ગાંધીજીના વિચારો અને કાર્યપધ્ધતિમાંથી કેટલીક લાક્ષણિકતાઓ તારવી છે,જે સમાજકાર્યકર માટે સમજવી જરૂરી છે.
- ગાંધીવિચાર શાસ્ત્રીય ગ્રંથરૂપે નથી
સામાન્ય રીતે વિચારકોએ પોતાના વિચારો શાસ્ત્રીય (થીયરી) રીતે મૂક્યા છે જેને વૈજ્ઞાનિક સ્વરૂપે તપાસ્યા છે અને સમાજ સમક્ષ મૂક્યા છે. ગાંધીજીએ પોતાને આવતા દરેક વિચારને આચારીને સમાજ સમક્ષ મૂક્યા છે. પરમ સત્યનો સાક્ષાત્કાર એ એમના જીવનનું લક્ષ્ય રહ્યું છે.સત્ય અને અહિંસા એમના સાધનો છે. આખું જીવન તેમનું સત્યના પ્રયોગોમાં જ ગયું છે.એ પ્રયોગોના તેમને જે પરિણામો મળ્યા તે તેમણે સમાજ સમક્ષ મૂક્યા છે. ગાંધીજીના જીવનમાંથી,તેમના પ્રયોગોમાંથી સર્જાતું,શુધ્ધ આકાર પામતું ચિંતન અને તેના સિધ્ધાંતો શાસ્ત્રીય ગ્રંથરૂપે પ્રગટ થવાની ક્ષમતા ધરાવે છે.પરંતુ તેમની અભિવ્યક્તિની પધ્ધતિ જુદી હતી તેથી તે કોઈ થિયરીની રીતે મુકાયા નથી.પરંતુ તેમના ગયા પછી લોકોએ તેને વિવિધ થિયરીમાં ઢાળવાના પ્રયત્નો કર્યા છે. જેમ કે ગાંધીજીની અન્યાય સામે અહિંસક લડતની પધ્ધતિમાં સમાજકાર્યકરો તેને સામાજિક ક્રિયા પધ્ધતિ તરીકે જોવે છે.
2. ગાંધીજીના વિચારો એ પરિસ્થિતિજન્ય છે તેમની સામે આવતી પરિસ્થિતિમાંથી પેદા થાય છે
ગાંધીજી કામ કરતાં કરતાં તેમની સામે જે પ્રશ્નો આવતા તેમ તેમ તેના હલ કરવાના રસ્તાઓ શોધતા.એ પરિસ્થિતિમાં તેમને જે સત્ય લાગતું તે મુજબ તેઓ તેમાં કામે લાગી જતાં.આ પ્રશ્નો હલ કરવામાં તેમને જેટલા જ્ઞાન કે માહિતીની જરૂર હોય તેથી વિશેષ તેઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરતાં. કારણ કે તે પ્રશ્નમાં વિલંબ થાય તે તેઓ પસંદ નહોતા કરતાં.તેમના વાણી અને આચરણમાં કેટલીક વખત વિરોધાભાસ જોવા મળ્યા છે.પરંતુ જે સમયે તેમને જે સત્ય લાગ્યું છે તે કરવા પ્રેરાયા છે. તેમના વિચારો પણ સમય મુજબ બદલાતા રહ્યા છે.
3. ગાંધી વિચાર એ ગાંધીજીના આચરણની પોથી છે
ગાંધીજીએ પોતાના જીવનમાં જે કઈ સત્યના પ્રયોગો કર્યા છે તેમાં તેઓને જે અનુભવો થયા છે,જે પરિણામો મળ્યા છે તેને જ ગાંધીજીએ પોતાના વાણી વર્તન અને લેખો દ્વારા પ્રગટ કર્યા છે.ગાંધીજીનું પ્રત્યેક ચિંતન એ આચારની નોંધપોથી છે. પોતાના અહમને સંતોષવા કે વ્યક્ત કરવા તેમણે કશું લખ્યું નથી. પ્રત્યેક વિચાર તેમણે પોતાના જીવનમાં જીવી બતાવ્યો છે. બ્રહ્મચર્યનું વ્રત આપ્યું પણ તેમણે તેમના સાથે કાર્ય કરતી બહેનો સાથે રહીને પોતાને કોઈ અશુધ્ધ વિચારો નથી આવતા તે પણ તપાસી લીધું.
પોતાની આત્મકથાને આત્મકથા કહેવાને બદલે તેને સત્યના પ્રયોગો નામ આપીને તેમણે એ બતાવ્યુ કે તેમના ચિંતનની અભિવ્યક્તિ પાછળનો મુખ્ય હેતુ સત્યનું પ્રગટીકરણ છે. પોતાના અનુભવોને તેઓ તટસ્થ રીતે રજૂ કરે છે. તેમાં અતિશયોક્તિ કે કલ્પનાઓ નથી.એ માત્ર આચારની નોંધપોથી છે
4.ગાંધીજીના વિચારો કાર્યમાંથી પેદા થયા છે
ગાંધીજીનું ચિંતન કે વિચારો જીવનલક્ષી હતા. જે જીવાતા જીવનમાંથી પેદા થયા હતા. માત્ર વિચાર ખાતર તેમણે ક્યારેય વિચાર કર્યા નથી. તાત્કાલિક સર્જાતી અન્યાયભરી પરિસ્થિતિમાંથી ન્યાય માટે ઉકેલ શોધવા તેઓ મથામણ કરે છે.અને એ પ્રક્રિયામાંથી જ તેમનું ચિંતન સર્જાય છે.ગાંધીજી તાત્કાલિક પ્રશ્નો પર વિચારે છે ત્યારે પ્રશ્નો કરતાં પ્રશ્નને હલ કરવાની તેમની દ્રષ્ટિ અને ન્યાય પરાયણતા મહત્વના હોય છે.ગાંધીજી સાથે એકરૂપ બની ગયેલ વ્રતોનો પ્રભાવ કે અસર તેમની કામની શૈલી પર અને તેમના વિચારવાની પધ્ધતિ ઉપર પડે છે.
5.ગાંધીજીના વિચારો તેમના અંતરાત્માના અવાજ છે
પ્રત્યેક માણસના હૃદયમાં શુભ,અશુભ,યોગ્ય -અયોગ્ય,ધર્મ-અધર્મને ઓળખવાની શક્તિ હોય જ છે. માણસ પોતાના શુધ્ધ જીવન અને વિચારને કારણે જ આ સત્ય છે અને આ થવું જોઈએ તેવા નિર્ણયો કરે છે.જેને આપણે અંતરાત્માનો અવાજ કહીએ છીએ,ગાંધીજી પોતાના આવા અવાજને સાંભળીને કાર્ય કરે છે,નિર્ણયો લે છે.આ અંતરાત્માનો અવાજ એ કોઈ જાદુઇ શક્તિ નથી એ સજાગપણે પ્રતિપળે વિશુધ્ધ બનતા જતાં અંત:કરણની કેળવણીનું સીધું પરિણામ છે. આમ અંતરાત્માનો અવાજ એ માણસની કેળવાયેલી વિશુધ્ધ જીવન દ્રષ્ટિનું પરિણામ છે.તે ઈશ્વરનો અવાજ નથી. અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તવાથી ભૂલ ના જ થાય તેવું નથી.વિશુધ્ધિ જેટલી ઓછી ,મોહ જેટલો વધારે તેટલી ભૂલો થવાનો સંભવ વધુ.
6.ગાંધીજીના વિચારોમાં નિર્ણય પહેલા અને દલીલ પછી જોવા મળે છે
ગાંધીજીની સામે જ્યારે કોઈ પણ પ્રશ્ન આવે છે ત્યારે તેમના અંતરાત્માના અવાજ પ્રમાણે નિર્ણય લઈ લે છે.તેઓ કહે છે,હું તો કર્મયોગી રહ્યો,મારી સામે સવાલ આવીને ખડો થાય એટલે મારે કેવી રીતે વર્તવું એ મને આપોઆપ સૂઝે છે અને તર્ક કે દલીલો એ પછી સ્ફુરે છે.લોકો સાથેના ઘણા લાંબા સમયના કામના અનુભવને કારણે તેઓની એક નવી દ્રષ્ટિ ખૂલી ગયેલી હતી,જેનાથી તેઓ સહજ રીતે જોઈ શકે છે.તાત્કાલિક કારણો જણાવ્યા વિના નિર્ણય લેવાની આ પધ્ધતિને કારણે તેમની સાથેના માણસો ખૂબ જ મુશ્કેલી અનુભવતા હતા.
7.ગાધીજીના વિચારોમાં છુપું કઈ નથી
સત્યની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ વ્યક્તિએ અસતનો ત્યાગ કરવો જ રહ્યો.એ એમની સાધનાની પ્રથમ ભૂમિકા છે. આ અસતનો ત્યાગ એટલે દંભનો ત્યાગ. તેઓ કહે છે,”હું જેવો છું તેથી જુદો કોઇની આગળ દેખાવાનો પ્રયત્ન કરતો નથી”ગાંધીજીએ પોતાના તમામ વિચારો,પ્રયોગો,કરેલી ભૂલો બધુજ સમાજ સમક્ષ મુક્યું છે. તેમણે કહ્યું છે મારું જીવન એજ મારો સંદેશ છે.
8.ગાંધીજીના ચિન્તમાં વિભાગો નથી
ગાંધીજીનું જીવન અખંડ હતું,તેમના જીવનમાં અને વિચારોમાં રાજકીય,સામાજિક,ધાર્મિક,આર્થિક એવા કોઈ પાસાઓ જોવા મળ્યા નથી.દા.ત. ગરીબી એ આર્થી પ્રશ્ન છે,રાજકીય પ્રશ્ન છે, સામાજિક પ્રશ્ન છે ?કે ધાર્મિક પ્રશ્ન છે? તમામ બાબતો ગરીબીના પ્રશ્નને અસર કરે છે એટલે ગાંધીજી કોઈ પણ પ્રશ્નને સમગ્રલક્ષી તપાસે છે અને હાલ શોધે છે.
“મારા જીવનને એકબીજાથી અલગ એવા ઘણા વિભાગોમાં હું વહેંચી શકતો નથી.મારુ જીવન અખંડ છે.મારી તમામ વૃત્તિનું મૂળ સત્ય અને અહિસાની ઉપાસના કરવાનું છે.”“રાજકીય,સામાજિક,ધાર્મિક,આર્થિક સવાલો એકબીજા ઉપર આધાર રાખનારા છે અને એકના ઉકેલથી બીજાના ઉકેલ આવે છે “પીડિતો પ્રત્યેનો પ્રેમ અને સત્યની ઉપાસનાને પરિણામે ગાંધીજી જે ક્ષેત્રે અન્યાય,અસમાનતા જુએ છે ત્યાં તેને દૂર કરવા મથે છે.
9.ગાંધીજીના વિચારોમાં સાર્વત્રિક ન્યાય દ્રષ્ટિ
ગાંધીજીનું પ્રત્યેક કાર્ય સાર્વત્રિક ન્યાય માટે જ સર્જાતું હતું.પરિણામે તેમના વિરોધમાં કે તેમની લડતમાં પણ ઉભયપક્ષી કલ્યાણ સમાયેલું છે. ગાંધીજીનું લક્ષ્ય પ્રાણીમાત્રનું અંતિમ કલ્યાણ સિધ્ધ કરવાનું છે. દા.ત. દક્ષિણ આફ્રિકામાં તેમને જે અનુભવ થયો,તો તેમણે બીજા લોકોને પણ તે માટે ન્યાય અપાવ્યો.
ગાંધીજી સામેના પક્ષને એટલે કે અન્યાય કરનારને ન્યાય આપીને ન્યાય મેળવે છે.અમદાવાદના મિલ કામદારોએ હડતાલ પાડી અને તેઓ બાપુ પાસે આવે છે અને કહે છે કે તેમ્નનું મોંઘવારી ભથ્થું વધતું નથી,ત્યારે ગાંધીજીએ તેમ્નીપાસે ગણતરી કરાવીને યોગ્ય માંગણી જ કરવી જોઈએ જેથી મિલ માલિકને પણ નુકશાન ણા થાય. આમ તેઓ સામેના પક્ષને પણ ન્યાય કરે છે. તે કહે છે બીજાઓ આપણી સાથે જેવી રીતે વર્તે એવું આપણે ઈચ્છીએ છીએ,તેવી જ રીતે આપણે બીજા સાથે વર્તવું જોઈએ.
10.ગાંધીજીના વિચારોમાં આત્મશુધ્ધિની વાત છે
કઈ પણ બને તો ગાંધીજી આત્મખોજ કરવાનું કહે છે. તમારી સાથે કોઈએ જે વર્તન કર્યું તે તમને ના ગમ્યું,પરંતુ એમણે એવું વર્તન શાથી કર્યું તેની ખોજ પોતાની અંદર કરવાનું કહે છે. સામાન્ય રીતે માણસથી કઈ પણ ખોટું થાય તો પણ તે બીજાને દોષિત માને છે. દરેક વ્યક્તિ જો પોતાની ભૂલ શોધી શકે,સ્વીકારી શકે તો પોતાને સુધારવાનો પ્રયત્ન કરી વધારે સારા આચરણવાળો બની શકે.
આ ગાંધીજીના વિચારોની લાક્ષણિકતાઓ દ્વારા ગાંધીજીને વધુ સારી રીતે સમજી શકાય છે. સમાજકાર્યકારો પોતાનામાં આ લાક્ષણીકતાઓ અપનાવી શકે છે .
સંદર્ભ:ગાંધીજીનું ચિંતન -દક્ષાબહેન પટણી
ગાંધીજીનું ધર્મદર્શન -મ.જો. પટેલ