ગાંધીજી અને અનુસૂચિત જાતિ કલ્યાણ
અસ્પૃસ્યતા એ અધર્મ છે :
અસ્પૃસ્યતા એ અધર્મ છે- એ સત્ય બાર વર્ષની વયે ગાંધીજીને લાધ્યું હતું. ઘરના ગીને અસ્પૃશ્ય ગણવા સામે,પોતાની માતા સાથે એ ઉમરે એમને ઝગડો કર્યો હતો. તે દિવસે ભંગીના રૂપમાં ઈશ્વરને અવતરતા મે જોયા એમ એમણે કહેલું.
જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ત્યાં હિંદીઓ માટે અલગ વસાહત હતી –કુલી લોકેશન ઊભી કરેલી જોઈને આ દ્રશ્ય એમને ખૂંચ્યું.કેટલાક અંગ્રેજ અને યુરોપીયન મિત્રો સમક્ષ આ અંગે એમણે પોતાનો વિરોધ દર્શાવ્યો.પેલા મિત્રોએ બહુ માર્મિક રીતે,ભારતમાં હિંદીઓ અસ્પૃશ્યો સાથે કઈ રીતે વર્તે છે,એ તરફ ગાંધીજીનું ધ્યાન ખેંચ્યું. ગાંધીજી શાનમાં સમજી ગયા કે,આપણે જેવુ વાવીએ છીએ તેવું લણીએ છીએ.આપણે પાપે પૃથ્વીભરમાં આપણે અસ્પૃશ્ય બનીએ છીએ.એટલે એમણે અન્યને દોષ દેવાને બદલે,હિન્દુ સમાજમાંથી અસ્પૃસ્યતાના પાપને નાબૂદ કરવાનો મન સાથે દ્રઢ નિર્ણય કર્યો. આમ દક્ષિણ આફ્રિકાની ભૂમીમાં જ અસ્પૃશ્યતા નિવારણ આંદોલન ઉપાડવાની એમને મૌલિક સ્ફુરણા થઈ. અને એની શરૂઆત એમણે ઘરથી કરી. લોરેન્સ નામના એક દલિત કોમના ભાઈને ઘરમાં રહેવા બોલાવ્યો. કસ્તુરબાએ જ્યારે એનો વિરોધ કર્યો ત્યારે ગાંધીજી એમને ઘર બહાર કાઢી મૂકવા તૈયાર થઈ ગયેલા.આ ઘટના અસ્પૃશ્યતા નિવારણની એમની તીવ્ર લગન સૂચવે છે.
1904માં જ્યારે ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી સામુદાયિક જીવનનો એમણે આરંભ કર્યો ત્યારે અસ્પૃશ્યો સાથે એકરૂપ થવા જાજરૂ સફાઈનું કામ એમણે હાથ ધર્યું. એ વખતે આશ્રમમાં આવેલા મહેમાનોણે પાસે પણ હલકામાં હલકા ગણાતા ભંગી કામ સુધ્ધાં –કામો કરવાનો તે ખાસ આગ્રહ રાખતા.જ્યારે આશ્રમવાસીઓ એમને એ કામોમાં પોતાનો કીમતી સમય ન બગાડવા વિનવતા ત્યારે ગાંધીજી એમને કહેતા –જે કામ કરવાનું છે તે પાર પાડવાનું છે,તેમાં ઊંચાનીચા જેવો ભેદ નથી.જો કોઈ કામ હું ન કરી શકું એવું મેલુ ગણાય તો કોઈ ગરીબ ભંગીને માટે પણ તે મેલુ જ ગણાવવું જોઈએ.અને તેની પાસે પણ એ ના કરાવાય,કેમકે એ પણ મારા જેવો માણસ છે .
જે કામને કારણે હરિજનો અસ્પૃશ્ય ગણાય છે તે કામ સવર્ણો પોતે કરતાં ના થાય ત્યાં સુધી અસ્પૃશ્યતા નિવારણનું કામ અશક્ય છે.એ વાતની પ્રતીતિ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં થઈ હશે એમ ઉપરના કથનથી માલૂમ પડે છે .
અસ્પૃશ્યતાના સંભવિત મૂળ :
અસ્પૃશ્યતા હિન્દુ સમાજમાં શા કારણે ઊભી થઈ હશે એના કોઈ ઐતિહાસિક આધારભૂત પુરાવા મળતા નથી.પરંતુ એની કઈક કલ્પના કરી શકાય.જે કાળે હાલની વૈજ્ઞાનિક ઢબે કામ કરવાની અને સ્વછતાના ધોરણો જાળવવાની શક્યતા નહોતી તે જમાનામાં મેલુ ઉપાડવું,મુડદાલ પ્રાણીઓનો નિકાલ કરવો, તેમના ચામડા ઉતારવા વગેરે કામોમાં રહેલી અસ્વછતા અને તેમાથી કોઈ વ્યાપક ચેપ ફેલાવવાના ડરને કારણે આવા કામો અને તે કરનાર વર્ગ સામાન્ય સમાજથી અલગ રહે એવો ખ્યાલ ચોખલિયા હિન્દુ સમાજના લોકોને સૂઝયો હશે. પરંતુ આવી રીતે સમાજથી અલગ પડી જતાં વર્ગને જે ભયંકર સામાજીક અને અન્ય પ્રકારના અન્યાય થયા છે તે પ્રત્યે હિન્દુ સમાજે ખાસ જાગૃતિ દર્શાવી નથી.આધુનિક યુગમાં એ તરફ ગાંધીજીનું ખાસ ધ્યાન ખેંચાયું અને અસ્પૃશ્યતા નિવારણનું એક ક્રાંતિકારી આંદોલન એમણે ઉપાડયું.
જ્ઞાતિ અને અસ્પૃશ્યતા :
અસ્પૃસ્યતા એ જ્ઞાતિ પ્રથાની આડપેદાશ છે એવું કહેવાય છે,પણ ખરેખર અસ્પૃશ્યતા એ જ્ઞાતિ પ્રથાની પેદાશ નથી.પણ હિન્દુ ધર્મમાં ઊંચનીચના જે ભેદભાવ પેસી ગયા છે એની પેદાશ છે. એટલે કે અસ્પૃશ્યતા પરનો પ્રહાર એ આ ઊંચનીચપણા પરનો પ્રહાર છે.અસ્પૃસ્યતા જશે તે દિવસે જ્ઞાતિ પ્રથાનું શુધ્ધિકરણ થશે. એ સાચા વર્ણધર્મમાં ફેરવાઇ જશે. એ વર્ણ ધર્મ એટ્લે સમાજના ચાર વિભાગ એકમેકના પૂરક,કોઈ પણ વિભાગ બીજાથી ના ઊતરતો કે ન ચડિયાતો,દરેક વિભાગ હિંદુધર્મના સમગ્ર અંગ માટે બીજા જેટલો જ આવશ્યક હશે .
આ શીશ સમર્પણ છે :
આગાઉ જણાવ્યા મુજબ ગાંધીજીને કાળા ગોરના ભેદભાવનો કડવો અનુભવ,ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં થયો હતો. ભારતમાં એક મોટા વર્ગ સાથે ભેદભાવ રાખીને આપણે પણ ભારે અન્યાય કરી રહ્યા છીએ.અને એ અન્યાય દૂર થવો જ જોઈએ.એવું સ્પષ્ટ ભાન એમને એ કાળે જ થઈ ગયું હતું. તેથી ભારતમાં આવીને તરત જ અસ્પૃશ્યતા નિવારણનું કામ એમણે ઉપાડયું. અને 1916 માં પ્રેમાભાઈ હોલમાં એમણે એક સર્વ જ્ઞાતિ પરિષદમાં હિન્દુ સમાજને ચેતવણી આપેલી કે ઊંચનીચના ભેદભાવ અને અસ્પૃશ્યતા નાબૂદ નહીં કરવામાં આવે તો હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મનો નાશ અનિવાર્ય છે. આમ કહીને પોતાનું ડોકું નમાવી ગર્દન પર હાથ મૂકી બહુ ગંભીર ભાવે એમણે જાહેર કરેલું કે એ અસ્પૃશ્યતા વિનાશ માટે આ શીશ સમર્પણ છે. આ સંકલ્પને પૂર્ણ કરવા ગાંધીજી કૃતનિશ્ચયી થયા અને આશ્રમમાં એકાદશ વ્રતોમાં સ્પર્શ ભાવનાને સ્થાન આપી ત્યાં અસ્પૃશ્યતા નિવારણનો એક અભૂતપૂર્વ અખતરો એમણે આદર્યો.
સ્પર્શ ભાવના-વ્રત
ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ શબ્દને બદલે સ્પર્શ ભાવના શબ્દને વધારે પસંદ કરતાં હતા.સ્પર્શ ભાવના એક વિધાયક વ્રત છે. તે માણસ-માણસ ના સંપર્કને /સ્પર્શને પ્રોત્સાહન આપે છે.એનો અર્થ એ છે કે આપણે કોઈને અશુધ્ધ ના માનીએ,માનવ માત્રને સમાન માનીએ.
પ્રયોગ અને કસોટી :
આશ્રમની સ્થાપના પછી થોડા વખત પછી શ્રી ઠક્કર બાપાની ભલામણથી શ્રી દુદાભાઈનું કુટુંબ આશ્રમમાં રહેવા આવ્યું. આશ્રરમમાં ખળભળાટ મચી ગયો.ખુદ આશ્રમના કેટલાક કુટુંબોમા ક્યાક ક્યાક અસ્પૃશ્યો વિષે આભડછેટ અને સૂગ રહ્યા હતા. કસ્તુરબાએ દક્ષિણ આફ્રિકામાં એ અંગે ઘણું સહન કર્યું હતું. છતાં એમનામાં પણ ઊંડે ઊંડે અસ્પૃશ્યતા રહી ગયેલી. શ્રી મગનલાલ ગાંધી જેવા વીર પુરુષમાએ એ દોષ રહી ગયેલો. તે આ પ્રસંગે પ્રગટ થયો. ગાંધીજીને મન અસ્પૃશ્યતા નિવારણ એ પૂણ્યકાર્ય હતું. ધર્મ કાર્ય હતું. આશ્રમમાં રહેવાની એ એક અનિવાર્ય શરત હતી.એ શરત ના પાળે તે આશ્રમ છોડે,એવી એમની સ્પષ્ટ આજ્ઞા હતી. ધર્મ પાલનમાં એમને સ્વજનોને જ છોડવાનો પ્રસંગ આવ્યો. ગાંધીજી લખે છે, એ મારે સારું દુખદાયક તો હતું જ.જેને મારા સુખદુખમાં આજ લાગી મહાકષ્ઠ વેઠીને સાથ દીધો હતો તેનો વિયોગ સહન કરવો એ ભારે કષ્ટ હતું. પણ ધર્મ પાલન માટે ગમે તેવા સંકટો સહન કરવાના જ હતા. આ પ્રસંગે અસ્પૃશ્યતા પાળનાર ગાંધીજીના સગાઓએ જ કસ્તુરબાને સમજાવ્યું કે પતિની પાછળ ચાલતા પત્નીને પાપ ના જ લાગે,નહીં ચાલવામાં પાપ લાગે. આ માન્યતાએ કસ્તુરબા પર અસર કરી. અને સ્વતંત્ર રીતે નહીં પણ પત્ની ધર્મ તરીકે એમણે આભડછેટ કાઢી નાખી.
પરંતુ કસ્તુરબા કરતાય વધુ આકરી કસોટી તો મગનલાલ ગાંધીએ કરી. આસ્પૃશ્યતાને કારણે એમને આશ્રમ છોડવાનું સાહસ કર્યું. સામાન બાંધીને રજા લેવા ગયા.ગાંધીજીને મગનલાલ ગાંધીનો વિયોગ આકારો થઈ પડ્યો. કારણ તે આશ્રમના પ્રાણ હતા,પણ ધર્મ પાલનમાં સાથ ના આપે એવા પરમ સ્નેહી સ્વજનને ત્યાગ કરવા ગાંધીજી તૈયાર ના હતા.એમણે મગનલાલને મદ્રાસ વણાટ શીખવા મોકલ્યા અને અસ્પૃશ્યાનો મેલ પૂર્ણપણે કાઢીને આવ્યા ત્યારે જ પાછા આશ્રમમાં દાખલ કર્યા.ગાંધીજીના મોટા બહેન રળિયાતબહેનને તો આ સવાલને કારણે કાયમ માટે આશ્રમ છોડવો પડ્યો.
આશ્રમનો ખળભળાટ તો શાંત થયો પણ બહાર સમાજમાં તે ચાલુ હતો.પરિણામે આશ્રમને મલતી આર્થિક મદદ બંધ થઈ. કટોકટી ઊભી થઈ પણ ગાંધીજી અડગ રહ્યા.કટોકટીમાં જરૂર પડે તો હરીજન વાસમાં હરિજનો સાથે જઈને રહેવા જઈને ત્યાજ કોઈ સેવા થઈ શકે તો કરવી એવા વિચાર પર પણ તેઓ પહોંચ્યા હતા.જોકે ઈશ્વરે એમની એટલી આકરી કસોટી ના કરી. અણધારી આર્થિક મદદ આવી પહોંચી,આશ્રમની પ્રવૃત્તિ ચાલુ રહી અને તે રીતે આખી કટોકટીમાંથી બધા નિર્વિઘ્ને પસાર થયા.એ પછી તો અસ્પૃશ્ય ગણાતા લોકો છૂટથી આશ્રમમાં આવજા કરવા લાગ્યા .
અસ્પૃસ્યતા અને સ્વરાજ :
ગાંધીજીને ખાતરી થઈ ગઈ હતી કે દેહની અંદરની ગણાતી એક કોમ અસ્પૃશ્ય રહે અને તેને જે અન્યાય સહન કરવો પડે તે દૂર ના થાય તો ભારતને પરદેશીઓના અન્યાયથી મુક્ત અને સ્વતંત્ર થવાનો અધિકાર રહે નહીં.ટૂંકમાં જો આપણે રાજનૈતિક સ્વાતંત્ર્ય માટે ગંભીર હોઈએ અને સ્વાધીનતાનો સવાલ અગત્યનો સમજતા હોઈએ તો અસ્પૃશ્યતા દૂર થવી જોઈએ એવો એમનો દ્રઢ મત હતો તેથી અસહકારના આંદોલન સમયે આખા હિન્દુ સમાજને અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા હ્રદય સ્પર્શી અપીલ કરતાં એમણે કહ્યું કે હિન્દુઓ પણ જો પોતાના ઉધ્ધત,ઉજ્જવળ ધર્મને આ અસ્પૃશ્યતા ભાવનાના કલંકથી છોડાવી ના લેતા આમને આમ કાલંકિત રાખશે તો તેઓ કદી પણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહીં, તા-5-12-1920 ના નવજીવનમા આથીએ વધારે સ્પષ્ટ શબ્દોમાં એમણે લખ્યું કે મારે મન સ્વરાજ એટ્લે દેશના અલ્પમાં અલ્પ બંધુને માટે સ્વતંત્રતા.આપણે જ્યારે પરતંત્રતાનું દુખ ભોગવીએ છીએ ત્યારે જ જો અંત્યજની સ્થિતિ ના સુધરે તો સ્વરાજના નશામાં તો નથીજ સુધરવાની .
નવી ક્રાંતિકારી રીત :
અસ્પૃશ્યતા નિવારણના કાર્યને ગાંધીજીએ સ્વરાજના આંદોલન સાથે શા માટે સાંકળ્યું હતું એનું રહસ્ય એમના ઉપરના કથનમાં વ્યક્ત થાય છે.ગાંધીજીના સમય પહેલા વિદેશી ધુસરીમાંથી મુક્તિ હાંસલ કરવાની કોઈ સમસ્યા હાથ ધરી નહોતી.દા.ત. અમેરિકાવાસીઓએ તેમના સ્વાતંત્ર્ય માટેની અગાઉની લડતોમાય અસ્પૃસ્યતા નિવારણનો કે બીજો કોઈ સામાજિક સુધારાનો કાર્યક્રમ હાથ ધર્યો નહતો. અગાઉની બધી લડતો મુખ્યત્વે શુધ્ધ રાજનૈતિક હતી.અગાઉ ગાંધીજીની જેમ કોઈએ એવો વિચાર પણ રજૂ કર્યો હોય એમ લાગતું નથી કે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય અને પ્રજાકીય ચારિત્ર્ય વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ છે.એજ રીતે રાજકીય આંદોલનોને આત્મ શુધ્ધિના આંદોલનો તરીકે ક્યારેય લેખવામાં આવ્યા નહોતા. આ બાબતમાં સ્વરાજ્ય સાથે દેશની આંતરિક સમસ્યાઓને સાંકળવાની ગાંધીજીની વાત નવી અને ક્રાંતિકારી ગણાય.તે બતાવે છે કે ક્રાંતિકારી વિચારની સાથે સાથે એના અમલ માટેનો વ્યવહારુ છતાં ક્રાંતિકારી કાર્યક્રમ આપવાની અનોખી સૂઝ એમનામાં હતી.
(સ્ત્રોત :ગાંધીજીનું ધર્મદર્શન-મ.જો.પટેલ )
0 Comments