ગુણાત્મક અને સંખ્યાત્મક પધ્ધતિઓ અલગ  અલગ જ્ઞાનમીમાંશા/ જ્ઞાનશાસ્ત્રમ (Epistemological) ધરાવે  છે. સામાજિક સંશોધનનાં વિવિધ ધ્યેય જોવા મળે છે,તે મુજબ સંશોધનની પધ્ધતિ નક્કી થતી હોય છે. બંને પદ્ધતિ જુદી હોવા છતા બંને સામાજિક જ્ઞાન મેળવવાનો અનુરોધ કરે છે.ગુણાત્મક સંશોધન પદ્ધતિ શાસ્ત્રના આવશ્યક તત્વો/લક્ષણો તેનાં જ્ઞાનાશાસ્ત્રમાંથી મળે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો સમાજ વિજ્ઞાન સંરચિત(Structured),પૂર્વનિર્ધારિત સંશોધન રૂપરેખા ઉપર આધાર રાખે છે,જેને સંશોધનના સંખ્યાત્મક પધ્ધતિ શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ.છેલ્લા 40 વર્ષોમાં,સમાજ વિજ્ઞાનોની વિવિધ શાખાઓએ સંશોધનના વૈકલ્પિક અને વિકસતા નમૂનાનો સ્વીકાર કર્યો છે જેને ગુણાત્મક સંશોધન પદ્ધતિ શાસ્ત્ર કહીએ છીએ.ગુણાત્મક અને સંખ્યાત્મક બંને અલગ પદ્ધતિઓનું પણ સંબંધિત મુલ્ય છે. ગુણાત્મક પદ્ધતિશાસ્ત્રનું મુખ્ય ધ્યેય અન્વેષણ અને સિદ્ધાંતો સર્જવાનું છે,જ્યારે સંખ્યાત્મક સંશોધન પદ્ધતિશાસ્ત્રનું ધ્યેય મુખ્યત્વે પૂર્વરચિત સિદ્ધાંતોને અનુરૂપ તપાસ કરવાનું હોય છે.બંને પદ્ધતિશાસ્ત્રોની  ફીલસુફિક માન્યતાઓ સંશોધક અને તેના  જ્ઞાન વચ્ચેના સંબંધને રજુ કરે છે.સાથે સાથે સામાજિક વિશ્વના જ્ઞાનના સ્વરૂપ અંગેની માન્યતાઓને રજુ કરે છે.

ગુણાત્મક અને સંખ્યાત્મક પધ્ધતિશાસ્ત્રના ઉપયોગ સમયે ભૂલ ના થાય તે માટે બંનેનાં જ્ઞાનશાસ્ત્રમાં શું તફાવત છે તે સમજવાની જરૂર છે.જેમ કે દરેક સંશોધન તેના  જ્ઞાનશાસ્ત્ર મુજબ  ઉપયોગમાં લેવાતી ચોક્કસ સંશોધન પદ્ધતિને અનુરૂપ હોવા જોઈએ.દરેક પદ્ધતિશાસ્ત્ર ચોક્કસ સંશોધન પદ્ધતિને રજુ કરે છે.બંને પદ્ધતિના જ્ઞાન શાસ્ત્રને જુદા પાડનાર મૂળને સમજવા જરૂરી છે.જેથી સંશોધનમાં ભૂલો ના થાય. આવી સામાન્ય ભૂલો જોઈએ તો “ગુણાત્મક સંશોધન” અને “ગુણાત્મક માહિતી” શબ્દો ઘણી વખત એકબીજા માટે વપરાય છે.આ ગુણાત્મક સંશોધન જેનું અલગ પદ્ધતિ શાસ્ત્ર છે તેને માટે આ ઘણી ગંભીર ભૂલ છે. ગુણાત્મક માહિતી ગુણાત્મક સંશોધન કે સંખ્યાત્મક સંશોધન બંનેમાં મેળવવામાં આવે છે. આવી જ ગેરસમજ સંખ્યાત્મક સંશોધન અને સંખ્યાત્મક માહિતીમાં પણ જોવા મળે છે.

આમ ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિ શાસ્ત્રો સામાજિક તપાસના બે જુદા અભિગમોને રજુ કરે છે.સામાજિક સંશોધનના વિવિધ ધ્યેય છે,જેમાં આ બંને પદ્ધતિશાસ્ત્ર પોતાના લાક્ષણીક અભિગમ અનુસાર કોઈ ચોક્કસ સંશોધન કરવા માટેની સંશોધન રૂપરેખા બતાવે છે. ગુણાત્મક સંશોધનમાં સંશોધન પ્રક્રિયા દરમ્યાન જરૂરીયાત અનુસાર સંશોધાન રૂપરેખા નક્કી કરવામાં આવે છે અને તેમાં જરૂર મુજબ બદલાવ કરવામાં આવે છે.સંખ્યાત્મક સંશોધનમાં સંશોધન રૂપરેખાને બ્લ્યુ પ્રિન્ટ તરીકે જોવાય છે,કે જ્યાં અભ્યાસની શરૂઆત પહેલા તેને તૈયાર કરવામાં આવે છે. જ્યારે ગુણાત્મક સંશોધનમાં સંશોધન રૂપરેખા અંગેનો નિર્ણય આકસ્મિક અને બદલાતો હોઈ શકે છે.

ગુણાત્મક પદ્ધતિ શાસ્ત્ર વચ્ચેનો તફાવત અને ગુણાત્મક સંશોધન પદ્ધતિશાસ્ત્રની લાક્ષણીકતાઓ જોઈએ તે પહેલા ગુણાત્મક સંશોધનનો અર્થ સમજવો જરૂરી છે.

ગુણાત્મક સંશોધનનો અર્થ:

“ગુણાત્મક સંશોધન સામાજિક વિશ્વના અભ્યાસનો એવો અભિગમ છે કે જે લોકોના વર્તન અને સંસ્કૃતિનું, જેમનો અભ્યાસ કરીએ છીએ તે જૂથોના દ્રષ્ટિબિંદુથી વર્ણન અને વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે “

ગુણાત્મક સંશોધનમાં સંશોધક લોકો જે રીતે જીવે છે  અને તેનો અર્થ કરે છે,તેમના જીવાતા જીવનના અનુભવો વિશે તેમના દ્રષ્ટિકોણને જાણવાનો પ્રયત્ન કરે છે.એટલે કે સંશોધક અર્થઘટનાત્મક સમજણ(Verstehen) પ્રાપ્ત કરે છે. આવા અભ્યાસોમાં સંશોધક ઉત્તરદાતા પાસેથી ઉપર છલ્લી(Etic) બહારની વ્યક્તિ તરીકે માહિતી મેળવતા નથી. પરંતુ  ઉત્તરદાતાના મનના ઊંડાણમાં રહેલી બાબતો અને દ્રષ્ટિકોણને સમજવા, એ ગહનતા સુધી પહોંચવા, તેનો અંતર્ગત ભાગ બનવા, નિકટતા કેળવે છે. ઉત્તરદાતા ઘટના અને સમસ્યાનો જે અર્થ, દ્રષ્ટિકોણ ધરાવે છે, તેને સંશોધક પ્રાપ્ત કરે છે.

સામાજિક ઘટનાનો અભ્યાસ કરવા માટે ગુણાત્મક સંશોધન પદ્ધતિશાસ્ત્ર એ સંશોધન પદ્ધતિઓનું કુટુંબ છે. જે અર્થઘટનાત્મક(Interpretative) બિન પ્રત્યક્ષવાદી(Non-positivist) અભિગમ છે જેમાં સંશોધક સામાજિક એક્ટર દ્વારા રચાયેલ સામાજિક વિશ્વની પ્રક્રિયાઓને તપાસે છે. સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્ર સામાજિક વાસ્તવિકતાને સામાજિક એક્ટર(જેમનો અભ્યાસ કરીએ છીએ)  કરતા અલગથી જુએ છે. અને તેથી તે સામાજિક વાસ્તવિકતાને અભ્યાસના હેતુ તરીકે જુએ છે. જ્યારે ગુણાત્મક સંશોધનમાં સામાજિક વાસ્તવિકતાની અર્થઘટનાત્મક સ્થિતિ તેનો અંતર્ગત ભાગ હોય છે, જેમાં સામાજિક એક્ટરજે અનુભવે છે, અર્થ કરે છે અને સામાજિક ઘટનામાં ભૂમિકા ભજવે છે તેની પ્રક્રિયાઓને શોધીને પ્રકાશમાં લાવે છે.

ગુણાત્મક સંશોધન પદ્ધતિશાસ્ત્રના લક્ષણો/સિધ્ધાંતો એક બીજા સાથે સંબંધિત છે અને તેથી દરેક ને સમગ્રતામાં જોવા જરૂરી છે જે નીચે મુજબ છે.

1.સંશોધક અભ્યાસના વિશ્વને લોકોની નજરે જુએ છે-

ગુણાત્મક સંશોધનનું સૌથી પાયાનું લક્ષણ એ છે કે તે બનાવો, ક્રિયા, ધોરણો, મૂલ્ય વગેરેને જે લોકોનો અભ્યાસ કરવાનો છે તેમના દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રતિબદ્ધ હોય છે. લોકોના દ્રષ્ટિકોણને મેળવાનો અર્થ એ છે કે આપણે જેમનો અભ્યાસ કરીએ છીએ તેમની નજરે જોવાનું છે. લોકો જે “અર્થના ઢાંચા”(Frame of meaning) નો ઉપયોગ કરે છે તેની અંદરનો ભેદ જાણવો જરૂરી છે. જેને માટે સંશોધકે સમાનુભૂતિ સાધીને લાંબા સમય સુધી ઉત્તરદાતાઓની સામેલગીરીને ટકાવવી જરૂરી બને છે. તેને માટે લાંબા સમયનું સહભાગી નિરીક્ષણ ગહન નિરીક્ષણ અને બિનરચિત મુલાકાતને ઉપયોગમાં લેવાય છે. અહી લોકોના દ્રષ્ટિકોણ મેળવવાનો અર્થ એ છે કે અભ્યાસના વિશ્વના વિવિધ દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેવા.

Measor(1985) નોધે છે કે ગુણાત્મક સંશોધન કરનાર સંશોધક ઘટનાના સંદર્ભમાં જે લોકોની મુલાકાત લે છે તેમના દ્વારા રજૂ થતા અસંબદ્ધ દ્રષ્ટિકોણોને દબાવવા કે રોકવા નહી, કારણ કે તે વ્યક્તિની મહત્વની બાબતોને રજૂ કરે છે. સંશોધકે જે બાબતને પ્રકાશમાં લાવવાની છે તે જો મુલાકાત દરમિયાન રહી જતું હોય તો બીજી મુલાકાત જરૂરી બની છે. આ પ્રકારના સંશોધનમાં સંશોધક વિષય વસ્તુને લગતા ખ્યાલો, ધારણાઓ, વિચારો લઈને જશે તો તેમા ”હું” (I) તત્વો પ્રવેશશે. અને સંશોધક લોકોના દ્રષ્ટિકોણને તેનાથી મુલવશે,માપશે.ગુણાત્મક સંશોધનમાં સંશોધકે લોકોના દ્રષ્ટિકોણને મુલવવાના નથી.પરંતુ તેમના તંત્રમાંથી બહુવિધ દૃષ્ટિકોણ/સમજણ  મેળવવાનો પ્રયત્ન કરવાનું છે. લોકો અલગ અલગ મત ધરાવનાર હોઇ શકે એટલે કે તેઓ એકબીજાથી જુદા પડનાર હોઈ શકે છે. સંશોધકે ક્યારેય સહભાગીના મત/દૃષ્ટિકોણોમાં સામ્યતા શોધવાનો પ્રયત્ન નથી કરવાનો. સંશોધકને મળતા આવા અલગ મતો વિષય અંગેની ગહન સમજણ કેળવવામાં અને ઘટના શાથી બની તેનાં કારણો જાણવામાં મદદરૂપ બને છે.

2.લોકોનો સમગ્રલક્ષી અર્થ/લોકોને તેમની પરિસ્થિતિના સંદર્ભ  મુજબ સમજવાની રીત (Contextualism)

ગુણાત્મક સંશોધન કોઈ ચોક્કસ સ્તરો  કે ચલોના બદલે અભ્યાસના વિશ્વની સમગ્રલક્ષી બાબતોનું ઘનિષ્ઠ વર્ણન શોધે છે. લોકોને વર્તન, વલણો વગેરેને તેમના સંદર્ભમાં સમજીને તેના અજ્ઞાત અર્થને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અર્થની આ સમગ્રલક્ષી શોધ ”ઘનિષ્ઠ વર્ણન”(Thick Discribtion) આપે છે, તે માત્ર વિગતે વર્ણન જ નથી આપતા પરંતુ ઘટના બનવામાં જે પ્રક્રિયાઓ થઈ હોય છે જેમાંથી વિવિધ અર્થ પેદા થાય છે અને આ પ્રક્રિયાઓમાં એક્ટરો દ્વારા વિવિધ ભૂમિકાઓ ભજવાઈ  હોય છે, તે બધાના આંતરજોડાણ કરવામાં આવે છે અને આ રીતે સંદર્ભીકૃત સમગ્રલક્ષી અર્થની શોધથી ઘટનાનું સ્પષ્ટ ચિત્ર મળે છે. સંદર્ભવાદ અને સમગ્રવાદનું તાત્પર્ય એ છે કે તે લોકોની ક્રિયાઓ, બનાવો, વર્તન અને અનુભવોને વ્યાપક સામાજિક અને ઐતિહાસિક સંદર્ભના માળખામાં મુકવાની જરૂર પર ભાર મૂકે છે. ગુણાત્મક પદ્ધતિશાસ્ત્ર માનવ અનુભવની સમજણ અને અર્થઘટન તથા સમાજની વાસ્તવિકતાઓને શોધે છે. પરિસ્થિતિ માટેના પરિબળોની સમજ જે તપાસ માટે  જરૂરી છે તેની શોધ કરે છે. ગુણાત્મક પધ્ધતિની આ લક્ષણિકતા વિશ્લેષણ માટે વ્યક્તિ ચરિત્રવૃત(Indeography)ને રજૂ કરે છે. ઘટના જે સ્થળે અને સમયે બની છે તેની મર્યાદામાં તેને વ્યાખ્યાયિત કરીને તેના અર્થને સમજવામાં આવે છે. તેથી વિરુદ્ધ સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્ર ઘટનાના માપદંડ ઉપર ભાર મુકે છે અને તે ઘટના ઘટવાની સંખ્યાને મહત્વ આપે છે. તેથી વિરુદ્ધ સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્ર ઘટનાના માપદંડ ઉપર ભાર મુકે છે. સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્રમાં વિશ્લેષણ, પસંદ કરેલ ચલો વચ્ચેના પ્રાસંગિક સંબંધોને ઓળખીને તેના પર પ્રકાશ પાડે છે. બીજા અર્થમાં કહીએ તો તેમાં પસંદ કરેલ ચલોને બીજા ચલોથી, સંદર્ભોથી જુદા પાડવામાં આવે છે. આવું વિશ્લેષણનું સ્વરૂપ નિશ્ચિત માપદંડ આધારિત(Monothetic) હોય છે,જેવા કે શેર,ઉમર,અભ્યાસ વગેરે , કે જે પોતાના તારણોને/શોધને ચોક્કસ સંદર્ભોની ફ્રેમ બહાર લાગુ પડે છે. વ્યક્તિ ચરિત્રવૃત્ત અભિગમ ગુણાત્મક પદ્ધતિનો અંતર્ગત ભાગ છે, જે સતત/સક્રિય રીતે ચાલતી  પ્રક્રિયાઓ અભ્યાસને સરળ બનાવે છે.

3.સંશોધક અને લોકો વચ્ચે નિકટના સંબંધો

ગુણાત્મક સંશોધનમાં સંશોધકના લોકો સાથે નિકટના સંપર્ક હોય છે. અભ્યાસના વિષયના વિશ્વને લોકોની નજરે જોવા માટે આવા નીકટના સંબંધ હોવા જરૂરી છે.આવા સાતત્યભર્યા સંબંધો સહભાગી નિરીક્ષણ કરતાં મુલાકાત પધ્ધતિમા ઓછા હોય છે. પરંતુ સર્વે કરતા મુલાકાતમાંતે  નિશ્ચિતપણે લાંબા હોય છે. લોકોના દ્રષ્ટિકોણ, તેમના અર્થ, સમજણને પામવા માટે તેમનામાના બનવા, નિકટતા મેળવી ખૂબ જરૂરી છે. ગુણાત્મક પદ્ધતિશાસ્ત્રનો પ્રકૃતિવાદી પરિવેશ(Naturalistic setting)માં ઉપયોગ થાય છે. એટલે કે ઘટનાનો અભ્યાસ કરવામાં તેના સંદર્ભોનું લગાતાર નિરીક્ષણ કરે છે. સંશોધક માટે જરૂરી છે કે તે સંશોધન ક્ષેત્રમાં લાંબા સમયની ભાગીદારીની સમજ સાથે અને લોકો સાથે સક્રિય સંવાદ કરવા તેઓ પ્રવેશે છે. લોકોના દ્રષ્ટિકોણોની  તેમના સંદર્ભો સાથેની  શોધમાંથી ઘટનાની ગહન સમજ મળે છે. ગુણાત્મક સંશોધન પ્રક્રિયા પારદર્શક હોય તે જરૂરી છે, સંશોધન પોતે પણ એક સામાજિક પ્રક્રિયા છે. સંશોધક માટે જરૂરી છે કે તે સંશોધન પ્રક્રિયાના પરાવર્તક (Reflexive) લક્ષણને સક્રિય રીતે ધ્યાનમાં લે. તેથી વિરુદ્ધ સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્રમાં બાહ્ય  વ્યક્તિ તરીકે બહારની બાબતોનો સ્વીકાર કરે છે. જ્યારે ગુણાત્મક સંશોધનમાં સંશોધક જે લોકોનો અભ્યાસ કરે છે તેમના અનુભવોની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરે છે.

4.સામાજિક તપાસ કરવા માટેની અન્વેષણાત્મક રીત

ગુણાત્મક સંશોધનમાં સંશોધક એવા વિષયની બારીક તપાસ કરે છે જે ઓછો જાણીતો હોય છે, એવું જરૂરી નથી કે આ વિષય પહેલા અસ્પર્શ રહ્યો છે, પરંતુ મહત્વનું એ છે કે આ વિષય ખૂબ ઓછી જાણકારી ધરાવતો હોય અને તેમાં ગહન સમજણની જરૂર હોય છે. કેટલીક વખત તેમ માનવામાં આવે છે કે ગુણાત્મક માહિતી ઘણીવાર સાચી હોતી નથી, તેને ચકાસવી જરૂરી બની છે.

જેઓ ગુણાત્મક સંશોધનના હિમાયતી છે તેઓ લોકોના દૃષ્ટિકોણ, અર્થને સમજવાની રીતને સંશોધનનાં ધ્યેય  તરીકે જુએ છે. કારણ કે એક્ટરના અર્થોને અને અર્થઘટનને બહાર લાવવું તે આ અભિગમની કેન્દ્રવર્તી બાબત  છે. સંખ્યાત્મક અને ગુણાત્મક પદ્ધતિઓમાં તફાવત સંશોધન વ્યૂહરચના અને માહિતી એકત્રિકરણની પ્રક્રિયામાં છે. ગુણાત્મક સંશોધનમાં જટિલ,ચુસ્ત રીતે નિર્ધારિત, પૂર્વ નિર્ધારિત ઢાંચાથી અભ્યાસની શરૂઆત કરવાને બદલે અભ્યાસને આધારે સૈદ્ધાંતિક ઢાંચો વિકસાવવામાં આવે છે. ગુણાત્મક પદ્ધતિનું સ્વરૂપ આગમનાત્મક હોય છે. અનુભવજન્ય માહિતીમાંથી સિધ્ધાંતો અને ખ્યાલોને આકાર આપે છે. કેટલાક સંશોધકો સંશોધન પ્રક્રિયાને શરૂ કરવા અર્ધરચિત વિભાવનાત્મક ઢાંચાનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે, પણ તે કામચલાઉ હોય તે જરૂરી છે. માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણ દરમિયાન તેમાં સતત સુધારણા કરતા રહેવાનું છે. તેમ છતાં કેટલાક દ્રઢપણે માને છે કે પૂર્વ નિર્ધારિત ઢાંચો, આંતરસુઝ પેદા કરવામાં અને તારણો મેળવવામાં બંધબેસતો નથી. આમ ગુણાત્મક પદ્ધતિમાં સિદ્ધાંતોના વિકાસ માટે આગમનાત્મક પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે તેથી વિરુદ્ધ સંખ્યાત્મક પદ્ધતિશાસ્ત્રમાં પૂર્વરચિત ખ્યાલો અને સિદ્ધાંતો એ મોટેભાગે તપાસ માટેની શરૂઆતનું બિંદુ હોય છે. ગુણાત્મક સંશોધનમાં માહિતી મેળવવામાં ખુલ્લાપણું વધુ છે. કેટલાક એથનોગ્રાફર હિમાયત કરે છે કે સંશોધન નિરૂપણનું કેન્દ્રબિંદુ જેટલા સમય સુધી શક્ય હોય ત્યાં સુધી નિર્ધારિત ના કરવું. જેમાં સંશોધક ભાવનિષ્ઠ બની માહિતી મેળવે છે, નિરીક્ષણ કરે છે. જેનાથી વિષય સંદર્ભમાં મૂલ્યવાન માહિતી મેળવી શકે છે. કેટલીક વખત આવા લચીલાપણાની મર્યાદા એ છે કે તમે જ્યારે ઘણી બધી રસપ્રદ બાબતો અભ્યાસમાં શોધો છો ત્યારે તમે તમારા વિષયના ક્ષેત્રને અને ચોક્કસ ઘટના/સમસ્યા ને કેન્દ્રિત કરવાની સ્થિતિને ગુમાવો છો. પરંતુ ગુણાત્મક સંશોધકની શક્તિ છે કે તેમાં સૈદ્ધાંતિક પરાવર્તનથી પર રહી શકાય છે.

5.માહિતી એકત્રિકરણની લાંબા ગાળાની ક્ષેત્રીય વ્યસ્તતા-

ગુણાત્મક સંશોધનમાં સંશોધન પ્રક્રિયા સ્પષ્ટ અને ક્રમિક હોતી નથી કારણ કે કે સંશોધન ક્ષેત્રના પરિવેશમાં સંજોગો ને સ્થિતિ પ્રત્યે સંશોધક  સતત સંવેદનશીલ હોય છે. સંશોધન પ્રક્રિયાને માહિતી એકત્રિકરણ, વિશ્લેષણ અને તેમાંથી નીપજતી વિભાવનાકરણ પ્રક્રિયા દ્વારા તેને  સમજી શકાય છે. ગુણાત્મક સંશોધન પદ્ધતિમાં ખુલ્લા, બિન રચિત, લચીલા અને પુનરાવર્તન જેવા લક્ષણો સંશોધન પ્રક્રિયાનું દ્રઢીકરણ કરે છે. જ્યાં માહિતી એકત્રિકરણ અને વિશ્લેષણની વ્યાપ્તિ (બેવડાવવું) વખતે  વિભાવનાકરણમા વધુ સૂક્ષ્મતા આણવામાં આવે છે.  તપાસ માટેના કેટલાક નિર્ણય માહિતી એકત્રિકરણ દરમિયાન સંશોધન પરિવેશમાં સંશોધક દ્વારા લેવાય છે. માહિતીના વિશ્લેષણની શરૂઆત થાય છે ત્યારે કામચલાઉ તારણોને ક્ષેત્રમાં તપાસવામાં આવે છે અને તે પ્રમાણે સુધારવામાં આવે છે. જે ઘટનાનો અભ્યાસ કરવમાં આવે  છે તેને સંબંધિત બિનઅપેક્ષિત પાસાઓને સામસામે/પ્રત્યક્ષ  તપાસવાની શક્યતા છે. સંશોધન વ્યૂહરચના સ્થિતિ સંજોગોને અનુરૂપ બદલી શકાય છે.

ગુણાત્મક સંશોધક માટે બે બાબત મહત્વની છે. ઘટનાના લક્ષણો અને સામાજિક જીવનની પ્રક્રિયાઓનું સહભાગી સંશોધકો ઘટનાક્રમ વચ્ચે જોડાણ ઉભુ કરીને તેમના સામાજિક જીવનને સમજી  શકે છે. સંશોધક લોકોના રોજિંદા જીવનની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવા માટે ઘટનાઓના આંતરજોડાણને ધ્યાનમાં લે છે. ગુણાત્મક સંશોધનમાં સહભાગી નિરીક્ષણ એ માહિતી એકત્રિકરણની મહત્વની પધ્ધતિ છે. બીજી પદ્ધતિમાં બિન રચિત મુલાકાત છે. જેમાં સંશોધક લોકોને ઓછામાં ઓછું માર્ગદર્શન/દોરવણી આપે છે, લોકોને કહેવું છે તે કહેવા માટે પૂરેપૂરો અવકાશ હોય છે. કેટલાક સંશોધકો મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક તેઓ જે થીમને આવરી લેવા માંગે છે તેને ધ્યાનમાં રાખીને મુક્ત રીતે માહિતી મેળવે છે. આમ સહભાગી નિરીક્ષણ કરનાર ભાગ્યે જ માત્ર સહભાગી નિરીક્ષક હોય છે. તેઓ ઘણી વખત બિન રચિત મુલાકાતો ગોઠવે છે, દસ્તાવેજી વિશ્લેષણ તપાસે છે અને આયોજિત મુલાકાતો પણ લે છે, ટપાલથી પ્રશ્નાવલી સર્વે પણ કરે છે.

તે ઉપરાંત જીવન ઇતિહાસ પદ્ધતિ ઘણી વખત ગુણાત્મક સંશોધનમાં મુખ્ય પદ્ધતિ હોય છે. જેમાં ડાયરી અને આત્મકથા એ મુખ્ય માહિતી સ્ત્રોત હોય છે. બિન રચિત મુલાકાતમાં સંશોધક લોકોને તેમના જીવન અને તેઓ જે  અનુભવોમાંથી પસાર થાય છે તેના ઉપર પ્રતિબિંબ પાડવા પ્રેરે છે. ગુણાત્મક સંશોધનમાં ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યૂ હમેશા બીજી ઘણી માહિતી એકત્રિકરણ પદ્ધતિઓમાંની એક છે.

ગુણાત્મક પદ્ધતિમાં ત્રિપક્ષીય(Triangulation) પ્રમાણ તપાસ એટલે કે વિવિધ ડેટા સોર્સનો હેતુ છે.આ એક સંશોધાન પધ્ધતિ છે જ્યાં એક જ ઘટનાને અનેક જુદા જુદા દ્રષ્ટિકોણથી,જુદાડેટા સ્ત્રોત,પધ્ધતિઓ અથવા સિદ્ધાંતો દ્વારા ચકાસવામાં આવે છે. આવી ત્રિપક્ષીય તપાસનો ખ્યાલ એક જ અભ્યાસમાં અનેકવિધ દૃષ્ટિકોણની કેન્દ્રભીસરણનો નિર્દેશ કરે છે.એટલે કે સંશોધનમાં જુદા જુદા ડેટા સ્ત્રોતો,થીમ,અવલોકનો કે દલીલો એક જ મુખ્ય નિષ્કર્ષ તરફ સંકેત કરે છે. જે જટિલ સામાજિક પ્રક્રિયામાં સામેલ હિતધારકોના ઘનિષ્ઠ ચિત્રને રજૂ કરીને સંશોધન નિષ્કર્ષોને મજબૂત કરે છે.

ટુંકમાં ગુણાત્મક સંશોધન  પ્રક્રિયા ક્રમિક હોતી નથી, સંશોધક સંશોધન કાર્યમાં સામેલ થતો જાય છે અને જરૂરિયાત ઊભી થાય છે તે પ્રમાણે સંશોધન કાર્યની દિશા મળી જાય છે. માહિતીના એકત્રીકરણનું કામ વિશ્લેષણ અને સિદ્ધાંતોની રચના સુધી હોઈ શકે છે.

6.ગુણાત્મક સંશોધન સિદ્ધાંતોની ચકાસણી નહી પરંતુ સિદ્ધાંતોની શોધ સાથે નિસબત ધરાવે છે-

ગુણાત્મક સંશોધનપદ્ધતિ મૂળભૂત રીતે અગમનાત્મક છે. તે ઘટનાઓ/બનાવોની તપાસ કરી લોકોના અર્થ/સમજૂતી ને રજુ કરવાનો હેતુ ધરાવે છે. કોઈ ધારણાઓ દ્વારા ચકાસણી કે પૂર્વ સિદ્ધાંતોને આધારે  તેની સમજૂતી આપવાનો હેતુ નથી. ગુણાત્મક સંશોધન કરનાર  શું ચાલી રહ્ર્યું છે અને શું મહત્વનું છે તે અંગેના લોકોના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત નથી કરતા, તેથી તેઓ  તપાસ માટે થિયરીનો ઉપયોગ કરવાનું ટાળે છે. ટુંકમાં કહીએ તો ગુણાત્મક સંશોધનમાં થિયરીને સાબિત કરવા કરતાં થિયરીની શોધ સાથે વધુ નિસ્બત છે.

વૈજ્ઞાનિક તપાસમાં ગુણાત્મક અને સંખ્યાત્મક બંને પ્રકારની અનુભવજન્ય માહિતીનો ઉપયોગ થઈ શકે છે. તેમાંની કોઈ માહિતી મૂળભૂત રીતે વૈજ્ઞાનિક કે  અવૈજ્ઞાનિક નથી. તફાવત એટલો છે કે ગુણાત્મક સંશોધન અર્થઘટનાત્મક નમૂના(Interpretative Paradigm)ને અનુસરે છે જે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા નિર્ધારિત થયો નથી. ગુણાત્મક માહિતીના વિશ્લેષણના અભિગમને માહિતીના વિશ્લેષણમાંથી નિષ્પન્ન થતા સિદ્ધાંતના અર્થમાં જોવાય છે. કારણ કે માહિતી કે  જેમાંથી તે સિદ્ધાન્ત પેદા થાય છે.

7.વિચારો/માળખાના ઘડતર દ્વારા  તેને આધારે સિદ્ધાંતોનું  ઘડતર કરવું.

ગુણાત્મક સંશોધનમાં ગહનતા અને સમજણ મેળવવી એનો અર્થ એ છે કે ઉત્તરદાતાઓ અને તેમના વિશ્વ સાથે ઘનિષ્ઠ પરિચય કેળવવો. ટૂંકમાં વિષય અંગે ઉત્તરદાતા શું અર્થ કરે છે તે માટે આપણે તેમના વિચારો અને મૂલ્યો તથા તેમની ક્રિયાઓ અને તેમની દ્રષ્ટિએ સત્યોની  શોધ કરે છે. સંશોધકે તેને માટે લોકોની માન્યતાઓ અને વિચારસરણીઓ તથા સ્થિતિ અને વિવિધ માળખાઓ તરફ ધ્યાન આપવું પડે છે. સંશોધક લોકોના ગર્ભિત અર્થોના અભ્યાસ કરે છે. જેના દ્વારા ઉત્તરદાતાના વાસ્તવિકતા અંગેના વિચારોને પડકારવાને બદલે તેની સ્પષ્ટતા મેળવે છે.

માળખાના ઘડતર(Constructivism) દ્વારા સિધ્ધાંત ઘડતરના અભિગમમાં સંશોધકને ઉત્તરદાતા  સાથેના એવા સંબંધની જરૂરિયાત હોય છે કે જેમાં ઉત્તરદાતા પોતાની વાર્તાને પોતાની રીતે ઢાળે છે. સંશોધક તેમની વાતને તેમના કહેવા મુજબ સાંભળે છે. એટલે કે તેઓ પોતાની લાગણી અને પોતાના અનુભવોથી મુક્ત રહીને સાંભળે છે.

સંખ્યાત્મક સંશોધનમાં સંજ્ઞાકરણ, લખવું,સ્મૃતિપત્ર-નોંધ કેટેગરી વિકસાવવાના વિભાવનાત્મક સ્તરમાં સર્વ વાસ્તવલક્ષી (Objectivist) અને માળખા આધારિત  ઘડાતા સિદ્ધાંતોમાં થોડો તફાવત જોવા મળે છે. વિચારોના ઘડતર દ્વારા રચાતા સિદ્ધાંત સર્વ વાસ્તવલક્ષી અભિગમ કરતા વધુ સ્ફુરણાત્મક છાપ ઉભી કરનાર સ્તરે હોય છે. માહિતી દ્વારા થિયરીની રચના સંશોધકમાં જે નવા નવા વિચારો વિકસે છે તેમ છેલ્લામાં છેલ્લી માહિતી ફરીને ફરી મેળવવાના દ્રષ્ટિકોણના વિચાર આધારિત રચાતો સિદ્ધાંત પ્રોત્સાહન આપે છે. સંશોધક માહિતીને કોડ અને રીકોડ આપે છે. નવા પ્રશ્નોના સંદર્ભમાં નવી માહિતીને પરિણામે નવા મુદ્દાઓના વિશ્લેષણની જરૂર ઊભી થાય છે. સિદ્ધાંત એ બાબતને માન્યતા આપે છે કે નિરીક્ષણ કરનાર માહિતી મેળવે  છે ને તેનું  વિશ્લેષણ લોકો સાથેની આંતરક્રિયા દ્વારા કરે છે.

માહિતી આધારિત રચાતો સિદ્ધાંત પ્રક્રિયા અને નીપજ બને છે. તે વ્યાપક ક્ષેત્રકાર્ય પરંપરા ને ગુણાત્મક વિશ્લેષણમાં બંધ બેસે છે. માનવ જાતિ અંગેના વ્યવસ્થિત વિશ્લેષણાત્મક અભિગમને રજુ કરે છે.