ગાંધીજીએ દેશની સામાજિક-આર્થિક સ્થિતિ જોતા તેમને એમ લાગ્યું કે આઝાદી પહેલા સમાજની ઉન્નતી થાય તે જરૂરી છે. તેને માટે તેમણે અઢાર કાર્યક્રમો આપ્યા.ગામડાઓમાં જઈને આ કાર્યક્રમો માટે કાર્ય કરી શકે તેવા કાર્યકરોને તૈયાર કર્યા.એક રીતે જોઈએ તો રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીનો સમગ્રલક્ષી અભિગમ હતો તેમાં કોઈ એક સમસ્યા કે મુદ્દા માટે કામ કરવાની વાત નહોતી. પણ સમાજના તમામ મુદ્દાઓ માટે, સમાજના તમામ લોકો સાથે કામ કરવાનું હતું. આ દ્રષ્ટીએ જોઈએ તો આપણા દેશના સમાજ્કાર્યકારોએ ઘણું અપનાવવા જેવું છે. તે રીતે રચનાત્મક કાર્યક્રમોનું મહત્વ નીચે મુજબ છે.

  1. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો દેશની નવ રચના માટેના હતા.
  2. આ રચનાત્મક કાર્યક્રમોમાં સર્વાંગી વિકાસની શક્યતા રહેલી છે,કારણ કે તે મનુષ્ય જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે.
  3. ગાંધીજીએ દેશનું પરિભ્રમણ કર્યું અને તે આધારે દેશનું સર્વાંગીણ ચિત્ર જોયા પછી તેમણે દેશની સ્થિતિને બદલવા માટે કાર્યક્રમોનું ઘડતર કર્યું.
  4. આ કાર્યક્રમો ગાંધીજીની કલ્પના મુજબ તેમણે બનાવ્યા હતા,તેથી તેના અમલ માટે તેમણે અનેક રચનાત્મક કાર્યકરો તૈયાર કર્યા.
  5. આ કાર્યક્રમોનો અમલ યોગ્ય રીતે થાય તે માટે તેમણે સંસ્થાઓની રચના પણ કરી,જેમ કે ખાદી ગ્રામોદ્યોગ સંઘ,નઈ તાલીમ સંઘ વગેરે.
  6. સમાજકાર્યમાં વ્યક્તિને સ્વનિર્ભર બનાવવાનો ખ્યાલ છે પરંતુ તેમાં વધુ કાર્ય કલ્યાણલક્ષી થાય છે. જ્યારે ગાંધીના કોઈ કામમાં કલ્યાણની વાત જોવા મળતી નથી.
  7. રચનાત્મક કાર્યક્રમો સ્વનિર્ભર્તાના છે,વ્યક્તિને ગૌરવભેર જીવન પૂરું પાડનારા છે,અસમાનતા અને ભેદભાવ દુર કરનારા છે. સમાજ્કાર્યકરો એ દિશામાં ઘણું કરવાની જરૂર છે.
  8. રચનાત્મક કાર્યકરોનું સમાજ સાથે તાદાત્મીકારણ હતું,લોકો સાથે નીકટતા હતી.લોકોને તેમનામાં વિશ્વાસ હતો જે સમાજ કાર્યકરો માટે જરૂરી છે.
  9. રચનાત્મક કાર્યક્રમો સમાજના તમામ વર્ગને સ્પર્શતા હતા,જેમ કે નઈ તાલીમ,ખેડૂતોનો વિકાસ,આરોગ્ય ,ગ્રામ પંચાયત વગેરે .
  10. ગાંધીજીના કાર્યક્રમો આર્થિક,સામાજિક,શૈક્ષણીક અને રાજકીય ઉન્નતી માટેના હતા.દા.ત. -સામાજિક અસ્પૃશ્યતા નિવારણ,આદિવાસી કલ્યાણ,હિંદુ-મુસ્લિમ એકતા,દારૂબંધી,રક્તપિત્ત સેવા,ગોસેવા,સ્ત્રી ઉન્નતી,ગ્રામ સફાઈ વગેરે. -આર્થિક-ગ્રામોદ્યોગ,ખાદી, આર્થિક સમાનતા,મજુર કલ્યાણ, ખેડૂતોનો વિકાસ. -શૈક્ષણિક-નઈતાલીમ,પ્રૌઢશિક્ષણ,રાષ્ટ્રભાષા પ્રચાર,પ્રાંતિક ભાષા. -રાજનૈતિક -ગ્રામપંચાયત ,આરોગ્ય -આરોગ્ય -તંદુરસ્તીના નિયમોની કેળવણી.