ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે સમાજિક ક્ષેત્રે સામાજિક સુધારણાના કાર્યો સમાજ સુધારકો દ્વારા થયાં હતાં. પરંતુ આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ અલગ અલગ પ્રથાઓ, રિવાજો પૂરતી મર્યાદિત રહી અને સ્થળ પૂર્તિ મર્યાદિત રહી. તે વ્યાપક બની શકી નહીં. તેથી તેના ધાર્યા પરિણામો મળી શક્યા નહીં. ગાંધીજી ભારતમાં આવ્યા અને ભારતમાં પરિભ્રમણ કરતા તેમને સમજાયું કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની સાથેસાથે ભારતની પ્રજાને અંધ વિશ્વાસ, કુપ્રથાઓ, દારૂ, નિરક્ષરતામાંથી ઉગારવી પડશે અને  પડી ભાંગેલા ગામડાઓને બેઠા કરવા પડશે.1922 ના ચૌરી ચૌરાના બનાવો પછી અહિંસાત્મક ચળવળ માટેની લોકોની તૈયારી કાચી જણાતા રાજકીય સંઘર્ષને મોકૂફ રાખીને ગાંધીજીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને ગામડામાં લોકો વચ્ચે રહીને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે કાર્ય કરવા જણાવ્યું. જેના દ્વારા ગાંધીજી ગ્રામ પુનર્રચનાના કાર્યો કરવા ઈચ્છતા હતા. ગાંધીજીએ જે નેતાઓ અને કાર્યકર્તાઓને ગામડે જઈને બેસવાનું કહ્યું તે ગાંધીજીના અનુયાયીઓ હતા. જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક, નાનાભાઈ ભટ્ટ, જુગતરામ દવે, અને ઠક્કરબાપા જેવા પોતાની આગવી રીતે ગાંધીજીના વિચારો પચાવીને પોતાની સુઝ દ્વારા લોકભોગ્ય બનાવવા પ્રયત્ન કરતા હતા. બીજા અનેક રચનાત્મક કાર્યકરો ગુજરાતના ગામડે ગામડે પહોચી ગયા હતા. જેમ કે ડાંગમાં ઘેલુભાઈ, દિલખુશભાઈનો સ્વરાજ આશ્રમ, સુરતમાં જુગતરામભાઈનો વેડછી આશ્રમ, ભરૂચમાં મહેન્દ્રભાઈ ભટ્ટ, વડોદરા માં હરિવલ્લભભાઈ પરીખ, જગદિશ શાહ , અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ, ગાંધી આશ્રમમાં અમૃત મોદી તથા ઈશ્વરભાઈ પટેલની સફાઈ વિદ્યાલય, ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મોતીભાઈ, વિમળાબેનનું ચિત્રાસણ, જી જી મહેતાની મડાણા ગઢ, ભાલ નળકાંઠામાં સંતબાલજી,  કચ્છમાં ગ્રામસ્વરાજ સેવા સંઘ-મણીભાઈ સંઘવી, સૌરાષ્ટ્રમાં ઢેબરભાઈ, બળવંત મહેતા, નાનાભાઈ ભટ્ટ વગેરે દ્વારા પ્રસ્થાપિત થયેલા રચનાત્મક કાર્યો વિકાસ્યા.

ગામડે ગામડે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોની આ કાર્યકરો દ્વારા શરૂઆત થઈ. ઉત્તર ગાંધી કાળમાં આ કાર્યકરો અને તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓ વિનોબાના ભૂદાન, ગ્રામદાન આંદોલનમાં તથા સર્વોદય મંડળની પ્રવૃત્તિમાં પણ જોડાયા. આ સંસ્થાઓની વર્તમાનમાં સ્થિતિ શું છે તે જોવા માટે સંસ્થાનું કલેવર તેની સ્થાપના કે શરૂઆતના કાળમાં શું  હતું અને આજે શું છે તે સમાજવાનો  પ્રયત્ન કરીએ. તેને માટે સંસ્થાના ત્રણ મુખ્ય અંગો કાર્યકરો, કાર્યક્રમ અને સંસ્થાના સંચાલનના સંદર્ભમાં જોવું /સમજવું જરૂરી છે.

  •  કાર્યકરો-           સંસ્થાની સ્થાપના અને મૂળ સ્થાપકોનાં સમય દરમિયાન:
  • આ કાર્યકરો ગાંધીજીથી પ્રેરિત થઈને સેવાના કાર્યમાં જોડાયા હતા.
  • આ પ્રવૃતિ પાછળ જોડાવાનો રાજકીય સંદર્ભ હતો.
  • ગાંધીજી અથવા તેમના સાથીઓએ  જ્યાં આંગળી ચિંધી અથવા જ્યાં જરૂરિયાત હતી ત્યાં જઈને બેઠા.
  • કામનો કોઈ વૈભવ નહીં, કોઈ ભાર નહીં.
  •  ગામમાં જઈને રહેવાની શરૂઆત કરતા, જમવાની વ્યવસ્થા ગોઠવી લેતા અને લોકો સાથે તેમના જેવા  બનીને ભજન, સફાઈ જેવાં કાર્યોથી શરૂઆત કરતા. લોકોથી અંતર નહીં. સૌ સમાનભાવ.
  • કાર્યકરોને કાર્ય કરવા કોઈ વિશેષ શિક્ષણની જરૂરિયાત નહોતી.
  • તમામ કામ કરવા, શીખવાની તૈયારી હતી. કામમાં કોઈ વિશેષીકરણ નહોતું.
  • સ્વૈચ્છિક કાર્યકરો હતા, સમાજ સેવા જીવનકાર્ય હતું.
  • સાદી સરળ જીવન શૈલી હતી, ગાંધીના વ્રતો મુજબ જીવન જીવનનો પ્રયત્ન કરતા, જીવનમાં સંકલ્પો લેતા.
  • પ્રશ્ન અને સ્થિતિને બુદ્ધિપૂર્વક જોતા અને હૃદય પૂર્વક ઉકેલતા..
  • લોકભાગીદારી,  સમસ્યાની અનુભૂતિને આધારે કાર્ય કરતા.

     બદલાતાં સંદર્ભમાં આજે કાર્યકરો:

  • સંસ્થાઓ રાજ્ય આશ્રિત બનતા ફંડ મળવાની શરૂ થઈ જેથી અનૌપચારિકને બદલે ઔપચારિક માળખા બન્યા. જેથી રચનાત્મક કાર્યક્રમોને બદલે સરકાર આધારિત પ્રોજેકટ/કાર્યક્રમ શરૂ થયા જેમાં નિયત શિક્ષણ ધરાવતા કાર્યકરોની જરૂર ઊભી થઈ.
  • આવા કાર્યકરો ગાંધીજીની ફિલસૂફીને સમજી શકે પરંતુ અમલમાં મૂકી શકે નહીં.
  • રચનાત્મક કાર્યકરો નહી પરંતુ કર્મચારી વર્ગ(નોકરિયાત) થતો ગયો.
  • કાર્યકરો જે તે વિસ્તારના હોવાને બદલે બહારથી આવ્યા તેથી વિસ્તાર વિશેની, સમજ ઓછી લોકો વિશેની સમજ ઓછી, લોકોથી અંતર વધુ રહે, લોકભાગીદારી મુશ્કેલ બની.
  • સમાજસેવા જીવનકાર્યને બદલે જીવન માટે થતું કાર્ય બન્યુ  એટલે કે  સેવામાં રોજગારી નું તત્વ ઊભું થયું.
  • સ્વૈચ્છિક કાર્યકરોને બદલે પગારદાર  કાર્યકરો બન્યા.  ત્યાગવાદી ને બદલે ભોગવાદી ખ્યાલ વિકસ્યો.
  • એવા કર્મચારીઓ છે  જેમણે ગાંધીજીને જોયા નથી, વાચ્યા નથી, તેમના વિશે થોડું ઘણું સાંભળ્યું છે.
  • અત્યારનું શિક્ષણ લીધેલા આ કર્મચારીઓ બધીજ બાબતોને/સમસ્યાને બુદ્ધિપૂર્વક જોવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમાં હ્રદયના ભાવો ઉમેરાતાં નથી, કોરી બુદ્ધિ વિવાદો અને પ્રશ્નો ઉભા કરે છે.
  • કાર્યક્રમો:  સ્થાપના અને  મૂળ સ્થાપકોના સમય દરમિયાન
  • મૂળ શરૂઆત રચનાત્મક પ્રવૃત્તિઓથી થઈ. ગાંધીજીના 18 રચનાત્મક કાર્યક્રમો પ્રમાણે ગામડાઓમાં કાર્ય શરૂ કર્યા.
  • કાર્યક્રમોમાં જરૂરી લોકફાળો ઉભો થતો
  • આવી પ્રવૃતિ કાર્યકરોની સૂઝ અને ગાંધીજી તથા અન્ય નેતાઓના માર્ગદર્શનમાં પાંગરી હતી.
  • કાર્યક્રમ સાથે કાર્યમાં જોડાનાર સ્થાનિક હતા.
  • શિક્ષણ આરોગ્ય, જેવી પ્રવૃત્તિઓ સ્થાનિક જરૂરિયાત અને માળખાથી સંચાલિત થતી હતી
  • કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ જીવન સાથે વણાયેલી હતી.
  • આર્થિક પ્રશ્નોનો ઉકેલ સાદગી અને સહકારમાં જોતા હતા
  •  ઉદ્યોગ કળા, કેળવણી અને આરોગ્યના સુગ્રથિત વિકાસનો અભિગમ હતો.
  • ગ્રામ નવરચનાના કાર્યક્રમના ચાર મુખ્ય અંગો હતા-સ્વાવલંબી ગ્રામીણ અર્થતંત્ર, વિકેન્દ્રીકરણ, ખાદી અને ગ્રામોદ્યોગ તથા યંત્રનો વિવેકપૂર્ણ ઉપયોગ.
  • આ કાર્યક્રમો/પ્રવૃતિઓ સ્થાનિક જરૂરિયાત પ્રમાણે હતા,તેને ગાંધીજીએ બતાવેલ રચનાત્મક કાર્યક્રમોના ઢાંચામા જ મુકવાનો પ્રયત્ન નહોતો. સ્થિતિ પ્રમાણે કાર્યકરો પોતાની સૂઝ પ્રમાણે પ્રવૃત્તિ વિકસાવતા. પરંતુ તેમાં ગાંધીવિચારનો રંગ પાકો જોવા મળતો.
  •  પ્રવૃત્તિઓની શરૂઆત, વિકાસ, કાર્યકરોની કેળવણી/આશ્રમી જીવન/સંસ્થામાંથી થતી. ગાંધી પ્રેરિત કાર્યકરો પોતાના આચરણ દ્વારા તેની શરૂઆત અને કેળવણી કરતા.
  •  જરૂર લાગી ત્યાં ગાંધીજી અને અન્ય સાથી કાર્યકરોનું પ્રવૃત્તિના વિકાસ માટે, તેમાં આવતા પ્રશ્નો માટે માર્ગદર્શન લેવાતું.
  • જુગતરામ દવે જેવા કાર્યકરો દ્વારા ગાંધી મેળા જેવા નવા કાર્યક્રમોની શરૂઆત થઇ.

     બદલાતાં સંદર્ભમાં આજે કાર્યક્રમો:

  • આ સંસ્થાઓ દ્વારા આઝાદીબાદ આશ્રમ શાળાઓ,શાળાઓ, કોલેજોનું શિક્ષણ શરૂ થયું.જેને માટે સરકારની સહાય મળી.
  • શિક્ષણ અને પરિસ્થિતિની માંગને અનુરૂપ અન્ય કાર્યક્રમો સરકારી અનુદાનથી શરૂ થયા અને તેનું સરકારીકરણ થતાં આ સંસ્થાઓનું મૂળતત્વ ખતમ થવા માંડ્યુ. તત્વ અને તંત્ર બંને બદલાવા લાગ્યા.
  • સંસ્થાઓને સંસ્થાનો વિકાસ અને વ્યાપ વધારવામાં રસ પડ્યો,ગાંધી વિચારને ટકાવવું અઘરું બન્યું.
  • કાર્યક્રમો વધુ વિસ્તૃત બન્યા, આવા કાર્યક્રમો ભૌતિક બાબતો સાથે વધુ સંકળાયેલા છે.માનવ જીવન સાથે ઓછા સંકળાયેલા છે.
  • રચનાત્મક કાર્યક્રમો સિવાયના કાર્યક્રમો બદલાતા સમય અને સમસ્યાના સંદર્ભમાં ઊભા થયા. આઝાદી પછી અને ગાંધીજીના ગયા પછી  નવા સંદર્ભોમાં કાર્યકરોને રચનાત્મક કાર્યક્રમોમાથી વિશ્વાસ ઉઠવા લાગ્યો.
  • આજે આવી સંસ્થાઓ દ્વારા ક્યાંક દારૂબંધી, ખાદી, ગ્રામોઉદ્યોગની વગેરે પ્રવૃત્તિઓ ડચકા ખાતી ચાલે છે. તેને ચલાવનારને તેમાં વિશ્વાસ રહ્યો નથી. આ કાર્યક્રમોની સમાજમાં સ્વીકૃતિ કરાવવામાં હવે સંસ્થાઓ નબળી પડી છે.
  • સંસ્થા/સંગઠન:     સ્થાપના અને મૂળ સ્થાપકોના સમય દરમિયાન
  • વિદ્યાપીઠ જેવી સંસ્થામાં તૈયાર થયેલાં કાર્યકરો એક વ્યક્તિ એક સંસ્થા બની.
  • ગાંધીજીની પ્રેરણા હતી, આઝાદી મેળવવાનો તરવળાટ હતો, ગામડાઓમાં જઈને બેસીને ભેખધારી બન્યા. ગ્રામ્ય સંગઠનો ઉભા કર્યા.
  • સંસ્થા કે સંગઠન રચનાત્મક પ્રવૃત્તિઓ માટે જ રચાઈ હતી જેને રાજ્યસ્તરે કે દેશસ્તરના અખિલ ભારતીય સંઘો સાથે જોડયા હતા.
  • સંસ્થા કે સંગઠનમાં જટિલ માળખા નહોતા, સંચાલકોનું જીવન પારદર્શક હતું.  કાર્યપદ્ધતિ લોકશાહી ઢબે હતી, કાર્યક્ષેત્ર અનૌપચારિક રીતે મર્યાદિત હતું.
  •  સંસ્થા રચવાના હેતુથી પ્રવૃત્તિ શરૂ થઈ નહોતી, કાર્યનો વ્યાપ અને જરૂરિયાત વધતા જરૂરિયાત આધારિત માળખા ઊભા થતા ગયા.
  • પ્રવૃત્તિનો વ્યાપ પણ  ગાંધીજીની ગ્રામ સ્વરાજ્યની ગ્રામ સ્વાવલંબનની દિશામાં જ હતો.
  • સંસ્થાઓ આજે જેને સંસ્થા શબ્દ આપીએ છીએ તે અર્થમાં  નહોતી. પરંતુ તે આશ્રમ હતા. આશ્રમી જીવન હતું. જ્યાં શિક્ષણની પણ  વ્યવસ્થા હતી.
  •  આશ્રમી જીવન- કેળવણીની શાળામાં કોઈ નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો ખ્યાલ ન હતો. સામે આવેલી સ્થિતિમાં સૂજ પ્રમાણે કામની શરૂઆત થતી અને તેમાંથી દિશાઓ મળતી તેમાં સૌની  કેળવણી થતી.
  • વડીલોના આચાર વિચારમાં સામ્યતા હતી,સમાનતાના મૂલ્યો સ્થાપવાનો પ્રયત્ન હતો.
  • આશ્રમ કોઇની માલિકીનો નહીં એ સમાજનો હતો.

    બદલાતા સંદર્ભ:

  • આઝાદી બાદ આર્થિક, રાજકીય, સામાજિક સંદર્ભો બદલાયા. ગાંધીજીના અવસાન પછી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે ઓટ આવવા લાગી. આઝાદ ભારતમાં હવે શું કરવું તેની મૂંઝવણો ઊભી થઈ.
  • બંધારણ આધારિત સમાજસેવાની પ્રવૃત્તિઓ માટે અનુદાનની જોગવાઈ થઈ.સંસ્થાઓ મોટે ભાગે રાજ્ય આશ્રિત બની. જેથી સરકારીકરણ થયું. જેને કારણે ગાંધીવિચાર બીજને ટકાવવું મુશ્કેલ બનવા લાગ્યું.
  • સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો ગયો. રાજકીય સંદર્ભો બદલાતા કાર્યકરો કે સંસ્થાઓની રાજકીય ભૂમિકાઓ બદલાઈ,રાજકારણમાં કાર્યકરોને રસ પેદા થવા લાગ્યો.
  • સંસ્થામાંથી લોકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો.
  • રાષ્ટ્રીયનીતિના સંદર્ભમાં સંસ્થાના તત્વ અને તંત્રને ટકાવવું મુશ્કેલ બનવા લાગ્યું.
  • ગાંધીજી સાથેની પેઢી જતાં ગાંધી વિચાર પુસ્તકમાંથી સમજવાનો રહ્યો.જેને આચરણમાં કેમ મૂકવો? સંસ્થાઓ સામે પ્રસ્તુતતાના પ્રશ્નો ઊભા થવા લાગ્યા.
  • સંસ્થાઓના વિકેન્દ્રીકરનને બદલે કેંદ્રિકરણ વધ્યું. વિસ્તાર અને વ્યાપની આર્થિક સહાયની લાલચ વધી,માલિકી ભાવ પેદા થયો .

   સંસ્થાઓનું પ્રદાન,પ્રભાવ અને પ્રશ્નો –

  • આજે ગુજરાતમાં ગાંધીવાદી સંસ્થાઓ, એટલે કે ગાંધીના રચનાત્મક કાર્યક્રમો, ગાંધીજીની ફિલસૂફી  મુજબ કામ કરતી હતા. આવી સંસ્થાઓ કેટલી છે તે કહેવું મુશ્કેલ છે.
  • ગુજરાતમાં ગાંધી પ્રવૃત્તિનો એક પ્રભાવ સમાજસેવાની પ્રવૃત્તિ ઉપર જરૂર જોવા મળે છે.આજે રચનાત્મક કાર્યકરો નથી. પરંતુ ગાંધીજીનું નામ લીધા સિવાય ગાંધી વિચારધારાને એક જીવન શૈલી તરીકે અપનાવીને સમાજમાં કાર્ય કરી રહ્યા છે.
  • ગાંધી પ્રેરિત સંસ્થાઓ જ્યાં છે,ત્યાની આસપાસના વિસ્તારમાં મુખ્યત્વે શિક્ષણ, સ્ત્રી ઉન્નતિ, દારૂબંધી ખાદી,સર્વધર્મ સમભાવ  જેવા મુદ્દાઓમાં પરીવર્તન દેખાય છે. દા.ત. વેડછી આશ્રમ,ભીલસેવા મંડળ,ગુજરાત વિદ્યાપીઠ વગેરે.
  • પ્રશ્નો અને પડકારો- બદલાયેલા આર્થિક, સામાજિક,રાજકીય સંદર્ભ અને નીતિમાં, બદલાયેલી સમસ્યાઓ,લોકોની બદલાયેલી માનસિકતામાં તેજ સ્વરૂપે સંસ્થાઓને ટકી રહેવું મુશ્કેલ છે. શ્રી નારાયણભાઈ દેસાઇ કહે છે તેમ તત્વને ટકાવી શકાય તંત્રો બદલાતા રહે. પરંતુ ગાંધી પ્રેરિત સંસ્થાઓમાં તત્વને સમજનારા ઓછા છે.


0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *