં હોય તો સ્ત્રી વર્ગનો વિશ્વાસ સંપાદન કરી શકશે નહીં એટલું જ નહીં એના સેવાકાર્યમાં અનેક બાધાઓ ઊભી થશે અને આમજનતા એના ઉપર વિશ્વાસ રાખશે નહીં તેથી ચારિત્ર્યશુધ્ધ એ પ્રથમ અને અતિ મહત્વનુ લક્ષણ છે.
મહાત્મા ગાંધીજીના સમયના સેવકોએ પોતાના ચારિત્ર્યબળથી આમજનતાની ઉમદા સેવા કરી બતાવી છે.આ સેવકો એવા હતા જેમની પાસે સ્ત્રીઓ ની:સંકોચ પણે જઈ શકતી અને તેમની આગળ પોતાના અંગત પ્રશ્નોની વાત કરવામાં પણ તેમને કોઈ સંકોચ થતો નહતો.
મહાત્મા ગાંધીજીના સમયના સેવકોએ પોતાના ચારિત્ર્યબળથી આમ જનતાની ઉન્નત સેવા કરી બતાવી છે.આ સેવકો એવા હતા જેમની પાસે સ્ત્રીઓ નિઃસંકોચપણે જઇ શક્તી અને તેમની આગળ પોતાના અંગત પ્રશ્નોની વાત કરવામાં પણ તેમને કોઈ સંકોચ થતો નહતો.
2.દિનદુખી,પીડિત કે શોષીત પ્રત્યેની સંવેદના :
આ લોક સેવકો ગરીબ,પીડિત પ્રજાની સેવા કરવા માંગતા હતા તેમના પ્રત્યે એમનામાં સમસંવેદના હતી. એટલે શોષિતો માટે તેમનામા ઊંડી સંવેદના અને સહાનુભૂતિ હતી.ઠક્કરબાપા આપણા ગુજરાતનાં જ નહીં પરંતુ દેશના એક મોટા સેવક થઈ ગયા તેઓ બહુ મોટા ઈજનેર હતા,મુંબઈમાં કામ કરતાં કરતાં ગરીબીનું જે દર્શન થયું એનાથી એમનું હ્રદય દ્રવી ઉઠ્યું અને મુંબઇ નગરપાલિકાની ઇજનેરની નોકરી છોડી ગોપાલ્કૃષ્ણ ગોખલે સ્થાપિત ભારત સેવક સામાજ સંસ્થામાં જોડાઈ ગયા.
1918-19 થી 1921-22 ના વર્ષોમાં પંચમહાલ જીલ્લામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો દુષ્કાળ પીડિતોની તપાસ કરવા માટે ભારત સેવક સમાજ તરફથી ઠક્કર બાપાને પંચમહાલ મોકલવામાં આવ્યા હતા.એ વખતે પંચમહાલમાં દુષ્કાળ રાહતનું કામ કરતાં સુખદેવભાઈ ત્રિવેદી સાથે દાહોદ ઝાલોદના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં તેઓ ફર્યા.ભયંકર ગરમીના દિવસોમાં રોટલાનો ટુકડો મેળવવા દોઢ-બે આનાની કાળી મજૂરી કરતાં સ્ત્રી-પુરુષોની કરૂણ હાલત એમણે જોઈ. આગળ જતાં બીજું દ્રશ્ય નજરે ચઢ્યું.એક આધેડ વયની બાઈ બધાને તેના ઘર તરફ આવતા જોઈને તે તેના ઘરમાં પેંસી ગઈ.એની પાસે પોતાની લાજ ઢાંકવા પૂરતા કપડાં નહોતા.આદિવાસી બાઈની આ હાલત જાણી ઠક્કર બાપાનું દિલ દ્રવી ઉઠ્યું.એજ ક્ષણે એમને કાયમી ધોરણે પંચમહાલના આદિવાસીઓની સેવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને દુષ્કાળ પૂરો થતાં સને 1922 માં ભીલસેવા મંડળ નામની સંસ્થા શરૂ કરી.એમની સેવાભાવનાથી પ્રેરાઇને ડાહ્યાભાઇ નાયક,લક્ષ્મીકાન્ત,શ્રીકાંત,પાંડુરંગ વણીકાર,અંબાલાલ વ્યાસ જેવા કાર્યકરો એમની સાથે જોડાયા.
શ્રી બબલભાઈ મહેતા કરાંચીની કોલેજમાં અભ્યાસ કરતાં હતા.એક દિવસ કાલેલકરના લેખો નામનું પુસ્તક એમના હાથમાં આવ્યું. એ પુસ્તકમાં કાકા સાહેબ કાલેલકરે દરિદ્રતા,વહેમો અને અજ્ઞાનતાથી સબડતા લાખો લોકો અને ગામડાઓનું કરૂણ ચિત્ર એમાં આલેખ્યું હતું,એ પુસ્તક વાંચી બબલભાઇની નજર સામે ભારતના નાગાભૂખ્યા લોકોના ચિત્રો દેખાવા લાગ્યા અને ગામડાઓના અજ્ઞાન,દુખી-પીડિત અને શોષિત લોકોની સેવામાં લાગી જવાનો એક અવાજ એમના દિલમાં ઉઠ્યો.એ અવાજ એમને ખેડા જિલ્લાના પછાતમાં પછાત ગામ માસરામાં બેસાડીને શાંત થયો.નરસિંહભાઈ ભાવસાર સાબરકાંઠાના શામળાજી વિસતારના એક ગામમાં શિક્ષકની નોકરી કરતાં હતા.નોકરી ક્કરતા કરતાં ક્યારેક એ વિસ્તારના આદિવાસી ગામડામાં ફરવા નીકળી પડતાં એમને એ લોકોની ભીષણ ગરીબી, અજ્ઞાનતા,પ્રજ્ઞાચક્ષુ બહેનો, દારૂની બદી ,શાહુકારો દ્વારા થતુ ભયંકર શોષણ આદિ દૂષણો જોયા અને એમનામાં એ લોકોની વચ્ચે બેસી એમની સેવાનું ઘેલું લાગ્યું અને જીવનના અંત સુધી એમની સેવામાં રત રહ્યા.
આમ આ સમાજસેવકોએ સમસંવેદના અનુભવી અને દુખી પીડિતોની સેવામાં જીવન સમર્પિત કર્યું.
(3) સમસ્યાગ્રસ્ત લોકોની સમસ્યાઓ અને એ સમસ્યાઓના નિરાકરણ/ઉપાયોનું તલસ્પર્શી જ્ઞાન:
જેમ ડોક્ટર રોગીના રોગનું ચોક્કસ નિદાન કરે છે અને પછી જ એ રોગ નાબૂદ કરવાની દવા આપે છે. તેમ જનતાની સેવા કરનાર આ જનતાની વચ્ચે જઈને બેઠા હતા અને લોકોની સમસ્યાઓ/દુખોનું કારણ શું છે એ જાણવાની કોશિશ કરતાં.અને ત્યાર બાદ એ દુખોના નિવારણ માટેના પ્રયત્નો કરતાં હતા. ગુજરાતમાં જે સમાજ સેવકો થયા તેમાં જુગતરામ દવે,ઠકકરબાપા,બબલબાઈ મહેતા,નરસિંહભાઈ ભાવસાર વગેરેનો સમાવેશ થાય છે. તે બધાને પોતાના પ્રદેશના લોકોની તમામ સમસ્યાઓના નિરાકરણનો ઉપાય શિક્ષણમા જ રહેલો છે એમ લાગેલું અને એ સૌએ સેવાના બીજા કામો પહેલા શિક્ષણનું કામ પહેલું હાથમાં ધરેલું. તદઉપરાંત વેપારીઓના શોષણથી લોકોને બચાવવા સહકારી મંડળીઓ શરૂ કરેલી.અસ્પૃસ્યતા,દારૂની બદી આદિ દૂષણોથી બચાવવા અસ્પૃસ્યતા નિવારણ અને નશાબંધીના કાર્યક્રમો હાથ ધરેલા. આ બધા રચનાત્મક કાર્યો દ્વારા એમણે પોતપોતાના વિસ્તારના લોકોની કાયાપલટ કરેલી.
(4) નિર્ભયતા :
સમાજસેવકો પછાત વિસ્તારોમાં સેવાકાર્ય કરવા ગયા,જ્યાં સ્થાપિત હિતો-લેણદારો,દુકાનદારો,વેપારીઓ વગેરે લોકોનું વિવિધ રીતે શોષણ કરી રહ્યા હતા .તેમના તરફથી વિરોધ થાય અને ધમકીઓ મળે તેવી સ્થિતિ /ભય હતો .પરંતુ સમાજ સેવકોએ આ વિરોધ-અવરોધો અને ધમકીઓથી ડરીને સેવાકાર્ય છોડી દીધું નહીં પરંતુ તેનો અહિંસક પ્રતિકાર કર્યો અને જે કાર્ય કરવાના હતા તે કર્યા .
ઘણી વખત સ્થાપિત હિતોની સાથે સાથે સેવક જે લોકોની સેવા કરી રહ્યો હોય છે તે લોકો તરફથી પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે.દા.ત. લોકોમાં હજુ પણ અસ્પૃશ્યતાની બદી નાબૂદ થઈ નથી સમાજસેવક પોતે અસ્પૃશ્યતાનું પાલન કરતો નથી એ પોતાની પાસે આવતા અનુસૂચિત લોકોનો સ્પર્શ કરીને દવા આપતા.લોકો સેવકના આ વર્તનને અધર્મ માનશે.જે સેવકને અસ્પૃશ્યતાનું પાલન કરવા આગ્રહ કરશે પણ લોકોના વિરોધ છતાંએ અસ્પૃષ્યોને સ્પર્શ કરશે,એમને ત્યાં જઈ એમની સમસ્યાઓ સમજવા પ્રયત્ન કરશે .
લોકસેવક બબલભાઈ મહેતા માસરા ગામમાં સેવા કરી રહ્યા હતા.ગામના લોકો અસ્પૃશ્યતાનું ચુસ્તપણે પાલન કેવી રીતે કરી શકે ? એક દિવસ એક અનુસુચિત જાતિના ભાઈને વીંછી કરડયો તે રડતો રડતો બબલભાઈ પાસે ગયો.બબલભાઈએ એને સ્પર્શ કરીને દવા આપી. અસ્પૃશ્યને અડીને નાહયા નહીં એટલુજ નહીં રાત્રે તેમના વાસમાં ગયા.ગામ લોકોને થયું કે બબલભાઈએ તો ગામને અભડાઈ માર્યું. ચારપાંચ ભાઈઓ હાથમાં લાકડીઓ અને ધારિયા લઈને બબાલભાઈને મારવા નીકળી પડ્યા.બબલભાઈને એની જાણ થઈ,પરંતુ એ બિલકુલ ડર્યા નહીં.આંગણામા જ ખાટલો ઢાળી ઘસઘસાટ ઊંઘી ગયા.પેલા મારવા આવનારા લોકો બબલભાઈની નીડરતાથી ચકિત થઈ ગયા અને એમને માર્યા વગર પાછા ચાલ્યા ગયા.
(5) નમ્રતા અને નિરહંકારિતા :
લોકસેવકના જીવનની આ એક અતિ મહત્વની ખાસિયત છે. લોકસેવકની નિષ્ઠાપૂર્વક સેવાથી લોકોના વ્યક્તિગત જીવનમાં તેમજ આર્થિક સામાજિક જીવનમાં બદલાવ આવશે,એ જોઈ લોકો લોકસેવકની પ્રસંશા કરે એનું બહુમાન થાય પરંતુ લોકસેવક એનાથી બિલકુલ ફુલાતા નથી.એ તો વધુ નમ્ર બને છે. પોતાની સેવાના ઉત્તમ ફળ મળ્યા હોય તેનો યશ તે પોતાના સાથી કાર્યકરોને આપે છે.
રવિશંકર મહારાજના હાથે અગણિત સેવાકાર્યો થયા. એમાના કેટલાક તો દૈવી કહી શકાય એ પ્રકારના હતા.છતા એમને મોએથી “આ મે કર્યું,આ મારા થકી થયું એવું કદી સાંભળવા નથી મળ્યું.એમને બહારવટીયાના હ્રદય પરીવર્તન કરી એમનામાં માણસાઈના દીવા પ્રગટાવ્યા.કોઈ એમના આ કાર્યની એમની આગળ યશગાથા ગાવા લાગે તો મહારાજ તરત જ બહારવટીયાઓમાં પડેલી માનવતાની સ્તુતિ કરવા લાગી જાય. કોઈ એમના રાહતકાર્યોની પ્રશંશા કરવા લાગે તો મહારાજ રાહતકાર્યમાં એમને મદદ કરનાર સાથીઓ અને રાહતફંડમાં આર્થિકસહાય કરનારના વખાણ કરવા લાગે.દરેક પ્રસંગે “આ મે કર્યું એવી એમની વૃત્તિ ક્યારેય હોય નહીં ”
જુગતરામભાઇએ પોતાની દીર્ઘકાલની સેવાથી સુરત વલસાડ અને ડાંગના આદિવાસીઓના જીવનની કાયાપલટ કરી પરંતુ એમના મુખેથી આ પરીવર્તન મારે કારણે થયું એવું સાંભળવા મળ્યું નથી .
લોકસેવકના જીવનમાં આ પ્રકારની નમ્રતા અને નિરાભિમાન હોવું જરૂરી છે .
(6) સાદગી :
લોકસેવકના જીવનની આ એક અગત્યની લાક્ષણિકતા છે.એમના જીવનની શૈલી એવી સાદગીવાળી હતી કે જેથી તેઓ જેમની સેવા કરી રહ્યા હતા તેમનાથી તેઓ અલગ પડતાં નહોતા.
જુગતરામ દવે આપણા મોટા લોકસેવક હતા. જીવનના છ દાયકા એમણે સુરત જિલ્લાના આદિવાસીઓની સેવામાં ગાળ્યા.એમનું જીવન અત્યંત સાદું હતું.એમની જરૂરિયાતો બહુજ ઓછી હતી.તેઓ પોતાનું ભોજન આદિવાસી વિદ્યાર્થીઓ સાથે જ છાત્રાલયમાં લેતા. આદિવાસીઓને ના મળે એવી વસ્તુ એ પોતે લેતા નહીં .
રવિશંકર મહારાજે પાટણવાડીયા લોકોની સેવામાં દશ વર્ષા ગાળ્યા,એ પાટણવાડીયાને ત્યાં દિવસમાં એક વખત ખિચડી ખાઈને એમને ત્યાજ નાની ખાટલીમાં સૂઈ રહેતા .
સેવકની સાદાઈ એના પ્રત્યેક વ્યવહારમાં પ્રગટ થવી જોઈએ. મહાત્મા ગાંધીએ પોતાના આચરણ દ્વારા સેવક કેવો હોવો જોઈએ એનો એક આદર્શ રજૂ કર્યો.એ આદર્શનું અનુસરણ દેશના હજારો-લાખો સેવકો અને સેવિકાઓએ જીવી બતાવ્યુ.ગુજરાતમાં આજે જે કઈ પરંપરા છે તે એમને આભારી છે.
(7) સેવકો અધ્યાનશીલ હતા :
સેવક દેશ-દુનિયાના પ્રવાહોથી અવગત હતા.પોતાના સેવાકાર્ય દરમ્યાન અધ્યયન માટે સમય ફાળવતા હતા.વિનોબાજીએ આના પર ખૂબ ભાર મૂક્યો છે.એમની ફરિયાદ હતી કે ગાંધીસેવકો અધ્યયન કરતાં નથી.એમનું માનવું હતું કે રોજના નિયમિત અધ્યયનથી સેવાકાર્યમાં નવો પ્રાણ ધબકે છે. અધ્યયન વગરનું સેવાકાર્ય સમય જતાં જડ બની જાય છે,નિષ્પ્રાણ બની જાય છે,એટલે સેવકે પોતાના સેવાકાર્યને જો પ્રાણવાન અને તેજસ્વી બનાવવું હોય તો એને નિત્ય અધ્યયન કરતાં રહેવું જોઈએ.
અધય્યન બે પ્રકારનું હોય – એક સ્વનુ અધ્યયન,પોતાની જાતનું અધ્યયન –એ માટે ગીતા,રામાયણ કે ઉપનિષદ જેવા કોઈ નિરંતર પ્રેરણા આપે તેવા ગ્રંથનું રોજ થોડો થોડો સમય અધ્યાયન કરવું જોઈએ. બીજું પોતે જે સેવા કાર્ય હાથ ધાર્યું છે તે નિરંતર કેમ વિકસતું રહે,એમાં કેમ નવા પ્રાણ પુરાય એને લગતા સાહિત્યનુ અધ્યયન રોજ થોડો સમય કરવું જોઈએ.પરંતુ અધ્યયન જીવનને પ્રાણવાન બનાવવા માટે છે અને બીજું અધ્યયન પોતાના કાર્યને પ્રાણવાન બનાવવા માટે છે.બંને આવશ્યક છે.આ લક્ષણો લોકસેવકમાં હતા.
(9) સેવક નિર્વ્યસની હતા :
આ લોકસેવકો જે ક્ષેત્રમાં કાર્ય કરતાં હતા તે ક્ષેત્રમાં લોકો દારૂ,ગુઠકા,તમાકુ વગેરે વ્યસનોને કારણે તેઓ અનેક રોગોના ભોગ બનતા હતા.જ્યાં ખાવાના ફાંફાં પડતાં હોય ત્યાં રોગની દવા માટેના પૈસા ક્યાંથી મળે.પણ જીવન બચાવવા શાહુકારો પાસેથી પૈસા લેવા પડે.આમ લોકો શારીરિક અને આર્થિક રીતે પાયમાલ થઈ જતાં. સેવકના અનેક સેવાકાર્યોમાં લોકોને વ્યસનમુક્ત કરવા એમનું અગત્યનું કાર્ય હતું. આ પરિસ્થિતિમાં એ પોતે વ્યસનમુકત હોય તોજ લોકોને વ્યસનમુક્ત કરી શકે. ગાંધી પરંપરાના આ લોકસેવકો નિર્વ્યસની હતા.જેથી વ્યસનમુક્ત કરવાનું કાર્ય તેઓ પ્રભાવપૂર્વક કરી શક્યા.
આ લોકસેવકોની કાર્ય પધ્ધતિ એ ગાંધીજીએ અપનાવેલી કાર્યપધ્ધતિ જ હતી. જેમકે ,
1. કાર્ય પધ્ધતિમાં વ્યક્તિગત ,આર્થિક,સામાજિક,રાજકીય એવા ભાગો નહોતા .
2. અન્યાય ,શોષણ,ભેદભાવનો અહિંસક રીતે પ્રતિકાર કરવો .
3. વ્યક્તિગત,આધ્યાત્મિક અને નૈતિક ઉન્નતિ દ્વારા સમાજની રચના કરવી.
4. સમસ્યા અને સમસ્યાગ્રસ્ત વ્યક્તિ સાથે તાદાત્મ્ય સાધવું .
5. ગાંધીજીના દર્શાવેલા રચનાત્મક કાર્યક્રમોમાં વ્યકતી અને સમાજનું પુન:નિર્માણ કરવાનો પ્રયત્ન થતો હતો .
6. કાર્ય પધ્ધતિમાં આચાર-વિચારમાં સામ્યતા હતી .
7. પારદર્શિતાથી કાર્ય થતું હતું .લોકભાગીદારી ,લોકશક્તીને જાગ્રત કરીને કાર્ય થતું હતું .
8. પ્રત્યેક પ્રવૃત્તિમાં સાર્વત્રિક ન્યાય દ્રષ્ટિને ધ્યાનમાં રાખવામા આવતી હતી .
0 Comments