Rosalie Wax (૧૯૭૧) એન્થ્રોપોલોજીસ્ટ કહે છે કે જેઓ ભૂલ કરવા માટે તૈયાર નથી, જેઓ ગુણાત્મક સંશોધન માટે મૂંઝવણ અનુભવે છે તેણે ગુણાત્મક સંશોધનનું સાહસ ખેડતા પહેલા વિચારી લેવું જોઈએ. ગુણાત્મક સંશોધનના જેઓ અનુભવી છે તેમને માટે પણ ક્ષેત્રમાં જવું તે હિમત માંગી લેનાર હોય છે.ગુણાત્મક સંશોધનમાં સંશોધનની પ્રક્રિયામાં સક્રિય બનવા માટે સંશોધકની ક્ષેત્રમા સ્થિરતા,એકાગ્રતા અને એકલીન થવું જરૂરી છે.
પહેલાના માનવવંશશાશ્ત્રીઓ લાંબો સમય ક્ષેત્રમા રહેતા અને સ્થાનિક સંસ્કૃતિનો અભ્યાસ કરતા. સમાજકાર્યમાં ગુણાત્મક સંશોધનમાં ક્ષેત્ર કોઈ હોસ્પીટલનો ઈમરજન્સી રૂમ પણ હોઈ શકે છે,જ્યાં હારબંધ ઈન્ટરવ્યું લેવાય છે,ક્ષેત્રની અંદર હોવું એટલે માહિતી એકત્રીકરણનો તબક્કો છે તે સમજ છે.
વિવિધ પ્રકારના સ્થળે જ્યારે સમાજકાર્ય સંશોધક સંશોધન માટે જાય છે ત્યારે ક્ષેત્રમા જવા માટેની એક સામાન્ય માર્ગદર્શિકા તેમણે આપવી તે અઘરું છે.દરેક સંશોધક ઈચ્છે છે કે તેને ક્ષેત્રમાં સરળ રીતે પ્રવેશ મળી જાય,સરળ રીતે સંપર્ક સ્થાપિત થઇ શકે અને નમુના મેળવવાની પ્રક્રિયામાં અને માહિતી એકત્રીકરણમાં ઓછામાં ઓછી સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે.
- ક્ષેત્રમા પ્રવેશ માટેની વ્યુહરચના :
ગુણાત્મક સંશોધનમાં દરખાસ્ત તૈયાર કર્યા પછી સંશોધક માહિતી એકત્રીકરણ માટે અજાણી દુનિયામાં પ્રવેશ કરતા એક ખચકાટ અનુભવે છે.મગજમાં ઉદ્ભવેલ દરખાસ્તને હવે સમુદાય/સમાજમાં કાર્ય સ્વરૂપે લાવવાની છે.ટેબલ-ખુરશીમાં બેસીને એકાંતમાં વિચારવું અને લખવું સહેલું છે,પરંતુ તેજ વિચારેલ બાબતોને અજાણી જગ્યાએ,વ્યક્તિઓ સમક્ષ જઈને પુછવું,સમજવું જુદી બાબત છે.કોઈ પણ સંશોધક માટે આવી અજાણી જગ્યાએ જાણ કર્યા વગર,સંમતિ મેળવ્યા વગર જવું જરૂરી બને છે જો તેમ ના થાય તો તેનું પરિણામ અપમાન કે અસ્વીકાર હોઈ શકે છે.બીજી બાજુ એમ પણ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ગુણાત્મક સંશોધન કરતા કરતા જ આ બધી બાબતો શીખે છે. માટે આવા સંશોધનમાં સફળતા માટે ખંત/સતત પ્રયત્ન, ધીરજ, પરીવર્તનશીલતા, લચીલાપણું અને ઇચ્છાશક્તિ વગરે ખુબ મહત્વની બાબત છે.
જ્યારે સંશોધક સંશોધન માટે જાણીતો વિસ્તાર પસંદ કરે છે ત્યારે પ્રવેશ મેળવવો તેમને માટે સહેલો થઇ જાય છે.મહત્વના ઉત્તરદાતાઓ સાથે અંગત ઓળખાણ હોય કે અભ્યાસનું સર્કલ પરિચિત હોય ત્યારે પ્રમાણમાં અભ્યાસ વધુ સરળ બને છે.પરંતુ આ સરળતા વિષે ક્યારેય માનીને ના ચાલવું. પરિચિત વહીવટદારો કે સંસ્થા,જેમની સાથે તમે કામ કર્યું હોય છે તે સંશોધનની વાત આવે ત્યારે સંશોધન દરખાસ્તના અનેક પાસાઓ જુએ છે અને મુશ્કેલી ઉભી કરી શકે છે.
જ્યારે સંશોધક અજાણી વ્યક્તિ,વિસ્તાર પસંદ કરે છે ત્યારે વધુમાં વધુ સ્વીકાર થાય છે તે માટે આયોજન કરવું જરૂરી બને છે કે આ અભ્યાસ મુલ્યવાન છે અને તે સાધ્ય થઇ શકે તેવો છે.કારણ કે ઉત્તરદાતાઓને ઓછું મેળવવાનું અને સહકાર આપીને વધારે ગુમાવાવવાનું એવી લાગણી હોય છે,જો કે એક અનુભવ એવો છે કે જ્યારે પ્રોફેસરો કરતા વિદ્યાર્થોઓ સંશોધન કરતા હોય છે ત્યારે તેમને વધુ અવકાશ મળે છે,તેમનો સ્વીકાર થાય છે.કોઈ પણ સંશોધકે સહકાર આપોઆપ મળી જશે તેવું ધારી ના લેવું જોઈએ.આખરે આ બધી બાબતો અજાણી વ્યક્તિઓની ભલામનસાઈ પર આધારિત હોય છે.
જો ઉત્તરદાતા સંસ્થાના લોકો છે તો ગેટકીપરની પરવાનગી લઈને આગળ જવું પડે છે,આવા ગેટકીપર એ સંસ્થાના વહીવટકર્તા હોઈ શકે,ફીઝીશીયન,કાર્યક્રમ સંયોજક,આચાર્ય,શિક્ષક કે વાલી કે કોઈ પણ સત્તાધીશ વ્યક્તિ હોઈ શકે. જેનું ઉત્તરદાતા કે સ્થળ સુધી પહોચવામાં નિયંત્રણ હોય છે,તેમના તરફથી મંજુરી મળે એટલું જ નહિ પરંતુ તેમને આપણા કાર્યમાં રસ પડે અને ઉત્સાહપૂર્વક મંજુરી આપે તે આપણને સંશોધનમાં મોટી મદદ કરે છે.
ગેટકીપરનો સંપર્ક કરતી વખત સંશોધકે અભ્યાસના ધ્યેયો અને સંભવિત લાભો તથા જોખમો વિષે સ્પષ્ટ અને નિખાલસપણે કહેવું જોઈએ,તે ઉપરાંત ગુણાત્મક સંશોધનની પ્રકૃતિ પ્રમાણે ઉત્તરદાતાને સમય કેટલો જશે તે પણ જણાવવું ખુબ જરૂરી છે.
અભ્યાસની શરૂઆતમાં જ મંજુરી મેળવવી પડે છે,ત્યાર બાદ સંપર્ક સ્થાપિત કરવો એ સતત ચાલતી પ્રક્રિયા છે.જે અભ્યાસના અંત સુધી પણ હોઈ શકે છે.
- ક્ષેત્રમા પ્રવેશ મેળવવો અને વ્યસ્ત રહેવું:
ક્ષેત્રમા પ્રવેશતા પહેલા એ વિચારી લેવું જરૂરી છે કે સંશોધક તરીકે તમે ઉત્તરદાતા સમક્ષ પોતાને કેવી રીતે રજુ કરશો.ગુણાત્મક સંશોધક પોતાને વિવિધ રીતે રજુ કરે છે.(Erving Goffman)1959.દા.ત. પુરતું અંતર રાખીને કે પોતાની જાતને અલગ રાખીને તેઓ સંસ્થાઓ કે સ્થાનોનું નિરિક્ષણ કરે છે.આ પ્રકારે સંશોધક જ્યારે રજુ થાય છે ત્યારે તેની ભૂમિકા સંકોચશીલ,શરમાળ કે ગેરસમજણ કરનારી ના હોવી જોઈએ.બીજી રીત એ છે કે સંશોધક ઉત્તરદાતાઓ સાથે સક્રિય રીતે સામેલ થાય છે .(Reinharz 1989)
સંશોધકે ખુલ્લા મને, પણ ખાલી મને ક્ષેત્રમા પ્રવેશવું જોઈએ નહિ. (Fetterman 1989)જો કે ઉત્તરદાતા સંશોધકને નિષ્ણાંત તારીકે માન્ય કરે તે માટે તેના વિષયમાં તે પુરતો જાણકાર હોવો જોઈએ.દા.ત. Anne S.Kasper(1990) બ્રેસ્ટ કેન્સરની તેમના અભ્યાસના અનુભવમાં જણાવે છે કે તેમની મુલાકાતમાં ઉત્તરદાતાઓ વચ્ચે પ્રશ્ન પૂછતા કે “સ્તન કેન્સરમાં સ્તન ઓપરેશન કરીને કાઢી નાખ્યા પછી સર્જરીથી ફરીથી બનાવી શકાય?” આવા પ્રશ્નો મુલાકાત સમયે આકસ્મિક વિક્ષેપ ઉભો કરે છે.પરંતુ અહી તેમનો પ્રશ્ન ટાળી ના શકાય. સંશોધકને તેની જાણકારી હોય અને પ્રત્યુત્તર આપે તે જરૂરી છે.
ક્ષેત્રમા વ્યસ્ત રહેવાથી,સંશોધક પોતાની નિરિક્ષણશક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરે છે તેનાથી જાણકારી પ્રાપ્ત થાય છે. જો કે દરેક સંશોધનમાં સંશોધકની સહ્ભાગીદારીની માત્રાનો આધાર જે તે સંદર્ભ/સ્થળ ઉપર રહે છે.Eliot Liebow(1993) ઘર વિહોણી સ્ત્રીઓના આશ્રય ઉપર ઘણા કલાકો વિતાવે છે,જ્યાં તે મહિલાઓના આશ્રય ઉપર થતી પ્રવૃત્તિમાં ભાગીદાર બને છે.તે પોતે ઘર વિહોણા નથી,પણ તેઓ એક તટસ્થ નિરિક્ષણ સ્તરે હોય છે.તેજ રીતે Estroff(1981) જેઓ સ્ક્રીઝોફ્રેનીક વ્યક્તિઓ વચ્ચે રહીને માનવવંશશાસ્ત્રીય અભ્યાસ કરે છે ત્યારે તે તેમની સાથે તેમના રોજીંદા જીવનમાં તમામ પાસાઓમાંથી પસાર થાય છે.તેવો અનુભવ કરે છે.
ગુણાત્મક સંશોધામાં સંપૂર્ણ કે આંશિક સહભાગીતા હોય જ તે જરૂરી નથી કારણ કે કેટલાક અભ્યાસો જે હેરોઈનના વ્યસની છે,કાર ચોરી કરનારા છે,જાતીય શોષણ કરનારા છે ત્યાં તેમની પ્રવૃત્તિમાં સહભાગીતા શક્ય નથી.પરંતુ આવા અભ્યાસમાં સંપર્ક સ્થાપિત કરતી વખતે એ યોગ્ય કે યોગ્ય છે (Non Judgmental attitude) તેવું વલણ ના હોવું જોઈએ.
ગુણાત્મક સંશોધકની પ્રકૃતિ ગતિશીલ હોય છે.સંશોધકની ક્ષેત્રમા સહભાગીતાની માત્રામાં અભ્યાસ દરમ્યાન વધઘટ થયા કરે છે.કેટલાક ઉત્તરદાતાઓ વધુ આંતરક્રિયા ઈચ્છે છે,જ્યારે કેટલાક ઉત્તરદાતાઓ ઈચ્છતા નથી.તેથી એ કહેવું કે ધારવું સરળ નથી કે ઉત્તરદાતાઓ અને સંશોધક વચ્ચે શું યોગ્ય ગણાય.
- લૈગીક,વંશ અને સામાજિક વર્ગની સંશોધકની ઓળખ સંબંધિત મુદ્દાઓ-
ગુણાત્મક સંશોધનમાં સંશોધકની પોતાની લૈગીક,વંશ કે સામાજિક વર્ગની ઓળખ હોય જ છે,ક્ષેત્રમા તેની સ્વીકૃતિ માટે ફાયદાકારક કે ગેરફાયદાકારક બની શકે છે.આથી સંશોધકે પોતાની લાક્ષાણીકતાઓની અભ્યાસ ઉપર અસર શું પડવાની છે તે અંગે અગાઉથી તૈયાર રહેવું જોઈએ.
સંશોધકની બદલાતી લાક્ષાણીકતાઓ જેવી કે પહેરવેશ,વર્તન અને મુલાકાત લેવાની રીત મહત્વની બને છે.તેને પરિસ્થિતિને અનુરૂપ કરવામાં,સંશોધક કુશળ હોવા જોઈએ,સામાજિક રીતે લૈગીક,વંશ,ઉમર કે સામાજિક વર્ગ સાથે કોઈક અર્થ જોડાયેલો હોય છે.જે મુજબ સંશોધકની ઓળખ અને વર્તન જોવા મળે છે. જે સંશોધન ક્ષેત્રમા પ્રશ્નો પણ ઉભા કરી શકે છે.અથવા તેથી વધુ સરળતા પણ ઉભી કરી શકે છે. તેથી સંશોધક તેનાથી વાકેફ હોય તે ખુબ જરૂરી છે. ગુણાત્મક સંશોધનમાં સંબંધો નીકટના અને લાંબાગાળાના હોય છે તેથી આ બાબતો વધારે મહત્વની બને છે
Sue Estrooft (1981) સમુદાયમાં તેમના પુરુષ સાઈકિયાટ્રિસ્ટ પેશન્ટનાં નિરિક્ષણનાં અનુભવને આધારે જણાવે છે કે સ્ત્રી તરીકે તમને મદદ મળે ખરી અને લાગણી દુભાય તેવું પણ બને. તે જણાવે છે કે પુરુષો સાથે જ્યારે કામ લેવાનું હોય અને તેમાં પણ તે પુરુષોને સ્ત્રી મિત્રો હોય તેવું ભાગ્યેજ હોય ત્યારે તેમની સાથે સંપર્ક કરવામાં તેમના રસના ક્ષેત્રો જણાવવામાં,મુશ્કેલી પેદા થઇ શકે છે. ઉત્તરદાતાઓ પોતે પણ સંશોધકને ભારરૂપ માને છે.આવા સમયે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કેટલાક સંશોધકો આવા સંજોગોમાં ઉત્તરદાતાને અનુરૂપ મુલાકાત કરનારની ભલામણ કરે છે,એટલે કે કોઈ એથનિક જૂથની મુલાકાત તેના જેવા જ એથનિક વ્યક્તિ દ્વારા લેવાય.પરંતુ એના ફાયદા અને ગેરફાયદા બંને છે.
- સંશોધકે પોતાના વિષે કેટલી જાણકારી આપવી યોગ્ય ગણાય ?
ગુણાત્મક સંશોધનમાં સંશોધકે પોતાના વિષય વિષે અને પોતાના વિષે કેટલી જાણકારી આપવી યોગ્ય ગણાય તે બાબત તેના સંશોધનને અસરકરનારી છે.પોતાના વિષય વિષે ખોટું બોલવાનું નથી પણ ઉત્તરદાતાને તે સંશોધન અંગે જાણકારી આપે છે ત્યારે કેટલુક ગર્ભિત હોય છે અથવા તેના ઘણા અર્થ થઇ શકે તેવા પ્રકારની જાણકારી હોઈ શકે છે.પણ ઉત્તરદાતા જ્યારે સીધો પ્રશ્ન કરે છે ત્યારે સંશોધકે ખોટું ના બોલવું.પણ કેટલું જાહેર કરવું તે અંગે પોતાના ડહાપણનો ઉપયોગ કરવો.
સંશોધક પોતાની પાર્શ્વભુમીકા અને અંગત જીવન વિશેની માહિતી કેટલી આપવી જોઈએ? કેટલીક વખત સંશોધક પોતાના વ્યવસાય વિશેની જ માહિતી આપવી ઉચિત માને છે.પરંતુ જ્યારે ઉત્તરદાતાઓના જીવનની અંગત બાબતોનો પણ અભ્યાસમાં સમાવેશ કરીએ છીએ ત્યારે ઉત્તરદાતા પણ સંશોધકની અંગત બાબતો વિષે જાણવા માંગતા હોય છે. પોતાની અંગત માહિતી કેટલી,કેવી રીતે અને ક્યારે આપવી તેમાં સંશોધકે પોતાની વિવેકશક્તિનો ઉપયોગ કરવાનો છે.પરંતુ આવી વિગતોની જાણકારી આપવાથી ઉત્તરદાતા અને સંશોધક વચ્ચે સમતાવાદી સહભાગીતા ઉભી થાય છે. (Reinharz,1992)
જ્યારે જાતી,વર્ગ,સ્થિતિ,સમસ્યા વગેરે બાબતે સંશોધકની પાશ્ચાદભૂમિકા કોઈક રીતે ઉત્તરદાતા જેવી હોય છે ત્યારે પોતાના દરજ્જાને સ્થિતિને વિષે વાત કરવાથી ઉત્તરદાતા પોતાના અંગત અનુભવો કહેવા પ્રેરાય છે.દા.ત.સંશોધક પોતે એક વાલી (Single Parrent) નો દરજ્જો ધરાવે છે ત્યારે તેઓ છૂટાછેડા અંગેનો અભ્યાસ કરતી વખતે પોતાના દરજ્જાને જાહેર કરે તો ઉત્તરદાતા પોતાના અંગત અનુભવો છુટથી વ્યક્ત કરશે.પરંતુ જ્યારે સંશોધાકનો વિષય,એમની પાશ્ચાદભુમીકા ઉત્તરદાતા કરતા તદ્દન જુદી હોય છે ત્યારે જરૂર મુજબ પોતાની અંગત માહિતી આપવાથી તે ઉત્તરદાતા માટે અંદરની વ્યક્તિ એટલે કે પોતાનામાનો એક વ્યક્તિ બની શકે છે.
આમ ગુણાત્મક સંશોધનમાં અમુક હદ સુધી અંગત બાબતો જાહેર કરવી તે યોગ્ય છે. સંશોધકે પોતાની જાતને કેટલી જાહેર કરવી તેનો આધાર ઉત્તરાદાતાની ઈચ્છા,સંશોધકની સંવેદનશીલતા અને સ્વસ્થતા જાળવી શકવાના સ્તર (Comfort Level) પર છે .એટલું સંશોધકે ધ્યાનમાં રાખવાનું છે કે અભ્યાસ સંશોધક વિશેનો નથી,પણ ઉત્તરદાતા અને તેમના જીવન વિશેનો છે.
- ગુણાત્મક સંશોધનમાં નમુનાની વ્યુહરચના :
નમુના પસંદગી તર્કપુર્ણ રીતે થાય તે જરૂરી છે.ગુણાત્મક સંશોધન વિવિધ ધારણાઓથી શરુ થાય છે અને અંત તેનાથી જુદો જ હોઈ શકે છે. આવા પ્રકારના સંશોધનોમાં ગાણિતિક સંભાવનાઓ અને સામાન્યીકરણની ક્ષમતા કરતા લચીલાપણું અને ઊંડાણ પર વધુ ભાર મુકાય છે. સંખ્યાત્મક સંશોધન માટે કહેવાય છે કે તે માઈલ પહોળું અને ઇંચ ઊંડું હોય છે,જ્યારે ગુણાત્મક સંશોધન ઇંચ પહોળું અને માઈલ ઊંડું હોય છે.
સંખ્યાત્મક સંશોધન કરતા ગુણાત્મક સંશોધનમાં નમૂનાનું કદ ઘણું નાનું હોય છે અને બિનયદ્ચ્છ પધ્ધતિથી નમુનો પસંદ થાય છે જેમ કે હેતુપૂર્ણ- અનુકુળતા મુજબ (Convinience) અને સ્નોબોલ પધ્ધતિ હોય છે . ગુણાત્મક સંશોધનમાં નમુનો પ્રતીનીધીત્વપૂર્ણ હોવા કરતા તેમાં ઊંડાણથી અભ્યાસ થઇ શકે તેવો અને મુલ્યવાન હોય છે.
ગુણાત્મક સંશોધનમાં માહિતીનું વિશ્લેષણ કરતી વખતે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે તે પ્રશ્નોના સંદર્ભમાં સંશોધક પાછો ક્ષેત્રમા જાય છે અને કેટલીક વ્યક્તિઓને મળે છે.આમ આવા ઉદ્ભવતા પ્રશ્નો પણ ઉત્તરદાતા નક્કી કરે છે.જેમાં કોઈ નકારાત્મક બાબતોમાં કે કોઈ એવા કેસ હોય જેમાં પુષ્ટિ મેળવવી /ખાતરી કરવી જરૂરી હોય અથવા ઉદભવતી ઉત્કલ્પનાઓને ચકાસવા સંશોધક પાછો જાય છે.
ગુણાત્મક સંશોધનમાં સંશોધક એવા વ્યક્તિઓને/ઘટનાઓને પસંદ કરે છે જે માનવ વૈવિધ્યતાના સંદર્ભમાં મુલ્યવાન હોય છે.નમુના પસંદગીની વ્યૂહરચનાના ફલીતાર્થોને અસર કરનાર હોય છે.આજે મોટે ભાગે જ્યાં સંખ્યાત્મક અભ્યાસોની બોલબાલા છે ત્યાં ગુણાત્મક સંશોધન અંગે એવા આક્ષેપો થાય છે કે તેમાં સંશોધક પોતાની પૂર્વ ધારણાને,પોતાના વિચારોને બંધ બેસે તેવા ઉત્તરદાતાઓ પસંદ કરે છે.ગુણાત્મક સંશોધનની નમુના પસંદગીને સંખ્યાત્મક ધોરણોથી માપવું ના જોઈએ.પરંતુ એનો અર્થ એવો પણ નથી કે ગુણાત્મક સંશોધનમાં પૂર્વગ્રહ અંગે કોઈ નિસ્બત નથી.ગુણાત્મક સંશોધનમાં એવી દલીલ કરવી યોગ્ય નથી કે પસંદ કરેલ નમુના બૃહદ રીતે પ્રતીનીધીત્વપૂર્ણ છે કે નિષ્કર્શોનું સામાન્યીકરણ કરી શકાય છે.તેને બદલે ગુણાત્મક સંશોધનના નિષ્કર્શોને કયા બીજા સ્ત્રોતો દ્વારા પુષ્ટિ મળે છે તે શોધીને રજુ કરવું જોઈએ.
- વિસ્તારની પસંદગી:
ગુણાત્મક સંશોધનમાં વિસ્તારની પસંદગી સામાન્ય રીતે સંશોધનના હેતુ અને ઉપલબ્ધતા વચ્ચે સમતોલન કરનાર હોય છે. સંશોધનમાં વિસ્તાર પરિચિત કે અપરિચિત હોય પરંતુ પસંદગીમાં હેતુને ધ્યાનમાં લઈને પસંદગી થવી જોઈએ. કેટલાક અભ્યાસોમાં જ્યાં અભ્યાસનો હેતુ કોઈ ચોક્કસ કાર્યક્રમ કે સંસ્થા હોય છે ત્યાં વિસ્તારની પસંદગી કરવાની હોતી નથી. દા.ત.માનસિક આરોગ્ય કેન્દ્ર.
જ્યાં અભ્યાસો લક્ષિત સમુદાયો અંગે હોય છે ત્યારે સંશોધન વિસ્તાર જુદી જુદી જગ્યાએ હોઈએ શકે છે. દા.ત. બાળ શોષણ ,દલિતોની હિજરત કે કોમી રમખાણો પછી ઉભી થયેલી જુદી જુદી વસાહતો.
નમુનાની ઉપલબ્ધતા અને પ્રાપ્યતા બંને સાઈટ પસંદગીમાં ચાવીરૂપ માપદંડ છે. સંશોધકે પોતાની અનુકુળતા જોવી જોઈએ.મુલ્યવાન માહિતી મળે તે ગુણાત્મક સંશોધનમાં મહત્વનું છે.
- અભ્યાસમાં ઉત્તરાદાતાની પસંદગી :
ગુણાતમક સંશોધનમાં નમુનાનો વિસ્તાર એટલે સંસ્થાઓ અને ઘટનાઓ,આવી કેટલી સંસ્થાઓ,ઘટનાઓ લેવી,તેમાં કેટલા અસરગ્રસ્ત વ્યક્તિઓને નમુના તરીકે લેવા તે સંશોધકે નક્કી કરવાનું છે. સામાન્ય રીતે સંશોધક હેતુપૂર્ણ નમુનો પસંદ કરે છે એટલે કે પોતાને જરૂરી છે તેવી માહિતી આપી શકનારને પસંદ કરે છે. દા.ત.સંશોધકને એ જાણવામાં રસ છે કે કેન્સરના દર્દી કેવી રીતે પોતાની પીડા સાથે જીવે છે કે તેનો સામનો કરે છે ત્યારે આવી પીડા સાથે જીવતા ઉત્તરદાતા પસંદ કરવા પડે છે.આવા કેન્સરના દર્દીઓની યાદી બનાવીને તેમાંથી યદ્રચ્છ નિદર્શન દ્વારા નમુના પસંદ કરવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ તો તમે દર્દીના સાઈકોથેરાપીના આત્મલક્ષી અનુભવને જાણવામાં રસ ધરાવતા હોય તો તમે એવી વ્યક્તિઓને પસંદ કરો છો જે પોતાના વિચારોને વાચા આપી શકે તેમ છે એટલું જ નહિ પણ જેઓ આત્મનિરિક્ષણ કરનાર છે અને પોતાના અનુભવોનું વર્ણન કરી શકે તેમ છે.
ગુણાતમક સંશોધનમાં સંશોધક ઉપલબ્ધતા પ્રમાણે નમુના પસંદ કરે છે.જ્યારે લક્ષિત જૂથને શોધવું મુશ્કેલ હોય છે ત્યારે પોતાના મિત્રો,સગા,પોતાના અંગત અને વ્યાવસાયિક વર્તુળનો ઉત્તરદાતાને પસંદ કરવામાં ઉપયોગ થાય છે. દા.ત. એવી સ્ત્રીઓનો અભ્યાસ કરવો છે જેને પસંદગીપુર્વક એક સ્ત્રી બાળકથી બાળકની સંખ્યા માર્યાદિત રાખેલ છે.જેમાં નમુનો પોતાના વર્તુળમાંથી પસંદ થાય છે અને પછી સ્નોબોલ નમુના પસંદગી થાય છે.
મોટેભાગે ગુણાત્મક સંશોધક અભ્યાસ કરવા માટે ઉત્તરદાતા જ્યાં હોય છે ત્યાં જાય છે. દા.ત. દેહવેપાર કરતી સ્ત્રીઓ,નશીલી દવાઓનું સેવન કરનાર લોકો.
- નમુના કેટલા હોવા જરૂરી છે ?
શિક્ષક તરીકે વર્ગમાં જ્યારે વિદ્યાર્થી આવો પ્રશ્ન પૂછે ત્યારે આપણે સમય,સાધનોની ઉપલબ્ધતા,ચલોની સંખ્યા અને આંકડાકીય વિશ્લેષણના સંદર્ભમાં નમુના કેટલા લેવા તે જણાવીએ છીએ.ગુણાત્મક સંશોધનમાં વિશ્વાસપાત્ર દરખાસ્ત બનાવવા માટે સંશોધકે નમુનાની સંખ્યા પસંદગીની પધ્ધતીના લાચીલાપણાની પ્રકૃતિની સમજણ પણ આપવી.ગુણાત્મક સંશોધણ માટે એમ કહેવાય કે તેમાં નમુનાની સંખ્યા એકથી લઈને સંશોધકની સમય અને સંશાધનોની મર્યાદામાં રહીને જરૂરીયાત મુજબ હોઈ શકે છે.આવા સંશોધનોમાં કેસ સ્ટડી કે જીવન ઈતિહાસ એક જ કે થોડી સંખ્યામાં હોઈ શકે,તે સિવાયના અભિગમોમાં વધુ નમુના હોઈ શકે છે. ગુણાત્મક સંશોધન કરનાર વધુમાં વધુ નમુના લેવા પર ક્યારેય ઝોક મુકતા નથી.તેઓ ઓછા નમૂનામાં ઊંડાણમાં જઈને માહિતી મેળવવવામાં તરબોળ બને છે.
- ઉત્તરદાતાને નક્કી કરવા અને નંબર આપવા:
ગુણાત્મક સંશોધનમાં સંશોધક જાતે જ ઉત્તરદાતાની ઓળખ કરે છે.અને તેમના અભ્યાસના હેતુની જાણ કરે છે. અભ્યાસ અંગે સંભવિત લાભ અને જોખમો વિષે પણ તેમને જણાવે છે. આ અંગે સારું પરિણામ મેળવવા આ પ્રક્રિયા સમય માંગી લે છે. જ્યારે ગેટકીપરની મંજુરી મળી જાય છે ત્યારે અભ્યાસની વિશ્વસનીયતા વધી જાય છે.
ચાવીરૂપ માહિતીદાતા જેઓ ક્ષેત્રની અંદરના જાણકાર હોય છે તેઓ સંપૂર્ણ અભ્યાસ દરમ્યાન અનૌપચારિક મદદ કરી શકે છે.જ્યારે અપરિચિત ઉત્તરદાતા અને વિસ્તાર હોય છે ત્યારે સ્થાનિક ધોરણોને સમજવામાં અને ઉત્તરાદાતાને ઓળખાવામા તેમની મદદ મહત્વની બને છે.ઘણા સંશોધકો આવા માહિતીદાતા સાથે ક્ષેત્રકાર્ય પૂર્ણ થયા પછી પણ લાંબો સમય સુધી તેમની સાથે મિત્રતા રાખે છે,તેઓ તેમની મદદના અહેસાનમંદ હોય છે.
ઉત્તરાદાતાને પસંદ કરવા અને તેમની પાસેથી માહિતી મેળવવા કેટલાક ઇન્સેન્ટીવનો ઉપયોગ કરી શકાય છે.જ્યારે સંશોધન માટે ફંડ હોય તો તેનો ઉપયોગ કરીને ગીફ્ટ કે નાણાકીય સ્વરૂપે તે આપી શકાય.
ગુણાત્મક સંશોધનમાં સંશોધક આતુરતાપૂર્વક શીખનાર હોય છે.તેના પ્રત્યે શંકાઓ વ્યક્ત થાય ત્યારે ઉત્તરાદાતાને કે માહિતીદાતાને ખુબ જ પુખ્ત રીતે અને વ્યાવસાયિક વ્યક્તિ તરીકે પ્રતિભાવ આપવો જરૂરી બને છે.ગુણાત્મક સંશોધનમાં અભ્યાસના સામાજિક,સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભો અંગે ખુબ ચેતીને ચાલવાનું છે. ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ સંશોધનોના ફાયદાઓ વિષે જાણે છે.પરંતુ જ્યારે ગેટકીપરની મંજુરીથી જાય છે ત્યારે અસહકારયુક્ત સ્ટાફ કે કુટુંબના સભ્યો વિષે ચિંતા રહેતી નથી.
ટૂંકમાં ક્ષેત્રમા પ્રવેશ એટલે કે વાસ્તવિક દુનિયામાં ક્ષેત્રિય માહિતી મેળવવી.જેમાં અનેક જોખમો અને પડકારો છે,તેમાં ઘણું ધૈર્ય રાખવું જરૂરી બને છે.