ભારત દેશમાં 1936થી સમાજકાર્ય શિક્ષણની શરૂઆત થઈ. તે પહેલા સમાજસેવાના અને સમાજ સુધારણાના અનેક કાર્યો થયા હતા.આજે જ્યારે આખું વિશ્વ પોતાના પ્રશ્નો માટે ગાંધી વિચારમાં તેના ઉકેલની શોધ કરે છે ત્યારે ભારત દેશમાં સમાજકાર્યનું શિક્ષણ લેતાં આપણે સૌએ ગાંધીજીના સમાજકાર્યને સમજવું જરૂરી છે. તેને માટે આપણે ગાંધીજીનું  સમાજકાર્ય અને વ્યવસાયિક સમાજકાર્યમાં શું તફાવત અને સામ્યતા છે તેને જોઈશું.

1.ગાંધીજીનું સમાજકાર્ય એ  ભારત દેશની સ્થિતિ/સંજોગોમાં કામ કરતા કરતા એક ભારતીય વ્યક્તિ તરીકે તેમના માનસમાંથી ઊભી થયેલી  વિચારધારા છે. તેમણે પોતાની સામે જે પ્રશ્નો આવ્યા તેના  ઉકેલ માટેના પ્રયોગો કર્યા અને તેની રજુઆત તેમણે સમાજ સમક્ષ કરી છે.

જ્યારે વ્યવસાયિક સમાજકાર્યની વિચારધારા પશ્ચિમમાંથી આપણા દેશમાં આવી છે જે ત્યાંની સ્થિતિ/સંજોગોને અનુરૂપ ઊભી થઈ અને વિકાસ પામી છે.

2. ગાંધીજીના સમાજકાર્યની પ્રેરણા અસમાનતા/ભેદભાવની સ્થિતિમાં જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને કાળા ગોરા વચ્ચેના ભેદભાવનો ભોગ  બનવું પડ્યું ત્યારે  તેમના મનમાં આ ભેદભાવ સામે પ્રશ્નો ઉભા થાય, કે આવું શા માટે? તેના ઉકેલની શોધ  માટે તેમને પ્રેરણા મળી અને  તેઓ જીવન પર્યંત સમાજમાં અસમાનતા અને ભેદભાવ સામે લડતા રહ્યાં.

વ્યવસાયિક સમાજકાર્યની પ્રેરણા 17 મી સદીમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિમાં રહેલી છે. ઔધોગીક  ક્રાંતિએ ઇંગ્લેન્ડમાં ઝડપી ઉત્પાદનની સાથે સાથે લોકોના અનેક માનસિક સામાજિક પ્રશ્નો  ઉભા કર્યા તેના ઉકેલો તે સમયમાં ના હતા. તેની શોધમાંથી અનેક વિચારધારાઓ જન્મી અને તેના ઉપયોગથી માનવ સમુદાયના પ્રશ્નો ઉકેલવાની પ્રેરણા અને રીતો ઊભી થઈ.

3.આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો ગાંધીજીના મુલ્યો હતા. મોક્ષ પ્રાપ્તિ એટલે અશુદ્ધ વિચારોમાંથી મુક્તિ અને નૈતિક મૂલ્ય એટલે નૈતિક ફરજો નિયમો અને ધર્મ. ગાંધીજીના તમામ કાર્યોમાં આપણને તેના પાયામાં નૈતિક મૂલ્ય જોવા મળે છે.

વ્યવસાયિક સમાજકાર્યના મૂલ્યમાં માનવીનું ગૌરવ લોકશાહી અને સામાજિક ન્યાય મુખ્ય છે.

4.ગાંધીજીના સમાજકાર્યમાં તેમણે આપેલા 11 વ્રતો એ તેમના કાર્યકરો માટે કામ કરવા માટેની આચારસંહિતા હતી

વ્યવસાયિક સમાજકાર્ય માં સમાજ કાર્યના સંગઠને સમાજ કાર્યકરોએ કામ કરતી વખતે શો કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે દર્શાવતી આચાર સંહિતા નક્કી કરી છે આચાર સંહિતા દરેક સમાજ કાર્યકરે પોતાની વ્યવસાયિક વ્યવહારમાં આચરવી જરૂરી બને છે.

5.ગાંધીજીના કાર્યમાં આચાર અને વિચારમાં સામ્યતા જોવા મળે છે. એટલે કે ગાંધીજી લોકો સમક્ષ જે વિચાર મુકે છે તે લોકો અપનાવી શકશે કે કેમ તે સમજવા માટે સૌથી પહેલા તે પોતે તેનું આચરણ કરી જોવે છે અને પછી તે પોતાનો વિચાર સમાજ સમક્ષ મુકે છે.બીજા અર્થમાં જોઇએ તો તેમની કરણી અને કથનીમાં સામ્યતા જોવા મળે છે આજે આપણે જોઇએ કે સમાજમાં કામ કરતા લોકોનું જીવન જુદું હોય છે અને સમાજ સાથે જ્યારે તે કામ કરે છે ત્યારે તે જુદી વાત કરે છે માટેજ લોકો તેમની વાતને અપનાવતા નથી.

6.વ્યવસાયિક સમાજકાર્યમાં સમાજ કાર્યકર સેવાર્થી માટે જેવું વિચારે છે તેવું પોતાનું આચરણ હોતું નથી.   માટે જ  ગાંધીજીની સ્વીકૃતિ વધુ બને છે.ગાંધીજીનો અભિગમ લાગણીશીલ હતો-ગરીબ સ્ત્રીને જોઇને ગાંધીજીએ કચ્છ ધારણ કર્યો, એટલે કે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી.

વ્યવસાયિક સમાજકાર્યકરમાં લાગણી હોવી જરૂરી છે પણ લાગણીશીલ બની જવાની જરૂર સમજવામાં આવતી નથી. સમાજકાર્યકરે લાગણીની બાબતમાં તટસ્થ રહેવાનું એટલે કે લાગણીમાં ખેંચાયા વગર કામ કરવાનું જરૂરી સમજવામાં આવે છે.

7.ગાંધીજી લોકો સાથે જ્યારે કામ કરતા ત્યારે તેમની સાથે ખૂબ નિકટના સંબંધો ઉભા કરતા અને દરેક લોકોને પોતાના બનાવી લેતાં. દરેકને ગાંધીજી પોતાના લાગતા. એમ કહેવાય છે કે એક વખત ગાંધીજી સાથે જેઓ સંપર્કમાં આવે છે તેઓ ક્યારેય ગાંધીજીને છોડી શકતા નથી.

વ્યવસાયિક સમાજકાર્યમાં સમાજકાર્યકરો વ્યવસાયિક સંબંધો બાંધે છે.જે વ્યવસાય પૂરતા  મર્યાદિત હોય છે. જેમાં કામ માટે સંબંધો બાંધવામાં આવે છે અને કામ પૂરું થતાં સંબંધોનો અંત લાવવામાં આવે છે.

8.ગાંધીજી સમસ્યા અને સમસ્યાગ્રસ્ત વ્યક્તિ સાથે તાદાત્મ્ય સાધતા એટલે કે એકરૂપ થઈ જતાં.

વ્યવસાયિક સમાજકાર્યમાં સમસ્યા સાથે તાદાત્મ્ય સાધવામાં આવે છે પરંતુ સમસ્યાગ્રસ્ત વ્યક્તિ સાથે નહીં. વસ્ત્રહીન અથવા જેમની પાસે ખૂબ ઓછા વસ્ત્ર છે તે  જોઈને ગાંધીજીએ પોતે પોતાના શરીર પર જરૂર પુરતા જ વસ્ત્ર પહેરવાનો નિર્ણય કર્યો તે ઉદાહરણ સમસ્યા અને સમસ્યાગ્રસ્ત વ્યક્તિ સાથે તાદાત્મ્ય સાધવાનું છે.

9.ગાંધીજીની પદ્ધતિ એવી હતી કે સામેની વ્યક્તિનું હૃદય પરિવર્તન થતું. ગાંધીજી સામેની વ્યક્તિને પોતાની આંતરખોજ કરવાની તક પૂરી પાડતા. જેથી તેઓને પોતાની ભૂલ સમજાય છે અને તેને બદલવા માટેનો પ્રયત્ન કરેં છે.

વ્યવસાયિક સમાજકાર્યોમાં વ્યક્તિની સમસ્યાને સમજીને તેને દિશાઓ રસ્તાઓ કે ઉપાયો શોધવામાં મદદ કરીને તે દિશામાં તેમને લઈ જવાનો પ્રયત્ન થાય છે.

10.ગાંધીજીનું જીવન ખુલ્લી કિતાબ જેવુ હતું. તેમના જીવનમાં પારદર્શક્તા હતી, કશું જ  ખાનગી નહોતું. તેમણે કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ. તેમણે અંગતમાં  અંગત બાબતો સમાજ સમક્ષ મૂકી છે

વ્યવસાયિક સમાજકાર્યમા સમાજ કાર્યક્રરોનું જીવન લોકો કે સમુદાયથી ખાનગી હોય છે, તેઓ તેમની સમક્ષ પોતાના જીવન વિષે કશુજ કહેતા નથી. સેવાર્થી વિશે તેની સમસ્યાને સમજવા માટે સમાજકાર્યકર તેના વિષે બધી જ માહિતી લે છે. જો ભૂલથી પણ કોઈ સેવાર્થી સમાજ કાર્યકરને તેમના બાબતે અંગત પ્રશ્ન પૂછે તો સમાજકાર્યકર તેને ટાળે છે. આમ સમાજ માટે કામ કરતા સમાજકાર્યકરોનું જીવન સંપૂર્ણપણે ખાનગી હોય છે.

11.ગાંધીજી સમષ્ટિથી વ્યક્તિઓ સુધી પહોંચે છે.  એટલે કે તેમની પદ્ધતિ વ્યક્તિઓના પ્રશ્નોના ઉકેલ માટે પૂરા સમાજમાં તે બાબતનો સુધાર લાવવા માટેની હોય છે તેઓ માને છે કે એક એક વ્યક્તિનો પ્રશ્ન ઉકેલવા રહીશું તો સમગ્ર  સમાજના પ્રશ્નો છે તેની  સાથે કામ કરવું વધારે જરૂરી માને છે.

 જ્યારે વ્યવસાયિક સમાજકાર્યમાં મોટેભાગે વ્યક્તિઓ સાથે કામ કરવામાં આવે છે. વ્યવસાયિક સમાજકાર્યનો ઉદ્ભવ જ કેસ વર્કથી થયો છે. વ્યવસાયિક સમાજ્કાર્યકર માંને છે કે પૂરા સમુદાય સાથે કામ કરવું વધારે ચૅલેન્જિંગ છે. સમુદાયને સુધારવો કે બદલાવાનું કામ વધારે મુશ્કેલ હોય છે.

12.ગાંધીજીએ પોતાની વિચારસરણી માટે એક ફોજ તૈયાર કરી હતી તેની તાલીમ માટે આશ્રમો સ્થાપ્યા હતા. ગાંધીજીએ સમાજના પ્રશ્નોના ઉકેલ માટે રચનાત્મક કાર્યક્રમો આપ્યા આ કાર્યક્રમો માટે તેમણે અનેક રચનાત્મક કાર્યકરો તૈયાર કર્યા. ગાંધીજીના આશ્રમો તે આ તાલીમો માટેની જગ્યા હતી. જેમાં ગાંધીજી જેવા વ્યક્તિઓ સાથે કામ કરતા કરતા કાર્યકરો તૈયાર થતા હતા.

વ્યવસાયિક સમાજકાર્યમાં માન્ય વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓમાં જ સમાજકાર્યકરોનું શિક્ષણ થાય છે. આવી સંસ્થાઓમાં ડિગ્રી પ્રાપ્ત વ્યક્તિઓને વ્યવસાયિક સમાજકાર્યકર કહેવામાં આવે છે. જેમાં વર્ગ શિક્ષણ ક્ષેત્રકાર્ય મહત્વના હોય છે.

13.સર્વોદય સમાજ રચનાનો ખ્યાલ-શોષક અને શોષિત બન્નેનું કલ્યાણ જોવામાં આવે છે. ગાંધીજી એ રસ્કિનના પુસ્તકનો અનુવાદ કરીને તેનું નામ સર્વોદય આપ્યું. તેમણે કહ્યું કે સમાજમાં તમામ વ્યક્તિઓ નાતો શોષક હોય નાતો શોષિત હોય, તોજ઼ સમાજ સુખી બની શકે છે. શોષક વ્યક્તિનો પણ ઉદય થવો જરૂરી છે.

વ્યવસાયિક સમાજકાર્યમાં સમાજ કાર્યકરો મુખ્યત્વે જે શોષિતો હોય છે તેમને મદદ કરેં છે. કારણ કે શોષકને કે અન્યાય કરનારમાં બદલાવ લાવવા નું કામ મુશ્કેલ હોય છે. એટલે સમાજ કાર્યકરની મદદથી એક વખત વ્યક્તિ શોષણ મુક્ત થાય છે, પરંતુ સમાજમાં રહેલા શોષકો દ્વારા ફરીથી તેમનું શોષણ નહીં થાય તેવી કોઈ ખાતરી હોતી નથી. સિવાય સમાજકાર્યકર દ્વારા તેમનું યોગ્ય સશક્તિકરણ થયું હોય.

14.સત્યાગ્રહ અને રચનાત્મક કાર્યક્રમો એ ગાંધીજીના સમાજ પુનર્નિર્માણના સાધનો હતાં-

 ગાંધીજી માનતા હતા કે કોઈ પણ વ્યક્તિ કે સમુદાયને અન્યાય થાય છે તેવી અનુભૂતિ તેમને થાય ત્યારે તેમણે આ અન્યાયનો વિરોધ કરવો જોઇએ. હા વિરોધ પણ અહિંસકમાર્ગે થવો જોઇએ. તેને માટે ગાંધીજીએ સત્યાગ્રહની પદ્ધતિ આપી. દેશનું પરિભ્રમણ કરતા ગાંધીજીને જ્યારે સામાજિક આર્થિક પ્રશ્ન દેખાયા ત્યારે તેમને થયું કે માત્ર ગુલામીમાંથી આઝાદી મળે એટલું જરૂરી નથી પરંતુ આ સ્થિતિમાંથી લોકો બહાર આવે તે જરૂરી છે. જેને માટે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો આપ્યા જે સમાજ પુનર્નિર્માણના હતા.

વ્યવસાયિક સમાજકાર્યમાં સમાજ કાર્યકર સ્થાનિક, સરકારી અને સંસ્થાગત સાધનો દ્વારા સમસ્યા નિવારણ કરવાનો પ્રયત્ન કરેં છે તેમનું ફોકસ સમાજને બદલવાનું ઓછું હોય છે. પરંતુ તત્કાલીન સમસ્યાનો ઉકેલ આવે તે મહત્વની બાબત ગણવામાં આવે છે.

15.અન્યાય પ્રતિકાર માટે લોકશક્તિ જગાડવી અને ન્યાય ના મળે ત્યાં સુધી લડવું એ સામાજિકક્રિયા પદ્ધતિનો ઉપયોગ ગાંધીજી દ્વારા થતો. જેમાં સમસ્યાની સમજથી તેના ઉકેલ અને મૂલ્યાંકન સુધી લોકોની ભાગીદારી હોય છે જે સમાજકાર્યમાં પણ જરૂરી માનવામાં આવે છે. ગાંધીજીની સામાજિકક્રિયાય પદ્ધતિનો ઉપયોગ વ્યવસાયિક સમાજકાર્યમાં પણ થાય છે.

વ્યવસાયિક સમાજકાર્યમાં સામાજિક અન્યાયના મુદાઓ/સમસ્યાઓમાં વ્યવસાયિક સમાજ કાર્યકર ઓછો રસ લે છે. સંઘર્ષની ભૂમિકાને બદલે સીધી સહાય, પુનર્વસન જેવા કાર્યો કરવા તેઓ વધુ પસંદ કરે છે.

16.રાજકારણમાં સક્રિય બન્યા વગર કોઈ સમસ્યાનો ઉકેલ લાવી ના શકાય, તેવું ગાંધીજી માનતા   હતા. ગાંધીજીને મન વ્યક્તિ અને સમાજના તમામ મુદ્દાઓ રાજકીય છે અને તેથી તેનાથી અલિપ્ત રહીને તેની સમસ્યાનો હલ કરી શકાય નહીં તેવું તેમનું માનવું હતું. રાજકારણમાં સક્રિય થવું એટલે ચૂંટણી લડવી કે વિધાનસભા, સંસદ સભામાં સભ્ય થવું જરૂરી નથી, પરંતુ વ્યક્તિ સભાનપણે પોતે જ્યાં જીવે છે ત્યાં બનતી ઘટનાઓ સમસ્યાઓ પ્રતિ જાગૃત રહે, શાસકોનું ધ્યાન દોરે તેને પણ રાજકારણમાં સક્રિય થવું કહી શકાય. ગાંધીજીને કોઈએ એક વખત પૂછ્યું હતું કે શું તમે રાજકારણમાં સક્રિય બનશો? ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે હું રાજકારણમાં સક્રિય બન્યા વગર રહી શકું તેમ નથી.

વ્યવસાયિક સમાજકાર્યકરો એમ માને છે કે રાજકારણથી દૂર રહીને સમાજના લોકોને મદદ કરવી. કારણ કે રાજકારણમાં ખૂબ ગંદકી છે જો તેની સાથે જોડાઈશું તો અનેક છાંટા ઉડી શકે છે તેથી તેઓ મોટેભાગે રાજકારણથી દૂર રહેવામાં જ સમજદારી માને છે.

17.ગાંધીજીની પધ્ધતિમાં લોકશાહી પ્રક્રિયા છે પરંતુ જ્યાં લોકો, સમાજનું હિત જોખમાય છે ત્યારે ગાંધીજી લોકોવતી નિર્ણય લે છે, તેઓ શિસ્તના કડક આગ્રહી છે તે બાબતમાં સ્વેચ્છાને કોઈ અવકાશ માનતા નથી.

વ્યવસાયિક સમાજકાર્ય લોકશાહી સિદ્ધાંતોના પ્રસ્થાપન માટે પ્રયત્ન કરે છે. અસામાન્ય સંજોગોમાં જરૂર હોય ત્યારે ક્યારેક સીધી સહાય પણ કરે છે. સેવાર્થી પર કશું લાદવું નહી તે માન્યતાને વળગી રહે છે અને તેને ભોગે તેમના વતી નિર્ણય લેવાનું ટાળે છે. એટલેકે સમાજકાર્યકરો ઘણી વખત સેવાર્થીના હિતમાં પણ પોતાના હિતને જોખમમાં મુકવાનું વિચારતાં નથી પોતાની સેફ સાઈડ રાખીને સેવાર્થી ને જેટલી પણ મદદ થાય તેટલી મદદ કરવાનું મુનાસીફ સમજે છે.

18.ગાંધીજીને વિચારધારાથી પ્રભાવિત થઈને અનેક લોકો ગામડાઓમાં જઈને બેઠા. સ્થાનિક પ્રશ્નમાં કામે લાગી ગયા. આમ ગાંધીજી સાથેના કાર્યકરો એ કોઈ નોકરી કરનારા ન્હોતા સમાજસેવા એ જ એમનું લક્ષ્ય હતું. દરેક કાર્યકર એક વ્યક્તિ એક સંસ્થા બની.

વ્યવસાયિક સમાજકાર્યમાં મોટેભાગે સમાજકાર્યનું શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ સરકારી સેવાઓ સંસ્થાઓમાં નોકરીમાં જોડાય છે બહુ ઓછા એવા હોય છે જે અંતરિયાળ વિસ્તારમાં જઈને લોકો સાથે રહીને તેમની આપદાને સમજીને તેમના જીવનને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરે છે તેને માટે પોતાના જીવનને કુરબાન કરતા કેટલાક યુવાનો ઉદાહરણરૂપ છે.

ઉપર જણાવ્યાં મુજબ ગાંધીજીની કાર્યપદ્ધતિ અને વ્યવસાયિક સમાજકાર્યની કાર્યપદ્ધતિમાં કેટલીક સામ્યતા અને તફાવત જોવા મળે છે.