- રવિશંકર મહારાજ –
જન્મ-માતા-પિતા-અભ્યાસ : રવિશંકર મહારાજનો જન્મ 25-2-84 ના રોજ મહાશીવરાત્રીના દિવસે ખેડા જિલ્લાના માતર તાલુકાનાં રઢુ ગામે થયો હતો(મોસાળ). મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન.પિતા શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા,નિર્ભયતા અને કોઇનુ પણ કામ કરી છૂટવાની તત્પરતા અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા.મહારાજનો અભ્યાસ ગુજરાતી છ ધોરણ સુધીનો હતો.
રાષ્ટ્રીયતાનો ઉદય અને વિકાસ :
20 વર્ષની વય મહારાજને આર્યસમાજી કવિ છોટાલાલના સંગથી આર્યસમાજનો રંગ લાગ્યો. “આર્ય પર અનાર્યોકા રાજ્ય નહીં હોના ચાહિએ”-સ્વામી દયાનંદના આ વાક્યએ એમનામા રાષ્ટ્રીય અસ્મિતાનું બીજ વાવ્યું. સ્વામી રામતીર્થે અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોએ બીજને અંકુરિત કર્યું. પરિણામે સમાજ અને રાષ્ટ્ર વિષે તેઓ ગંભીરતાથી વિચાર કરતાં થયા. 1911 માં ક્રાંતિકારી રાષ્ટ્રભક્ત મોહનલાલ કામેશ્વર પંડ્યા નો ભેટો થઈ ગયો. એમણે મહારાજની રાષ્ટ્રીયતામાં પ્રાણ પૂર્યા.
ગાંધીજીનું પ્રથમ દર્શન અને પ્રભાવ;
1932ના કારતક સુદ પૂનમના દિવસે પંડ્યાજીએ અમદાવાદના કોચરબ આશ્રમ માં મહારાજને ગાંધીજીનો પરિચય કરાવ્યો. પ્રથમ દર્શને જ તેઓ ગાંધીજી તરફ આકર્ષાયા. એજ દિવસે સાંજે પ્રેમાભાઈ હોલમાં શ્રીમદ્ રાજચંદ્ર વિશેના ગાંધીજીના પ્રવચનએ એમના ઉપર જાદુઈ અસર કરી.1917 ના નવેમ્બરની ત્રીજી, ચોથી, પાંચમી તારીખે ગોધરાની રાજકીય પરિષદમાં લોકમાન્ય તિલક,વિઠ્ઠલભાઈ પટેલ વગેરે મોટા દેશ નેતાઓના દર્શન થયા. પરિષદમાં ગાંધીજીએ દેશ સેવા માટે 24 કલાક કામ કરનારા કાર્યકરોનું આહ્વાન કર્યું,સરદાર વલ્લભભાઈ પટેલે એમાં પોતાનું નામ નોંધાવ્યું. મહારાજ પર એની ઊંડી અસર થઈ.1920 ના નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીનું પ્રવચન સાંભળતા તેઓ દેશ સેવા માટે તૈયાર થઈ ગયા. પોતાના ચાર બાળકો-મેઘાવ્રત-પંડિતજી,વિષ્ણુભાઈ,મહાલક્ષ્મી,લલિતાની જવાબદારી પત્ની સૂરજબાને સોંપી, દેશ સેવાર્થે ગૃહ ત્યાગ કર્યો.
પાટણવાડિયા કોમની સેવા:
1922માં અંગ્રેજ જજ બ્રુમફિલ્ડે અમદાવાદના સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ મુકી એમને 6 વર્ષની જેલની સજા ફરમાવી. ચુકાદો સાંભળી મહારાજ રડી પડ્યા. ગાંધીજીએ એમનો ખભો થાબડી કહ્યું કે તમે પેલા બહારવટિયાઓને મેળવી આપવાનું કહ્યું છે એ તો રહી ગયું તમે એ કોમની સેવા કરશો તો મને બહુ ગમશે.
ગાંધીજીની ઇચ્છાને માન આપીને મહારાજ ચોરડાકુ ગણાતી ખેડાજિલ્લાની કાંઠા વિભાગની પાટણવાડિયા કોમની સેવામાં લાગી ગયા. એ પ્રદેશના 60 ગામોમાં પુરુષો, સ્ત્રિઓ અને મોટાં બાળકોની, સરકારી માણસો દ્વારા હાજરી લેવાતી. સૌને હાજરી પુરાવા રાત્રે ચોરામાં કે પોલીસ થાનામાં ફરજિયાત જવું પડતું. મહારાજને આ પ્રથા શૂળની જેમ ખૂંચી. એ કલંકરૂપ પ્રથાને નાબુદ કરવા એ પૂરી શક્તિથી લાગી ગયા. અને એને નાબૂદ કરાવીને જ જંપ્યા. બીજી બાજુ, એ કોમને ચોરી, ડાકુગીરી,શરાબખોરી અને ખુનામરકી જેવા અપરાધોથી મુક્ત કરવા મહારાજે એ લોકો માટે રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી. વરસતા વરસાદમાં ધોમધખતા તાપમાં કે કડકડતી ઠંડીમાં રોજ 40 થી 50 માઇલ ચાલે અને તે પણ ઉઘાડા પગે. બપોર થાય એટલે કોઈ પાટણવાડિયાને ત્યાં ઉતારો કરે. કુવેથી પાણીનો ઘડો ભરી લાવે ખીચડી રાંધીને ખાઈ લે.તે પણ માત્ર ખીચડી. દિવસમાં એક જ ટંક જમે. રાત્રે સુએ પણ એમને ત્યાં જ. મહારાજ ખાસ્સા છ ફૂટ થી પણ વધારે ઊંચા. એમના માપનો ખાટલો ક્યાંથી મળે. નાની ખાટલીમાં પણ ટૂંટિયું વાળીને સૂઈ જાય અને ઘસઘસાટ ઊંઘે. પૂરાં 10 વર્ષ એમણે આ રીતે કામ કર્યું. જેઓ ચોર,ડાકુ, દારૂડિયાને ખૂની છે, સમાજ જેમને ધિક્કારે છે, તિરસ્કાર કરે છે એમને ચાહવા, સ્વજનથી વધુ પ્રેમ કરવો, એ સાચે જ અસાધારણ છે. મહારાજ કરુણા પ્રેમથી ઉભરાતા હતા. એ પ્રેમે ચોર ડાકુ બહરવટિયાઓ અને દારૂડીયાઓના અંતરના અંતરતમ ભાગમાં પડેલી સદ્ભભાવનાઓને જગાડી, એમનામાં માનવતાના દીવડા પ્રગટાવ્યા. તથા એમને સદાચારી નાગરીક જીવનની દિક્ષા આપી. મહારાજના આ કાર્યને ઝવેરચંદ મેઘાણીએ “ માણસાઈના દીવા” પુસ્તક દ્વારા અમર કર્યું.
ગાંધીજીના ટપાલી:
મહારાજ પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા. ગાંધીજીનો સ્વરાજનો સંદેશ લઈને ગુજરાતને ગામડે ગામડે પગપાળા ઘુમતા રહ્યા. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી એમના ચિંધ્યા કામ કર્યા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો, જેલવાસ વેઠયા, આફતગ્રસ્તોની વ્હારે ધાયા અને આંખ સામે જે કઈ સેવાકાર્ય આવ્યા તે પોતાના આત્મા રેડીને કર્યા.
બોરિંગવાળા મહારાજ:
1947 થી 1952 સુધી મહારાજે મહેસાણા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું, એ પ્રદેશને ગરીબી અને વિશેષ કરીને પાણીની હાલાકી જોઈ દિલ દ્રવી ઉઠ્યું. રાતદિવસ ખૂબ પરિશ્રમ લઈને રાધનપુર, સાતલપુર, સમી અને હારિજ તાલુકાઓમાં 48કુવા 51 બોરિંગ કરાવી એ પ્રદેશની પાણીની સમસ્યા કઈંક હળવી કરી, તેથી બનાસકાંઠા જિલ્લાના લોકો મહારાજને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા.
ભૂદાન આંદોલનમાં અહિંસક ક્રાંતિના દર્શન:
1952 માં મહારાજે ચીનનો પ્રવાસ કર્યો. ચિનના ખેડૂતોની દેશદાઝ,વિપુલ ઉત્પાદન દ્વારા દેશને બેઠા કરવાની લગન અને ધગસથી ખૂબ પ્રભાવિત થયા. એવું કામ આપણા દેશમાં અહિંસક પદ્ધતિએ થઈ શકે એ પ્રશ્ન એમને મુંઝવતો હતો. એ મુંઝવણના ઉકેલની ઝાંખી એ દિવસોમાં વિનોબાજીએ આરંભેલા ભૂદાન આંદોલનમાં એમને થઇ.તા-14-12-52ના રોજ વિનોબાજીને ઉત્તર પ્રદેશના ચંડીલ ગામમાં મળ્યા. તેમની સાથે ચર્ચા કરી. માંદગીના બિછાનેથી આખમાં આંસુ સાથે વિનોબાજીએ મહારાજને કહ્યું, બાપુને ગયે આટલા વર્ષ થઇ ગયા પણ એમની અહિંસાને આપણે ચરિતાર્થ કરી શક્યા નથી. આપણે માથે ફરજ છે. ગુજરાતમાં ભૂદાન યજ્ઞનું કામ તમે ઉપાડી લો. વિનોબાની આ હૃદય સ્પર્શી અપીલની મહારાજ ઉપર ઊંડી અસરથી એમણે ગુજરાતના ગામડે ગામડે ઉદયનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ કર્યો.
ભૂદાન પદયાત્રા:
1955 ના એપ્રિલની 13 મીએ વિરમગામથી અમને પદયાત્રા શરૂ કરી. જે પ્રવૃત્તિ હાથમાં લે તે અત્યંત વફાદારીથી પોતાના મન બુદ્ધિ અને શરીર ત્રણેયને રેડીને કરવી એ મહારાજની કામ કરવાની રીત હતી. ભૂદાન કાર્યમાં પણ એમનો આત્મા રેડી દીધો. ઉઠતાં- બેસતા, ખાતા પીતા, પદયાત્રામાં એક ગામથી બીજે ગામ જતા ચાલતી વખતે પણ બસ ભૂદાનના જ વિચારોમાં ખોવાયેલાં રહે. રોજના 15-20 માઇલ ચાલે. બે સભાઓને સંબોધિત કરે. લોકો મંત્રમુગ્ધ બનીને સાંભળ્યા કરે. દરેકને એમ લાગે કે મહારાજ મારી સાથે વાત કરી રહ્યાં છે. વ્યાખ્યાન પૂરું થયા પછી કોઈને ભૂમિદાનની તો કોઈને સંપત્તિદાનની, કોઈને સાધન દાનની તો કોઈને વ્યસન દાનની પ્રેરણા થઈ આવે. 5 વર્ષની પદયાત્રામાં મહારાજે ગુજરાતના તમામ જિલ્લાઓ ને તાલુકાઓમાં વિનોબાજીનો પોતાની યોજનાનો સંદેશો પહોંચાડ્યો.
સંવેદનશીલ સંત-
પાવનકારી સંતોના હૃદય બીજાના દુઃખ જોઈ દ્રવી ઉઠે છે. મહારાજ આવાજ સંત હતા. ગુજરાતમાં કે દેશમાં ક્યાં રેલ આવી હોય, દુષ્કાળ પડ્યો હોય, ધરતીકંપ થયો હોય, વાવાઝોડું આવ્યું હોય, કોલેરા કે કોમી રમખાણ ફાટી નીકળ્યા હોય અને લોકો આફતમાં આવી પડેલા જાણે કે મહારાજની સંવેદના જાગી ઉઠે. તેઓ તત્કાલ આફતગ્રસ્તોની વ્હારે દોડી જાય અને કામ શરૂ કરી દે. રાહત કાર્યકરો, રાહતસામગ્રી, રાહત ફંડ એ બધું એમના પગલે પગલે આવે. ગુજરાતની તમામ કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં મહારાજની હસ્તી એક મોટુ બળ પુરવાર થતી.1964 થી 1972 દરમિયાન બિહારના દુષ્કાળ, ઓરિસ્સાના જળની અને બાંગ્લાદેશની આપત્તિઓ વખતે ગુજરાતના રાહત કાર્યકરો સાથે સક્રિય કાર્ય કરીને મહારાજે દેશમાં ગુજરાતની શાન વધારી હતી. દાનની અપીલ થતાની સાથે લોકો એમની દાનની ઝોળી છલકાવી દેતા.
કોમી હુલ્લડોમાં સેવા-
ગુજરાતમાં કે અમદાવાદમાં કોમી હુલ્લડો વખતે કોઈપણ પ્રકારના પક્ષપાત કે દ્વેષભાવ વગર વેરની આગ હોલવવા મરણને મુઠ્ઠીમાં લઈને ચાલનારા એ મરજીવા હતા 1941માં અમદાવાદમાં ભયંકર કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. સેકડો શબ સિવિલમાં ખડકાયા હતા. મુસલમાનો એમના શબ લઇ ગયા. પણ હિંદુઓના શબ લેવા કોઈ આવ્યું નહીં. મડદા ગંધઈ ઉઠેલા, ફૂલી ગયેલા અને ગંધ મારતા હતા. એનો નિકાલ ના થાય તો રોગચાળો ફાટી નીકળે તેમ હતું. મહારાજે એ કામ હાથમાં લીધું. એક ટ્રક લઇ આવ્યા. મોએ કપડું બાંધ્યું એક પછી એક શબ ટ્રકમાં ખડકી દુધેશ્વરને આરે લઈ જઈ એક સાથે 32 શબનો અગ્નિસંસ્કાર કર્યો. સાત દિવસ માં 87 શબનો અગ્નિસંસ્કાર કર્યો.
સાતમી જુલાઈ 1946 ના રોજ કોમી હુલ્લડને શાંત કરવા જતા વસંત રાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણી નામના બે યુવાનો શહીદીને વર્યા. એમની લાશો જમાલપુરમાં પડી હતી. લઇ આવવાની કોઈની હિંમત ચાલતી નહોતી. મહારાજ નીકળી પડ્યા ને બંને શબ લઈ આવ્યા અને તેમના ધર્મ મુજબ અંતિમ ક્રિયા કરી.
1969 ના ભયંકર કોમી રમખાણ વખતે એ વખતના ગુજરાત રાજયના મુખ્યપ્રધાન હિતેન્દ્રભાઇએ મહારાજને તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ન જવા ખાસ વિનંતી કરેલી. કારણ કે લોકો પાગલ બન્યા હતા. જાનનું જોખમ હતું. પણ મોતથી ડર્યા વિના મહારાજ નિર્ભયપણે શાંતિ સ્થાપનાના કાર્યમાં લાગી ગયા.
મહારાજની નમ્રતા અને નીરઅહંકારીતા-
અસંખ્ય સેવાકાર્યો કર્યા છતાં મહારાજે ક્યારેય આ મેં કર્યું કે મારા થકી થયું એવું કદી સાંભળ્યું નથી. બહારવટીયાઓમાં એમણે કરેલાં પરિવર્તનોની યશગાથા કોઈ એમની સમક્ષ કરે તો મહારાજ તરત બહારવટિયાઓમાં પડેલી માનવતાની સ્તુતિ કરવા લાગી જાય. એમના રાહત કાર્યોની કોઈ પ્રશંસા કરે તો રાહત કાર્યમાં આર્થિક મદદ કરનારના તેઓ બમણા વખાણ કરવા લાગે. આમ અતિ નમ્ર અને અહંકારથી મુક્ત હતા.
મહારાજના જીવનની કેટલીક ખાસિયતો-
ઓગણીસો 21 માં મહારાજે ઘર છોડ્યું તે દિવસથી તેઓ અપરિગ્રહી બન્યા હતા. એમની પાસે પોતાની કહી શકાય તેવી કોઈ મિલકત નહોતી. ઘર અને કુટુંબનો એમણે ત્યાગ કર્યો હતો. વર્ષો સુધી પૈસાને હાથ લાગાડયો નહોતો. પોતાની જરૂરિયાતો એકદમ ઓછી કરી નાખી હતી. વર્ષમાં 80-90 મીટર ખાદી થાય એટલું સૂતર કાંતે,પણ પોતાને માટે બેજોડ કપડા થાય તેટલું જ કાપડ વાપરે. બાકીની ખાદી જરૂરિયાતવાળાને આપી દે. તેમને કોઇ વ્યસન નહોતું. સવારે દૂધ અને બે ટંક ભોજન સિવાય કઈ જ ના લે. 25 વર્ષ એક ટંક ખાઈને સેવા કરી, 40 વર્ષ પગમાં જોડા ના પહેર્યા. સખત તાપમાન કાંટા કાંકરાવાળી જમીન પર ખુલ્લા પગે માઇલો ચાલે. પગના તળિયા એવા બની ગયા હતા કે કાંટો ભાગી જાય, પગમાં ઘુસે નહીં, મહારાજ કહેતા દરેક ચીજ ઘસાવાથી ઉજવણી થાય છે. લોખંડની કોસ કાળી હોય છે પણ હળમાં ઘસાવાથી ચમકતા તારા જેવી થાય છે.ઘસાઈને ઉજળા થઈએ બીજાને ખપમાં આવીએ-એ મંત્ર એમને જીવી બતાવ્યો. યજમાન જમાડે તે જમવું, એ સુવાડે ત્યાં સૂવું,અને બેસાડે ત્યાં બેસવું-એ મહારાજનો નિયમ. યજમાનને ઓછામાં ઓછી તકલીફ પડે એની કાળજી રાખે. સાચા અર્થમાં તેઓ કર્મયોગી હતા. એમના જીવનની પળ કોઈ ને કોઈ ઉપયોગી કામમાં વપરાતી. દિવસે ઘડી આરામ ન કરે. આખા દિવસના અથાક પરિશ્રમને કારણે પથારીમાં પડતાની સાથે ઘસઘસાટ ઊંઘવા માડે. મહારાજ એક સારા તરવૈયા હતા. જાનના જોખમે ધસમસતા ઘોડાપુરમાં જંપલાવી અનેક ડુબતા કે તણાતા લોકોને એમને બચાવ્યા હતા. મહારાજે કોઈ સંસ્થા સ્થાપી ન હતી, ગુજરાતની તમામ સંસ્થાઓના સંચાલકો ક્યારેક ગૂંચ આંટી પડી હોય ત્યારે કે કોઈ નૈતિક સમસ્યા ઉભી થઈ હોય કે આર્થિક ભીડ હોય ત્યારે મહારાજનું માર્ગદર્શન લેતા.
માત્ર છ ધોરણ ભણેલા અને ગામમાં યજમાનવૃત્તિ કરતા રવિશંકર મહારાજ ત્યાગ તપસ્યા અને દીન દુખિયાની સેવા દ્વારા મહારાજ અને દાદાના વ્હાલસોયા બિરુદ પામ્યા. દેશના તેઓ સેવક શીરોમણી બની શક્યા. 90 વર્ષ સેવરત રહ્યા પછી 11 વર્ષ પથારીવશ રહી 100 વર્ષનું આયુષ્ય જીવી બોચસણમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા.
શ્રી બબલભાઈ મહેતા-
12 વર્ષની ઉમરે રાજા રામમોહન રાયનું ચરિત્ર વાંચી સમાજ સુધારણાની શરૂઆત કરતી થવી જોઈએ એ બોધ ગ્રહણ કર્યો અને એ જ ક્ષણે બાળલગ્ન,વૃદ્ધ લગ્ન, મરણ પાછળ જમણવાર જેવા કુરિવાજો માં ભાગ નહીં લેવાનો એમણે નિશ્ચય કર્યો. ટૂંક સમયમાં જ એ નિશ્ચયની કસોટી થઇ. એમના મોટાભાઈ 40 વર્ષની વયે વિધુર થયા, એમ ને એક દીકરો હતો. છતાં સ્વજનોના આગ્રહને વશ થઇ 18 વર્ષની એક કન્યા સાથે લગ્ન કરવા તૈયાર થયા. બબલભાઈને બિલકુલ ગમ્યુ નહી. સ્ક મોટા ભાઈ એમની પ્રેરણામૂર્તિ. એમને માટે એમને અપાર આદર હતો. છતાં તેમણે એમના લગ્નમાં ભાગ ન લીધો. સ્વજનોના આગ્રહ છતાં તે પોતાના નિર્ણયમાં અડગ રહ્યા.
એજ રીતે ટોલ્સ્ટોયના ચરિત્રમાંથી રોટલો ખાનારે શ્રમ કરવો જ જોઈએ એ બોધ તારવ્યો. ધીમે ધીમે હાથપગ હલાવીશ તો રોટલો તો મળી જ રહેશે. એ શ્રદ્ધા દ્રઢ બની. તેથી જ ઘર છોડ્યું તે જ ક્ષણે મનોમન એમણે નિશ્ચય કરી લીધો કે ઘરની માલમિલકત માંથી મારી એક પણ પૈસો લેવો નહીં.બબાલભાઈનો આ નિશ્ચય માનસી જાત મહેનતનો રોટલો ખાવો જોઈએ એ ટોલ્સ્ટોયના વિચારને ઊંડી છાપ નો ધોતક છે.
બબલભાઈ ગ્રામ સેવાની તાલીમ લેવા ગુજરાત વિદ્યાપીઠ માં ગયા ત્યારે રોજ 8 કલાક કઈક ને કઈક શ્રમ કાર્ય કરવાનું એમનો નિયમ હતો. વિધ્યાપીઠનો ઘંટ વાગે એટલે બધા વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્તિ માટે વર્ગોમાં જાય. જયારે બબલભાઈનો વર્ગ ચોગાનમાં ઘાસ કાઢવાનો શરૂ થાય. બબલભાઈને શ્રમકાર્ય કડી પણ હલકો કે કંટાળાજનક લાગ્યું નથી. કારણ કે એમનો શ્રમ જ્ઞાનપૂર્વકનો હતો. સમય જતા શ્રમ એમનો શ્વાસોચ્છ્વાસ બની ગયો. બબલભાઈ કોઈને ત્યાં કે કોઈ સંસ્થામાં ગયા હોય
નાનું મોટું શ્રમકાર્ય એ શોધી કાઢતા અને આચરણ દ્વારા જાતમહેનતના પાઠ શીખવતા.
વિદ્યાપીઠમાં ગયા ત્યારે એક દિવસ કાકાસાહેબ કાલેલકરે ટકોર કરી કે ખાદી તો જાતે કાંતેલા સુતરની જ પેહરાય. બીજે દિવસે બબલભાઈએ રેડિયો મેળવ્યો અને કાંતતા આવડી જાય ત્યારે જ એને છોડવો એવો દ્રઢ નિશ્ચય કરીને કાતવા બેઠા અને સાજ સુધીમાં કાતતાં આવડી ગયું ત્યારે જ ઉભા થયા. કુટુંબીજનો જ્યારે એમના લગ્ન કરવા તૈયાર થયો ત્યારે બબલભાઈએ સાફ કહી દીધું કે લગ્ન કરવા હોય તો કરો, પણ લગ્નમાં બેસાડવા તમારી બીજા કોઈને શોધવા પડશે. આમ બાપુની જેમ બબલભાઈના ગુણ વિકાસમાં ગુણ ગ્રહણશીલતાની સાથેસાથે આગ્રહ, દ્રઢતા અને નિશ્ચયબળનું પણ એટલું જ મહત્વ છે.
કાલેલકરના લેખો પુસ્તક વાંચીને કરાચીના કોલેજીયન બબલ ભાઈ નું ગ્રામસેવકોમાં રૂપાંતર થયું. એ પુસ્તક એમના જીવનની દિશા જ બદલી નાખી. ભારત દેશ એટલે ગણિયા ગાંઠિયા શહેરો નહી પણ દરિદ્રતા, અજ્ઞાનતા અણે વ્હેમોમાં સબડતા લાખો ગામડા. આ ગામડાના ઉદ્ધાર વગર દેશનો ઉધ્ધાર અશક્ય છે એની પ્રતીતિ એ પુસ્તક એમને કરાવી. એ પુસ્તક વાંચ્યા પછી એમનો નાટક સિનેમા જોવાનું બંધ થઈ ગયું. ટાપટીપ ઓછી થઈ ગઈ, શરીરશ્રમ વગર ખાવું એ અન્યાય અને અધર્મનો ખાતા હોય એનું ભાન થયું. ગામડાના નાગાં ભૂખ્યાં હાડપિંજરોના ચિત્રો એમની સમક્ષ તરવા લાગ્યા. મારે મારું જીવન બદલવું જોઈએ. ઈશ્વર મને જે બુદ્ધિ શક્તિ આપી છે તે મારે ગામડાના અજ્ઞાન, દુઃખી પીડિત અને શોષિત લોકોની સેવામાં ખર્ચવી જોઈએ. એવો એક અવાજ એમના અંદર ઉઠયો. એ અંતર્નાદ એવો તો જોરદાર હતો કે તેમણે ગૃહત્યાગ કર્યો.
ઘર છોડીને ગ્રામ સેવાની તાલીમ માટે તેઓ કાકાસાહેબ પાસે વિદ્યાપીઠ ગયા. એક દિવસ કાકાસાહેબે તેમની સામે એક દરખાસ્ત મૂકી. જોતું કાયમ માટે મારી સાથે રહેવાનું પસંદ કરેં તો મારોમંત્રી થઇ જા. દરખાસ્ત બહું લોભામણી હતી. કાકાસાહેબના મંત્રી થવામાં કેટલો બધો લાભ. કાકાસાહેબ એટલી સરકારી ડેશ માંજીવતીજાગતી વિદ્યાપીઠ. રોજ નવું નવું જાણવા મળે,
દેશ પરદેશ જોવા ના મળે અને સાથે સાથે જીવનનું ઘડતર પણ થાય. એ ક્ષણ માટે બબલ ભાઈ લોભાયા પણ એ શ્રેયાર્થી હતા. એમણે પોતાની જાતને પૂછ્યું, વહેલામાં વહેલા ગામડામાં બેસી જઈ જેમને રોટલાનુંય ઠેકાણું નથી તેમની સેવા કરવાની તાલાવેલી ક્યાં ગઈ? શો આમ કરીને તું તારા મનની મજા અને જ્ઞાન ગોષ્ઠિ માટે ગોઠવાઈ જઈશ? બીજી જ ક્ષણે એમને કાકાસાહેબની દરખાસ્તનો સાદર અસ્વીકાર કર્યો અને ગામડામાં જવાનો પોતાનો નિશ્ચય એમને જણાવ્યો.
બબલ ભાઈ સેવક કરતાં વિશેષ રૂપે સાધક હતાં. સેવા એમનું સાધ્ય નહી પણ સાધન હતું. સાધન તો આત્મવિકાસ કે ઈશ્વરદર્શન હતું. નિરંતર સેવા પરાયણ બબલ ભાઈ અંતરથી ભક્તિભીના હતા. સેવાનું એમને ક્યારેય ભાર લાગ્યો નહીં. ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ કડી હતાશ કે નિરાશ થતા નહી. એમા પણ તેઓ પોતાનું કર્મ અનાસક્ત ભાવે કરતા.
બબલભાઈએ એકાદશ વ્રતોને જીવનમાં ઉતાર્યા હતા. તેમણે પોતાના ગુણોમાં અભયને સ્થાન આપ્યું હતું. મીઠાના સત્યાગ્રહ વખતે સરકારે દેશમાં સિતમ ગુજારવા માંડ્યો. કરાચીમાં ગોળીબાર થયા અને ત્યાંના મુખ્ય આગેવાન જયરામદાસની જાંઘમાંથી ગોળી પસાર થઇ ગઈ. બાપુને લાગ્યું કેસ સિંધના લોકો સરકારના સિતમથી ઉશ્કેરાઈ જઈને હિંસક માર્ગે વળી જશે. એમને એ માર્ગે જતાં અટકાવા હોય તો સામી છાતીએ હસતા હસતા ગોળી ખાઈ બતાવે એવા થોડાક સ્વયં સેવકોને ત્યાં મોકલવા જોઇએ એમને એવા સ્વયંસેવકોના નામ માંગ્યા. બબલભાઈએમાં પહેલું નામ અને મોતને મુઠ્ઠીમાં લઈને કરાચી જવા નીકળ્યા.
મસરામાં પ્રૌઢ શિક્ષણ વર્ગ લેતા હતા ત્યાં એક દલિતને વીંછી કરડયો. બબલભાઈએ એને સ્પર્શ કરીને દવા આપી પછી નહાયા નહીં. દલિતોના નિમંત્રણથી એમના વાસમાં ગયા. આ સમાચારથી આખા ગામમાં રોષ પેદા થયો. 5-7 જણ લાકડીઓ અને ધારિયા લઇને આવ્યા. જેવા બબલ ભાઈ એ મહોલ્લામાંથી પાછા વળ્યા કે ટોળાં એમની પાછળ પાછળ બસ એને બારી મૂકો, કુવે ચડે તો કૂવામાં હડફી દો. એમ બોલતા હતાં. બબલભાઇ એ શબ્દો કાનોકાન સાંભળ્યા પણ જરાય ગભરાય નહીં. સાજે સૂતી વખતે ખાટલો ઓસરીમાં ઢાળતા પણ એ દિવસે ખટલો આંગણામાં ઢાળ્યો. જેથી કોઈને કઈ કરવું હોય તો સહેલું પડે. એ તો પ્રાર્થના કરી ઘસઘસાટ ઊંઘી ગયા.
અભયવ્રતની જેમ બ્રહ્મચર્યવ્રતને પણ બબલભાઇએ અસ્ખલિત સાધનાથી પચવ્યું હતું. બ્રહ્મચર્યના પરંપરાગત ખ્યાલ મુજબ સ્ત્રી થી બીવું એટલે બ્રહ્મચર્ય. બબલભાઈના બ્રહ્મચર્ય ને કોઈને બીવડાવ્યા કે ના કોઈથી ડર્યા. ગુણોતકર્ષની સાધનાથી એમનામાં એક એવી મંગલ દ્રષ્ટિનો વિકાસ થયો હતો કે બેનો સહજ પણે એમની પાસે આવી શક્તિ અને કોઈ જાતનો પડદો રાખ્યા સિવાય પોતાના હૈયાની વાતો ની સંકોચ પણે કરી શક્તિ. એ પોતે પણ સ્ત્રીઓના સમુદાય માં એટલી સહજતાથી ભળી જતા. બાપુની કલ્પનાનો લોકસેવક કેવો હોય એનું આદર્શ બબલ ભાઈએ જીવી બતાવ્યો.
બબલભાઈનું વ્યક્તિત્વ અનેક રીતે વિરલ હતું. તેઓ ગુજરાત ની રચનાત્મક સંસ્થાઓના પ્રાણપોષક અને કાર્યકરોના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ હતા. એમની ન કોઈ સંસ્થા સ્થાપી કે ન કોઈ સંસ્થાના ટ્રસ્ટી કે સભ્ય બન્યા. છતાં અનેક સંસ્થાઓ ભેગી થઈને જે ન કરી શકે તેમણે માત્ર પોતાના ચરિત્ર બળથી કરી બતાવ્યું. બબલ ભાઈ આપના એક એવા લોક સેવક હતા કે સાનુકુળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ માં કોઈ પક્ષ કે વાદથી ના લોભાયા, પરિણામે એ સૌના પ્રિય મિત્ર બની શક્યા.