ચીલાચાલુ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન અને ઉપભોગને જ મહત્વ આપે છે તેની માનવ જીવન ઉપરની બીજી અસરો તેમને મન ગૌણ બની જાય છે. ત્યારે ગાંધીજી અર્થનો વિચાર ધર્મની દ્રષ્ટીએ કરતા હતા. એટલે કે સમગ્ર માનવ જીવનની ઉન્નતિની દ્રષ્ટીએ કરતા હતા.છેવટે અર્થ એ પણ માનવ માટે જ છે એ વાત કેટલાક અર્થશાસ્ત્રીઓ ભૂલી જાય છે. ત્યારે ગાંધીજીને મન અર્થ મુખ્ય નથી પણ માનવ સુખ શાંતિ અને માનવ ઉન્નતી એ મુખ્ય છે.અને તેથી તેઓ ધર્મ ઉપર ભાર મુકે છે વિવેક વિનાની વિદ્યા જેમ માણસને રાક્ષસ બનાવી મુકે છે એમ ધર્મ વિનાનો અર્થ નકામો છે એ ગાંધીજીનાવિચારનો મુખ્ય સુર હતો. ગાંધીજીનો ધર્મનો ખ્યાલ જુદો હતો. જેમાં નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિની વાત છે.
ગાંધીજી માનતા હતા કે મનુષ્યએ પોતાની જરૂરિયાતો જેવી કે કપડા,ખોરાક,રહેઠાણ,કેળવણી વગેરે માટે જરૂરી આર્થિક પ્રવૃત્તિ સાધન શુદ્ધિનો આગ્રહ રાખીને યોગ્ય પ્રમાણમાં કરવી જોઈએ. પરંતુ તેથી વિશેષ જરૂરીયાતોને વધારી કે બહેકાવી મુકીને તેમને સંતોષવામાજ બધી જીવન શક્તિ રોકી દેવી એ કોઈ રીતે યોગ્ય નથી. ગાંધીજીની એ શ્રદ્ધા હતી કે,બધા માણસો શોષણ અને અનિચ્છનીય પરિગ્રહ કાર્ય વિના ભાઈચારાથી હળીમળીને વર્તે તથા જાતમહેનતથી, પોતાની આજીવિકા કમાવવાનો આગ્રહ રાખે તો એ બહુજ સહેલાઈથી પોતાની પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત કરી શકે અને પોતાની શેષ શક્તિ પોતાના નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં વાપરી શકે.
આર્થિક વ્યવસ્થામાં ગાંધીજી કેન્દ્રીકરણના વિરોધી હતા.કેન્દ્રીકરણ અનિવાર્યપણે આર્થિક સત્તાની ઈજારાશાહી નિર્માણ કરે છે અને તેમાંથી જાણે અજાણે શોષણ,ગુલામી અને અન્ય એવા દુષણો પેદા થાય છે.વળી યંત્રોના વધુ પડતા ઉપયોગથી વધારે પડતું ઉત્પાદન થાય છે. અને તે બેકારી અને વિલાસવૃત્તિની સમસ્યાઓ ઉભી કરે છે.તેથી ગાંધીજીએ પોતાની કલ્પનાની આર્થિક વ્યવસ્થામાં રેટીયાને કેન્દ્ર સ્થાન આપ્યું અને ભારતની તત્કાલીન પરિસ્થિતિમાં તેને વિકેન્દ્રિત સમાજ અને અર્થવ્યવસ્થાનું પ્રતિક બતાવ્યો. સ્થાનિક ઉદ્યોગોની પેદાશ દ્વારા જેની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે તેવા સ્વાવલંબી,સુખી,સંતોષી એવા ગામડાઓને એમણે પોતાની આદર્શ સમાજ વ્યવસ્થાનો એકમ ગણાવ્યો છે.
વીજળી કે એવી કોઈ માનવ શક્તિ મનુષ્યને ઘેર બેઠા એના કામમાં મદદ પહોંચાડી શકે તેની સામે ગાંધીજીને વાંધો નહતો.પરંતુ જો આવી શક્તિનો ઉપયોગ ઓછા લોકો જ કરી શકે અને જે લોકો એનો ઉપયોગ ના કરી શકે તેમને અસમાન પરિસ્થિતિ અને ગરીબીમાં ધકેલાઈ જવું. પડે તો ગાંધીજી તેને માન્ય કરવા તૈયાર નહોતા. એક જ સ્થળે યંત્રોના કાન ફાડી નાખે એવા ઘોંઘાટ અને આરોગ્યને હાનીકારક વાતાવરણ વચ્ચે ચાલતા કારખાનાની ઢબની ઉદ્યોગ વ્યવસ્થા તેઓ ક્યારેય પસંદ કરતા નહોતા.પ્રત્યેક વ્યક્તિને પોતાની આજીવિકા પ્રાપ્ત કરવાના સાધનો પર પુરેપુરો અંકુશ હોવો જોઈએ,અને પોતે પેદા કરેલી વસ્ત્તુઓનો ઉપભોગ કરવાની કે તેમાં વિનિમય કરીને ઉપભોગની વસ્તુ પ્રાપ્ત કરવાની સહજ સગવડ હોવી જોઇએ. એમ એમનું દ્રઢ માનવું હતું.આમ છતા આખા સમાજને અનિવાર્ય હોય એવા કેટલાક કેન્દ્રિત ઉદ્યોગોના તેઓ વિરોધી નહોતા.પરંતુ એની ઉપર સમાજનો અથવા સમાજના ટ્રસ્ટીઓ બનીને વર્તે એવી વ્યક્તિઓનો કાબુ હોવો જોઈએ એવું એમનું મંતવ્ય હતું.
ગાંધીજી પોતાની કલ્પનાનો સમાજ એકાએક રચાઈ જાય એવું માની લેવા જેટલા વ્યવહાર શૂન્ય નહોતા. તેથી તેમણે તેને માટે કેટલાક કાર્યક્રમો સમાજ સમક્ષ મુક્યા.જેમાં સૌથી પ્રથમ કાર્યક્રમ હતો ખાદીનો. ગાંધીજીની એ અપેક્ષા હતી કે એ કાર્યક્રમ દ્વારા ભારતના કંગાળ અને નિર્માલ્ય બની ગયેલા ગામડાઓનો સહજ રીતે ઉદ્ધાર થશે. અને આબાલ વૃદ્ધ સૌને એમાં પોતાનો સહયોગ આપવાની તક મળશે. ગાંધીજીએ પોતાની હયાતીમાં વિકેન્દ્રીકરણ ,સ્વદેશી અને પ્રાદેશિક સ્વાવલંબન ઉપર ઝોક આપ્યો હતો તેઓ માનતા હતા કે ભારત જેવા અતિ વસ્તીવાળા અને ઓછી જમીન ધરાવતા દેશનું આર્થિક જીવન ઊંચું લાવવું હોય તો વ્યાપક રોજ્ગારી મળે એ પ્રકારની તકો ઉભી કરવી જોઈએ. આ બધું કેન્દ્રિત મોટા ઉદ્યોગથી નહિ થઇ શકે.ઉદ્યોગનું યાંત્રીકરણ શરીર શ્રમ જરૂર બચાવે છે,પરંતુ ભારતને શરીર શ્રમ બચાવવાની જરૂર નથી,તેની જરૂર તો તેનો ઉપયોગ ઉત્પાદક હેતુઓ માટે કરવાની છે. તેથી જ ગાંધીજીએ ખાદી અને ગ્રામ ઉદ્યોગો પર ભાર મુક્યો છે. દેશની કાયાપલટ માટેની કોઈ પણ યોજનામાં દેશના પછાતમાં પછાત અને દ્રરીદ્રમાં દરિદ્રના ઉદ્ધારનો પ્રથમ વિચાર થવો જોઈએ.એ ગાંધીજીની આર્થિક યોજનાનો પાયાનો સિધ્ધાંત હતો.
આર્થિક ક્ષેત્રે માલિકો પોતાની મિલકતનો ઉપયોગ ટ્રસ્ટી તરીકે કરે એ એમના આર્થિક વિચારોની અનોખી દેણ છે. તે વિચાર દેખીતી રીતે વ્યવહારમાં ઉતારવો અઘરો જણાય છે.પરંતુ સમાજથી સુખશાંતિ અને આર્થિક સમાનતા બળથી કે કાયદાથી થવાની નથી પણ વિનોબાજીની ભૂદાનની પ્રવૃત્તિની માફક જમીનદાર અને કીશાનોના એકમેકના મેળથી જ થવાની છે એ વાત સિદ્ધાંતમાં ઘણા સ્વીકારે છે તેમ છતા વ્યવહારમાં ઉતારવી મુશ્કેલ છે એમ માને છે.પરંતુ સામુદાયિક અહિંસાની વાત જેમ ધીમે ધીમે વ્યવહારમાં સ્વીકારાતી જાય છે તેમ ટ્રસ્ટીશીપણાની વાત પણ ક્રમશ: સ્વીકારાશે અને એજ રીતે આર્થિક સમાનતા સ્થપાશે એમ જણાય છે. બાકી તો સમાજવાદી વ્યવસ્થામાં વ્યવસ્થાપકો,પ્રધાનો,અધિકારીઓ વગેરે ટ્રસ્ટીપણાનો ભાવ ના રાખે તો કદીયે સાચી સમાનતા અને શાંતિ થાય નહિ. તેથી જ ગાંધીજીની ટ્રસ્ટીપણાની વાત પણ નવા જમાનામાં અપનાવ્યા વગર છુટકો નથી.
આર્થિક સમાનતા,ટ્રસ્ટીપણુ,લોકશાહી,સમાજવાદ,ગ્રામોદ્યોગોનો વિકાસ અને પ્રજાકીય ઉન્નતી વગેરે માનવ વિકાસના કામો માટે તેમને ગ્રામ સ્વાવલંબન અને સહકારને પણ મહત્વ આપ્યું છે.
સ્વાવલંબનનો ખ્યાલ
ગાંધીજીનો સ્વાવલંબનનો ખ્યાલ સમજવા જેવો છે. તેમની દ્રષ્ટીએ દરેક વ્યક્તિ માત્ર ઉપભોગતા નહિ પણ તે ઉત્પાદક હોવો જોઈએ. ઉત્પાદન એ પણ વિપુલ પ્રમાણમાં નહિ પણ વિપુલ લોકો દ્વારા ઉત્પાદન થવું જોઈએ. જીવનધોરણ એટલે વધુ વપરાશ તેમ ઊંચું જીવનધોરણ નહિ ,પણ જીવનશૈલી સાદી અને વસ્તુઓનો જરૂર પુરતો ઉપયોગ.ગાંધીજી માનતા કે દરેક સમાજ સ્વનિર્ભર હોવો જોઈએ અને જરૂર પુરતું ઉત્પાદન જાતે કરતો હોવો જોઈએ ,કારણ કે પરાવલંબનથી શોષણ વધે છે,હિંસા વધે છે. ગાંધીજી કહે છે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની તમામ વસ્તુનું ઉત્પાદન કરી શકે નહિ. પણ પોતાની જરૂરીયાત માટે સૌથી પહેલા પાડોશી પછી ગામ, પછી અન્ય ગામ ,પછી રાજ્ય,પછી દેશ એમ પોતાની જરૂરિયાતો અરસ પર્સ પૂરી થઇ શકે છે .
દીર્ઘજીવી સંસ્કૃતિ પેદા કરવા અને તેને ટકાવી રાખવા માટે યાન્ત્રીકરણ કે વધારે પડતા શ્રમવિભાજનથી નહી પણ સ્વાવલંબન,પરસ્પરાવાલંબન અને સહકારની જરૂર છે એવું એમનું માનવું હતું. આપણે સમાજને, રાષ્ટ્રને અને આખી માનવજાતને કુટુંબ ગણીએ તો બધા માણસો સહકાર્યકર બને છે. જો આપણે આવા સહકારના ચિત્રની કલ્પના કરીએ તો આપણે જોઈશું કે નિર્જીવ યંત્રનીમદદની આપણને જરૂર નહિ રહે. યંત્રોનો વધારેમાં વધારે ઉપયોગ કરવાના બદલે આપણે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું.અને એમાજ સમાજની સાચી સલામતી અને આત્મરક્ષા રહેલા છે.
આર્થિક ક્ષેત્રે ગાંધીજીનો આદર્શ હતો સર્વોદયનો.સર્વોદય એટલે સમાજમાં છેવાડે પડી ગયેલાઓનો પ્રથમ ઉદ્ધાર. તેથી ભારતના આર્થિક ઉદ્ધારની એમણે જે યોજનાઓ વિચારી તેમાં સમાજના છેલ્લામાં છેલ્લા માણસને એમાંથી કેટલો લાભ થશે એનો એમણે પહેલા વિચાર કર્યો. એમનો યંત્ર વિરોધ,ખાદીગ્રમોદ્યોગ, જાતમહેનત,અપરિગ્રહ ,ટ્રસ્ટીપણાનો સિધ્ધાંત,નઈતાલીમ વગેરેની હિમાયત પાછળ પણ એમની એકમાત્ર ધૂન સર્વોદયની જ હતી. આ ધુનનો ચેપ તેમણે અનેક સ્ત્રી પુરુષોને લગાડ્યો.પરિણામે હજારો સેવક સેવિકાઓ ગાંધીજીની આર્થિક યોજનાઓ પરિણામે હજારો સેવક-સેવિકાઓ ગાંધીજીની આર્થિક યોજનાઓ પાર પાડવાના કામમાં લાગી ગયા.ગાંધીજી તેમને કહેતા,ગરીબને માટે આર્થિક એજ આધ્યાત્મિક છે.એ ભૂખમારો વેઠતા કરોડો લોકો પર તમે બીજી કોઈ પણ અસર કરી શકો તેમ નથી. એતો કદી સમજી શકશે નહિ. પણ તેમને ખોરાક આપો તો તેઓ તમને પરમેશ્વર કહેશે,તેઓ બીજું કશું વિચારી શકતા નથી.
ટ્રસ્ટીશીપ
ટ્રસ્ટીશીપ એટલે વાલીપણું. ટ્રસ્ટી એટલે વિશ્વાસ.મનુષ્ય મનુષ્ય વચ્ચેના સામાજિક, ધાર્મિક, રાજકીય,આર્થિક વગેરે સર્વસામાન્ય વ્યવહારો વિશ્વાસના પાયા પર ગોઠવાય છે. ગાંધીજીએ વ્યક્તિની સ્વતંત્રતા ટકાવવા વિકેન્દ્રિકરણનો સિધ્ધાંત રજુ કર્યો અને આર્થિક વિષમતાના અહિંસક ઉકેલની મથામણમાંથી એમને ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત સુઝ્યો. આ સિધ્ધાંત મુજબ માણસ સુખેથી પોતાનો નિર્વાહ કરી શકે તે માટે જરૂરી હોય તે સિવાયની તેને પોતાની પાસે જે કઈ આર્થિક સંપત્તિ હોય તે સૌને તેણે ટ્રસ્ટી બનીને સમાજના હિતમાં ઉપયોગ કરવો.
જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. દાંતાવાલાએ ટ્રસ્ટીશીપની વ્યવહારુ યોજનાનો એક ખરડો તૈયાર કરી ગાંધીજીને મોકલ્યો ત્યારે તેમાં થોડા ફેરફારો કરી તેમણે છેવટનો ખરડો આ પ્રમાણે મંજુર કર્યો.
- ટ્રસ્ટીપણું આજની મુડીવાદી વ્યવસ્થાને સમાનતાની અવસ્થામાં પલટી નાખવા માટેનું સાધન પૂરું પાડે છે,મૂડીવાદને જરાયે મોકો આપ્યા વિના આજના મિલકતવાળા વર્ગોને પોતાની જાતને સુધારવાની તક ટ્રસ્ટીશીપની ભાવનાથી પ્રાપ્ત થાય છે,માનવ સ્વભાવનો સદા ઉત્કર્ષ થઇ શકે એ શ્રધ્ધા ઉપર તેમનું મંડાણ છે.
- સમાજ પોતાના કલ્યાણને અર્થે માન્ય રાખે તેવી વિશેષ મિલકતની ખાનગી માલિકીનો હક તેને સ્વીકાર્ય નથી.
- સંપત્તિની માલિકીના નિયમન તથા તેના ઉપયોગને અર્થે કાયદાઓ કરવાનો તેમાં અવકાશ છે.
- આ રીતે રાજ્ય નિયંત્રિત ટ્રસ્ટીપણાની વ્યવસ્થામાં વ્યક્તિને સ્વાર્થી ઉપયોગને અર્થે અથવા સમાજ હિતની અવગણના કરીને સંપત્તિ ધરાવવાની કે વાપરવાની છુટ નહિ હોય.
- માણસના યોગ્ય જીવન નિર્વાહ માટે લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે છે તેજ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિને વધુમાં વધુ કેટલી આવક કરવા દેવી તેની માર્યાદા નક્કી કરવી જોઈએ.
- ગાંધીવાદી અર્થ વ્યવસ્થામાં ઉત્પાદનનું સ્વરૂપ વ્યક્તિના લોભ કે તેની મરજી મુજબ નહિ,પણ સમાજની જરૂરીયાત મુજબ નક્કી થશે.
આમ ટ્રસ્ટીશીપના ખ્યાલને સરળતાથી સમજવો હોય તો મિલકતનો માલિક નહિ પણ વાળી શું હોય તે બંને વચ્ચેનો ભેદ નીચે મુજબ છે.
| માલિક | વાલી |
| 1.હું નો ખ્યાલ હોય | આપણેનો ખ્યાલ હોય |
| 2. મારું નો ભાવ | આપણા સૌનું |
| 3.અમર્યાદ ઉત્પાદન હોય | જરૂર જેટલું ઉત્પાદન હોય |
| 4. સાધનો પર નિયંત્રણ | સૌનું નિયંત્રણ હોય |
| 5. નફો મેળવવાની લાલચ | બધાનો સહિયારો ભાગ |
| 6.સંશાધનોનું શોષણ | દરેકની શક્તિને ધ્યાનમાં લેવાય |
| 7.સુવિધા અપાય | કાળજી લેવાય |
| 8.વધુમાં વધુ મેળવવું | ત્યાગીને ભોગવવું |
| 9.આર્થિક અસમાનતા વધે | આર્થિક રીતે બધા માટે સરખી દ્રષ્ટિ અને વ્યવહાર |
| 10.ઉ.દા. દવા છાંટીને પાકને રોગમુક્ત કરવામાં તમામ જીવની ચિંતા નહિ | ઉ.દા. તમામ જીવની ચિંતા,સહિયારી જવાબદારી,સહિયારો લાભ,સજીવ ખેતી |
| 11.કામ કરવાની કુશળતાનો વિકાસ કરવામાં આવે છે | સમાજ જીવન માટે ઘડતર થાય છે |
| 12. સહકાર,સહયોગ એક તરફી હોય છે | સહકાર,સહયોગની ભાવના હોય છે જેનાથી સમાજના ગુણ કેળવાય છે |
| 13.મૂડીવાદ વિકસે ,ઈજારાશાહી વિકસે | સત્તા સંપત્તિનું વિકેન્દ્રીકરણ થાય |
ટ્રસ્ટી અને માલિકના ખ્યાલને સમજવામાં આ ઉપયોગી થશે.
સંદર્ભ-ગાંધીજીનું ધર્મદર્શન-મ.જો.પટેલ.
ટ્રસ્ટીશીપ ગાંધજીની દ્રષ્ટીએ -અનુવાદ દિનેશ શુક્લ