વ્યાવસાયિક સમાજકાર્ય અને ગાંધીવિચાર આધારિત સમાજકાર્યમાં ઘણો તફાવત છે.પરંતુ ગાંધીવિચારનું જે તત્વ છે તે આજે અને આવતા સમયમાં અને કોઈ પણ દેશકાળ માટે એટલું જ પ્રસ્તુત રહેવાનુ છે.વ્યાવસાયિક સમાજકાર્યના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છે –જ્ઞાન,મૂલ્યો અને કુશળતા. તેને આધારે વ્યક્તિ ,જુથ અને સમુદાયને મદદ કરવા માટેની પધ્ધતિઓનો વિકાસ થયો છે.તેમાં ગાંધી વિચાર કેવી રીતે ઉપયોગી થઈ શકે તે જોઈએ.
1. સમાજકાર્ય ની એક મહત્વની પધ્ધતિ સામાજિક ક્રિયા પધ્ધતિ છે .જે ગાંધીજીની અહિંસક સત્યાગ્રહની પધ્ધતિ જેવી છે.પણ સમાજકાર્યમાં આપણે આ પધ્ધતિ કરતાં અન્ય બીજી પધ્ધતિઓનો વધારે ઉપયોગ કરીએ છીએ.કારણ કે સામાજિક ક્રિયા પધ્ધતિમાં લોકોને સમાજમાં થતાં અન્યાય,શોષણ,ભેદભાવ સામે અવાજ ઉઠાવતા કરવાના છે,જે કાર્ય સામા પ્રવાહે તરવાનું છે,સમાજના સ્થાપિત હિતો સામે લડવાનું છે. સમાજકાર્યકરોને આવા કાર્યો મુશ્કેલ લાગે છે.પરંતુ સમાજ પરીવર્તન માટે તે મહત્વના છે.અને તે માટે ગાંધીજીએ અહિંસક સત્યાગ્રહ કેવી રીતે કરી શકાય તેના ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યા છે.જે સમાજકાર્યકર માટે ઉપયોગી છે.
2. ગાંધીજીએ જે રચનાત્મક કાર્યક્રમો આપ્યા તે કોઈપણ સમુદાયના સર્વાંગી વિકાસ માટેના હતા.સમાજકાર્યમાં જે સમસ્યાઓ,મુદ્દાઓ કે ક્ષેત્રમાં કાર્ય કરીએ છીએ તે વાગ્યા પછીના ઉપચાર જેવા છે,જ્યારે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો એ સ્વસ્થ સમાજની રચના માટેના છે.જે સમાજ કાર્યકર માટે મહત્વના છે.
3. ગાંધીજી જે મૂલ્યોમાં માનતા હતા તે આધ્યાત્મિક અને નૈતિક બંને મૂલ્યો સમાજકાર્યકર માટે આજના સંદર્ભમાં એટલાજ મહત્વના બને છે. ગાંધીજીને મન આધ્યાત્મિક હોવું એટલે અશુધ્ધ વિચારોમાંથી મુક્તિ અને નૈતિકતા એટલે આચરણના નિયમો.જેને માટે તેમણે અગિયાર વ્રતો બનાવ્યા હતા.આજના ભોગવાદી યુગમાં આ નૈતિક નિયમોનું પાલન અત્યંત જરૂરી બન્યું છે.પર્યાવરણીય અસમતુલા, ભ્રષ્ટાચાર, ગરીબી,ગળાકાપ હરીફાઈ,ભેદભાવો,પૈસા પાછળની આંધળીદોટમાંથી સર્જાતી સમસ્યાઓને અટકાવવાના ઉપાય તરીકે સમાજકાર્યકર માટે ગાંધીજીના આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો મહત્વના બને છે.
4. આજે જ્યારે સમાજમાં વ્યાપક સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે ગાંધીજીની જેમ આખા સમુદાયને ધ્યાનમાં રાખીને વ્યાપક પ્રશ્નો હાથ પર લેવા જરૂરી બને છે.વ્યાપક પ્રશ્નોમાં કામ કરવામાં ગાંધીજીની પધ્ધતિ,સમસ્યાઓનું આકલન કરવું,લોકજાગૃતિ પેદા કરવી લોકશક્તિને સંગઠિત કરવી, કાર્યક્રમો આપવા વગેરે આજના સમાજકાર્યકરે સમજવા અને તે પ્રમાણે કાર્ય કરવું મહત્વનુ બને છે.
5. આજના સમાજ કાર્યકરોએ ગાંધીજીમાંથી અમલ કરવા જેવુ હોય તો તે ગાંધીજીની આચાર-વિચારમાં સામ્યતા છે. ગાંધીજી પોતે જે વિચારે છે તે બીજા સમક્ષ મૂકતા પહેલા પોતાના આચરણમાં મૂકે છે. એટલે તે લોકસ્વીકૃત વધારે બને છે,વધારે પ્રભાવક બને છે.માટે સમાજકાર્યકરે પોતે વધુ પ્રભાવક બનવું હોય તો પહેલા મૂલ્યોને પોતાના આચરણમાં મૂકવા પડે. પોતે જે કહે છે તે પ્રમાણે પોતાનું આચરણ જરૂરી છે.મૂલ્યો પ્રમાણેનું આચરણ જરૂરી છે.
6. સમાજકાર્યકર કેટલીક વખત/મોટે ભાગે તંત્રનો ભાગ બની જાય છે. તેને સ્વીકારીને ચાલે છે.સમાજ કાર્યકર મોટે ભાગે અન્યાયનો પ્રતિકાર કરવાનું ટાળે છે.અન્યાયનો પ્રતિકાર અને તેની પધ્ધતિ આજની સમસ્યાઓ માટે સમાજકાર્યકર માટે ખૂબ જ ઉપયોગી છે.આ એવી પધ્ધતિ છે જેમાં અન્યાયનો પ્રતિકાર કરવાથી અન્યાયકર્તા સાથેના સંબંધો બગાડતાં નથી.પરંતુ તેને આત્મમંથન કરવા તરફ દોરે છે.તેને ન્યાય આપીને ન્યાયી મેળવવાની દિશામાં લઈ જાય છે.
7. આજે શહેરીકરણ વધી રહ્યું છે,કારણ કે ગામડાઓની જમીનો વેચાઈ રહી છે,ખેતી ઓછી થઈ રહી છે, ત્યારે ગાંધીજીનો ગ્રામીણ સ્વાવલંબનનો ખ્યાલ વધુ પ્રસ્તુત બનતો જાય છે.એ દ્રષ્ટિએ આજના સમાજકાર્યકરોએ ગામડાઓના વિકાસમાં ટકાઉ ખેતી,પાણીના સ્ત્રોતનું જતન,જીવનશૈલી,ગામ આધારિત ઉદ્યોગો,રોજગારીની તકોની દિશામાં કાર્ય કરવાની જરૂરિયાત છે તે માટે સમાજકાર્યકરે ગાંધીજી અને તેમના સાથીદારો જુગતરામ દવે,ઠકકરબાપા,ડાહ્યાભાઇ નાયક,બબાલભાઈ મહેતા વગેરેએ જે રીતે ગ્રામ નવરચનાના કાર્યો કર્યા તે સમજવા અને તે દિશામાં કાર્ય કરવું મહત્વનુ બને છે.
8. ગાંધીજીના સર્વોદયના ત્રણ સિધ્ધાંતો સમાજકાર્યકરો માટે પોતાના કાર્યના કેન્દ્ર સ્થાને રાખવા જરૂરી છે. બધાના ભલામાં આપણું ભલું એટલે કે વ્યક્તિ સમાજ સાથે પોતાના પરિવારની જેમ વર્તે તો સમગ્ર સમાજનું કલ્યાણ થાય.વકીલ અને વાળંદની રોજી સમાન હોવી જોઈએ,કારણ કે બંનેને આજીવિકાનો સમાન હક્ક છે. એટલે કે બુધ્ધિ અને શ્રમિકોનું વિભાજન યોગ્ય નથી.ખેડૂત પણ પોતાની બુધ્ધિનો ઉપયોગ કરીને ખેતીમાં પરીવર્તન લાવે છે અને બૌધ્ધિક કાર્યો કરનાર પોતાની બુધ્ધિનો ઉપયોગ કરીને કમાય છે. સમાજમાં શ્રમનું ગૌરવ વધુ મહત્વનુ છે. ત્રીજું,મજૂરીનું સાદું ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.આખરે સમાજે પર્યાવરણના પ્રશ્નોમાંથી મુક્ત થવું હશે તો ખેડૂતના જીવનને અપનાવવાની દિશામાં જવું પડશે .
0 Comments