ઈ.સ. 1893 થી 1914 સુધીનો 20 વર્ષનો ગાળો ગાંધીજીના જીવન ઘડતારનો સોનેરી કાળ હતો. દક્ષિણ આફ્રિકામાં અન્યાયના પ્રતિકાર માટે તેમણે  “સત્યાગ્રહ”ની શોધ કરી.તેના સફળ પ્રયોગ પછી તેઓ ઈંગ્લેન્ડ થઈને ઈ.સ. 1915 માં જાન્યુઆરીની 15મી તારીખે મુંબઈ બંદરે ઉતર્યા.દક્ષિણ આફ્રિકાના લાંબા વિદેશ વસવાટ દરમ્યાન તેઓ બે વખત દેશમાં આવી ગયા હતા.દેશની પરિસ્થિતિથી તેઓ માહિતગાર પણ હતા.મહાસભામાં દક્ષિણ આફ્રીકાનો ઠરાવ પસાર કરાવવા અને દક્ષિણ આફ્રિકા વિષે હિન્દનો લોકમત જાગ્રત કરવા માટે તેઓ દેશમાં ફર્યા હતા.મહાસભાના મોવાડીઓ અને ગાંધીજી પરસ્પર પરિચિત પણ હતા.દાદાભાઈ અને ગોખલેની સેવાઓ તેમણે દક્ષિણ આફ્રિકાની લડત વખતે લીધી હતી. ગોખલે  તો તેમને જલ્દી હિન્દ આવવા ખેંચી રહ્યા હતા અને રાજકીય દોરવણી પણ આપતા હતા.

દક્ષિણ આફ્રિકાની લડત પૂરી થતા જ તેઓ ઈંગ્લેન્ડ ગયા.ત્યાં પણ તેમને  હિંદના દેશ સેવકો સાથે ગાળવા ઘણો સમય  મળ્યો.યુવાનો અને ક્રાંતિકારીઓ સાથે  રાતોની રાતો ચર્ચાઓ કરી અને તેમના હિંસક વિચારોને બદલવા પ્રયત્નો કર્યા.ઈંગ્લેંડની આ ચર્ચાઓએ તેમને ભારતના યુવાન માનસનો પરિચય પૂરો પાડ્યો.પોતાની અહિંસક લડત સામે હિંસાના ભયથી તેઓને જાગૃત કર્યા. હિંદના રાજકારણમાં પડી ગયેલા ભાગલાઓનો પણ તેમને  પરિચય થયો. 

ધાર્મિક સ્થિતિ : હિંદમાં અંગ્રેજ સત્તાના પ્રવેશ સાથે જ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર વધવા લાગ્યો હતો.હિન્દુ ધર્મની નિંદાઓ શરૂ થઈ હતી અને તેને હલકો ચીતરવાના પ્રયાસો શરૂ થઈ ગયા હતા.આના પ્રતિકારરૂપે રાજારામમોહન રાયથી માંડી વિવેકાનંદ સુધીના સમયમાં બ્રહ્મો સમાજ,પ્રાર્થના સમાજ,આર્ય સમાજ,રામકૃષ્ણ મિશન દ્વારા નવજાગૃતિ શરૂ થઈ  હતી.હિન્દુ ધર્મના પ્રાચીન ગૌરવની પુન:પ્રતિષ્ઠાના આ પ્રયત્નોમાં મિસીસ એની બેસન્ટ થિયોસોફિકલ સોસાયટી દ્વારા પોતાનો ફાળો આપી રહ્યા હતા.છેલ્લે છેલ્લે 1905 પછી શ્રી અરવિંદ પણ યોગ સાધના દ્વારા નવ જાગૃતિના કામમાં લાગી ગયા હતા.પણ આ બધા પ્રયત્નો કલકત્તા,મુંબઈ,પોંડીચેરિ અને અમદાવાદ જેવા જે તે પ્રવૃત્તિના કેન્દ્રોમાં વસતા શિક્ષિત માણસો સીધી પહોંચતા હતા.આર્ય સમાજે આમજનતામાં પ્રવેશવા પ્રયત્નો કર્યા હતા,પણ તેનામાં હિન્દુ ધર્મની સર્વોપરિતાનો અહમ એટલો બધો દેખાતો હતો કે ઉદાર બુધ્ધિવાળો શિક્ષિતવર્ગ તેમાં બહુ ઓછા પ્રમાણમાં જોડાયો હતો. પંજાબ વિસ્તારમાં તેનો ઠીક ઠીક ફેલાવો હોવા છતાં તેની આક્રમકતા એટલી બધી હતી કે ભારતીય સંસ્કૃતિના ઉદારતા અને સહિષ્ણુતાના સાહજિક લક્ષણો તેનાથી છૂટી ગયા હતા. એટલે આમજનતામાં પણ તેનો ફેલાવો પ્રમાણમાં ઓછો હતો .

આ બધા પ્રયત્નો છતાં સામન્ય જનસમાજ તો એજ પુરાણો ધાર્મિક ક્રિયાકાંડો,વહેમો અને અંધશ્રધ્ધામાં ડૂબેલો હતો.બલિદાનો અસ્પૃશ્યતા અને કૂપમંડૂકતા એટલાજ વ્યાપેલા હતા.આર્યસમાજ અને રામકૃષ્ણ મિશન તથા થિયોસોફિકલ સોસાયટીના ઊંચા તત્વજ્ઞાનના પ્રચાર છતાં બહુજન સમાજ તો એમજ માનતો હતો કે અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું અંગજ છે. નાત જાતના રૂઢિબંધનો એટલા બધા દ્રઢ હતા કે મહાસભાના અધિવેશનોમાં પણ જુદા જુદા રસોડા ચાલતા હતા .

મુસલમાન સમાજ રૂઢિચુસ્ત મૌલવિઓની પકડમાં હતો.પશ્ચિમી કેળવણીનો પ્રચાર પણ તેમનામા ઓછો હતો એટલે ઉદારમત પણ કેળવાયો નહતો.આર્યસમાજની શુધ્ધિ ક્રિયાએ મુસલમાનોને સાશંક બનાવ્યા હતા.તેઓને કુરાનના શબ્દાર્થને જ પકડી રાખવામા ઇસલામની ઇતિશ્રી જણાતી હતી.બીજી બાજુ ખ્રિસ્તી મિશનરી હિન્દુ અને મુસલમાનો, બંને ધર્મોની નિંદા દ્વારા અને રાજ્યાશ્રય તથા આર્થિક લાલચના  જોરે ખ્રિસ્તી મતનો ફેલાવો કરી રહ્યા હતા.

સામાજિક સ્થિતિ :પાશ્ચાત્ય કેળવણીના સ્પર્શે સમાજમાં પડેલી જૂની રુઢીઓ સામે સુધારાનો પવન શરૂ થઈ ગયો હતો.બ્રહ્મોસમાજે સતી થવાના રિવાજ સામે ઝુંબેશ ઉઠાવી કાયદો કરાવ્યો હતો.વિધવા પુન;લગ્નની તરફેણ અને બાળલગ્ન વિરોધનાં કાયદા થયા હતા.આર્યસમાજ દ્વારા નાતજાતના બંધનો ભગાડી દેવાના પ્રયત્નો શરૂ થયા હતા. સ્વામી વિવેકાનંદે હિંદની દરિદ્રતાનો સાક્ષાત્કાર કરી તે મિટાવવા રામકૃષ્ણ મિશન દ્વારા અને અમેરિકા જેવા ધનાઢ્ય દેશોની મદદ દ્વારા પ્રયત્નો શરૂ કર્યા હતા.તેઓએ દરિદ્રનારાયણ શબ્દ આપ્યો હતો.કોંગ્રેસમા લાલા લજપતરાયના આગ્રહથી ઔધ્યોગિક પ્રદર્શનો ભરવાની શરૂઆત થઈ ચૂકી હતી. હિંદની ગરીબાઈનું મૂળ પણ દાદાએ શોધી કાઢ્યું હતું.ગૂંગળાતા હિંદે ઔધ્યોગિક વિકાસનો રાહ આપનાવ્યો હતો.

સ્ત્રી કેળવણી મહર્ષિ કર્વે દ્વારા થઈ હતી.રમાબાઈ કામદાર જેવી બહેનો આગળ આવી હતી.આર્ય સમાજે પ્રાચીન પરંપરા પ્રમાણે ગુરુકુળો શરૂ કર્યા હતા.ભારતની તમામ કેળવણી શ્રમવિમુખ,પાશ્ચાત્ય અસરવાળા કારકુનો તૈયાર કરવાના ઢાંચામાં ચાલતી હતી.અપવાદરૂપે કવિ રવિન્દ્રનાથ ટાગોરે પોતાના વિચારો પ્રમાણે શાંતિનિકેતન જેવી કેળવણીની સંસ્થાઓ શરૂ કરી હતી.મિસીસ એની બેસન્ટની દોરવણી અને પ્રેરણાથી માલવિયાજીએ બનારસમાં હિન્દુ પાઠશાળા શરૂ કરી હતી.જેનો પાછળથી કોલેજરૂપે વિકાસ થયો હતો.અંગ્રેજોએ હિન્દુ મુસલમાનોને અલગ કરવાનું મહત્વ સમજી લીધું હતું. કેળવણીના ક્ષેત્રમાં પણ તેનો પ્રયોગ તેઓએ બેવડી રીતે અજમાવ્યો હતો.મુસલમાનો માટે અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.સરકારી યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણે તે અરબી અને ફારસી ના ભણે તેવી યોજના હતી.કૂપમંડૂકતામાં રાચતી અને પુરુષાર્થહીન પ્રજાને તે વાત ગમતી હતી.બંને પ્રજાઓને એક બીજાના સાંસ્કૃતિક વારસાથી અજાણ રાખવાથી જ તેમનામા ભેદ ઊભો કરી શકવાની આ ચાલમાં અંગ્રેજો સફળ થયા હતા.કેળવણીનું માધ્યમ અંગ્રેજી હતું.પ્રાંતિય ભાષાઓના વિકાસ માટે કે સંસ્કૃત,અરબી,ફારસીના અભ્યાસ માટે રસ દાખવવા કરતાં કેળવણીનો ઢાંચો અંગ્રેજી વહીવટ તંત્રના મદદનીશો ઉભકરવાનો હતો અને તેમાં હિન્દની જનતા રાચતી હતી .

અંગ્રેજી વિદ્યાની કેળવણી  કેવળ સરકારના હાથમાં ના રહે પણ તે સસ્તી અને બહોળી થવી જોઈએ એવું માનનારા લોકોએ અનેક પ્રાંતોમાં ખાનગી હાઈસ્કૂલો અને કોલેજો ખોલી અને કઈક મહેનતથી સરકારી માન્યતા અને મદદ મેળવી હતી.અંગ્રેજી કેળવણી લેવામાં હિન્દુ ખ્રિસ્તી અને પારસી લોકોએ પહેલ કરી હતી અને તેઓ સરકારી નોકરીઓમાં  આગળ આવવા લાગ્યા હતા.એ બાબતમાં મુસલમાનો પાછળ પડી ગયા હતા.ઇ.સ. 1900 આસપાસ માંડ માંડ મુસલમાનો જાગ્યા.તેમણે જોયું કે રાજ્ય ગયાની બળતરા કરવાથી રાજ્ય પાછું મળવાનું નથી.બીજી કોમો અંગ્રેજી કેળવણી લઈને આગળ વધી અને પોતે રહી ગયા,વળી તેમને હવે ભાન થવા લાગ્યું કે પોતે બહુમતિમાં નથી.અંગ્રેજ સરકારે આ નવા વલણનો લાભ લીધો અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના દ્વારા મુસલમાનોને સંગઠિત થવામાં મદદ કરી અલીગઢના આ સાંપ્રદાયિક વલણના કારણે હિન્દુઓમાં પણ પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ તેવો ભાવ જાગ્યો અને હિન્દુ બનારસ કોલેજને માલવિયાજી વગેરે  હિન્દુ યુનિવર્સિટીમાં ફેરવવાની વિચારણા કરી.1916માં ગાંધીજીની હાજરીમાં તેનું શિલારોપણ થયું.બનારસ યુનિવર્સિટીનો સાંપ્રદાયિક કોચલામાં જોઈએ તેવો વિકાસ ના થયો.બનારસ જે વર્ષોથી હિન્દી સંસ્કૃતિના અભ્યાસનું વિદ્યાધામ હતું તે ગૌરવ હવે એમણે ગુમાવ્યું અને પરિણામે ધર્મના બંધિયાર વાડામાં તેની પવિત્ર ગંગોત્રીનું આચમન જે જગતના સર્વ લોકો માટે આકર્ષણરૂપ હતું તેવું ના રહ્યું. જેમ કેળવણી ક્ષેત્રે બે અલગ સાંપ્રદાયિક નામવાળી યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમ હિન્દી અને ઉર્દુ ભાષાની વચ્ચે પણ તડ પાડવામાં સરકાર સફળ થઈ.તેણે એકબાજુ ઉર્દુભાષાને મહત્વ આપ્યું તો બીજીબાજુ હિન્દી સંગઠનો મજબૂત કરી હિંદીમાંથી ઉર્દુભાષાનો બહિષ્કાર કરનારી હિલચાલને પ્રોત્સાહન આપ્યું .

કેળવણીના ક્ષેત્રમાં હિન્દુ મુસ્લિમ ભેદ પોષ્યા તેજ રીતે અસ્પૃશ્યો અને સવર્ણોના ભેદ પોષીને તેમની વચ્ચેની દીવાલ અંગ્રેજોએ મજબૂત કરી હતી.જ્યારે સરકારી શાળાઓમાં અછૂતોને દાખલ કરવાનો સવાલ આવ્યો ત્યારે રૂઢિચુસ્ત હિન્દુઓએ તેનો વિરોધ કર્યો. જો અંગ્રેજો માત્ર કેળવણીની દ્રષ્ટિથી કેળવણી આપતા હોત તો આ વિરોધ ચલાવી ના લેત પણ તેમણે તો કહ્યું,”અછૂતોને દાખલ કરી ઉપલા વર્ગના લોકોને નારાજ કરવા એ  સરકારની નીતિ નથી.અમેરીકામાં આપણા લોકો જો કાળા નિગરોને નિશાળમાં સાથે બેસાડવા દેતા નથી તો બ્રાહ્મણોને આપણે શી રીતે કહી શકીશું કે તમારે અછૂતોને તમારી સાથે બેસવા દેવા જોઈએ.ઉત્સાહી અમલદારો અછૂતો માટે નોખી શાળાઓ ખોલે તો ભલે પણ સરકારી હાઈસ્કૂલોમાં અછૂતોને દાખલ કરવાની નીતિ તો અમલમાં ના જ મુકાય.પણ આની સામે જ્યારે અંગ્રેજી ભણેલા જ્યોતિબા ફુલે જેવા હિન્દુ નેતાઓએ સનાતનીઓની સામે થઈને પણ અછૂતોની તરફદારી શરૂ કરી ત્યારે અમેજ  તમને આગળ આણીએ છીએ” એમ અછૂતોને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા.આજ રીતે કોલ્હાપુરમાં બ્રાહ્મણ –બ્રાહ્મણેતર ભેદ જન્મ્યો અને જોત જોતામાં મદ્રાસ તરફ આખા દક્ષિણમાં ફેલાઈ ગયો.આમાં અંગ્રેજોએ પહેલા બ્રાહ્મણોને અને પછી બ્રાહમણેતરોને અપનાવ્યા.

રાજકીય સ્થિતિ :

રાજદ્વારી ભૂમિકામાં સર્વત્ર એકજ અનાસ્થા દેખાતી હતી.1857 ના અસફળ પ્રયત્ન પછી લોકોએ અંગ્રેજી રાજ્ય પૂર્ણપણે સ્વીકાર્યું હતું.એ પ્રયત્ન અમુક રાજાઓ તરફથી થયો હતો.તેમની સાથે દેશી સૈનિકોની કેટલીક પલટણો ભળી હતી.પ્રજાની તેમની સાથે સહાનુભૂતિ હતી.પણ તે પ્રયત્ન નિષ્ફળ જવાથી એ પ્રકારનું નેતૃત્વ આપનાર વર્ગ છિન્ન ભિન્ન થઈ ગયો હતો અને નિરાશ હતો,પણ નામશેષ નહોતો થઈ ગયો.

અંગ્રેજી કેળવણીના પરિણામે નવું નેતૃત્વ જાગી રહ્યું  હતું.આ નવા નેતાઓએ પ્રજાનું પ્રતિનિધિતવ કરી અંગ્રેજ રાજ્ય સુધારવાના અને પ્રજાને સુખકર કરવાના પ્રયત્નો આદર્યા. એજ કામ સંગઠિત કરવા 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી.સશસ્ત્ર બળવાથી નહીં પણ રીતસરની બંધારણીય ચળવળથી પરિસ્થિતી સુધારી શકાશે એવો વિશ્વાસ કેટલાક સારા અંગ્રેજોએ આ નવા નેતાઓમાં પેદા કર્યો હતો .

બળવામાં માનનાર લોકો આ નવી આશા પ્રત્યે અવિશ્વાસ સેવતા હતા એ લોકોમાંથી 1857 વાળું જૂનું વલણ સાવ તૂટ્યું ના હતું.નેપાળના હિન્દુ રાજા,બીજી બાજુ દેશી પલટણોમાં અસંસતોષ ફેલાવી બળવો પેદા કરી શકાય તો તે પ્રયત્ન પણ કરવા એવો ત્રિવિધ કાર્યક્રમ સેવાતો હતો.

કોંગ્રેસીઓની નીતિ,પ્રાંતિય અને કોમી એકતા દ્વારા પ્રજાજાગૃતિના જોરે રાજ્ય વ્યવસ્થામાં સુધારા માંગવા અને રાજ્ય વ્યવસ્થામાં દેશી લોકોને વધુને વધુ સ્થાન મળે એ જાતના પ્રયત્નો કરવાની હતી. કોંગ્રેસી નેતાઓ દૂરંદેશીથી જોઈ શક્યાં હતા કે લોકજાગૃતિ વગર કાંઈ થવાનું નથી અને લોકજાગૃતિ નવી કેળવણી દ્વારા જ થઈ શકશે એવો તેમનો મત હતો.તેઓ અંગ્રેજી વહીવટી કુશળતા અને ભેદનીતિ પામી ગયા હતા.એટલે નવજાગૃતિ સાથે જ ધર્મનિરપેક્ષ નવી રાષ્ટ્રીયતા મજબૂત કરે જ છૂટકો છે એમ તેમને લાગતું હતું.આ નવું નેતૃત્વ અંગ્રેજી વિદ્યા મારફતે ઊભું થયું હતું અને તે દ્વારા જ સંગઠિત થઈ શકે તેમ હતું.

ઇ.સ. 1905 માં આ નવા નેતૃત્વને મોળું પાડવાના અને કોમી એક્તા તોડવાના ઇરાદાથી અંગ્રેજી વિદ્યામાં પ્રવીણ બંગાળના ભાગલા પડ્યા અને દિલ્હી દરબાર ભર્યો હતો તે અરસામાં અંગ્રેજોને આત્મવિશ્વાસ અને અભિમાન શિખરે પહોંચી ગયા હતા.અને તેજ વખતથી હિંદીઓના અસંતોષનો ખરો પ્રારંભ પણ થયો હતો.બંગભંગના અંગ્રેજોના પગલાં ઉપરાંત જાપાનના રશિયા પરના વિજયથી હિન્દને પ્રેરણા અને આશા મળી હતી તથા મહત્વાકાંક્ષા પણ વધી હતી.આ અસંતોષ અને મહત્વકાંક્ષાનો પડઘો 1906ના કલકત્તા ખાતેના 22માં કોંગ્રેસ અધિવેશનમાં પડ્યો. કોંગ્રેસનાં પ્રમુખપદેથી દાદાભાઈએ “સ્વરાજ્ય” શબ્દનો ઉપયોગ કર્યો.જોકે  સ્વરાજ્યાં સંબંધી કોઈ પ્રગતિશીલ ઠરાવ પસાર ના થયો પણ અંગ્રેજી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય કેળવણીના ઠરાવો પસાર થયા.લોકમાન્ય તિલકે પોતાના પત્રોમાં સ્વરાજ મારો જન્મ સિધ્ધ હકક છે અને તે હું લઈને જ જંપીશ,એવો શંખનાદ શરૂ કર્યો.તેમની આગેવાની નીચે જહાલ જુથ ઉગ્ર બન્યું.જનતાનું પીઠબળ તેને હતું પણ કોંગ્રેસમાં ગોખલે અને સર ફિરોજશાહ મહેતાની આગેવાનીમાં મવાળ જૂથને ઉગ્ર કાર્યક્રમો નામંજૂર હતા.સુરત અધિવેશનમાં 1907માં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું.પાછળથી મવાળ નેતાઓએ અલહાબાદ “કન્વેન્શન’ ભર્યું અને જહાલ જૂથને અલગ પાડી દીધું .

અંગ્રેજોએ બંગભંગની ચળવળથી સજાગ હતા.કોમી એક્તા તોડવાના ઇરાદાથી 1906માં મુસલીમ લીગની રચના તેમની પ્રેરણાથી થઈ.અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના પણ થઈ અને તેનો ઉપયોગ હિન્દુ મુસલમાન વૈમનસ્ય વધારવામાં થવા લાગ્યો.સર સૈયદ અહમદ જેવા રાષ્ટ્રીય મુસલમાન નેતાને અલીગઢના કૂટનીતિજ્ઞ અંગ્રેજ અધ્યાપકોએ વખત જતાં કટ્ટર કોમવાદી બનાવી દીધા.હિન્દુ મુસલમાન એક્તા તોડવાના આ પગલાની સાથે સાથે કોંગ્રેસનાં ભંગાણનો લાભ પણ અંગ્રેજોએ ઇ.સ. 1908 માં લોકમાન્ય તિલકને 6 વર્ષની જેલની સજા ફટકારી બ્રહ્મદેશમા  જેલમાં પૂરી દીધા.લાલા લાજપતરાયને દેશનિકાલ કર્યા.એક વખતની લાલ,બાલ,અને પાલની જહાલ ત્રિપુટીના શ્રી બિપિંચંદ્ર પાલ વખત જતાં લાલ અને બાલની ગેરહાજરીમાં મવાળ બની ગયા.1908 થી 1914 સુધીના ગાળામાં કોંગ્રેસનું સુકાન સંપૂર્ણપણે મવાળ પંથીઓના હાથમાં રહ્યું. જહાલ જૂથને દોરવણી આપનાર કોઈ ના રહ્યું.મવાળ જૂથે જલદ કાર્યક્રમોમાં રસ ઓછો કરી દીધો. આ ગાળામાં હિંસક ક્રાંતિકારીઓના પ્રયત્નો શરૂ થયા કલકતાના ખુદીરામ બોઝે મુર્શિદાબાદમાં એક અંગ્રેજ ન્યાયાધીશની ગાડી પર બોમ્બ ફેકયો.ખુદીરામને ફાંસીની સજા થઈ તેના પ્રત્યાઘાતો ઉગ્ર પડ્યા.દેશમાં ઠેર ઠેર ભૂગર્ભવાદી ક્રાંતિકારી દળોની રચના થવા લાગી લાલા હરદયાળ જેવા ક્રાંતિકારીઓએ પરદેશ રહયે રહયે આવા દળોને સંગઠિત કરવામાં મદદ શરૂ કરી.

ડો. એની બેસન્ટ ઈંગ્લેંડથી ભારત આવ્યા હતા તેમણે ઇંગ્લેન્ડમાં રહ્યા રહ્યા તેમના વતન આયર્લેંડની “સીનફીજ”નામની ક્રાંતિકારીઓની હિંસક લડાઈનું નિરિક્ષણ કર્યું હતું.તેજ વખતે હોમરૂલ લડત આયરલેંડમાં ચાલતી હતી જે હિંસક નહોતી.તેમણે તે પણ જોઈ હતી.તેમણે હિન્દ આવીને જોયું કે મવાળ જુથ પ્રજાનો વિશ્વાસ મેળવી શક્યું નહોતું.અને ક્રાંતિકારીઓની અસર વધતી જતી હતી.જો નેતા વિહોણું જહાલ જુથ ક્રાંતિકારીઓ સાથે ભળી જાય તો ક્રાંતિકારીઓનું બળ વધી જાય એવો સંભવ હતો.આવા સંજોગોમાં અદ્ભુત વાગછટાવાળા આ બાનુએ હિંદના રાજકારણમાં પ્રવેશ કર્યો.તેમણે હોમરૂલ લીગની  સ્થાપના કરી. ઇ.સ. 1914 ના આજ ગાળામાં તિલક છૂટયા.જનતા તેમના તરફ મીટમાંડી રહી હતી. તેમણે પણ હોમરૂલ લીગની સાથે “હોમરૂલ ” ચળવળમાં ઝંપલાવ્યું.

આંતરરાષ્ટ્રીય તખ્તા પર આજ વખતે પ્રથમ વિશ્વયુધ્ધ શરૂ થયું.અંગ્રેજો અને તર્કી સામસામાં આવી ગયા.ભારતના સાધનો અને સૈનિકોનો ઉપયોગ શરૂ થયો.ફ્રાન્સની રણભૂમિ પર જર્મનો સામે હિન્દી લશકરે અદ્ભુત શૌર્ય બતાવ્યુ.તેથી યુરોપ એશિયામાં નવું જ વાતાવરણ પેદા થયું. હિંદીઓની યોગ્યતા વિષે યુરોપિયાનો પર ઊંડી છાપ પડી હતી.બીજી તરફ હિંદનો મુસલમાન વર્ગ દ્વિધામાં પડી ગયો.યુદ્ધના એક પક્ષમાં તેમના ખલીફા અને બીજા પક્ષે તેમના શહેનશાહ હતા! આ દ્વિધા મૂંઝવણોનો ઉપયોગ કોંગ્રેસનાં કોમી એકતાના પ્રયાસોમાં ઉપયોગી થયો.કોંગ્રેસ અને લીગના 1916ના જોડાણની ભૂમિકા આમ સાહજિક રીતે ઊભી થઈ હતી .

હિન્દી લશ્કરની જગતભરમાં થયેલી કદરથી સમગ્ર ભારતવાસીઓના માનસ પર ભારે અસર થઈ હતી.આ યુધ્ધમાં અંગ્રેજ સામ્રાજ્યને હિંદે આપેલો સહકાર કોઈ સોદો કરવા માટે નહીં પણ સામરાજ્યના હિંદના હક્કો પ્રસ્થાપિત કરવા માટે હતો.એવી ભાવનાને શ્રીમતી એનીબેસન્ટ વાચા આપી રહ્યા હતા.

ઇ.સ. 1915માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે દેશની સ્થિતિ કઈક અંશે આવી હતી.મવાળ કોંગ્રેસે યુધ્ધમાં ટેકો જાહેર કર્યો હતો.જહાલજુથ બહાર હતું.લાલા લજપતરાય હજુ દેશનિકાલ હતા.અરવિંદ ઘોષ રાજકારણ છોડી પૉંડિચેરી યોગસાધનામાં લાગી ગયા હતા.આવા સમયે ગાંધીએ પ્રવેશ કર્યો .    


0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *