સ્ત્રી –પુરુષનો સમાન દરજ્જો :

સ્ત્રી અને પુરુષના પ્રશ્નો,મનુષ્ય સમાજના પાયાના એકમો તરીકે એ બંનેનું મહત્વ,એકબીજાના પારસ્પરિક સંબંધો અને તેમની ફરજો વગેરે વિષે જેટલો મૂળભૂત,ઊંડો અને વ્યાપક વિચાર ગાંધીજીએ કર્યો છે તેટલો તેમની પૂર્વેના બીજા કોઈ સમાજ સુધારકોએ કર્યો હોય તેમ લાગતું નથી.ગાંધીજીનું નિશ્ચિતપણે માનવું હતું કે,’સ્ત્રી એ પુરુષની સહચારિણી છે,તેના સરખા જ મનવાળી છે,પુરુષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાનો તેને અધિકાર છે.જેટલી છૂટ પુરુષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાનો હક્ક છે.અને જેમ પુરુષ પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે તેમ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે”

વેદકાળ પછી સ્ત્રી સમાજની અવદશા:

વેદ અને ઉપનિષદ્કાળમાં સ્ત્રીઓ સમાન દરજ્જો ભોગવતી હતી.એ ગાંધીજી જાણતા હતા,પરંતુ પછીના કાળમાં ઐતિહાસિક કારણોને લઈને સ્ત્રીઓના એ દરજ્જાને જબરો ધક્કો લાગ્યો.મનુસ્મૃતિના જમાનામાં સ્ત્રીઓ પર કેટલાક બંધનો લદાયા,ત્યારથી ઢોર,ગંવાર,શુદ્ર,પશુ,નારી,યે શબ તાડનકે અધિકારી.વગેરે વચનો ધાર્મિક પુરુષોના હાથે લખાતા આવ્યા અને એ વચનોએ સ્ત્રી ગૌરવને ભારે હાનિ પહોંચાડી.પરિણામે સ્ત્રી એ પુરુષની સહધાર્મચારિણી છે,સંસાર રથનું એક અનિવાર્ય ચક્ર છે,માનવ જાતિનું અડધું અંગ છે,પુરુષ વર્ગની માતા છે,બાળકોની મહાન ગુરુ છે એ વાત જ ભુલાઈ ગઈ.ઊલટું સ્ત્રી એટ્લે અબળા,રક્ષિતા,પુરુષના ભોગ વિલાસનું સાધન એવા કનિષ્ઠ ભાવને  કારણે સ્ત્રી પણ પોતાની જાતને અબળા અને પુરુષની ગુલામડી માનતી થઈ ગઈ,આ પરિસ્થિતિમાં પુરૂષથી નિરાળું એવું પોતાનું વ્યક્તિત્વ છે,પુરુષની સહાય વગર પોતે પોતાની શક્તિથી પોતાનું રક્ષણ કરી શકે તેમ છે,પુરુષની જેમ પોતે પણ સાર્વજનિક કાર્યોમાં ભાગ લઈ શકે છે.પુરુષની જેમ બ્રહ્મચર્ય પાળવાનો પણ અધિકાર છે  તથા પોતાની ઈચ્છા વિરુધ્ધ પતિની કામવાસના તૃપ્ત કરવા એ બંધાયેલ નથી.એવા વિચાર કરવાની શક્તિ જ એ ખોઈ બેઠી.સમાજમાં તેનું સ્થાન નીચું ગણાયું અને સદીઓ સુધી તેને અન્યાય અને  જુલમના ભોગ બનવું પડ્યું.

સ્ત્રી- મુક્તિના ગાંધીજી પૂર્વેના પ્રયાસો-

પ્રાચીન યુગમાં સ્ત્રી ગૌરવની પુન:સ્થાપનનું સાહસિક અને હિમતભર્યું કામ મહાવીર સ્વામીએ કર્યું હતું.સ્ત્રી પણ પુરુષની જેમ મોક્ષની અધિકારી છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જેટલો અધિકાર પુરુષને છે તેટલો જ સ્ત્રીને છે એમ મહાવીર સ્વામીએ કહ્યું હતું. અઢી હજાર વર્ષ પૂર્વે સ્ત્રીને એમને આપેલો એ અધિકાર આજે પણ જૈન ધર્મમાં ચાલુ છે .પોતાના પ્રિય શિષ્ય આનંદના અતિ આગ્રહને વશ થઈને બુધ્ધે  પણ સ્ત્રીઓને એ અધિકાર આપેલો એ જાણીતી વાત છે. 

આધુનિક યુગમાં રાજા રામમોહનરાયે પ્રથમ સ્ત્રી ઉધ્ધારની વાત વહેતી મૂકી. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર,દયાનંદ સરસ્વતી,મહાદેવગોવિંદ રાનડે,શ્રીમતી એનીબેસંટ,વિવેકાનંદ,મહર્ષિ ઘોંડો કેશવ કર્વે  આદિ મહાપુરૂષોએ એ વાતને ચાલના આપી. પરંતુ એ બધાના પ્રયાસો ઘણે અંશે કઈક દયાવૃત્તિ,સ્ત્રી દાક્ષિણ્ય અને પરોપકાર વૃત્તિથી પ્રેરાયેલા હતા.એમાના  પ્રયાસોથી સ્ત્રી કલ્યાણનું થોડુક કામ જરૂર થયું પણ સ્ત્રીની મૂળભૂત સમસ્યાઓનું નિવારણ ના થયું,એનાથી સમગ્ર સ્ત્રી શક્તિ જાગૃત ના થઈ,એ કામ ગાંધીજીને હાથે થવાનું હશે.

સ્ત્રી જાગૃતિના ગાંધીજીના પ્રયાસો  :

સ્ત્રી જાગૃતિનું બીજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાવ્યું હતું. સ્ત્રી શક્તિનો અનુભવ પણ એમને ત્યાં થયો હતો. એ અનુભવને આધારે ભારતમાં સત્યાગ્રહ આશ્રમમાં સામુદાયિક ધાર્મિક પ્રયોગ દ્વારા દેશની સ્ત્રી શક્તિને જગાડવાનો એક અપૂર્વ અખતરો એમણે આદર્યો. અનેક બહેનોને આશ્રમમાં આશ્રય,હૂંફ અને માર્ગદર્શન આપી,એમની સુપ્ત શક્તિઓનું એમને ભાન કરવાની એક પણ તક તેમણે જતી ના કરી. સ્ત્રી અબળા નથી પણ બળનો નૈતિક બળ  એવો અર્થ કરવામાં આવતો હોય તો સ્ત્રી પુરુષ કરતાં ક્યાંયે ચડિયાતી છે. તે પુરુષના વિલાસનું રમકડું નથી પણ,”અહિંસા,ધૈર્ય ,સહનશીલતા અને ધર્મની સાક્ષાત મુર્તિ છે . સ્ત્રીઓમાં એવી અદ્ભુત શક્તિ છે કે,જો તેઓ કામ કરવા ધારે અને તેને ખંતપૂર્વક કરે તો એક પહાડને પણ હલાવી શકવાની તાકાત ધરાવે છે .,એટલી શક્તિ ભરી છે .આ વાત જુદી જુદી રીતે બહેનોને ઠસાવવાનો ગાંધીજીએ પ્રયત્ન કર્યો. તેઓ કહેતા ,”’બહેનોની અપાર શક્તિનો વિચાર જ્યારે જ્યારે કરું છું ત્યારે ત્યારે મને થાય છે કે બહેનોને કેમ પોતાની અપાર શક્તિની સમજ નહીં પડતી હોય ?અપાર અને અમાપ શક્તિ ઈશ્વરે સ્ત્રી હ્રદયમાં આપેલી છે .પ્રસૂતિની પીડા ભોગવનાર સ્ત્રી જગતમાં શું ના કરી શકે ? 

એક બાજુ ,સ્ત્રીઓને એમનામાં રહેલી અપાર શક્તિઓનું ભાન કરાવી ગાંધીજી એમનામાં આત્મવિશ્વાસ જગાડતા ગયા તો બીજી બાજુ ,યુગ યુગાંતરથી એમને ગુલામીની બેડીઓમાં જકડી રાખનાર અને પુરુષની વાસનાના અકારણ ભોગ બનાવનાર એમના આભૂષણ મોહને કૃત્રિમ સૌંદર્ય પૂજાને તિલાંજલિ આપવાની અપીલ પણ કરતાં ગયા .એમણે  બહેનોને કહ્યું કે, “સ્ત્રીઓનો સાચો શણગાર ચોખ્ખું પવિત્ર હ્રદય છે અને તેનું સ્થાન શરીર પર પહેરેલું બીજું કોઈ પણ આભૂષણ લઈ શકતું નથી.” સ્ત્રીઓને આ મોહમાંથી છોડાવવા એમણે સક્રિય પ્રયત્નો કર્યા.સ્વરાજ ફંડ અને અનુસુચિત જાતિ ફંડમાં બહેનો પાસે એ દાગીનાના દાન માગતા અને દાન આપનાર બહેનો પાસે ફરી દાગીના નહીં પહેરવાની પ્રતિજ્ઞાઓ પણ લેવડાવતા.એમનો આ કાર્યક્રમ આખર સુધી ચાલ્યો અને સ્ત્રીઓ તરફથી એનો એમને બહુ સારો જવાબ પણ મળ્યો.

આધુનિક યુવતીઓની કૃત્રિમ રીતે દેહને સજાવવા શણગારવાની અને  આકર્ષક બનાવવાની રીત ગાંધીજીને બિલકુલ પસંદ નહોતી.તેથી તે બહેનોને કહેતા,”ખરું રૂપ તો પોતાના ગુણોથી ઝળકે ,પોતાની છાપ ગુણવાન થઈને પાડવી,રૂપાળા થઈને નહીં.”

આ સિવાય બાળ લગ્ન,વૈધવ્ય,પડદા પ્રથા,સામાજિક કુરુઢીઓની પણ વખતો વખત ચર્ચા કરતાં રહ્યા. બાળલગ્નોને એમણે વ્યભિચાર કરતાં પણ વધારે દોષિત ઠેરવ્યા.હિન્દુ સમાજમાં વિધવાની બહુ કરૂણ હાલત હતી.એનું દર્શન અપશુકનની નિશાની રૂપ ગણાતું.ગાંધીજીએ વિધવાને “ત્યાગમૂર્તિ’અને વૈધવ્યને હિંદુધર્મનું ભૂષણ કહી એનું ગૌરવ કર્યું .બાળ વિધવાને કાયમ માટે વિધવાની કાળી ટીલી ચોંટાડવી એને “ઈશ્વર અને મનુષ્યની સાથે અપરાધ” ગણાવી. “’જે છૂટ વિધુરને હોય તે વિધવાને હોવી જ જોઈએ’એ વાત ભારપૂર્વક રજૂ કરી.

પડદા પ્રથાને પણ એમણે “નીતિપોષકને બદલે નીતિઘાતક’કહી વખોડી કાઢી.જ્યારે સ્ત્રીને મિલકત તરીકે સમજવામાં આવતી,જ્યારે તેમના હરણ થતાં ત્યારે તેમના પડદાની જરૂર ભલે  હોય,પણ પુરુષની કુદ્રષ્ટિથી બચવા માટે પડદો ઈલાજ નથી.પણ પુરુષની પવિત્રતા એ ઈલાજ છે.પડદામાં રહેલી,દબાયેલી સ્ત્રી પુરુષને કેમ પવિત્ર બનાવી શકે ?

સ્ત્રીઓ માટે ગાંધીજીને એટલી બધી લાગણી હતી કે એમના દુખનું  એક પણ અંગ એમનાથી અસ્પૃસ્ય રહ્યું નથી.દક્ષિણ ભારતમાં દેવમંદિરોમાં ચાલતી દેવદાસીની પાપી પ્રથા તરફ પણ એમનું ધ્યાન ખેંચાયા વગર ગયું નહીં. આ અંગે એમને પોતાની આંતરવેદના ઠાલવતાં કહેલું:કુમળી બાળાઓને વ્યભિચાર માટે મંદિરને અર્પણ કરવાની આ પ્રથા સામે મારો આત્મા સળગી રહ્યો છે.એને આપણે દેવદાસી કહીને દેવનું અપમાન કરીએ છીએ અને સાથે સાથે જ આપણે ભૂંડે મોંઢે ભગવાનનું નામ લઈએ છીએ! અસ્પૃશ્યતાની જેમ આ પાપી પ્રથા પણ એમને હિન્દુ ધર્મના કલંક રૂપ લાગી અને એમણે કહ્યું કે,”હિન્દુ ધર્મને શુધ્ધ કરવો હોય તો અસ્પૃશ્યતાની પેઠે આ પાપી પ્રથા પણ નાબૂદ થવી જોઈએ’.

સ્ત્રી શક્તિનું પ્રગટીકરણ :

ગાંધીજી સ્ત્રી શક્તિની અને એમના પર થતાં અન્યાયોની કેવળ વાતો કરીને જ બેસી ના રહ્યા.અસ્પૃસ્યતા નિવારણની જેમ સ્ત્રીઓના સવાલોનો પણ આઝાદીના આંદોલન સાથે જોડીને સમગ્ર સ્ત્રી શક્તિને બહાર લાવવાનો એમણે એક એવો અપૂર્વ પ્રયોગ કર્યો કે જેને પરિણામે સ્ત્રી મુક્તિની એમની આકાંક્ષા આપોઆપ સધાઈ.

1930 ના મીઠાના સત્યાગ્રહમાં હજારોની સંખ્યામાં સ્ત્રીઓ મેદાને પડી અને તેમણે પુરુષોની સાથે રહી તેમના જેવી જ કામગીરી બજાવી.ગાંધીજીની હાકલને માન આપીને તેમણે પડદાને તિલાંજલિ આપી અને સ્વાતંત્ર્યની અહિંસક લડતમાં હસતાં હસતાં લાઠીઓના પ્રહારો ઝીલ્યા. કારાવાસને વધાવી લીધો.અને પરદેશી ધૂંસરીમાંથી દેશને મુક્ત કરવા માટે ચાહે તેટલો આપભોગ આપવામાં એમને પાછી પાની  ના કરી.આ સમયે દારૂના પિઠા પર પિકેટિંગ કરવાનું જોખમ ભર્યું કામ ગાંધીજીએ ખાસ કરીને બહેનોને જ સોંપ્યું. પિઠાવાળાઓ સામે બહેનો બિચારી શું કરે ?આવી શંકા ઘણાને હતી. પરંતુ આપણો ખરો જય પથ્થર જેવી છાતીવાળા પિઠાના માલીકોના હૃદય પિગળાવવામાં અને મદ્યપાન કરનારા આપણાંગાંડા ભાઈ બહેનોને હૃદયની ઉપર અસર પહોચડવામાં રહેલ છે. આ લોકોના હૃદયનું પરીવર્તન કરવું મને લાગે છે કે સ્ત્રીઓનુ ખાસ ક્ષેત્ર છે.અથવા તેને ખાસ ક્ષેત્ર કરી શકે છે. હૃદયનું સામરાજ્ય જેટલા વેગથી સ્ત્રીઓ મેળવી શકે છે તેટલા વેગથી પુરુષ નથી મેળવી શકતા. આ ગાંધીજીની શ્રધ્ધા હતી.એમની એ શ્રધ્ધાને  બહેનોએ સાચી પુરવાર કરી બતાવી.એમણે દારૂડિયાઓને શરમાવ્યા અને પોતાનું કામ બરોબર પાર પાડ્યુ.

વળી આ પ્રસંગે મીઠાના કાયદાનો સવિનયભંગ કરવાનો આબાલ વૃધ્ધને માટે અતિ વ્યવહારૂ કાર્યક્રમ આપીને ગાંધીજીએ સ્ત્રી શક્તિને વ્યાપક રીતે જગાડવાનો અવસર ઝડપ્યો.આ અવસરમાં દેશભરની લાખો સ્ત્રીઓએ ભાગ લીધો. આશ્રમના વયોવૃધ્ધ ગંગાબહેન વૈદ્યની આગેવાની હેઠળ બહેનોની એક ટુકડીએ ખેડા જીલ્લામાં હસ્તે મોંઢે લાઠીઓ ઝીલી.લીલાવતીબહેન આસરને એકલાને બોરસદના થાણા માં બોલાવીને ફોજદારે ગાળો ભાંડી,પણ એમણે તે હસતાં હસતાં શાંખી લીધી.સરોજિની નાયડુએ ધારાસનાના મીઠાના અગર પાસે આખો દિવસ ધોમ ધખતા તાપમાં સુકાતા  કંઠે ઊભા રહી પ્રાચીન તપસ્વિનીનું ઉદાહરણ પૂરું પાડ્યું. આવું તો દેશભરમાં બધે બન્યું.આ બધુ જાણીને ગાંધીજીએ ભારે હર્ષ અને સંતોષની લાગણી અનુભવી.એક પત્રમાં એમણે લખ્યું,આશ્રમને અને પોતાને આશ્રમની બહેનોએ અમર કરી મૂક્યા છે.પ્રાર્થનાઓ અને વ્રતો ફળ્યા છે.આવી બહાદુરી તો બીજી બહેનોએ પણ બતાવી છે. આ સરઘષમાએ બીજી બહેનો હતી.પણ આશ્રમની બહેનોના બલિદાનની વિશેષતા તેના ધાર્મિકપણામાં રહેલી છે એવી મારા પર છાપ પડી છે.

મુંબઈમાં તો આ દિવસોમાં અપૂર્વ દ્રશ્ય ખડાં થયા.ઉચ્ચ વર્ગની અને સામાન્ય વર્ગની સેંકડો સ્ત્રીઓ મુંબઈના ગીચ વિસ્તારોમાં થઈને મીઠાનો કાયદો તોડવા દરિયાભણી કુચ  કરી રહી હતી.લાઠીવાળા પોલીસો અને ગોરા સારજંટોએ એમની આજુબાજુ ઘેરો ઘાલ્યો હોવા છતાં,શૌર્ય ગીતો ગાતી ગાતી  કોઈ પણ જાતના ડર વગર કેસરી કપડામાં સજ્જ થયેલી સ્ત્રીઓની એ ટુકડીઓ એક પછી એક વ્યવસ્થિત રીતે દરિયા તરફ આગળ વધતી હતી.આ દેવ દુર્લભ દ્રશ્ય જોઈને,સ્ત્રીઓની ઉન્નતિ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર મહર્ષિ કેશવ  કર્વેની આંખોમાં આંસુ ઉભરાયા અને તે બોલી ઉઠ્યા મારુ અને મારા જેવા અનેકનું દશકાઓનું કાર્ય જે હેતુ સિદ્ધ કરી શક્યું નહીં તે હેતુ આ સાબરમતીના જાદુગરે પોતાના કલ્પનાશીલ કાર્ય વડે એક જ કાર્યક્રમથી સિધ્ધ કરી દેખાડ્યું .

1942ની કરેંગે યા મરેંગેની લડતમાં તો સમસ્ત ભારતનું નારીત્વ જાગી ઉઠ્યું, આઝાદી બાદ ફાટી નીકળેલી કોમી આગને ઠારવાનું અને સેંકડો અપહૃત બહેનોને ગુંડાઓના ઘરોમાં ઘૂસીને પાછી લઈ આવવાનું બહેનોનું કામ તો ઇતિહાસની વીરાંગનાઓને યાદ અપાવે એવું છે .

સ્ત્રીઓનુ આ સાહસ એમની આ નિર્ભયતા,હિમ્મત અને બલિદાનની ભાવના જોઈને કોને એમના પ્રત્યે આદર ના થાય? કોણ કહેશે કે બહેનો અબળા છે ? પુરુષની ગુલામ છે ?

સ્ત્રી જેવુ અસાધારણ સ્ત્રી હૃદય કેળવીને તથા ઉચ્ચતર નિર્વિકાર દશા પ્રાપ્ત કરીને ગાંધીજીએ વિવિધ પરદેશની,વિવિધ ક્ષેત્રની અને  વિવિધ શક્તિવાળી હજારો સ્ત્રીઓના  આત્માને સ્પર્શ કર્યો અને એમની ગર્ભિત શક્તિઓ જાગ્રત કરી,તેમને સેવા ધર્મની દીક્ષા આપી.એ પૈકી કસ્તુરબા,મીરાબહેન,સરોજિની નાયડું,વિજયાલક્ષ્મી પંડિત,રાજકુમારી,અમૃતકૌર કમલાદેવી ચટ્ટોપાધ્યાય,કમલા નહેરુ,સુચેતા કૃપલાની,  સુશિલા નૈયર, મૃદુલા સારાભાઈ, અરુણા અસફઅલી,મિઠુંબહેન પીટિત,ગંગાબહેન વૈદ્ય,ઇન્દિરા ગાંધી,ઇંદુમતીબહેન શેઠ,પ્રભાવતી દેવી,મણિબહેન પટેલ, પુષ્પાબહેન મહેતા વગેરે નામો જાણીતા છે. પરંતુ આ સિવાય બીજી અનેક બહેનોને સમાજસેવાના કાર્યોમાં  જોડીને તેમને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે.

આમ સ્ત્રી જાતિને માટે સ્વાભાવિક એવા અહિંસા ધર્મ પર સ્વતંત્રતાની લડતનું મંડાણ કરીને ગાંધીજીએ સમસ્ત ભારતની સ્ત્રી શક્તિને જાગ્રત કરી.ભારતની સ્ત્રીઓને અબળા કહેવામા આવતી હતી. ગાંધીજીએ તેમને સબલા બનાવી અને વીરતાભર્યા કામો કરવાને માટે તલવાર બળની નહીં પણ આત્મબળની, ચારિત્ર્ય બળની જરૂર છે તેવો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તેમનામા પેદા કાર્યો .પુરુષોની જેમ જ સ્ત્રીઓ પણ એકલે હાથે નિર્ભય પણે સામાજિક કાર્યો કરી શકે  છે એવી શ્રધ્ધા એમને એમનામાં પેદા કરી .

સ્ત્રોત -મ.જો. પટેલ. –ગાંધીજીનું ધર્મદર્શન (ટૂંકાવીને )


0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *