ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયત્નો દુનિયાના ઘણાં દેશોએ કર્યા અને તેમને સફળતા પણ મળી. પરંતુ આ આઝાદી હીંસક માર્ગે મળી અને તેમાં બંને પક્ષે લોહીયાળ સ્થિતિ બની. માનવજાતને અનેક ઘણું નુકશાન થયું,ગાંધીજીને મન આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી.આજે પણ વિશ્વામાં અનેક દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે જેમાં અનેક મનુષ્યોના જીવ હોમાય છે. આ યુધ્ધો સત્તા માટેના છે,આર્થિક સત્તા માટેના છે, ધાર્મિક કટુતાને કારણે છે, જેવા અનેક કારણસર વિશ્વના કોઈને કોઈ ખૂણે યુધ્ધો ચાલતા જ રહે છે. ગાંધીજીએ વિશ્વને ઉદાહરણ પૂરું પાડ્યું કે હિંસા વિના પણ ગુલામીમાંથી મુક્ત થઇ શકાય છે.
હિંસાના બે સ્વરૂપો છે -એક પ્રત્યક હિંસા અને બીજી છે સમાજગત હિંસા પ્રત્યક્ષ હિંસા એટલે બે દેશો વચ્ચેનું યુદ્ધ.અને સમાજગત હિંસા એટલે અસમાનતા,શોષણ,સ્વતંત્રતાનો અભાવ વગેરે.
વિશ્વ શાંતિ માટે કઈ બાબતો આવશ્યક છે ?
- માનવ સમાનતામાં આસ્થા હોવી જરૂરી છે.એટલે કે દરેક વ્યક્તિ એકબીજાની બીન્નાતાનો સ્વીકાર કરે.
- જે પણ સાધ્ય છે તેને પ્રાપ્ત કરવા માટે સાધન શુદ્ધિ જરૂરી છે. સાધન શુદ્ધિ એટલે યોગ્ય રસ્તાઓ, અમાન્ય રસ્તાઓ,ગેરકાનૂની રસ્તાઓનો ઉપયોગ કરીને સાધ્ય પ્રાપ્ત કરવું યોગ્ય નથી.દા.ત.વધુ ઉત્પાદન લેવા રાસાયણીક દવાઓનો ઉપયોગ કરવો જે મનુષ્ય જીવન માટે ઘાતક હોઈ શકે છે.
- માનવ સમજણ શક્તિમાં વિશ્વાસ રાખીને સાધનની પ્રાપ્તિ કરવી. જ્યારે સામાન્યમાં સામાન્ય માણસ સાથે કામ કરીએ છીએ ત્યારે તેનામાં પણ પોતાની એક સમજણ શક્તિ હોય છે તેનો સ્વીકાર કરીને યોગ્ય સાધનની પસંદગી કરવી.
- વિજ્ઞાનમાં વિશ્વાસ રાખીને માનવના હિતમાં તેનો ઉપયોગ કરવો. વિજ્ઞાન માનવનો વિકાસ પણ કરી શકે છે અને વિનાશ પણ કરી શકે છે.
- લોકશાહી અથવા માનવતાવાદી હેતુઓમાં વિશ્વાસ રાખવો. લોકશાહી મુજબ કામ કરવું અઘરું છે. પરંતુ તેજ લાંબાગાળે સારા પરિણામો આપે છે.
બીજા વિશ્વ યુદ્ધબાદ જાપાનમાં અણુબોમ્બથી થયેલ વિનાશને લીધે વિશ્વમાં શાંતિના પ્રયત્નો શરુ થયા.ભારતમાં સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન ગાંધીજીના અહિંસક પ્રયત્નો તરફ દુનિયાનું ધ્યાન ગયું. ગાલ્તુંગ કહે છે શાંતિ એટલે હિંસાનો અભાવ અને શાંતિના ધ્યેયને હાંસલ કરવા માટે હિંસાનો સામનો કરવો તેવો મત તેઓ ધરાવે છે.હિંસાની વ્યાખ્યા આપતા તેઓ જણાવે છે કે,હિંસાની હાજરી ત્યારે જ હોય છે કે જ્યારે માનવીની વાસ્તવિકતા -શારીરિક અને માનસિક સિદ્ધિ તેમની સંભવિત સિદ્ધિ કરતા ઓછી હોય છે,ત્યારે માનવી ઉપર તેનો પ્રભાવ પડે છે.બીજા અર્થમાં કહીએ તો હિંસા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ જે કઈ બનવા માટે અથવા હાંસલ કરવા માટે યોગ્ય હોય અને તે હાંસલ કરવું શક્ય હોય અને છતાં તે પ્રાપ્ત ના કરી શકે.આ બે પરિસ્થિતિ વચ્ચેના તફાવતનો ગાળો હિંસાની માત્રા નક્કી કરે છે.
શાંતિ એટલે શું ?કોને શાંતિની પરિસ્થિતિ કહેવાય ?
- શાંતિ એટલે યુધ્ધોની ગેરહાજરી હોય,એટલુજ નહિ દરેક દેશ નિ:સ્શ્ત્રીકરણને અપનાવે.
- શાંતિ એટલે સંઘર્ષોનું નિવારણ.માણસો છે ત્યાં સંઘર્ષો થવાના જ. પરંતુ સમાજમાં એવી વ્યવસ્થાઓ હોય જ્યાં આવા સંઘર્ષોના કારણો-જેવાકે માનવસ્વભાવ ,સામાજિક વ્યવસ્થામાં ખામી,સંચાલકીય કારણો વગેરે જાણીને તેના નિવારણ માટે કામ કરે. વિશ્વ સ્તરે યુ.એન.ની શરૂઆત એના માટે જ થઇ હતી.
- શાંતિ એટલે કોઈ પણ જાતની હિંસાનો અભાવ.આગળ જોયું તેમ પ્રત્યક્ષ હિંસા પણ ના હોવી જોઈએ અને સમાજ્ગત હિંસા પણ ના હોય તો શાંતિની સ્થિતિ પ્રવર્તે છે .
- શાંતિ એટલે ગરીબી,ભૂખમરો,બેકારી,રાજકીય અસ્થિરતા, વસ્તી વધારો,સાંપ્રદાયિક અને જાતીય હુલ્લડો વગેરે દેશ અને વિશ્વના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ.
- શાંતિ એટલે વિકાસના પ્રશ્નોમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નીતિઓમાં ફેરફારો દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવો.
- શાંતિ એટલે ન્યાયિક વિશ્વ વ્યવસ્થા.વૈશ્વિક સમસ્યાઓ -યુધ્ધો,શસ્ત્રદોટ,રાષ્ટો વચ્ચેના રાજકીય મતભેદો,આર્થિક વિકાસ,વસ્તી વધારો,ઉર્જા સંકટ,અન્ન સમસ્યા,પર્યાવરણની સમતુલા વગેરેને આંતરરાષ્ટ્રીય પરિપેક્ષ્યમા જોવા અને કેટલાક મુલ્યોને કેન્દ્રમાં રાખી તેના ઉકેલ માટે વિભિન્ન વિકલ્પો રજુ કરવા.
- શાંતિ એટલે જીવવાનો, વિકાસનો અને સુરક્ષાનો અધિકાર મળતો હોય .
- શાંતિ એટલે અણુયુધ્ધ્ના ભયનો અભાવ,શસ્ત્ર સ્પર્ધામાં અંકુશ,રાષ્ટ્રો વચ્ચેની વિશ્વસનીયતાની ખાતરી,સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પ્રથાને વધુ મજબુત બનાવવી.
જો દેશ અને દુનિયામાં આ પરિબળો હોય તેનું જતન થતું હોય તો શાંતિ પ્રવર્તે છે અને માનવ સુખાકારી જોવા મળે છે.
શાંતિ અને અહિંસા બંને એકબીજાના પર્યાય છે. અહિંસા એટલે શું?
“વિશ્વપ્રેમ,જીવમાત્રને માટે કરુણા અને તેમાંથી ઉત્પન્ન થતી પોતાની જાતને હોમવાની શક્તિ”
- અહિંસા માત્ર કોઈને નહિ મારવામાં સમાઈ જતી નથી. તે આવશ્યક જરૂર છે.
- અહિંસામાં અન્યાય,પાપ ,દુરાચાર અને દ્વેષ સામે બાથ ભીડવાની છે.તે પ્રેમરૂપે પ્રગટ થાય છે.તેમાં વિરોધીને ચાહવાનું છે.
- અહિંસા એટલે વ્યાપકમાં વ્યાપક જીવમાત્રને આવરી લેતો શુદ્ધ પ્રેમ.
- પરંપરાગત અહિંસાનો વિચાર કોઈના ઉપર ઘાત ના કરવી તે છે.પણ તેટલું પુરતું નથી.
- અહિંસા ફક્ત વ્યક્તિગત આચરણનો નિયમ નથી,તે સામુદાયિક,જાતી અને રાષ્ટ્રની નીતિનું રૂપ પણ હોઈ શકે છે.
- જેમ શસ્ત્ર યુદ્ધ માટે જરૂરી સાહસ,શૌર્ય,હિમત જેવા ગુણો વિવિધ રચનાત્મક કાર્યો દ્વારા કેળવી સંગઠિત કરી શકાય છે.તેમ અહિંસક પ્રતિકાર માટે સાહસ,સમર્પણ ત્યાગ જેવા ગુણો વિવિધ રચનાત્મક કાર્યો દ્વારા કેળવી સંગઠિત કરી શકાય છે.
- ગાંધીજીની અહિંસામાં અહિંસક વિરોધ અહિંસક પ્રતિકાર અથવા અહિંસક સંઘર્ષ હોય છે અથવા ત્રણેય હોય છે.
- કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય તો ગાંધીજી હિંસાની સલાહ આપે છે, એનો અર્થ એ છે કે ગાંધીજી કહે છે વ્યક્તિને જ્યાં પણ અન્યાય લાગે છે ત્યાં તેને તેનો સામનો કરવો જોઈએ,કાયરતા એ સારો ગુણ નથી.
- અણુયુધ્ધ્ના આગમનમાં ગાંધીજીએ બતાવી આપ્યું કે હિંસાનો આશરો લીધા વિના પણ ક્રાંતિકારી રાજકીય ફેરફારો થઇ શકે છે.
આમ જો વિશ્વ અહિંસાના આ ખ્યાલને સમજે અને અપનાવે તો વિશ્વમાં શાંતિની સ્થિતિ બની શકે છે.