વિનોબા જય પ્રકાશ નારાયણનાં કાર્યો

ગાંધીજી બાદ ભારતના આર્થિક-સામાજિક સવાલો હલ કરવાની દિશામાં અહિંસાનો સૌથી મોટો પ્રયોગ થયો હોય તો તે ભૂદાન-ગ્રામદાનનો.દુનિયાના અન્ય દેશોમાં ખાસ કરીને રશિયા અને ચીનમાં-સામ્યવાદી વિચારસરણીના પ્રભાવ નીચે સશસ્ત્ર ક્રાંતિઓ થઇ. અને તે દ્વારા ત્યાં નવા મુલ્યો અને નવી વિશિષ્ટ આર્થિક વ્યવસ્થાવાળા રાજ્યો ઉભા થયા છે.બંને દેશોએ પોતપોતાના પ્રશ્નોનો ઉકેલ હિંસક ઢબે અને કેન્દ્રિત યાંત્રીકરણ દ્વારા વિપુલ સાધાન સંપત્તિનું નિર્માણ કરીને જગતની મહાસત્તાઓમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું.

ગાંધીજીના જીવનકાળ દરમ્યાન રાજકીય આઝાદીની પ્રાપ્તિ એ મુખ્ય અને પાયાનો પ્રશ્ન હતો.એ પત્યા બાદ દેશના આર્થિક અને સામાજિક સવાલો ઉકેલવાના બાકી હતા.દુર્ભાગ્યે એ સવાલોના અહિંસક ઉકેલ માટે સક્રિય માર્ગદર્શન આપવા તેઓ રહ્યા નહિ.પરંતુ એમની ગેરહાજરીમાં એમણે કહેલા સત્ય અને અહિંસાના માર્ગે દેશની આર્થિક-સામાજિક સમસ્યાઓ ઉકેલવાનું બીડું આચાર્ય વિનોબા ભાવેએ ઝડપ્યું.અહિંસક ક્રાંતિમાં શ્રદ્ધા ધરાવનાર પોતાના અનેક કાર્યકરો સાથે ભૂદાન,સંપત્તીદાન,શ્રમદાન,બુધ્ધીદાન,ગ્રામદાન અને છેલ્લે આમ જનતાની સેવાને અર્થે જીવનદાન વગેરે ટ્રસ્ટીપણાના સિદ્ધાંતમાં કલ્પવામાં આવેલી જુદીજુદી બાબતો મારફત અહિંસક આર્થિક-સામાજિક ક્રાંતિનો એક અભૂતપૂર્વ અખતરો એમણે કર્યો.એમના આ પ્રયોગથી મૂળભૂત પ્રશ્નો પુરેપુરા ઉકેલાયા એવો દાવો થઇ શકે એમ નથી. પરંતુ ભૂમિનો એક પાયાનો પ્રશ્ન અહિંસક માર્ગે ઉકેલવાની આ પ્રક્રિયાએ દેશને સામ્યવાદી હિંસક ક્રાંતિના તાત્કાલિક ભયમાંથી મુક્ત કર્યો અને સરકારને ગણોતધારો,જમીનદારી નાબુદી વગેરે કાયદાઓ કરવામાં એથી સરળતા થઇ એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય.

જમીન વહેંચણીનો પ્રશ્ન ભારતનો નવનિર્માણનો પ્રાણ પ્રશ્ન છે. ભારતના ઘણા રાજ્યોમાં એ અંગે આઝાદી આવ્યા બાદ એક યા બીજા પ્રકારના કાયદા થયા હતા.છતા કાયદાઓથી સમાજવાદીઓ ને સામ્યવાદીઓના આંદોલનોથી દેશમાં વીસ વર્ષમાં ભૂમિ હીનો માટે જેટલી જમીન પ્રાપ્ત થઇ અને વહેંચાઇ તે કરતા કેટલીયે વધારે જમીન ભૂદાન આંદોલન મારફતે પ્રાપ્ત થઇ અને વહેંચાઇ.આ સિદ્ધિ ભારતના પ્રશ્નની દ્રષ્ટીએ ભલે અલ્પ ગણાય પણ અહિંસક હૃદય પલટાની દ્રષ્ટીએ તે અતિ સૂચક છે. આચાર્ય કૃપ્લાનીજીના શબ્દોમાં કહીએ તો “તેને (ભૂદાન-આંદોલને) બતાવી આપ્યું છે કે ગાંધીજીના વિચારો અને ટેકનીકનું તત્વ ખતમ નથી થયું. પ્રજાના હિતમાં સામાજિક ક્ષેત્રે નવા પ્રયોગો થઇ શકે છે.” તે આંદોલનની કેટલીક સિદ્ધિઓની સમિક્ષા કરતા કૃપ્લાનીજી લખે છે,ભૂદાન ભારતના ગામડાની ભૂમિની ભૂખનો,જનતાની કંગાલીયતનો ઉકેલ કરે કે ના કરે, પરંતુ એ ભૂમિના સમતાલક્ષી પુન:વિતરણનો ઉકેલ નજીકના ભવિષ્યમાં શક્ય બનાવ્યો છે. વળી રશિયામાં માર્કસવાદીઓએ કરોડો નાના ખેડૂતો ઉપરની બળજબરી અને હિંસક દમનથી જે વિચારનો અમલ કર્યો હતો એ ભૂમિની સામુહિક માલિકીનો વિચાર ભુદાને સર્વસંમતિથી શક્ય બનવાની ભૂમિકા તૈયાર કરી દીધી.એમાં આપણને વર્ગભેદનો નિકાલ કરવાની,માનસિક તંગ સ્થિતિ હળવી પાડવાની અને વધુ ઉચિત અને ન્યાય મુક્ત આર્થિક વ્યવસ્થા માટેની એક નવી પધ્ધતિ પ્રાપ્ત થઇ છે.”

વિનોબાજીનો સરળ ગ્રામદાનનો વિચાર તો ભૂદાન કરતાયે આગળ જાય છે. ૩૧ માર્ચ ૧૯૬૯ સુધીમાં દેશભરમાંથી ૧૦૦૦૨૩ ગ્રામદાન,૬૮૩ પ્રખંડ દાન અને ૧૬ જીલ્લાદાન થયા છે કાયદા દ્વારા કામ કરવાની સત્તા હોવા છતા તે દ્વારા કામ કરવાને બદલે પ્રેમ અને સમજાવટ દ્વારા કામ કરવાની રીત કેવા પરિણામ લાવી શકે છે એનું સુચન આમાંથી સહેજે ફલિત થાય છે.તે ઉપરાંત તેની વિશેષતા એ છે કે જમીન આપનાર અને લેનાર વચ્ચે કડવાશ કે વેરઝેર ના થતા તેમની વચ્ચે પ્રેમ વધે છે ને બંને ખુશ થાય છે.આવું કાયદાથી થતા ફેરફારોથી કદી થતું નથી. પરિણામે સુખશાંતિ થવાને બદલે ઝઘડા જ વધે છે અને સમાજમાં સરવાળે અશાંતિ જ વધે છે .

ગાંધીજીના અવસાન બાદ રચનાત્મક કાર્યકરોમાં એક પ્રકારનું નિરુત્સાહ ને હતાશાનું મોજું ફરી વળ્યું હતું. ભૂદાન આંદોલાને તેમને હતાશામાંથી ઉગારી લેવા ઉપરાંત તેમનામાં શ્રદ્ધા,આશા અને હિમતને પુનર્જીવિત કર્યા.તેનાથી નવી દીશા ને નવો કાર્યક્રમ મળ્યો હોય એવું એમને અનુભવ્યું. ભૂદાન-ગ્રામદાનનો કાર્યક્રમ ગાંધીજીના બધા રચનાત્મક કાર્યક્રમોને સમાવીને આગળ જતો કાર્યક્રમ હોવાથી,નવી વાતોના અમલ સાથે જુની વાતોને પણ બળ મળ્યું.જ્યાં જ્યા ભુદાન કાર્યકરો પહોંચ્યા ત્યાં ત્યાં ખાદી,ગ્રામોધોગ,દારૂબંધી વગેરે કાર્યક્રમો પણ સહેજે પહોંચ્યા.વિનોબાજી અને એમના કાર્યકરોની દેશવ્યાપી પદયાત્રાઓમાંથી ગાંધીજીની વાત અને એમના સાહિત્યનો પણ સારો એવો પ્રચાર થયો.તદ્દન દુર દુરના પછાત ગામડાઓમાં અને શહેરોમાં ગાંધીજીની વાત નવે નામે અને નવા સ્વરૂપે પહોંચી.આ વસ્તુને ભૂદાનની આડપેદાશ ગણવી કે તેનું કામ ગણવું એ વિષે સમાજ્શાસ્ત્રીઓમા ભલે મતભેદ હોય,પરંતુ એનાથી શ્રી પ્યારેલાલજીના શબ્દોમાં કહીએ તો “ગાંધીજીનો વિચાર આજે પુનર્જન્મ પામ્યો છે “

વિનોબાના આ આંદોલનની વિશિષ્ટ કાર્ય પધ્ધતિએ અને એના કેટલાક વિલક્ષણ પરિણામોએ સમગ્ર વિશ્વના વિચારકોનું ધ્યાન ખેંચ્યુ છે.   

જય પ્રકાશ નારાયણ-

ગાંધી ગયા અને આઝાદીના આવ્યાને ઘણો વખત વીતી ચુક્યો હતો. ગાંધીથી ઉલટી દિશામાં ચાલનારા જયપ્રકાશ, ગાંધીની એકદમ નજીક પહોંચી સ્થિર થઈ ચુક્યા હતા અને ત્યારે એક દિવસ ગાંધીની નિકટ રહેલા પત્રકાર લુઈ ફિશરે ખિન્નતાપૂર્વક કહેલુ-જ્યારે જય પ્રકાશ નહીં રહે ત્યારે તમે લોકો કદાચ સમજી શકશો કે તમે શું ખોયું છે.

જય પ્રકાશ અમેરિકાથી કટ્ટર માર્ક્સવાદી બનીને પાછા ફર્યા ત્યારે માર્ક્સવાદીઓમાં ભારે ખુશી હતી અને બુર્ઝવા ગાંધીને જવાબ દેનારા આ જુવાનિયાને હરખભેર વધાવી લેવામાં આવેલો પરંતુ એ બધા નિરાશ થયા. એને આઝાદીની લડતથી અળગા રહેનારા વલણને ગેર માર્ક્સવાદી ઠરાવ્યું અને માસ વર્કની યાદ દેવડાવતા પોતે ગાંધી સાથે જોડાઈ ગયા .એમને કાચો માર્ક્સવાદી ગણવાનું એક અભિયાન જ ચાલેલું. પછી સમાજવાદી પક્ષનો વિચાર ઉદભવ્યો,પાક્યો અને પાંગર્યો .જયપ્રકાશ સમાજવાદના ભાષ્યકાર બન્યા.

જયપ્રકાશ વિનોબા સાથે જોડાયા. સર્વોદય આંદોલન સાથે તેમણે કામ કર્યું.પરંતુ જ્યારે વિનોબાએ ક્ષેત્ર સન્યાસ લીધો,ત્યારે આ કામને આગળ લઇ જવાનું કામ જયપ્રકાશ જ કરી શકે તેમ હતા.સર્વોદય આંદોલનમાં જ્યારે એમણે આગળ વધવાનો રસ્તો બંધ જોયો ત્યારે જયપ્રકાશે તેમાં નવા આયામ જોડ્યા. એની સામે સવાલ એક નવી રણનીતિ,નવી વ્યુહરચના ઉભી કરવાનો હતો. આને માટે એમને રેડીકલ સર્વોદય શબ્દનો ઉપયોગ કર્યો.અને ગાંધીએ શરુ કરેલી ધારાને અખંડ  રાખીને આગળ વધ્યા. એમણે કોઈ નવું આંદોલન શરુ નહોતું કર્યું.એક ચાલુ આંદોલનની દિશા બદલી હતી.

અહિંસક ક્રાંતિ  માટે જરૂરી તમામ મુલ્યો એમણે તેમાં દાખલ કર્યા.એમણે રાજકીય પક્ષોને આંદોલનની માર્યાદામાં બંધાવા નાદીધા. એમની સૌથી મોટી તાકાત પક્ષમુક્ત જનશક્તિ અને યુવા શક્તિ હતી . એમણે ક્રાંતિ માટે આ તાકાતનો રચનાત્મક ઉપાયો કર્યો.નિષ્પકતાને એમને રાજકીય શક્તિના રૂપમાં સ્થાપિત કરી. જયપ્રકાશે પક્ષીય રાજનીતિને લોકશાહીથી અલગ કરીને તથા બિનપક્ષીય લોકોની ભૂમિકાને ઉજાગર કરીને ઐતિહાસિક ભૂમિકા નિભાવી .

જનતા પક્ષ સત્તામાં આવ્યો તે પછી એમને આખા દેશમાં લોક્સમીતીની રચના કરવાનો અને અને છાત્ર યુવા સંઘર્ષ વાહીનીનું સંગઠન કરવાનો કાર્યક્રમ આપ્યો. એમણે આ ગાળામાં યુવાઓ સાથે જે સંવાદ ઉભો કર્યો એ યુવાશક્તિને પ્રયોજવાનો પ્રયાસ હતો. જયપ્રકાશે બધા વર્ગોના ચેતન તત્વોને ક્રાંતિની શક્તિના રૂપમાં માન્ય કર્યા.જયપ્રકાશે જે કામ હાથમાં લીધેલું તે હતું ગાંધી વિચારને ધરતી ઉપર ઉતારવાનું.એમણે તેમની કાર્ય પધ્ધતિ,તેનું ગતીશાશ્ત્ર,તેનું સંગઠન અને કાર્યક્રમ વગેરેથી લઈને દેશ દુનિયાના તમામ પ્રવાહો સાથે તેનો અનુબંધ બેસાડવાની જવાબદારી લીધેલી.તેમને વિનોબાના ભુદાનનાં ખ્યાલમાં પણ ગાંધી વિચાર ધરતી પર ઉતરતો દેખાયો હતો. તેથી જ તેમને તેમની સાથે જોડાવાનું નક્કી કર્યું હતું.

એમને યુવાશક્તિ અને લોકશક્તિના સીધા હસ્તક્ષેપથી લોકતાંત્રિક ક્રાંતિની સંભાવનાના સંકેત આપવા હતા જયપ્રકાશ ૧૯૭૪-૧૯૭૭નાં નાનકડા ગાળામાં જ ભારતીય સમાજ પર અહિંસક ક્રાંતિની ઘેરી અસર છોડી ગયા.

સંદર્ભ-ગાંધીજીનું ધર્મ દર્શન -મ.જો.પટેલ.

       જયપ્રકાશની ખોજ -કુમાર પ્રશાંત