સંશોધનનો વિષય કે સંશોધનના  ઉદ્દેશો, સંશોધન સંખ્યાત્મક પદ્ધતિથી કરવું કે ગુણાત્મક પધ્ધતિથી કરવું તે  નક્કી કરવામાં મહત્વના છે. કયા કારણોસર ગુણાત્મક સંશોધન કરવું  જરૂરી છે? તેની કેટલીક સૂચી બનાવી શકાય પરંતુ તે સૂચી ક્યારેય આખરી ના હોય. સંશોધકોને માટે તે માર્ગદર્શક જરૂર બની શકે છે. આજ દ્રષ્ટીએ  ગુણાત્મક સંશોધન કરવા માટે કેટલાક  કારણોની ચર્ચા કરી છે.

1.ઓછા જાણીતા વિષયનું અન્વેષણ કરવું

અહી એ પ્રશ્ન થાય કે ઓછો જાણીતો વિષય એટલે શું? સમાજમાં સતત પરિવર્તન થાય છે.લોકોના સંબધોમાં,સમસ્યાઓમાં, જૂથો વચ્ચેની આંતરક્રિયાઓમા, તેના બદલાવને કારણે ઉદભવતી સમસ્યાઓમાં, મુલ્યોના સંઘર્ષમાં,સંસ્થાઓના બદલાતા સ્વરૂપ,કાર્યો વગેરે મનુષ્ય જીવન પર ઘેરી અસરો ઉભી કરે છે જેને પરિણામે અનેક એવી બાબતો,જાણકારી હોય છે,જે ઢંકાયેલી હોય છે.જે સ્પષ્ટ રીતે દેખાતી નથી,તેના વિષે સમાજનું ધ્યાન ગયું નથી.જો તેના ઉપર અભ્યાસ કરવામાં આવે તો ઘણું એવું જ્ઞાન મળી શકે જેના ઉપર સમાજે,તંત્રોએ ધ્યાન આપીને કાર્ય કરવાની જરૂર હોય છે.આવા ઓછા જાણીતા વિષય માટે ઉત્કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે.આવા મુદ્દાને તેના વિવિધ પાસાઓને પહેલી વખત ખોલાવાનો અને તેનું અન્વેષણ કરવાનો પ્રયત્ન કરવાનો હોય ત્યારે કોઈ નિશ્ચિત અનુસૂચી,પ્રશ્નોની સૂચી બનાવીને સંખ્યાત્મક અભ્યાસ કરવો મુશ્કેલ હોય છે.આવા સંજોગોમાં ગુણાત્મક પધ્ધતિ વધુ યોગ્ય બને છે જેમાં સંશોધક વિષય અને ઉત્તરદાતાની સમજણના ઊંડાણમાં ઉતરે છે અને એક એવી નવી સમજ,નવા અર્થોને બહાર લાવે છે.આવા ઓછા જાણીતા વિષયની યાદી આપવા જઈએ તો એવા વિષયો ધ્યાન પર લેવા જે આજે જાણીતા બન્યા છે તેના ઉપર સંશોધનો થયા છે,પરંતુ એક સમયે તે ઓછા જાણીતા હતા.તેથી એવા કેટલાક ઉદાહરણો જોઈએ જે એક સમયે ઓછા જાણીતા હોવાથી તેના ઉપર ગુણાત્મક સંશોધનો થયા હતા. દા.ત. દત્તક લેવાયેલ બાળકનું શારીરિક-માનસિક શોષણ,મેનોપોઝમાં હોર્મોન થેરાપી લેતી સ્ત્રીઓના અનુભવો,અપરિણીત સ્ત્રીઓના સમાજમાં સમાયોજનના પ્રશ્નો,અત્યાચાર પ્રતિબંધક ધારાનો ઉપયોગ કરનાર દલિતોને અનુભવાતી સમસ્યાઓ. આવા મુદ્દાઓ બિલકુલ જાણીતા નથી હોતા તેવું હંમેશા બનતું નથી પરંતુ તેના અમુક પાસાઓની દ્રષ્ટીએ તે ઓછા જાણીતા હોય છે, તેમાં ઊંડાણપૂર્વકની સમજણ મેળવવાની જરૂર હોય છે.

2.સંવેદનશીલ અને લાગણીનું ઊંડાણ ધરાવતા વિષય પર અભ્યાસ કરવો હોય

સમાજમાં એવી અનેક ઘટનાઓ બને છે, સમાજની અનેક વ્યવસ્થાઓ ઉભી થાય છે.જે  કોઈ ચોક્કસ વ્યક્તિ, જુથો કે સમુદાયને વિપરીત અસરો કરે છે જે અત્યંત સંવેદનશીલ,સ્ફોટક અને લાગણીસભર હોય છે, જે લોકોના મનમાં ધરબાયેલી હોય છે, દબાયેલી હોય છે. આવા સંવેદનશીલ, લાગણી વિષયક મુદ્દાઓ પર અભ્યાસ કરવા ખૂબ જરૂરી છે. કારણ કે તેને સ્વસ્થ સમાજની રચના માટે જાણવા અને તેના ઉપર કામ કરવું જરૂરી બને છે. આ વિષય ઉપર સંખ્યાત્મક અભિગમથી અભ્યાસ કરવો મુશ્કેલ છે. જ્યાં તમામ ઉત્તરદાતાઓ વિવિધ પ્રકારની લાગણીઓ, સમજ ધરાવે છે. અહી ગુણાત્મક સંશોધન મહત્વનું બને છે. સમાજ કાર્યકરો રોજબરોજ એવા લોકો સાથે કાર્ય કરે છે જે કટોકટીનો અનુભવ કરી રહ્યા છે, જેમની સામે અસ્તિત્વ ટકાવવાના પ્રશ્નો છે તેમના પ્રત્યે સમાનુભૂતિપૂર્વકની સમજણ દાખવીને તેમની લાગણીઓને સ્પર્શવાની, સમજવાની જરૂર હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો ભૂકંપ કે માનવ સર્જિત આપત્તિમા જેમણે પોતાનું સર્વસ્વ અને કુટુંબીજનો ગુમાવ્યા છે તેમની મનો- સામાજિક સ્થિતિ જાણવી હોય, જેમની ઉપર બળાત્કાર થયો છે તેવી સ્ત્રીઓની મનો-સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવો અતિ સંવેદનશીલ અને લાગણીનું ઊંડાણ  ધરાવતા વિષયો છે. એવા લોકોના વર્તનનો અભ્યાસ કરવો છે તેનું વર્તન સમાજની દ્રષ્ટીએ અમાન્ય હોય છે. જેમ કે નશીલી દવાઓના વ્યસની, ચોરી કરનાર ગેંગના સભ્યો, દેહ વ્યાપાર કરનારા તેઓનો અભ્યાસ કરવામાં ગુણાત્મક સંશોધનપદ્ધતિ મહત્વની બને છે.

3.લોકોના જીવંત અનુભવ  અને તેઓ જે અર્થ કરે છે તે સમજાવવા માગતા હોય

લોકોના જીવંત અનુભવને સમજવો એટલે દા.ત. જે  દલિતો વર્ષોથી પોતે જે ગામમાં રહેતા હતા તેમણે ગામ છોડીને હિજરત કરવી પડી તે સમયે તેમના અનુભવો શું  હતા,તેવી જ રીતે જેમણે પોતાના કુટુંબીજનોનું ખૂન થતા જોયું છે તેમના અનુભવો શું  હતા? લાંબા સમયની બીમારીથી પીડાતી વ્યક્તિઓના અનુભવ શું હતા? એઇડ્સગ્રસ્ત સ્ત્રી જે વિધવા બની છે અને તેમાં તેને બાળકો પણ એઇડ્સગ્રસ્ત છે તેના જીવંત અનુભવોને જાણવા છે ત્યારે ગુણાત્મક સંશોધન ઉપયોગી બને છે, કારણ કે આવા જીવંત અનુભવ,તેમની  સ્થિતિ પ્રશ્નાવલી નથી જાણી શકાતા. તે જાણવા માટે એક પ્રશ્નમાંથી નીકળતી માહિતીમાંથી કડીરૂપ અનુભવોની જાણકારી પ્રાપ્ત કરવી પડે છે. ઉત્તરદાતા જે અર્થ કરે છે તેને સમજવો એટલે ઉત્તરદાતાની સ્થિતિ, સંજોગો સમસ્યાનો તેઓ પોતાના દ્રષ્ટિબિંદુથી કેવી રીતે જુએ છે, તેજ રીતે સંશોધક તેને જાણે છે. અભ્યાસો સમુદાયના લોકોની અંદરની દ્રષ્ટીએ વસ્તુઓને સમજાવામાં આવે છે (Emic).એન્થ્રોપોલોજીમાં થોડા વર્ષો પૂર્વે Emic Vs Eticનો તફાવત સ્પષ્ટ થયો.એટલે કે Emic લોકોની/ભાગીદારોની અંદરની સમજ અને Etic એટલે બહરની દ્રષ્ટિ ,સંશોધકની વિશ્લેશ્નાત્મક સમજ. પેહલા એથનોગ્રાફરની ભૂમિકા સંસ્કૃતિના વૈજ્ઞાનિક તરીકે જોવાતી. હવે તેમની ભૂમિકા સંદર્ભલક્ષી અર્થ કરનાર તરીકેની બની છે. તફાવતને સમજવા માટે ભાષાવિજ્ઞાનની ટર્મિનોલોજી Phonemic Vs Phonetic નો ઉપયોગ થાય છે. સાંભળેલ શબ્દનો જે વો ઉચ્ચાર થતો હોય તેજ  રીતે તેને લખવો સમજવો  એટલે Phonetic અને સંભાળેલ શબ્દનો સ્થિતિના સંદર્ભમાં સંશોકાક દ્વારા અર્થ સમજવો એટલે Phonetic. દાખલા તરીકે સ્થળાંતરીત બાંધકામ કામદારો સાથે થતા છેડતીના બનાવોનો અભ્યાસ કર્યો છે ત્યારે આવી ઘટના કે સ્થિતિનો આવી સ્ત્રીઓ જે વર્ણન કરે છે તેઓ કયા સંદર્ભમાં આમ વર્ણન કરે છે સંશોધક તેનો અર્થ પ્રાપ્ત કરે છે. એટલે સંશોધક આ બાબતોને પોતાની ફ્રેમ ઑફ રેફરન્સ-સંદર્ભના ઢાંચાની નહીં પરંતુ ઉત્તર દાતાના અર્થને  સમજે છે. ઉત્તરદાતા પોતાના વિશ્વના વિચારોને રજૂ કરે છે અને પોતાના જીવનના હજારો વિવિધ અનુભવનો અર્થ કરે છે. સમાજકાર્યના લોકોને મદદરૂપ થવા માટે આ બાબત ખૂબ મહત્વની છે. તેથી ગુણાત્મક પદ્ધતિ તેમાં મહત્વની બની છે.

4.સંશોધન બ્લેક બોક્સની અંદર જવા માંગે છે

બ્લેક બોક્સ અથવા બ્લેક બોક્સની અંદર જવું એટલે શું? બ્લૅક બૉક્સ શબ્દથી આપણે પરિચિત છીએ. વિમાનના બ્લેક્બોક્ષના સંદર્ભમાં, જ્યાં વિમાનમાં થયેલ તમામ બાબતોની છેલ્લી ઘડી સુધીની માહિતી સચવાયેલી હોય છે.ટેકનીકલ ખામીઓ કેવી રીતે થઇ,ક્યારે થઇ વગેરેનો તાગ તેના ઉપરથી મળી શકે છે. સંશોધનના સંદર્ભમાં બ્લેક્બોક્ષની અંદર જવું એટલે આપણે જેનો અભ્યાસ કરીએ છીએ તેમાં ઉપર ઉપરથી દેખાય છે તે બાબતો જ જાણવી નહિ પરંતુ તેમાં શું પ્રક્રિયાઓ થઇ છે?વિવિધ પરિબળોએ શું પ્રભાવ ઉભો કર્યો છે?કાર્યક્રમોની સફળતા કે નિષ્ફળતાના કારણો શું છે?ટાળી ના શકાય તેવા અવરોધો કયા હતા? તેણે શું અસરો ઉપજાવી છે?આમ ગુણાત્મક સંશોધન ત્યારે જરૂરી બને છે જ્યારે પ્રક્રિયાઓ અને ક્રિયાઓનો પ્રભાવ શું થયો તે જાણવું હોય છે.આમ ગુણાત્મક પધ્ધતિ પ્રભાવ અને અસરોના અભ્યાસ માટે વધારે ઉપયોગી સાબિત થઇ શકે છે. કાર્યક્રમોના મૂલ્યાંકન કે સમાજકાર્યની દરમ્યાનગીરીના સંદર્ભમાં થતા અભ્યાસોમાં આવા સંશોધનોની જરૂરીયાત હોય છે.સમાજકાર્ય સંશોધકો ગુણાત્મક અભિગમનો ઉપયોગ માનસિક આરોગ્ય સેવાઓના કાર્યક્રમનું મૂલ્યાંકન કરવામાં કુટુંબમાં જ અપાતી સારવાર અને બાળ કલ્યાણ કાર્યક્રમના મુલ્યાંકનમાં કરે છે.

5.એવા અભ્યાસો જ્યાં લોકો અને તેમની સંસ્કૃતિની સમાજ મેળવવી જરૂરી હોય છે

આવા પ્રકારના અભ્યાસો સંખ્યાત્મક પધ્ધતિથી કરવામાં આવે તો અભ્યાસોના નિષ્કર્ષ પર આવવું,તેને રજુ કરવા કે સમજાવવા સંશોધક માટે મુશ્કેલ બને છે. કારણ કે તે વિષય એવા હોય છે જેમાં અનેક પાસાઓનો અભ્યાસ ગુણાત્મક અભિગમથી થવો જરૂરી હોય છે. દા.ત.સીકલસેલના દર્દીઓનો અભ્યાસ કરો છો,જેમાં તેમની આરોગ્યની સ્થિતિ,સારવાર લેવા પ્રત્યેનો અભિગમ,વલણો,લગ્ન કરતી વખતે તેને અસર કરનાર સાંસ્કૃતિક પરિબળો વગેરે મહત્વના બને છે,કારણ કે  ગુજરાતમાં આ રોગ વધારે આદિવાસી વિસ્તારમાં છે. આવા વિષયોમાં ગુણાત્મક સંશોધન જરૂરી બને છે.

6.એવા સંશોધન જ્યાં કર્મશીલ અભિગમ સાથે સંશોધન કરવું જરૂરી હોય છે

આપણે વંચિતો,દમનનો ભોગ બનેલા લોકો,જૂથો સાથે કામ કરીએ છીએ ત્યારે કેટલીક વખત સામાજિક અન્યાયના મુદ્દાઓ ઉપર સહભાગી ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. આવા પ્રકારના સંશોધનમાં સંશોધનનો આખરી હેતુ ઉત્તરદાતાઓ શક્તિશાળી બને,તેમના પ્રશ્નોથી જાણકાર બને,તેને માટે સક્રિય બને તે હોય છે. આવા સંજોગોમાં સંશોધક પોતે સહભાગી હોય છે અને તે એક કર્મશીલ તરીકે કાર્ય કરે છે. આમ સમાજકાર્યમાં જ્યાં સંશોધનો હેતુ સહભાગી સંશોધનો અને ક્રિયાત્મક સંશોધનનો હોય છે ત્યાં ગુણાત્મક સશોધાન જરુરી બને છે .

આમ ગુણાત્મક સંશોધન કરવા માટેના અને નહિ કરવા માટેના અનેક કારણો છે.પરંતુ મહત્વનું એ છે કે ગુણાત્મક સંશોધનનું હાર્દ જ્ઞાન અને સમજણ મેળવવાનું છે.