ગાંધીજીએ પોતાનું કાર્યક્ષેત્ર ભારત પૂરતું મર્યાદિત રાખ્યું હતું.પરંતુ એમનું મિશન પોતાના દેશ પૂરતું સીમિત નહોતું,તે તો સમસ્ત માનવજાતિની સેવાનું હતું.તે ભારતની આઝાદી માટે જ લડ્યા,પણ એમનું ધ્યેય માત્ર ભારતને આઝાદ કરવાનું નહોતું,ભારતની આઝાદી મારફતે તે દુનિયાની તમામ ગુલામ પ્રજાઓને મુક્ત કરવા માંગતા હતા. તેમના આર્થિક કાર્યક્રમોનો હેતુ શોષણમુક્ત સમાજ રચનાનો હતો. પણ એમાય એમનું અંતિમ લક્ષ્ય તો, જગત શોષણ અને હિંસામાંથી કેમ બચે,એનો માર્ગ શોધવાનું જ હતું. ગાંધીજીના સત્યાગ્રહના વિચારોથી પશ્ચિમના લોકો પ્રભાવિત થયા છે.આજે ગાંધીજીના વિચારો વિશ્વવ્યાપી બની ગયા છે.
ઔદ્યોગિક ક્રાંતિ બાદ માલિકો અને મજૂરો વચ્ચેના વર્ગભેદ અને દ્વેષ જ્યારે વધારે ઘેરા બન્યા ત્યારે કાર્લ માર્કસે વર્ગ વિગ્રહની આગાહી કરેલી.પશ્ચિમની વિકસિત પ્રજાએ પૂર્વની અલ્પવિકસિત પ્રજાઓને ગુલામ બનાવીને તેમનું શોષણ શરૂ કર્યું હતું.એટલુજ નહીં પણ ગોરા અને અશ્વેત વચ્ચે ભેદભાવ અને રંગદ્વેષની દીવાલો ઊભી થઈ.
આ પરિસ્થિતિમાં શોષક અને શોષિત વચ્ચે હિંસક અથડામણો ઊભી થઈ.રશિયામાં માર્ક્સવાદી વિચારોને લઈને લેનિને જગતના પ્રથમ સામ્રાજ્યવાદી રાજ્યનું સર્જન કર્યું,તે પછી ચીનમાં પણ હિંસક સામ્યવાદી ક્રાંતિ થઈ.ઈંગ્લેન્ડ,ફ્રાંસ,પોર્તુગલ વગેરે પશ્ચિમના દેશોએ ઓછાવત્તા પ્રમાણમાં એશિયા-આફ્રિકાના પ્રદેશોમાં પોતાના સામ્રાજયો જમાવ્યા.સામ્રાજ્યવાદની એ સ્પર્ધામાં બે વિશ્વ યુધ્ધો પણ લડાયા.અમેરિકા જેવા વિકસિત દેશ જે લોકશાહીમા વિશ્વાસ ધરાવનાર છે તે દેશમાં લિંકનની ગુલામી મુક્તિની જાહેરાત બાદ આજે પણ હબસી પ્રજા ગોરી પ્રજા સાથે એકરૂપ થઈ શકી નથી.
20મી સદીની ત્રણ મોટી સમસ્યાઓ-સામ્રાજ્યવાદ,રંગદ્વેષ અને યુધ્ધનું નિરાકરણ હિંસા કે મારામારી વિના કેવી રીતે લાવી શકાય તેની સમસ્યાઓના ઉકેલ માટે ગાંધીજીની કાર્ય પધ્ધતિમાં જગતને આશા દેખાઈ.
ગાંધીજીએ ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્ય નાબૂદ કરવા માટે અહિંસક પ્રતિકારનો પ્રયોગ કર્યો. ભારત બ્રિટન વચ્ચે શાંતિપૂર્વક સત્તાની ફેરબદલી થઈ,બંને વચ્ચે મૈત્રીભર્યા સંબંધો રહ્યા અને ભારતમાં રાજકીય રીતે સ્થિર લોકશાહી રાષ્ટ્રનું નિર્માણ થયું.
ભારતની આઝાદી બાદએક જ દશકામાં એશિયા-આફ્રિકાના બીજા અનેક ગુલામ રાજ્યો પણ એક પછી એક પરદેશી શાસનની નાગચૂડમાંથી મુક્ત થયા,અને આઝાદીની એમની હિલચાલોમાં હિંસા કે કડવાશનું પ્રમાણ ઓછું રહ્યું.ભારતની આઝાદીની લડતની ગાંધીજીની પધ્ધતિનો તેમના ઉપર પ્રભાવ પડ્યો. ગાંધીના માર્ગે લડત આપનાર જુદા જુદા દેશના કેટલાકને તે દેશના ગાંધી તરીકે ઓળખવામાં આવ્યા.જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.
1, માર્ટિન લૂથરકિંગ અને નિગ્રો આંદોલન –
અમેરીકામાં નિગ્રો કોમમાંથી સૈકાઓ જૂનો અન્યાય દૂર કરવા માર્ટિન લ્યુથર કિંગે અહિંસક પ્રતિકારનો માર્ગ અપનાવ્યો.આ પ્રેરણા તેમને ગાંધીજીના ગ્રંથોમાંથી મળી હતી. તેમણે લખ્યું છે,”જેમ જેમ હું એમના પુસ્તકો વાંચતો ગયો તેમ તેમ તેમના અહીંસક પ્રતિકારના આંદોલનોનો મારા ઉપર ઊંડો પ્રભાવ પડતો ગયો .ગાંધીજીનો સત્યાગ્રહ અંગેનો સમગ્ર ખ્યાલ મારા માટે અર્થ સૂચક હતો …..”1959માં તેમણે ભારતની યાત્રા કરી.યાત્રા દરમ્યાન ભારતના લોકોના મનમાં કોઈ કડવાશ કે દ્વેષ નહોતો તે ઉપરથી તેમને પ્રશ્ન થયો કે નિગ્રો લોકો નાગરિક સમાનતા પ્રાપ્ત કરવા અહિંસાના સિધ્ધાંતો પર કેમ ના ચાલી શકે ? આ વિચારથી માર્ટિન લ્યુથર કિંગના જીવનમાં પરિણામ આવ્યું.
લ્યુથર કિંગે કહ્યું હતું,”નિગ્રો લોકોએ એ હદે પહોંચવું જોઈએ કે તેઓ પોતાના ગોરા ભાઈઓને કહી શકે કે,”અમારા ઉપર જુલ્મ ગુજારવાની તમારી શક્તિનો મુકાબલો અમે એટલા જ પ્રમાણમાં અમારી કષ્ટ સહન કરવાની શક્તિ કેળવીને કરીશું. તમારા શરીરબળનો મુકાબલો અમે આત્મબળથી કરીશું.અમે તમારો તિરસ્કાર નહીં કરીએ,પરંતુ અમે તમારા જુલમી કાયદાઓ સહન કરીશું નહીં.અમારી સહન કરવાની શક્તિ વડે અમે તમને ટૂંક વખતમાં થકવી દઇશું. અને અમે જીત મેળવીએ એ દરમ્યાન અમે ફક્ત અમારા પોતા માટે સ્વતંત્રતા પ્રાપ્ત કરીશું એટલું જ નહી, પણ અમે તમારા હ્રદય અને અંતરાત્માને એવો સ્પર્શ કરીશું કે તમારો પણ હૃદયપલટો થઇ જશે. આ રીતે અમારી જીત એ બેવડી જીત હશે. અમે બૂરી પ્રથાને હરાવીશું અને તેવીપદ્ધતિ ચલાવનારાઓના હૃદય અને આત્માને જીતી લઈશું.”
આમ અહિંસાની ભાવનાથી ડો. કિંગ જીવનના અંત સુધી લડતા રહ્યા. 1955 માં એમણે કરેલો સામુદાયિક બસ અસહકાર 1963માં નાગરિક મતાધિકાર માટે યોજેલી જંગી કુચ, વગેરેમાં આપણને ગાંધીજીની સત્યાગ્રહની કાર્યપધ્ધતિનું દર્શન થાય છે. નીગ્રો લોકો ને અહિંસક આંદોલનથી પ્રભાવિત થઈને પ્રમુખ કેનેડીએ નિગ્રોના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપેલુ કે પોતે રંગદ્વેષ નાબૂદ કરશે. એ માટે અમેરિકાની કોંગ્રેસ સમક્ષ નીગ્રો લોકોના નાગરિક અધિકારો માટેનું બિલ પણ રજુ કર્યું હતું. તે દરમિયાન એમની હત્યા થવાથી પ્રમુખ જોન્સને એ બિલ પર સહી કરી. 100 વર્ષનાં ભારે જહેમતભર્યા અને લોહિયાળ માર્ગે જે સિદ્ધ થયું નહોતું તે ડો.કિંગે મહાત્મા ગાંધીની કાર્યપદ્ધતિથી માત્ર 10 જ વર્ષમાં કરી બતાવ્યું. ગાંધીજીની જેમ 1968 માં તેમની હત્યા થઇ.
2. દાનીલો દોલચી-ઇટાલીના ગાંધી
ડો. કિંગની જેમ ઇટાલીના સિસિલી ટાપુમાં દાનીલો દોલચીની અહિંસક કાર્યપદ્ધતિએ સીસીલિના દીન હીનોમાં આશાનો સંચાર કર્યો. દોલચીના ઉપવાસ આને હડતાલમાં અહિંસક શસ્ત્રોથી ત્યાંની સરકારને અમુક લોકહિતના કાર્યો કરવાની ફરજ પડી છે. છેલ્લા ચાલીસેક વર્ષથી ચાલતા એમના હિંસાના આ પ્રયોગે દુનિયાનું ધ્યાન ખેંચ્યું. દોલચીની કાર્યપદ્ધતિ ગાંધીજીની કાર્યપદ્ધતિને એટલી બધી મળતી આવતી હતીકે ઇટાલીની જનતા તેમને ઇટાલીના ગાંધી તરીકે ઓળખે છે.
3. લાન્ઝાડેલ વાસ્તો ઉર્ફે શાંતિદાસ –
ફ્રાન્સમાં પેરિસથી 1000 કિલોમીટર અંતરે ગાંધીજીના અંતેવાસી લાન્ઝાડેલ વાસ્તોએ એક આશ્રમની સ્થાપના કરી છે. 1200 એકર જમીન ધરાવતો સો સભ્યોનો આશ્રમ ગાંધીજીની આશ્રમી પદ્ધતિથી ચાલે છે. આશ્રમ મારફતે લાન્ઝાડેલ વાસ્તોએ ફ્રાન્સમાં અહિંસાનું વાતાવરણ પેદા કર્યું છે. લાન્ઝાડેલ વાસ્તો માનતા હતા કે અહિંસા એ માનવીય ગુણ છે અને કોઈ પણ પ્રજા એ કેળવી શકે છે.
4.શ્રીલંકાના ગાંધી આર્યરત્ન –
આર્યરત્નએ બૌધ્ધાધર્મના મૂળ તત્વો અને ભાવનાને સર્વોદયની પ્રવૃત્તિ સાથે વણી લેતા શ્રીલંકાના લોકોમાં તેઓ વધારે લોકપ્રિય બન્યા.તેમણે શ્રીલંકાના 23000 ગામોમાંથી 800૦ ગામડાઓમાં શ્રમ શિબિર દ્વારા સમાજના ઉપલા વર્ગના લોકોને તેમાં પ્રવૃત્ત કર્યા. દેશભરમાં આવી શ્રમશિબિરો યોજાવા લાગી. શ્રમ શિબિર માત્ર લોકોપયોગી શ્રમ જ નહી પણ સર્વોદયના તત્વજ્ઞાનને ફેલાવતુ કેન્દ્ર બન્યું. તેઓ ગાંધીજી અને વિનોબાના સર્વોદય, ભૂદાન, ગ્રામદાનના વિચારથી ખૂબ પ્રભાવિત થયા. સર્વોદયની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રમ શિબિર, બાળકો માટે સેવાઓનું સંગઠન, ગ્રામોદય, ગ્રામ ટેક્નિકલ સેવા, નગર ઉદય, શિક્ષણવિકાસ, ભિક્ષુક સેવા, આંતરરાષ્ટ્રીય પ્રસાર કેન્દ્ર, ઉત્પાદન સેવા, સંશોધન, પૂરક સેવાઓ, પુનર્વસવાટ સેવાઓનો સમાવેશ થાય છે.
આ પ્રવૃત્તિઓમાં આર્ય રત્નને સરકારી સહાય પણ મળી. પરંતુ તેના ઉપર એવો આક્ષેપ થયો કે સિંહાલીઓ માટેજ તેઓ કાર્ય કરે છે. આમ તમિલ અને સિંહાલ વચ્ચેના પ્રશ્નોની અસર પડી. તેમણે સરકારી સહાય લેવાનું બંધ કર્યું. આજે પણ તેઓ 8000 ગામોમા આ કાર્ય કરી રહ્યા છે.
આ ઉપરાંત આફ્રિકી નિગ્રો આલ્બર્ટ લુથુલી, જાપાનના કાગાવ વગેરે પણ ગાંધીના માર્ગે લડત આપનાર ગાંધી કહેવાયા આમ ગાંધીના અહિંસક લડતનો પ્રભાવ દુનિયા ભરના દેશો પર જોવા મળે છે.
આજે તેઓ સૌ આપણી વચ્ચે રહ્યા નથી.પરંતુ તેમના કાર્યો દ્વારા તેમને ગાંધીજીની અહિંસક પદ્ધતિને વિશ્વભરમાં ફેલાવી,અને ઉદાહરણ પુરા પાડ્યા.
સંદર્ભગ્રંથો-ગાંધીજીનું ધર્મ દર્શન-મ જો પટેલ
-દેશ દેશના ગાંધી-રણછોડભાઈ પટેલ