નૈતિક આચરણના મુદ્દાઓ તમામ પ્રકારના સંશોધનોમાં જોવા મળે છે,તે મુજબ ગુણાત્મક સંશોધનમાં પણ છે. જો કે ગુણાત્મક સંશોધનમાં સંખ્યાત્મક સંશોધન અને ઉત્તરદાતા વચ્ચેના સંબંધો વધુ નિકટતાભર્યા, ગતિશીલ(Dinamic)અને વધુ સમયના (Ongoing) હોય છે,જેથી તેમાં નૈતિક આચરણ સંબંધિત પ્રશ્નો વધુ ઉભા થાય છે .

ગુણાત્મક સંશોધન માટે  એ મોટી ચર્ચાનો વિષય છે અથવા તેને એ રીતે વખોડવામાં પણ આવે છે કે ગુણાત્મક સંશોધન માનવના “વિષયો”(Subject)નો પરંપરાગત વૈજ્ઞાનિક પધ્ધતિથી અભ્યાસ કરે છે. કેટલાક ફેમીનીસ્ટ સંશોધકો એવી ટીકા કરે છે કે ગુણાત્મક સંશોધનમાં ગહન મુલાકાત દ્વારા વ્યક્તિનું શોષણ થાય છે અને ઉત્તરદાતા સાથે સંશોધક હોંશિયારીથી/ચાલાકીથી કામ લે છે.(Oakley,1981) તેની સામે એમ કહેવાય છે કે બીજા કોઈ પણ રીસર્ચ સાથે જોડાયેલ કરતા ગુણાત્મક સંશોધન કરનાર નૈતિક આચરણ બાબતે વધુ કાળજી લેનાર હોય છે.

ગુણાત્મક સંશોધન એ પ્રાકૃતિક તપાસ છે. આ પ્રાકૃતિક તપાસના અર્થમાં સંદીગ્ધતા/અસ્પષ્ટતા હોય છે.તેનો અર્થ એ છે કે આપણે લોકોનો અભ્યાસ લેબોરેટરીમાં નહિ પણ તેમના કુદરતી નિવાસસ્થાને કરીએ છીએ.ગુણાત્મક સંશોધનમાં કેટલાક જોખામો રહેલા છે. કારણ કે તેમાં જે માનવ વિષયનો અભ્યાસ થાય છે તે વંચિતો હોઈ શકે છે તેથી ખુબ તકેદારીની જરૂર હોય છે.જેમાં સંશોધકે પોતાની ક્રિયાને ખુબ જ કાળજીપૂર્વક કરવી જરૂરી બને છે જેથી ઉત્તરદાતાને કોઈ નુકશાન ના થાય.

ગુણાત્મક સંશોધનની સફળતાનો આધાર સંશોધકની ઉત્તરદાતાની વિશ્વમાં ડૂબી જવાની શક્તિ પર અને લાંબા સમય સુધી ક્ષેત્રમા વ્યસ્ત રહેવાની ક્ષમતા પર છે,નિકટતા અને સમય પ્રમાણે બદલાવાની સંશોધક માટેની આવશ્યક લાક્ષાણીકતા સંશોધક અને અને સંશોધન માટે કેટલાક જોખમો ઉભા કરે છે.તેમ છતા કેટલાક નૈતિક આચરણના પ્રશ્નો પૂર્વજ્ઞાનને અટકાવી શકે છે.ગુણાત્મક સંશોધનની પ્રકૃતિમાં લચીલાપણું છે તેમાં કેટલીક વખત કોઈ પણ સમયે જાણ ના હોય તેવી આંટીઘૂંટી પેદા થઇ શકે છે .

ગુણાત્મક અભ્યાસ થાય છે તે કુદરતી પરિવેશમાં ઘણું અનિયંત્રિત હોય છે જેને પરિણામે પણ નૈતિક આચરણના પ્રશ્નો ઉભા થઇ શકે છે ઘણી વખત સંશોધક દ્વારા અમુક સંજોગોમાં કઈ ના કરવું તે પણ નૈતિકતાના પ્રશ્નો ઉભા કરી શકે છે. તેથી સંશોધક જે ક્ષેત્રમા સતત વ્યસ્ત છે તેના વિષે,વિવિધ પરીબળો વીશે,પોતાના વિષે સતત જાગ્રત રહે તે ખુબ જરૂરી બને છે.

ભ્રામકતા(Deception) અને જાહેર કરવું (Disclosure)

શું ખાનગી રાખવું અને શું જાહેર કરવું? ગુણાત્મક સંશોધનમાં નિરિક્ષણ અને મુલાકાત(Interview)દ્વારા જથ્થાબંધ માહિતી મેળવવામાં આવે છે. આ પ્રકારના અભ્યાસોમાં સંશોધકના ઉત્તરદાતા સાથેના સતત અને સઘન સંબંધો હોય છે. ગુણાત્મક સંશોધનમાં સંશોધક પોતે નિરિક્ષણ કરી રહ્યા છે તે બાબત એક હદ સુધી ઉત્તરદાતાથી ખાનગી રાખવી તે નૈતિક રીતે સ્વીકૃત છે. સંશોધક જાહેર સ્થળે મળે છે ત્યારે ઉત્તરદાતાને કહેતા નથી કે તેઓ તેમનું નિરિક્ષણ કરી રહ્યા છે.

અનેક મુલ્યવાન ગુણાત્મક સંશોધનો થયા છે તે આ પ્રકારની ભ્રામકતા વગર અશક્ય હોત તેમ કહી શકાય. આ પ્રકારે ઉત્તરદાતાને ભ્રમમાં રાખવું તે જોખમ છે પણ તેનો ફાયદો હોય છે.આજના યુગમાં ઉત્તરદાતાને ભ્રમમાં રાખવાની વાતને યોગ્ય ગણાવવું ઘણું મુશ્કેલ છે. Lapieres આવી ભ્રામક્તાને તુલનાત્મક રીતે હિતકારક ગણે છે. સંશોધનમાં કેટલુક ખાનગી રાખવાથી ઉત્તરદાતાને ભાવનાત્મક રીતે થતા નુકશાનથી બચાવી શકાય છે.કેટલાક સંશોધકો આ બાબતને યોગ્ય માને છે.પરંતુ જ્યાં સંવેદનશીલ મુદ્દાઓ છે ત્યાં અને જ્યાં ઉત્તરદાતા શરમાળ હોય ત્યાં ઓળખ આપી દેવાથી નિરિક્ષણ કરવું મુશ્કેલ બને છે.

સમાજકાર્ય સંશોધનમાં સંશોધન વિષયની જાણકારી ઉત્તરદાતાને કેટલી જાહેર કરવી જોઈએ?ઉત્તરદાતા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે વિષયની જાણ કરવી જરૂરી બને છે. પરંતુ વધુ પડતી માહિતી આપવાથી કદાચ ઉત્તરદાતામાં પૂર્વગ્રહ પેદા થવાની સંભાવના રહે છે. બીજી રીતે આવી માહિતી તેમને માટે બોજો પણ ઉભો કરે છે. માહિતી આપતી વખતે તેઓ સતત ચિંતિત રહે છે.

જાણ સાથેની સંમતિ (Informed Consent)

વંચિત જૂથો સાથેના ગુણાત્મક સંશોધનમાં -મોટા ભાગના ગુણાત્મક સંશોધનમાં મુખ્ય  લોકો સાથેના સંપર્કો હોય છે. જે યોગ્ય નથી ,તમારે છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનું છે.જાણ સાથેની સંમતિ શરૂઆતનો સંપર્ક સ્થાપિત કરવા માટે જરૂરી હોય છે.જાણ સાથેની સંમતિના મહત્વના તત્વો નીચે મુજબ છે .

  • અભ્યાસનું ટૂંકું વર્ણન  અને અભ્યાસની પ્રક્રિયા જેમાં ભાગીદારોને સામેલ રાખવાના હોય છે .(અંદાજીત મુલાકાતની સંખ્યા,અભ્યાસનો સમયગાળો વગેરે)
  • સંશોધકની ઓળખ અને જો સંશોધનને સ્પોન્સર કરનાર સંસ્થા હોય તો તેનો ફોન નંબર, સરનામું, ભવિષ્યના સંપર્કની વિગતો.
  • સંશોધનમાં ઉત્તરદાતાની ભાગીદારી સ્વૈચ્છિક છે તેની ખાતરી અને ભાગીદારને ગમે ત્યારે કોઈ પણ જાતના દંડ વગર નીકળી જવાનો હક.
  • ખાનગીપણાની ખાતરી અભ્યાસ સાથે જોડાવાથી થતા લાભ અને નુકશાન કે જોખમો.

ઉપર મુજબની સંમતિની બે કોપી કરવી જે એક સંશોધક પાસે અને બીજી ઉત્તરદાતા નાના બાળકો, વૃધ્ધો, અશક્તો,માનસિક બીમાર વ્યક્તિઓ હોય ત્યાં તેમના વાલી કે તેમની કાળજી/સંભાળ લેનારની સંમતી લેવી જરૂરી બને છે.

એક પ્રશ્ન થાય છે કે સહી સાથેની મંજુરી લેવાથી તેમની ઓળખ અથવા ગેરકાનૂની ધંધો કે પ્રવૃત્તિ કે તેમનો ગેરકાનૂની નિવાસ જાહેર થઇ જાય છે તેવા સંજોગોમાં તેમની સહી લેવી જરૂરી નથી.દા.ત. દેહવેપાર  કરતી સ્ત્રી,નશીલી દવાઓનું સેવન કરનાર,ગેરકાયદેસર ઝુપડાઓ બાંધીને રહેનાર લોકોનો અભ્યાસ કરો છો ત્યારે તેમની સહી લેવાથી તેમનો દરજ્જો જાહેર થઇ જાય છે.તેથી તેમની સહી ના લેવી તેમના હિતમાં છે.

બીજું, શું બધા ઉત્તરાદાતાઓની મંજુરી લેવી જરૂરી બને છે? તમામ ઉત્તરદાતાઓને બદલે ગેટ કીપર /દરવાનની પરવાનગી લઇ લેવી જોઈએ.દરવાન એ એવી વ્યક્તિ છે જેની અભ્યાસ માટે મંજુરી મેળવવી જરૂરી બને છે. તેઓ સંસ્થાના નિયામક,હોસ્પીટલના સુપરવાઝર/વહીવટદાર,સ્કુલના શિક્ષક,ગામના મુખીયા હોઈ શકે છે.સંશોધકે પોતાની કુશાગ્ર બુદ્ધિથી એ જાણી લેવાનું કે ગેટ કીપર કોણ છે,જેમના સહકાર વગર આગળ નહિ વધી શકાય.જરૂર લાગે તો તેમની લેખિતમાં મંજુરી મેળવવી. આ મહત્વના કાર્યને જો અવગણવામાં આવે તો કેટલીક વખત તે સંશોધનને વિલંબમાં નાખી શકે છે,કે અભ્યાસને ખોરંભે ચડાવી શકે છે.મુલાકાત દરમ્યાન જો માહિતી ટેપ કરવાના હોય કે વિડીયો ઉતારવાના હોય તો તેમની સંમતિ મેળવવી ખાસ જરૂરી બને છે.

જાણ સાથેની સંમતિ મુલાકાત સમયે થતા નિરિક્ષણ માટે કેટલી જરૂરી માનવી? સહભાગી નિરિક્ષણ (Participant Observation) લાંબા સમયનું હોય ત્યારે ઉત્તરદાતાને સંશોધક જે લખી રહ્યા છે તે જ જણાવું જરૂરી છે .આવું નિરિક્ષણ કે વાતચીત સામાન્ય રીતે આપોઆપ(Spontaneous)હોય છે,તેથી તેમાં ઔપચારિક સંમતિ જરૂરી નથી,પણ તેમાં ગર્ભિત સંમતિ હોય છે.

જબરજસ્તી મેળવેલ સંમતિ અને જાણ વગરની સંમતિ (Deformed Consent)-

સમાજકાર્યમાં આ બાબતો ખુબ મહત્વની છે.ખાસ કરીને જ્યારે આપણે વંચિત લોકોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સંશોધકો આવી સંમતિથી અભ્યાસ કરવા પ્રેરાતા હોય છે.સંશોધકની ઉચ્ચ સામાજિક સ્થિતિ તેમને આવું કરવા પ્રેરે છે.કેટલીક વખત જાણ સાથેની સંમતિમાં યોગ્ય જાણકારી ના આપી હોય તો તે પણ જાણ વગરની સંમતી બને છે. જેમ કે સંશોધક ઉત્તરાદાતાને કાળજીપુર્વક સ્પષ્ટ જાણ કરતા નથી કે ખાતરી આપતા નથી કે ઉત્તરદાતા જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ સમયે તેમની ભાગીદારી ખતમ કરી શકે છે અને તેનાથી તેમને કોઈ નુકશાન નહિ થાય. સમાજકાર્ય સંશોધક જ્યારે તેઓ પોતાના સેવાર્થી,વિદ્યાર્થીઓ કે સહર્યકરોનો અભ્યાસ કરતા હોય છે ત્યારે જાણ વગરની સંમતિ સમસ્યા પેદા કરી શકે છે.આ પ્રકારના લોકોની ગમે તેટલી સંવેદનશીલતાથી સંમતી લેવાઈ હોય તો પણ તેમાં જબરજસ્તીનો અનુભવ કે તે પ્રકારની લાગણી પેદા થઇ શકે છે.કારણ કે આવા ઉત્તરદાતા સંશોધકને નાખુશ કરવા નથી માંગતા અથવા તેમના દરજ્જાને કારણે ડરતા હોય છે.તેમાં સંશોધક માટે પણ અઘરું હોય છે કે તેઓ પોતાના કામની નિયત ભૂમિકામાંથી બદલાઈને (Shift) સંશોધક તરીકેની નવી ભૂમિકામાં ઉત્તરદાતાઓની સંમતિ મેળવે.

ગુણાત્મક સંશોધનમાં જ્યારે પ્રેકટીસનર સંશોધક હોય છે ત્યારે પ્રેકટીસની સાથે પોતાના સેવાર્થી પર સંશોધન કરવું વિરુદ્ધની બાબત છે કારણ કે તેમાં જાણ કરીને મેળવેલ સંમતિમાં પણ જબરજસ્તી હોઈ શકે. ઉત્તરદાતા દબાણથી માહિતી આપે છે.પ્રેકટીસનર પોતે સંશોધન કરે તે નૈતિક રીતે ખોટું નથી પણ તે ટાળવું જોઈએ.

જબરજસ્તીથી મેળવેલ સંમતિ ગુણાત્મક સંશોધનમાં ભાવનાત્મક નુકશાન પહોંચાડે છે.ઘણી વખત ગૃહ મુલાકાતોમાં જીવનની દુખદ ઘટનાઓની ગહન ચર્ચાઓ થાય છે જેવી કે છૂટાછેડા,કુટુંબીજનનું મૃત્યુ અને ઘરેલું હિંસા. સંશોધક પોતાની નૈતિક બાબતે સંવેદનશીલ હોય છે ત્યારે તેમને આવા સંવેદનશીલ મુદ્દાઓને અનાવશ્યક હોય ત્યાં તેને છેડવા જોઈએ નહિ,જો ઉત્તરદાતાની ઈચ્છા હોય તો તેઓ જણાવે અથવા જો આવા મુદ્દાઓ જ સંશોધાકનું કેન્દ્રબિંદુ હોય તો જ તે અંગે પુછવું જોઈએ.બાળકનું જાતીય શોષણ, આપઘાત કે ખૂન જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓ હોય તો તેમાં ખુબ જ કાળજીપૂર્વક કામ લેવું. કેટલાક કિસ્સાઓમાં સંશોધકે તે બાબત પરત્વે યોગ્ય સત્તાધીશોનું ધ્યાન દોરવું જોઈએ.

ગુણાત્મક સંશોધનમાં મુલાકાત લેનારની સંવેદનશીલતા અને કુશળતા ઉપર મોટો આધાર રહે છે .જ્યારે સંશોધક ભાવનાત્મક બાબતોનો અભ્યાસ કરતા હોય છે ત્યારે એવું બની શકે કે તમે ઉત્તરદાતાને કોઈ કાઉન્સેલરને રીફર કરવાની જરૂરીયાત જણાય તો આવા સંજોગોમાં સંશોધાકને તેની માહિતી હોવી જરૂરી છે.કેટલીક વખત સંશોધક પોતે કાઉન્સેલર હોય ઉત્તરદાતાને જરૂરી છે, તેવી સેવા આપનાર છે તેમ છતાં ઉત્તરદાતા  કહે તો પણ સંશોધકે તેમને પોતે સેવા આપવી ના જોઈએ.દા.ત. સ્કીઝોફેનીક બાળકના માતા-પિતા મુલાકાત દરમ્યાન બાળક માટે સલાહ માંગે તો પોતે તે સલાહ ના આપતા તેને જરૂરી સેવાઓ શોધી આપવી જોઈએ. જે ઉત્તરદાતા- મુલાકાત લેનારના સંબંધોને અસર થાય છે.સંશોધક પ્રશ્નો દ્વારા ઉત્તરદાતાઓની લાગણીઓને બહાર લાવે છે ત્યારે મોટે ભાગે ઉત્તરદાતાઓ આવી મુલાકાતને પોતાના ભાવનાત્મક આવેગોને સહાનુભુતિ માટે વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરવાની તક તરીકે જુએ છે.

ક્યારેક જ ઉત્તરદાતાઓનો હેતુ પોતાની ભાવનાત્મક સમસ્યાઓમાં મદદ મેળવવાની હોય છે. આવા ઉત્તરદાતાઓને સંશોધકે મુલાકાતને અંતે સંસ્થાઓ કે સંદર્ભ સ્ત્રોતોની માહિતી આપવી જોઈએ.કેટલીક વખત ઉત્તરદાતાઓ સામેથી આવી સેવાઓ અંગે પૂછતા હોય છે.

ગુપ્તતા અને એકાંત:

ગુણાત્મક સંશોધનમાં સંશોધક ઉત્તરદાતાને તેમના સંશોધનથી જાણકાર બનાવે છે કારણ કે સંશોધક તે અંગે લખવાના તો છે જ,તેથી તે જાહેર થવાનું છે.સંશોધનમાં આપણા ઉત્તરદાતાની ઓળખ છતી ના થાય તે માટે પુરતી કાળજી લેવી જોઈએ.તેની મંજુરી વગર તેમને આપેલ માહિતીનો ઉપયોગ નહિ થાય તેની ખાતરી આપવી જરૂરી છે.ગુપ્તતાનો ભંગ એ ઉત્તરદાતાનો વિશ્વાસ તોડવા બરાબર છે. કેટલાક સંજોગોમાં ઉત્તરદાતાને કે તેના વર્તનથી બીજાને બહુ મોટું નુકશાન થવાની શક્યતા હોય છે ત્યારે જ સંશોધક ગોપનીયતાનો ભંગ ના કરવો જોઈએ.

કલીનીકલ સંશોધનમાં જ્યાં તેમનો અહેવાલ કાનૂની જરૂરીયાત મુજબ ફરજીયાત રજુ કરવાનો હોય છે.ત્યાં ગોપનીયતાના નિયમોમાં એક સ્પષ્ટ છુટછાટ છે, લાયસન્સ ધરાવનાર ક્લીનીશિયન જ્યારે સંશોધન કરે છે ત્યારે બાળકોના જાતીય શોષણ અંગેના કાયદા મુજબ રાખવાની વિગતો,અહેવાલ અંગેની જાણ સંમતિ મેળવવાના ફોર્મમાં થવી જોઈએ,એવું બની શકે કે આ પ્રકારની ચેતવણીથી ઉત્તરદાતા સંમતિ આપવાની ના પાડે,પરંતુ આ જરૂરી પ્રીકોશન છે.

જ્યાં ઉત્તરદાતાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય કે કોઈ હિંસક કૃત્ય કર્યાની જાણ કરી હોય ત્યારે શું કરવું?જો આવું વર્તન સંભવિત હોય કે નજીકના ભવિષ્યમાં જ થવાનું હોય ત્યારે સંશોધક ગુપ્તતાને તોડે છે અને તે અંગે યોગ્ય ઓથોરીટીને જાણ કરે છે. સંશોધન સંબંધોમાં પોતાની કે બીજાની ભયાનક સ્થિતિને નજર અંદાજ કરવી યોગ્ય નથી.

ઘણીવાર આપણા ઉત્તરદાતા જે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે તે ભયાનક નથી હોતા પણ ગેરકાનૂની હોય છે.દા.ત. નશીલી દવાઓનું સેવન,દેહવેપાર,ગુણાત્મક સંશોધન કરનારે આવા ઉત્તરદાતાના  અંગત કે નૈતિક વર્તનમાં માથું મારવું જોઈએ નહિ. આવી પ્રવૃત્તિઓની અટકાયતમાં દરમ્યાનગીરી કરવામાં સફળ થવાય જ તે જરૂરી નથી.તેનાથી સંશોધનના સંબંધોનો અંત આવી શકે છે.

ગુણાત્મક સંશોધનમાં ગુપ્તતાની જાળવણી કરવી તે લાગે છે તેના  કરતા ઘણું અઘરું હોય છે.સંશોધક જ્યારે ઉત્તરદાતાની ઓળખને ખાનગી રાખવામાં નિષ્ફળ જાય છે ત્યારે અનેક મુદ્દાઓ ઉપસ્થિત થઇ શકે છે.સંશોધક માહિતીને ખાનગી રાખવા માટે નામને બદલે કોડ નંબર આપી શકાય અથવા બનાવટી નામ રાખી શકાય.

પ્રેરણા આપવી અને બદલો આપવો (Pay Back)

નાની ભેટ પણ ઉત્તરદાતાને પ્રેરણા આપે છે અને તેમના સમયનું વળતર આપે છે.જે સંશોધન પ્રોજેક્ટમાં, ફંડ હોય છે તેઓ તેમના બજેટમાં આવા વળતરનો સમાવેશ કરે છે.આવું વળતર કેટલું આપવું તે નૈતિકતાનો પ્રશ્ન છે.જો આપણે ખુબ ઓછું વળતર આપીએ તો પ્રેરણા ઘટી જાય કે ગુમાવી દેવાય છે અને તેમનું અપમાન થાય છે.પણ જો વધુ વળતર આપીએ તો (જ્યારે ઉત્તરદાતા ગરીબ હોય ત્યારે )તેમના સહકારને ખરીદીએ છીએ તેવું જોખમ હોય છે. તેથી આ અંગેનો નિર્ણય અનુભવી લોકો સાથે ચર્ચા કરીને કરવો જરૂરી છે. આ વળતર સામાન્ય રીતે આપણે તેમનો કેટલો સમય લઈએ છીએ અને તેમને કેટલી અડચણો ઉભી કરીએ છીએ તેને આધારે નિયત કરવું જોઈએ.

જે સંશોધનમાં આવું ફંડ નથી હોતું ત્યાં આવું વળતર આપવું અઘરું હોય છે.જ્યારે વિદ્યાર્થીઓ આવો અભ્યાસ કરે છે ત્યારે તે વળતર આપી શકતા નથી.આવી સ્થિતિમાં સંશોધક પોતાની ભલમનસાઈ દર્શાવીને તેમની સાથે કામ લઇ શકે છે,સંશોધનનો સારો હેતુ છે તેને પ્રકાશિત કરી શકે છે .

વળતરનું બીજું એક સ્વરૂપ એ પણ હોઈ શકે કે જ્યારે સંશોધક લાંબા સમય માટે અભ્યાસમાં વ્યસ્ત હોય છે ત્યારે તે ઉત્તરદાતાને તેમના જીવન કાર્યો,વિકાસના કાર્યોમાં કોઈક રીતે ઉપયોગી થઇ શકે છે.

વળતરનું બીજું એક સ્વરૂપ એ પણ હોઈ શકે કે જ્યારે સંશોધક લાંબા સમય માટે અભ્યાસમાં વ્યસ્ત હોય છે ત્યારે તે ઉત્તરદાતાને તેમના જીવન કાર્યો,વિકાસના કાર્યોમાં કોઈક રીતે ઉપયોગી થઇ શકે છે.

વળતરનું સ્વરૂપ એ પણ હોઈ શકે કે જ્યારે સંશોધક મુલાકાતના અંતે ઉત્તરદાતાને સામાજિક કે સારવારલક્ષી સંદર્ભ સેવાઓની માહિતી પૂરી પાડે છે. ઉત્તરદાતાને મુલાકાત દરમ્યાન સહાનુંભુતીથી સાંભળવો તે પણ એક પ્રકારની અંશત:સારવાર છે .

અભ્યાસપૂર્ણ થયા પછી નૈતિક રીતે જરૂરી છે કે જે નિષ્કર્ષ લખવામાં આવ્યા હોય તે ઉત્તરદાતાઓ સમક્ષ અને બીજા નિસ્બત ધરાવનારાઓ સમક્ષ રજુ કરવામાં આવે.તે પણ પરોક્ષ રીતે વળતર આપવાનો સ્ત્રોત છે.પરંતુ આ બાબતોમાં સમયની મર્યાદાને કારણે સંશોધક બેદરકાર રહે છે ત્યારે તે તેની નૈતિક જવાબદારી પ્રત્યે નિષ્ફળ રહ્યો છે તેમ કહેવાય. ઉત્તરદાતા ઘણી વખત આપણી મહેનતનું પરિણામ જોવા ઈચ્છે છે એટલું જ નહિ તે તેને માટે હકદાર છે.

સંશોધક માટે જોખમ:ભાવનાઓ સાથે કામ લેવા સંદર્ભે અને નૈતિક સંદિગ્ધતા (અસ્પષ્ટતા) અંગે

ગુણાત્મક સંશોધનમાં સંશોધકની એ નિસ્બત હોય છે કે તે તેના ઉત્તરદાતાને જોખમો સામે રક્ષણ આપે,પરંતુ તે બાબતે સંશોધક માટે ભાવનાત્મક અને બીજા કેટલાક જોખમો રહેલા છે તે ધ્યાનમાં લેવા જરુરી બને છે.આ જોખમોના સંદર્ભમાં સંશોધકે પોતાનું અને ઉત્તરદાતાનું રક્ષણ કરવું જરૂરી બને છે.

સંશોધક માટે સૌથી મહત્વની નિસ્બત હોય તો તે ભાવનાત્મક બાબતની છે.કારણ કે આપણી સમક્ષ ઉત્તરદાતાઓ પોતાની ભાવનાત્મક રજુઆતો કરતા હોય છે. નેક સંવેદનશીલ વિષયોમાં આપણે તેની આ ભાવનાત્મક બાબતોને સમજવાનો પ્ર્યાત્ન કરીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઉત્તરદાતા આવી બાબતો સાથે મુકાબલો કરી શકે.આ પરિસ્થિતિમાં ક્ષેત્રકાર્ય દરમ્યાન અનેક ઉતાર ચઢાવના અનુભવો થાય છે જેને ટાળવા અશક્ય હોય છે.વિવિધ ઉત્તરદાતાઓ સાથે આપણે ઘણા આવા મુકાબલાના અનુભવો કરીએ છીએ.જેથી ક્ષેત્રિય સંશોધનમાં સમગ્રલક્ષી અસરો થકવી નાખે એવી હોય છે.

જ્યારે ઉત્તરદાતાની એવી વાતો કે ભાવનાઓ જે સંશોધકના મનને આળું બનાવે છે,ઠેસ પહોંચાડે છે ત્યારે શું કરવું?સંશોધક જેમનો ઈન્ટરવ્યું કરે છે તે સ્ત્રી કેન્સરમાં મૃત્યુ પામે ત્યારે વર્ષ પહેલા સંશોધકની માતાનું થયેલું અવસાન તેને યાદ આવી શકે છે,જુવાન સ્ત્રી જ્યારે તેના બાળપણની જાતીય શોષણની વાત કહેતી હોય ત્યારે તમને તમારા બાળપણની કોઈ આઘાતજનક દુ:ખદ ઘટના યાદ આવે ત્યારે શું?ત્યારે સંશોધકે પોતાની જાતને સ્વપ્રતીબીમ્બિત (Self-reflection)થવાથી બચવું કે ભાવનાઓને પુરતી રોકાવી મુશ્કેલ હોય છે. (Elyetal,1992)આવું થાય ત્યારે પોતાની લાગણીઓને એક બાજુ મુકવી.એક બાજુ પર મુકવું એટલે પોતાની માન્યતાઓ અને લાગણીઓને સતત દુર રાખવા પ્રયત્ન કરવો.જેથી તમે ઉત્તરદાતાને, તેમના અનુભવોને વધારે સારી રીતે સમજી શકો.ગુણાત્મક સંશોધનમાં આપણે આપની માન્યતા અને લાગણીઓને દુર કરી શકીએ કે દબાવી શકીએ તેવું નથી કરવાનું પણ તેને તમે ઓળખો જેથી તે તમારા અભ્યાસમાં ખલેલ ના પાડે.

ભાવનાત્મક દબાણો એ ગુણાત્મક સંશોધામાં એક માત્ર જોખમ નથી.પરંતુ ક્યારેક ઉત્તરદાતાઓ તરફથી ધમકીઓ મળવી,સલામતીના પ્રશ્નો ઉભા થઇ શકે છે .ખાસ કરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો સાથે કામ કરવામાં આવે ત્યારે એવું બની શકે છે.આવું થાય ત્યારે સંશોધક શારીરિક-માનસિક રીતે અસ્વસ્થ બની શકે છે.જ્યારે સંશોધક ઉત્તરદાતાના ઘેર કે કોઈ ખાનગી જગ્યા પર હોય છે ત્યારે સંશોધક પોતાને ની:સહાય અનુભવે છે.

નજીકતા અને નિકટતાને કારણે પેદા થતી લાગણી ઉત્તરદાતાને એક હદથી બહાર દોરી જઈ શકે છે. Riessman(1990) પોતાને કેટલાક સંજોગોમાં તેમના પુરુષ ઉત્તરદાતાઓ જાતીય લાભ લેતા હોય તેવું અનુભવે છે.તેવી જ રીતે Weiss (1994) કહે છે કે સ્ત્રી ઉત્તરદાતા તેમની સમક્ષ જાતીય માંગણી કરે છે કે તે અંગે વાતો કરે છે તેવા અનુભવ તેમને થયા છે. આવા પડકારો સામે કામ પાર પાડવા માટે વ્યાવસાયિક સમતુલા અને મમતા જરૂરી છે.જો ઉત્તરદાતાનું વર્તન શારીરિક કે જાતીય રીતે પડકારરૂપ બને ત્યારે સંશોધકે તે સમયે તેમાંથી બહાર નીકળી જવામાં જરા પણ ખચકાટ ના રાખવો જોઈએ.

ઘણી વખત ઉત્તરદાતા એવી બાબતો કહે છે જે સશોધાકને ગુસ્સે કરનારી હોય છે. ઘણી વખત જાતીયતા,વંશીયતા અને ધાર્મિક રૂઢીચુસ્તતાને મુલાકાત દરમ્યાન શાંખી લેવું જરૂરી બને છે.આ પ્રકારે શોષણની લડાઈ લડતા ઉત્તરદાતા પોતે પોતાને જ નુકશાન કરે છે તેવું  મુલાકાત લેનારને સમજાય છે.કેટલીક વખત તેઓ જે નિર્ણય લે છે તે ખુબ મુંઝવણમાં મુકનાર હોય છે,નિરાશ કરનાર હોય છે.દા.ત. એક સંશોધક HIV/AIDSની સ્ત્રીઓ પર અભ્યાસ કરતા જાણે છે કે તે સ્ત્રી તેના બાળકોને પોતાના રોગ વિષે કહેવા નથી માંગતી,પરંતુ તેનું આ વલણ તેની સ્થિતિમાં તેને તેના બાળકોની લાગણીથી વંચિત બનાવે છે. જે ખરેખર તેના માટે આ સ્થિતિમાં ખુબ જરૂરી હોય છે.

સંશોધન દરમ્યાન ઉત્તરદાતાને થતા નુકશાનના સંદર્ભમાં દરમ્યાનગીરી કરવી મુશ્કેલ કાર્ય છે તે સંશોધક માટે વિપરીત સ્થિતિ ઉભી કરી શકે છે. Steven J. Taylor (1987) મુશ્કેલભરી પરિસ્થિતિમાં તેમને મુકાબલો કેવી રીતે કર્યો તે વર્ણવતા જણાવે છે કે આશ્રયગૃહમાં રહેતી મંદબુદ્ધિની કિશોરીઓ સાથે જ્યારે ત્યાના પટાવાળા દ્વારા શારીરિક અને માનસિક રીતે શોષણ થાય છે ત્યારે તે સમયે ક્ષેત્રકાર્ય કરનાર સંશોધક માટે આ ઘટના આઘાત પહોંચાડનારી હોય છે. જ્યારે ટેલર આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવાનું વિચારે છે ત્યારે પટાવાળાનું વર્તન તેની સામે બંદુકનો ઘોડો તાક્નારું હોય છે જે તેને ધર્મસંકટમાં મુકે છે. સંશોધકની દરમ્યાનગીરી પટાવાળાનું શોષણ રોકી કે ઘટાડી શકે છે.(તેમની હાજરી દરમ્યાન)પણ સંશોધક જ્યારે આ બાબત વહીવટકર્તાના,માધ્યમોના,પોલીસના ધ્યાન પર લાવે છે ત્યારે ઘણી વખત આંટીઘૂંટીભર્યું બની શકે છે. વહીવટકર્તા તેના આ વર્તનને જાણતા હોય છે અને સહન કરતા હોય છે તેઓ આ બાબતને છાવરી લે છે.પરંતુ આ પ્રકારની દરમ્યાનગીરીથી જે પ્રચાર થાય છે તેમાંથી આવી પ્રવૃત્તિ થોડે ઘણે અંશે અટકી શકે છે.ગોપનીયતા તૂટે છે પરંતુ અભ્યાસનો અંત અસરકારક બને છે.

અહી એ જાણવું જરૂરી છે કે કેટલાક એવા પ્રસંગો હોય છે જ્યાં દરમ્યાનગીરી મહત્વની હોય છે પરંતુ વ્યક્તિ સામે તાત્કાલિક કોઈ પણ નિર્ણય લેવો ટેલરના માટે બિનજરૂરી છે.ગોપનીયતાને જાળવવા એવું થઇ શકે કે પોતાના નિરિક્ષણોની નોંધ કરવી અને અભ્યાસ પૂરો થયા પછી તે મંદબુદ્ધિની સારવારમાં સંસ્થીકૃત થયેલ શોષણની પ્રબળતા વિષે લખી શકાય છે.(Taylor,Bogdam1980) ત્યાર બાદ જાતીય શોષણને ખુલ્લું પાડવા મીડિયા ઝુંબેશ કરી અને કાનુની એડવોકસી કરતા જૂથ સાથે કામ કરી શકાય છે.ગુણાત્મક સંશોધનમાં નૈતિક મુદ્દાઓ આ સ્થિતિમાં કઈક કરવું તે નથી, પણ શું કેવી રીતે અને ક્યારે કરવું તે છે.ટેલરના અનુભવના બોધપાઠથી એવું કરી શકાય કે શરૂઆતના તબક્કામાં વિચાર્યા વગર ઝુબેશ કરી નાખવી તેને બદલે દીર્ઘદ્રષ્ટિથી તેના મળનાર પરિણામોને કાળજીપૂર્વક ધ્યાન પર લેવા જોઈએ.

જે સંશોધકો બિનસંસ્થાકીય પરિવેશમાં કામ કરે છે તેઓને નૈતિક સંદિગ્ધપણું/અસ્પષ્ટતાઓનો અનુભવ થાય છે .જ્યારે કોઈ સ્ત્રી તેના ગર્ભાશયના મુખની તપાસ અસામાન્ય (pap smear abnormal) હોય છે અને કહે છે કે તે વધુ સારવાર કરાવવા નથી માંગતી કારણ કે તેને ડર છે કે તેનાથી તેણે બાળકના થવું/વાંઝણી (Infertile) બની જશે. અથવા કોઈ ગેંગનો સભ્ય કહે કે હવે પછીનું તેમનું આયોજન ગેંગરેપનું છે આવા સમયે ટેલર વિકલ્પ આપે છે કે એમાં કઈ જ ના કરવું.અભ્યાસનો સંબંધ પૂરો થવા દો,ઉત્તરદાતા સાથે દરમ્યાનગીરી કરવાના આપના જુસ્સાને નિયંત્રણમાં રાખવો પડે છે.અને બીજો સમય એ આવે છે જ્યારે આપણે બીજાને નુકશાનથી રક્ષણ કરવા તાત્કાલિક પગલા ભરીએ છીએ ત્યારે આ માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી કે તેમાં કયા પગલા લેવા અને ક્યારે લેવા.

બૃહદ ચિત્ર:સામાજિક જવાબદારી સાથેનું સંશોધન:એક નૈતિક સંશોધન

સંશોધનમાં નૈતિક બાબતનું હાર્દ એ છે કે ઉત્તરદાતાને  આપણા સંશોધનથી કોઈ નુકશાન ના થાય. સંશોધનમાં આપણે ઉત્તરદાતા કરતા જુદો મત ધરાવતા હોઈએ તો પણ તેમનું ગૌરવ અને તેમના પ્રત્યેની માનવતાને જાળવીએ છીએ.સમાજકાર્ય સંશોધક સંશોધનને આધારે એક બૃહદ ચિત્ર ઉપસાવે છે જેના સંદર્ભમાં સંશોધકની પોતાની એક સામાજિક જવાબદારી છે તેનો ખ્યાલ રાખવો જરૂરી બને છે.સામાજિક જવાબદારીપૂર્ણ સંશોધન એટલે લોકોના માનવ અધિકાર અને સામાજિક ન્યાયના મુલ્યો પ્રતિ નીસ્બતથી કામ કરવું.

ગુણાત્મક સંશોધનની લાક્ષાણીકતા મુજબ તે લોકોના જીવન ઉપર સુક્ષ્મ રીતે પ્રકાશ પાડે છે.તેમના જીવનને અર્થપૂર્ણ રીતે વ્યાપક સામાજિક-રાજકીય સંદર્ભમાં જોવાય છે. સામાજિક જવાબદારીમાં જેન્ડર,સામાજિક વર્ગ,ઉમર,એથ્નીસીટી અને જાતીય ઓરિએન્ટેશન વગેરેમાં લોકોની વૈવિધ્યતા પ્રત્યે સંવેદનશીલ  હોય છે. ગુણાત્મક સંશોધનમાં સંશોધક ઉત્તરદાતાઓ જ્યાં છે ત્યાં જાય છે.ત્યાં તેમની લૈંગિક,એથનિક જૂથ અને બીજી ઓળખની જટિલ રચના હોય છે.સંશોધકે તેમની આ ઓળખનો નાશ ના થાય બલકે તેનું જતન થાય તેવી રીતે વર્તવું જરૂરી બને છે.પણ ગુણાત્મક સંશોધન જાણીબુઝીને કે અજાણે લોકોની અંદર તેમની વૈવિધ્યતાના કારણે તેમના આંતરિક પૂર્વગ્રહોને અભ્યાસ દરમ્યાન ખુલ્લા થાય તેને આવકારે છે .

ગુણાત્મક સંશોધન પ્રક્રિયામાં મુખ્યત્વે શરૂઆત અને અંતમાં કાળજીથી કામ લેવું તે સામાજિક જવાબદારી હોય છે.લોકોના જીવનમાં સુધારો થઇ શકે તેવા અભ્યાસના વિષયો પસંદ કરીને અને તે અંગે લખીને તથા તેના નિષ્કર્ષ બહોળા સમુદાય સમક્ષ પ્રસારિત કરીને માનવ પ્રત્યેની નિસ્બત ધરાવનાર સંશોધક પોતાની એથીકલ જવાબદારીને પૂર્ણ કરે છે.

સંશોધકને એ ચિંતા હોય છે કે તેમના નિષ્કર્ષનો સંકુચિત સત્તાધીશો દ્વારા દુરઉપયોગ થઇ શકે છે અથવા તેઓ આવા નિષ્કર્ષને પડકારે છે. સંશોધક તરીકે આપણે રજુઆતમાં સંશોધના પરિણામો અને ફલિતાર્થો અને તેની અસરોને રજુ કરી શકીએ છીએ.

સામાજિક જવાબદારી સાથેના સંશોધનોનો અર્થ એ નથી કે એક તરફી ચિત્ર રજુ કરવું.એટલે કે ઉત્તરદાતાના જીવનને અસરકારક નકારાત્મક પાસાઓને જ જોવા.આપણી તપાસનું કામ ગંદકી ઉલેચવાનું નથી,તે જ રીતે વાસ્તવિકતાથી જુદું વધુ સારું ચિત્ર રજુ કરવાનું પણ નથી.આવા પ્રકારનું સમતોલન સંશોધાકમાં ઉત્તરદાતાની જરૂરિયાતો પ્રત્યેની સંવેદનશીલતા,ચીવટતા પેદા કરે છે અને તેમને તિરસ્કારમુક્ત અને આડંબરમુક્ત બનાવે છે.

આમ ગુણાત્મક સંશોધનમાં સમગ્ર પ્રક્રિયા દરમ્યાન એથીકલ મુદ્દાઓને ધ્યાનમાં લેવાય છે. આવા અભ્યાસો રાજકીય-સામાજિક સંદર્ભમાં થાય છે ત્યારે તેના તરફ બેધ્યાન ના રહી શકાય.સંશોધક તરીકેની પ્રામાણીકતા સુક્ષ્મ સ્તરે અને બૃહદ સ્તરે અદા કરવાની છે.આ સામાજિક જવાબદારી વિષય પસંદ કરીને,નિષ્કર્ષનો પ્રસાર કરીને એને તેનો દુરઉપયોગ થતો રોકીને થાય છે.

ગુણાત્મક સંશોધનમાં આપણે મુખ્યત્વે જે એથીકલ સમસ્યાઓનો સામનો કરીએ છીએ તેને માટે એમ માનીને દિલાસો મેળવવો જોઈએ કે આવી સમસ્યાઓનો સામનો આપણે આપણી રોજબરોજની જિંદગીમાં પણ કરતા હોઈએ છીએ.આવા અભ્યાસમાં જોખમ ભાગ્યે જ ઉભું થાય છે.સંશોધકની આખરે ઈચ્છા એ જ હોય છે કે ઉત્તરદાતાને પોતાના સંશોધનને કારને કોઈ નુકશાન ના થાય.