દરેક સંશોધનમાં તેના પરિણામોને અહેવાલના સ્વરૂપે રજુ કરવામાં આવે છે.સંશોધન અભ્યાસોના પરિણામોના અહેવાલનો મુખ્ય આધાર તેના ઉદેશોના સંદર્ભમાં હોય છે.આવા અભ્યાસો અનેકવિધ કારણોસર        કરવામાં આવે છે  જેવા કે નવું જ્ઞાન મેળવવા વ્યક્તિગત સ્તરે થતું સંશોધન,પદવી મેળવવા માટે ,સામાયિક માટે લેખ તૈયાર કરવા ,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સેમિનારમાં પેપર રજુ કરવા પુસ્તક માટે લેખ લખવા,સંસ્થાકીય પ્રોજેક્ટ કે બહારની સંસ્થા દ્વારા મળેલ ફંડના પ્રોજેક્ટ માટે વગેરે કારણોસર સંશોધન કરવામાં આવે છે.

કોઈ પણ કારણસર થતા કે કોઈ પણ સ્તરે થતા સંશોધનો કે વિશ્લેષણાત્મક અભ્યાસોમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરવું જરૂરી છે. કારણ કે તેના અહેવાલો જ્યારે રજુ થાય છે ત્યારે વાચકો તેમાંથી ઘણું મેળવે  છે. સંશોધન અહેવાલમાં કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ તે જાણવું સંશોધક માટે મહત્વનું છે તથા આવા અહેવાલનું મૂલ્યાંકન કરવા માટે અધ્યાપકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તે દ્રષ્ટીએ આ બાબત સમજાવી જરૂરી છે.જેથી સંશોધનના ઉચ્ચ ધોરણોને પ્રાપ્ત કરી શકાય.

સંશોધન અભ્યાસો કરવા કે તેની ચકાસણીના ધોરણોની દ્રષ્ટીએ તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય

1,સંશોધન અભ્યાસો,સ્વાધ્યાય કે પેપર -તાલીમ માટે

2, સંશોધન અભ્યાસો કે વિશ્લેષણ પેપરો-સમસ્યા નિવારણ માટે

3, સંશોધન અભ્યાસો કે વિશ્લેષણ પેપરો -જ્ઞાનના સર્જન માટે.

સંશોધન પ્રોજેક્ટ કે સ્વાધ્યાય પેપરનો હેતુ ,પારંગત અને વિધ્યાવાચાસ્પતી સ્તરે સંશોધનની તાલીમનો છે.સમાજકાર્ય સંશોધન (દરમ્યાનગીરી સંશોધનો) કે સમાજકાર્યમાં સંશોધન,ક્રિયાત્મક સંશોધન અને  નિદાનાત્મક સંશોધનો મૂળભૂત રીતે સમસ્યા નિવારણના હોય છે. સંશોધન અભ્યાસો જ્યારે નવી શોધ થીયરીને સ્થાપિત કરવા આધાર પૂરો પાડે છે કે જૂની થીયરીનો વિરોધ કરે છે અને જ્ઞાનની નવી ક્ષિતિજ ખોલે છે તે જ્ઞાનના સર્જન માટે થતા ત્રીજા ભાગના સંશોધનમાં આવે છે .આ ત્રણેય પ્રકારે થતા સંશોધનમાં મૂલ્યાંકનની રીતે શું ધ્યાનમાં લેવું જોઈએ તેની વિગતે સમજ મેળવીએ.

(1)સંશોધન,સ્વાધ્યાય કે વિશ્લેષણ પેપર તૈયાર કરવાનો મુખ્ય હેતુ તાલીમનો હોય છે

 સંશોધન,સ્વાધ્યાય કે વિશ્લેષણ પેપર તૈયાર કરવાનો મુખ્ય હેતુ  અહી સંશોધન પધ્ધતિશાસ્ત્રની તાલીમ પૂરી પાડવાનો છે. આવા અહેવાલોમાં સમાવેશ થતી બાબતોને મૂલ્યાંકનની દ્રષ્ટીએ જોઈએ.

  • તર્ક સંગત આધાર નિર્માણ કરવો –

 સંશોધન અહેવાનું પ્રથમ પ્રકરણ પ્રસ્તાવનાનું હોય છે. આ ચેપ્ટરમાં સંશોધકે અભ્યાસ શા માટે હાથ ધરવામાં આવ્યો છે તે દર્શાવવામાં આવે છે.જ્યાં સંશોધક ઘટના અંગેની પોતાની દ્રષ્ટિને રજુ કરવાનો પ્રયત્ન કરે છે,ત્યાં કેટલીક વખત સંશોધકના પૂર્વગ્રહોની શક્યતા હોય છે.ઘટના પ્રત્યે સંશોધક લાગણીશીલ બની જાય છે જે પૂર્વગ્રહ પેદા કરે છે તેને મુલ્યાકનકર્તાએ શોધવું જરૂરી બને છે.

સંશોધન અભ્યાસમાં પૂર્વગ્રહોને ઓળખવા માટે સંશોધકે જે સાહિત્યને રજુ કર્યું છે તેના પરથી પણ જાણી શકાય છે. દા.ત. કોઈ ચોક્કસ વિષયમાં થયેલા વિવિધ અભ્યાસોના નિષ્કર્ષમાં ખુબ વિરોધાભાસ જોવા મળતો હોય છે તેમાંથી સંશોધક એવા અભ્યાસોને પસંદ કરે છે જે તેના દ્રષ્ટિબીન્દુને આધાર પૂરો પાડે છે .સંશોધક આ વિરોધાભાસોની ઉલ્લેખ કરતા નથી. મુલ્યાંકન કરતા તરીકે પહેલાં તેઓ ઓળખી લેવું જરૂરી છે કે એમાં સંશોધકના કોઈ પૂર્વગ્રહો છે કે કેમ તેની સંશોધન કે વિશ્લેષણ પ્રક્રિયા અને શોધવાની અસરો બીજો મહત્વનો મુદ્દો મૂલ્યાંકન માટેનો છે કે અભ્યાસની પ્રસ્તુતતાને વ્યાજબી ઠેરવવા માટેની સંશોધનો ધરી છે પ્રસ્તાવના પ્રથમ પ્રકરણમાં એ જોવું જરૂરી છે કે સમસ્યા કે મુટ્ટો જે પસંદ કરવામાં આવ્યો છે તેની પ્રસ્તુતતા મહત્વ, સમય સાથે સુસંગત, સંશોધનક્ષમ અને સંશોધકની  શક્તિ મુજબનો  છે કે નહી.

જ્યારે સાહિત્યની સમીક્ષા રજૂ કરવામાં આવે છે ત્યારે  સંશોધકે જે તે  સંશોધનના વાજબીપણાને પુરવાર કરવું, પધ્ધતીશાસ્ત્રની  વિગતો રજૂ કરવી, તેના નિષ્કર્ષો અને તેના તાત્પર્યને  રજૂ કરે છે.સંશોધક જ જ્યારે  નિષ્કર્ષની સમીક્ષા કરે છે ત્યારે તેના મુખ્ય ત્રણ ઉદ્દેશ હોય છે.1, સંશોધનમાં ગેપ શું છે તે શોધવું.2, અજાણ અથવા ઢંકાયેલ બાબતો (Overlap)નેઓળખવી 3,વિરોધાભાસને ઓળખવા.મુ મુલ્યાંકનકર્તા તરીકે એ જોવું જરૂરી બને છે કે શું સંશોધક આ ગેપ,ઓવરલેપ અને વિરોધાભાસને ઓળખી શકે છે અને તેની ચર્ચાને યોગ્ય રીતે મૂકી શકે છે ?

સાહિત્ય સમીક્ષાના મુખ્યત્વે ત્રણ પ્રકાર જોવા મળે છે.

 1.પહેલો પ્રકાર એ છે કે જ્યાં સંશોધક એકાદ ફકરામાં સંશોધકના નામ સાથે તેના અભ્યાસના તારણ કે નિષ્કર્ષોને રજૂ કરે છે આવા જુદા જુદા કેટલાક અભ્યાસોને રજૂ કરે છે પણ તેમની વચ્ચે જોડાણ કરવાનો પ્રયત્ન નથી થતો.

2. બીજા પ્રકારના સંશોધક પૂર્વ અભ્યાસોના તારણોના ચોક્કસ સમુચ્ચયને રજૂ કરે છે અને કેટલાક સંદર્ભો પૂરા પાડે છે કે જેનું આ તારણ કે નિષ્કર્ષ માં પ્રદાન હોય છે તેને કૌંસમાં મૂકે છે બીજી રીતે કહીએ તો અભ્યાસોને તેના નિષ્કર્ષોની દ્રષ્ટિએ ઝૂમખા સ્વરૂપે રજૂ કરે છે પરંતુ અહીં પણ સંશોધક તેમની વચ્ચેના જોડાણો કે તુલનાને રજૂ કરતા નથી.

3. ત્રીજા પ્રકારના સંશોધક સાહિત્યની સમીક્ષા દ્વારા પોતે જે ક્ષેત્રમાં અભ્યાસ કરે છે તેનું વિભાવનાત્મક માળખું વિકસાવે છે. સાહિત્યની વિશ્લેષણાત્મક ચર્ચાઓ વિભાવનાત્મક માળખું રચી આપે છે. આ માળખામાં સંશોધક પૂર્વ સંશોધનોનો નકશો તૈયાર કરે છે.તેના નિષ્કર્ષોની તુલના અને તેમાં રહેલા વિરોધાભાસ ને વિભાવનાત્મક માળખામાં બંધ બેસાડાય છે ગેપ ઓવરલેપ અને વિરુદ્ધ બાબતોને ઓળખવામાં આવે છે અને તેમાંથી પદ્ધતિ શાસ્ત્રના તાત્પર્યને તારવવામાં આવે છે

જ્યારે સંશોધન અહેવાલોને મુલવતા હોઈએ ત્યારે ત્રીજા પ્રકારની  સાહિત્ય સમીક્ષાને વધુ મહત્વનુ ગણવું જોઈએ.

ઉદ્દેશો અને ઉત્કલ્પનાઓ

અહીં એ તપાસવું જરૂરી છે કે સંશોધકે જે પ્રશ્નો ઉઠાવ્યા છે જે અંગે તે શોધ કરવા માંગે છે તે સ્પષ્ટ પણે નિશ્વયાત્મક અથવા નીરઅપવાદ રીતે આ કાગળ પર રજૂ થાય થયા છે કે નહીં ?આ પ્રશ્નો સંશોધનના ઉદ્દેશ સ્વરૂપે રજૂ થાય છે ઉદ્દેશોએ સંશોધનનો આધાર છે. જે સંશોધનની પૂરી પ્રક્રિયાને દિશા આપે છે.સારી રીતે લખાયેલા ઉદ્દેશો કોને કહેવાય ?

1.અભિવ્યક્તિ અને દિશાની સ્પષ્ટતા – ઉદ્દેશો સ્પષ્ટ પણે એ રજૂ કરતા હોવા જોઈએ કે સંશોધક શું તપાસવા માંગે છે તેની સાથે સાથે એ પણ મહત્વનું છે કે ઉદ્દેશોને રજૂ કરવામાં ઓવરલેપ નહીં હોવા જોઈએ

2.માપન ક્ષમતા – ઉદ્દેશો એવા હોવા જોઈએ કે તે માપનક્ષમ હોય જો ગુણાત્મક સંશોધન હોય તો તેની માહિતીને ઓછામાં ઓછું સંજ્ઞાકૃત કરી શકવાની શક્યતા હોવી જોઈએ જેથી કરીને ઉદ્દેશો સિદ્ધ થઈ શક્યા છે કે નહીં તેની ચકાસણી થઈ શકે.

3.સર્વ ગ્રાહીતા – ઉદ્દેશો સંશોધન પ્રોજેક્ટ માટે દિશા પુરી પાડતું માળખું આપે છે તેથી ઉદ્દેશોનું નિવેદન સંશોધન અભ્યાસના દરેક પાસાઓને સાંકળતું હોવું જોઈએ. જુદી રીતે કહીએ તો કથિત ઉદ્દેશોથી બહાર કશું ના હોવું જોઈએ.

4.વિવેકપૂર્ણતા -એનો અર્થ એ છે કે ઉદ્દેશોની પસંદગી અને નિવેદન વ્યાજબી રીતે કે યોગ્ય પુરવાર કરી શકાય તેવી હોવી જોઈએ.કોઈ અશક્ય બાબતોનો ઉદ્દેશમાં સમાવેશ થઈ શકે નહીં.

 આમ મૂલ્યાંકન કરતા એ ઉદ્દેશોની બાબતમાં ઉપરોક્ત બાબતોને તપાસવી જરૂરી છે. ઉત્કલ્પના ની બાબતમાં એ તપાસવાનું છે કે શું સંશોધકે પોતાની ઉત્કલ્પનાના નિર્માણના વ્યાજબીપણાં માટે પૂર્વ સંશોધનો તેના નિષ્કર્ષો અને સૈદ્ધાંતિક વિશ્લેષણ દ્વારા આધાર આપ્યો છે ? મૂલ્યાંકનમાં એ પણ તપાસવું જરૂરી છે કે ઉત્કલ્પનાની પસંદગી તર્ક પૂર્ણ રીતે છે ? સંશોધકે પોતે તેના માટે પર્યાપ્ત દલીલ – ચર્ચા કરી છે  ? ઉત્કલ્પના,ચકાસણીક્ષમ્ય છે ?તે ચલો વચ્ચેના સંબંધને સ્પષ્ટ પણે સૂચવે ?

સંશોધન ડિઝાઇનની પસંદગી

 ઉદ્દેશોની પ્રાપ્તિ અને ઉત્કલ્પનાની ચકાસણી માટે અનેક સંશોધન ડિઝાઇન છે તેમાંથી સંશોધક પસંદ કરે છે. જ્યારે સંશોધન અહેવાલનુ મૂલ્યાંકન કરવાનું છે ત્યારે મૂલ્યાંકન કરનારે ચકાસવું મહત્વનું છે કે જે સંશોધન ડિઝાઇન પસંદ થઈ છે તે સંશોધન ઉદ્દેશો અને નિર્ધારિત પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છે કે નહીં? દાખલા તરીકે સમાજકાર્યમાં સેવાર્થીના જૂથ પર તેની સારવારનો પ્રભાવ શું થયો તેની તપાસ કરવાનો ઉદ્દેશ હોય તો પ્રયોગાત્મક ડિઝાઇન અનુસરવી જોઈએ.તે જ રીતે સમુદાયમાંથી લીધેલ નમૂનાની ચોક્કસ મનો- સામાજિક સ્થિતિ અંગેના ચલોને તપાસવાનો ઉદ્દેશ હોય ત્યારે સર્વે ડિઝાઇન જરૂરી છે. સર્વે ડિઝાઇનમાં પણ જો હેતુ માત્ર તેમના દરજ્જાને જ વર્ણવવાનો છે. તુલના કરવાનો નથી તો ડિઝાઇન વર્ણનાત્મક હોઈ શકે.એમ સંશોધન મૂલ્યાંકનમાં ઉદ્દેશોની સામે યોગ્ય રિસર્ચ ડિઝાઇનની પસંદગીને ચેક કરવી જરૂરી છે . ઉત્કલ્પનાના સંદર્ભમાં સંશોધન ડિઝાઇન બંધબેસતી કે યોગ્ય અને ઉચિત હોય તે જરૂરી છે. ઉત્કલ્પના જ્યાં એકબીજા સાથે સંબંધિત છે ત્યાં સર્વે ડિઝાઇન પસંદ કરવામાં આવે છે જેનાથી તેમની વચ્ચેના  સંબંધોની કસોટી થઈ શકે છે. જો ઉત્કલ્પના ચોક્કસ પ્રકારની સારવાર મેળવતા વિવિધ બે જૂથોની પ્રગતિને ટેસ્ટ કરવાની છે તો સંશોધન ડિઝાઇન પ્રયોગાત્મક હોય છે .જૂથની પ્રકૃતિ, સારવાર, નમૂનાના કદ અને તે પ્રયોગની પ્રકૃતિ પર આધારિત ઉત્કલ્પના હોય ત્યારે પૂર્વ પ્રયોગાત્મક કે અર્ધપ્રયોગાત્મક કે પ્રયોગાત્મક ડિઝાઇન પસંદ કરી શકાય.

આમ સંશોધન મૂલ્યાંકનકર્તા કરતા માટે જરૂરી છે કે સંશોધન ઉદેશોના સંદર્ભમાં સંશોધન ડિઝાઇન ની પસંદગીના ઉચિતપણાને તપાસવું.ડિઝાઇન પસંદગી માટેના નિર્ણય અંગેની દલીલોને પણ ચકાસવી જોઈએ.

ચલોની પસંદગી

 સંશોધન અભ્યાસમાં ચલોની પસંદગી એ મહત્વનું પગલું છે ચલો ત્રણ પ્રકારના હોય છે સ્વતંત્ર પરતંત્ર અને મધ્યવર્તી ચલો .મૂલ્યાંકન સમયે પરતંત્ર ચલો કેવી રીતે નિર્ધારિત થયા છે તે મહત્વનો મુદ્દો છે .આ બાબત ખાસ કરીને પ્રયોગાત્મક સંશોધનમાં મહત્વની છે ,જ્યાં બીજા ચલોને માનદંડ ( Criterion)  ચલ ઉપરની અસરને ચકાસવામાં આવે .

 સંશોધનનાં અર્થપૂર્ણ પ્રદાન માટે, સ્વતંત્ર ચલની શક્ય તેટલી ચોકસાઈપૂર્વકની પસંદગી ખૂબ મહત્વની છે.સ્વતંત્ર ચલની પસંદગી વધુ ગંભીરતાથી વિચારવી જરૂરી છે. જે બતાવે છે કે ચોક્કસ પ્રકારના ચલો જરૂરથી એકબીજાથી જોડાયેલા હોય છે અને માનદંડ ચલથી તેમાં તફાવત શું છે તેનો અનુમાન કરે છે , બીજું સંશોધકની માન્યતા હોય છે કે કેટલાક ચોક્કસ ચલોનો સમુચ્ચય છે જે મોટેભાગે પરતંત્ર ચલોની સાથે સંબંધિત હોય છે.

ત્રીજા પ્રકારના ચલો મધ્યવર્તી ચલો છે આ પ્રકારના ચલોને ઘણી વખત સંશોધનમાં ધ્યાનમાં લેવાતા નથી. જો કે તે ખરેખર સ્વતંત્ર અને માનદંડ ચલો વચ્ચેના સંબંધમાં દરમિયાનગીરી અને પ્રભાવ ઉભો કરતા હોય છે. સંશોધન સાહિત્યના આધારે સંશોધકે આવા ચલોને ઓળખવા જોઈએ.

તેમ છતાં ચલોની ઓળખ અને વર્ગીકરણમાં એ મહત્વનું છે કે ચલો  માપનક્ષમ હોય . તે ઉપરાંત બધા ચલોની કોઈ પ્રમાણભૂત વ્યાખ્યા ના હોઈ શકે. આવા કેસમાં એ અપેક્ષા રાખી શકાય કે સંશોધક પરિચાલિત – કાર્યાત્મક પરિભાષાઓ પૂરી પાડે છે અને તેના માપન ક્ષમતાના સૂચકોને પૂરા પાડે છે .

મૂલ્યાંકન કરતી વખતે આ ત્રણેય પ્રકારના ચાલોને ઓળખવામાં અને વર્ગીકૃત કરવામાં ચોકસાઈ કેટલી રાખવામાં આવી છે તે વિચારવું જરૂરી છે. બીજો મહત્વનો વિચાર તે માંગી લે છે કે સંશોધકે એવા ચલો કે જેનો સાહિત્યમાં પ્રમાણભૂત અર્થ મળતો નથી તેની પરિચાલિત પરિભાષા આપી છે કે નહીં? ત્રીજો મહત્વનો મુદ્દો એ જરૂરી છે કે ચલોની માપન ક્ષમતાના સૂચકો સ્પષ્ટ છે

સંશોધન સાધનો

સંશોધનમાં ઘણા સાધનો છે જેવા કે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ,સિદ્ધિ ટેસ્ટ,પ્રશ્નાવલી, મતાવલી,માહિતી પત્ર, યાદી પત્ર, મુલાકાત અનુસૂચિ વગેરે અહેવાલના મૂલ્યાંકન માટે જરૂરી છે કે જે સાધનની પસંદગી કરવામાં આવી છે તે ચલોને માપવા માટે યોગ્ય છે કે કેમ? સંશોધન સાધનોમાં મૂલ્યાંકનમાં નીચેના કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ

1. સંશોધકે જે સાધનની પસંદગી કરી છે તે ચલોને માપી શકે તેમ છે કે નહીં?

2.જો સંશોધન સાધનો સંશોધકને તૈયાર ઉપલબ્ધ થયા હોય તો સંશોધકે તેની પ્રમાણભૂતતા અને વિશ્વાસપાત્રતાની તપાસ કરી છે? જો આ સાધનો સંશોધકે પોતે તૈયાર કર્યા છે તો તેની પૂર્વ ચકાસણી થઈ છે કે કેમ?

3. સંશોધન સાધનોની ભાષા ,પ્રત્યાયન ,ઉત્તરદાતા દ્વારા અપાયેલ પ્રતિભાવને રેકોર્ડ કરવાની વ્યવસ્થા વગેરે દ્રષ્ટિએ પણ તેને તપાસવા જોઈએ.

નમુનો

નમુનાના સંદર્ભમાં સૌથી મુખ્ય વિચારણીય મુદ્દો નમૂનાનું પ્રમાણ, નમુના પસંદગીની ટેકનીક અને નમૂના પસંદગીનો પ્રકાર છે .નમુનાના પ્રમાણનો આધાર સંશોધન ડિઝાઇન અને ઉદ્દેશોની પ્રકૃતિ પર છે. દાખલા તરીકે ખૂબ જ ચોકસાઈ સાથેના પ્રયોગાત્મક કેસમાં મોટો નમૂનો લેવો મુશ્કેલ હોય છે અને તે જરૂરી પણ નથી .તેવી જ રીતે સર્વે અને તેના જેવા બીજા અભ્યાસોમાં  નમુનો મોટો હોવા જોઈએ .નમૂનાનું કદ ઇષ્ટતમથી વધારે હોય તો સંશોધન સાધનોનો દુરુપયોગ થાય છે. અહીં મૂલ્યાંકનમાં એ બાબત ધ્યાનમાં લેવાની છે કે નમૂનાનું પ્રમાણ વૈજ્ઞાનિક રીતે નિર્ધારિત થયું છે કે નહીં

નમુના પસંદગી માટે તેની ટેકનીક વધુ મહત્વની છે. નમૂના પસંદગી માટે ઘણી ટેકનીક છે – યદચ્છ નિદર્શન, સ્તરીકૃત  યદચ્છ નિદર્શન, ઝૂમખા નિદર્શન વગેરે .જો કોઈક નવી ઘટનાનું અન્વેણ કરતા હોય એને પ્રાથમિક સમજ મેળવવી હોય તો હેતુપૂર્ણ નમૂનો પસંદ કરી શકાય. હેતુ પૂર્ણ નમૂનો હોય તો તેને યદ્ચ્છીકૃત ના કરવો.  આવા નમૂના પસંદગીમાં સામાન્યીકરણ થઈ શકતું નથી પરંતુ માહિતીનો પ્રાથમિક ખ્યાલ પેદા કરવા માટે ઉપયોગ થઈ શકે છે.નમૂનાને આદર્શ નમૂનો કહેવાય છે .નવા જ્ઞાનના સર્જન અને સામાન્યીકરણ માટે તે જરૂરી છે .જોકે સ્તરીકૃત નમૂનો સામાન્યીકરણ કરવા માટે વધુ સારો આધાર પૂરો પાડે છે. મૂલ્યાંકનકર્તાએ અહીં એ ચેક કરવું જરૂરી બને છે કે સંશોધકે સમુદાયને સ્તરીકૃત કે પેટા સ્તરીકૃત કરવા માટે સાચું અને અનુરૂપ માનદંડ ઓળખ્યુંછે કે નહીં અને પછી નમૂના પસંદગીની  ફ્રેમ સ્તરીકૃત યદ્ર્ચ્છ  નમુના પસંદગી માટે વિકસાવી છે?

એ પણ જોવું જરૂરી છે કે સંશોધકે નમૂના પસંદગીની પદ્ધતિના વ્યાજબીપણાને કેવી રીતે રજૂ કરી છે .એવા ઘણા અભ્યાસો છે જ્યાં સંશોધક ચોક્કસ નમૂના પસંદ કરીને શરૂઆત કરે છે પણ છેલ્લે તેમાંથી નમુના ઓછા થઈ જાય છે.અને ત્યારે કેટલાક નમૂના નિષ્ફળ રહ્યા છે તેમ દર્શાવે છે. આવું થવાથી સંશોધનના નિષ્કર્ષોના સામાન્યીકરણની વિશ્વસનીયતા પર અસર પડે છે મૂલ્યાંકન કરનારે કાળજીપૂર્વક આ બાબતને તપાસવી જોઈએ અને સંશોધકે આ સ્થિતિનો સામનો કરીને પણ પસંદ કરેલા નમૂના પાસેથી માહિતી પ્રાપ્ત કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કેવી રીતે કરે છે તે જાણવું જરૂરી છે

માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણ

 સંશોધનના પરિણામની ગુણવત્તાનો આધાર ડેટાની ગુણવત્તા પર હોય છે . માહિતીની ગુણવત્તા એ માહિતી એકત્રીકરણની પ્રક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે . માહિતીની ગુણવત્તાના સૂચકાંકોનો આધાર નમૂના પાસેથી એકત્રિત કરેલી માહિતી ઉપર નિર્ભર હોય છે .કેટલીક વખત સંશોધક જ્યારે પોતે માહિતી મેળવે છે અને મળેલા જવાબો સાથે ચાલાકી કરે છે તે બાબત સંશોધક માટે ખૂબ ગંભીર ગણાય છે. જ્યારે આવા બિન વ્યવસાયિક સંશોધન વર્તનને પકડવું અઘરું હોય છે ત્યારે સાચું પરિણામ મેળવવું બિન આશાસ્પદ બને છે .બીજી સમસ્યા જે જોવા મળે છે તે એક જ સમયે માહિતી એકત્રીકરણ કરવાથી નિશ્ચિત પ્રકારના જ જવાબો મળે છે .તેમાં ગુણવત્તા હોતી નથી કારણ કે જવાબ આપનાર યંત્રવત જ જવાબો આપે છે .જ્યારે સંશોધક ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલે છે ત્યારે તેમાં મોટા પ્રમાણમાં પરત નહીં આવતા અપેક્ષા કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્તરદાતાના પ્રતિભાવો મળી શકે છે .આ માહિતી પૂર્વ નિર્ધારિત નમૂના પ્રમાણે પ્રાપ્ત નથી થતી પણ નમૂનાઓમાંથી હકારાત્મક પ્રકારના ઉત્તરદાતાઓના જવાબો મળે છે .આ સ્થિતિને આપણે નિષ્ફળ નમુના કહીએ છીએ

સામાન્ય રીતે કહીએ તો સંશોધન અભ્યાસમાં પ્રાથમિક માહિતી આવશ્યક હોય છે .એમાં વધુ સારું એ હોય છે કે માહિતીને વ્યક્તિગત રીતે એકત્રિત કરવામાં આવે .ગૌણ માહિતીમાં એ જરુરી છે કે માહિતીના સ્ત્રોત અને તેની વિશ્વસનીયતાને ચેક કરવી.

માહિતીનું વિશ્લેષણ ગુણાત્મક કે સંખ્યાત્મક હોઈ શકે છે જો કે મોટા પ્રમાણમાં સંશોધનો  સંખ્યાત્મક માહિતી પર આધાર રાખે છે. સંશોધનમાં મૂલ્યાંકન માટે મહત્વનું એ છે કે જો સંશોધકે  ગુણાત્મક પદ્ધતિને પસંદ કરી છે ત્યાં  માહિતી ગુણાત્મક હોય અને ત્યાં ઉદ્દેશો અને ઉત્કલ્પના  સંખ્યાત્મક વિશ્લેષણની માગ કરતા નથી. તે જ રીતે જ્યારે સંશોધકે સંખ્યાત્મક ટેકનીક પસંદ કરી છે ત્યારે ગુણાત્મક જવાબો અપેક્ષિત નથી. સંખ્યાત્મક સંશોધનમાં આંકડાઓ પેરામેટ્રિક કે નોનપેરા મેટ્રિક હોઈ શકે છે.મૂલ્યાંકન માટે તે જોવું જરૂરી છે કે સંશોધકે પેરામેટ્રીક કે નોન પેરામેટ્રીક ટેસ્ટની પસંદગીના વ્યાજબીપણાને બતાવ્યું છે?નમૂનાનું કદ એ આંકડાકીય ટેસ્ટની પસંદગીના નિર્ધારણમાં બીજો મહત્વનો મુદ્દો છે. નાનો નમૂનો ઘણીવાર નોંધ પેરામેટ્રીક ટેસ્ટની ખાતરી આપે છે પેરામેટ્રીક અને નોન પેરામેટ્રીક ટેસ્ટમાં પણ ઘણા વિકલ્પો છે. સંશોધકે કયો ટેસ્ટ પસંદ કર્યો છે તે બીજો મહત્વનો મુદ્દો છે.

શોધ અને તાત્પર્ય કાઢવું

 સંશોધનના નિષ્કર્ષો એ જ તેનું પરિણામ અને તેનું અર્થઘટન છે. નિષ્કર્ષો વર્ણનાત્મક રીતે જ રજૂ નથી થતા પરંતુ ટેબલ અને ગ્રાફિક રજૂઆત પણ હોય છે. મૂલ્યાંકન કરનારે તપાસવું જરૂરી છે કે શું ટેબલ અને ગ્રાફ રજૂ થયા છે તેને ટાઈટલ અપાયા છે તેની સમજૂતી અપાઈ છે સંશોધકે ગ્રાફિક રજૂઆત અને ટેબલ રજૂ કર્યા છે તેની વચ્ચે વિરોધાભાસ તો નથી ને?

પરિણામ સાથે તેનું અર્થઘટન અને તાત્પર્ય પણ રજૂ થવું જોઈએ .આમ કરવા માટે ઘણી વખત સંશોધક અગાઉના અભ્યાસોને રીફર કરીને પોતાના નિષ્કર્ષોને આધાર આપવાનો પ્રયત્ન કરે છે. મૂલ્યાંકન કરવામાં મહત્વનું એ છે કે સંશોધકના નિષ્કર્ષોનું અર્થઘટન કરવાની જે રીત છે તેને આલોચનાત્મક રીતે તપાસવી જોઈએ. એટલે કે સંશોધકના અર્થઘટનોને પરિચયના ચેપ્ટર સાથે જોડવી જ્યાં સંશોધક પોતાના સંશોધનના તર્કસંગત આધારને રચે છે અને દરેક ચેપ્ટરમાં જે દલીલો કે ચર્ચાઓ રજૂ થઈ છે તે પરિણામોના અર્થઘટનમાં પર્યાપ્ત રીતે પ્રતિબિંબિત થાય છે. બીજી રીતે કહીએ તો મૂલ્યાંકન કરનાર સંશોધકની વિશ્લેષણાત્મક કુશળતાને અભિવ્યક્તિની કુશળતા, નિરીક્ષણની કુશળતા અને બે કે તેથી વધુ ચલો વચ્ચેના સંબંધોને સમજવાની કુશળતાને ચકાસે છે

સાર અને ઉપસંહાર

 આ ચેપ્ટર પુરા પ્રોજેક્ટની ટૂંકમાં ઝાંખી રજૂ કરે છે. સંક્ષેપમાં છતાં સર્વગ્રાહી રજૂઆત આ ચેપ્ટરમાં મહત્વની બાબત હોય છે. મૂલ્યાંકન કરનાર ઘણીવાર આ ટૂંકા સારને આધારે મૂલ્યાંકન કરે છે. જેમાં સંશોધકે ઉદ્દેશોને, ઉત્કલ્પનાઓને ,સંશોધન પદ્ધતિશાસ્ત્રને અને નિષ્કર્ષોને રજૂ કર્યા છે

સંદર્ભ ગ્રંથોની રજૂઆત –

સંદર્ભ ગ્રંથોની રજૂઆત મહત્વની કુશળતા છે મોટાભાગના સંશોધકોમાં કુશળતા અને ગંભીરતા બંનેનો અભાવ હોય છે.આ ચેક કરવું ખૂબ સરળ છે કારણ કે તેમાં આંતરરાષ્ટ્રીય માન્ય ફોર્મેટ નિર્ધારિત થયેલા છે તમે ઘણા થીસીસ જોઈ શકશો જેમાં સંશોધકે પુસ્તકનું નામ અને લેખકનું નામ જ લખ્યું હશે. તેઓ સ્થળ, પ્રકાશક અને પ્રકાશન વર્ષ છોડી દે છે. આ તમામ બાબતો પૂરી પાડવી જરૂરી છે. બીજું એ ચેક કરવું જરૂરી છે કે માહિતી પૂરી પડાય છે તે નિશ્ચિત ધોરણ પ્રમાણેના ફોર્મમાં હોય. ત્રીજુ, સંદર્ભને ઇન્ડેક્સ અપાયા હોય જો લખાણમાં તેનો નંબર હોય તો તે જ રીતે જે નંબર ટેક્સમાં હોય  તે પ્રમાણે ક્રમિક રીતે સંદર્ભમાં રજૂ થયો હોય.

પરિશિષ્ટ

 છેલ્લું પણ મહત્વનું સંશોધન અહેવાલમાં પરિશિષ્ટ છે પરિશિષ્ટમાં સંશોધન સાધનો , નમુના પસંદગીની ફ્રેમ અને માહિતીને લગતી સામગ્રી કે જે પ્રયોગોમાં લેવાઈ હોય વગેરે મૂકવામાં આવે છે .પરિશિષ્ટ પણ ક્રમિક હોય તે જરૂરી છે .પરિશિષ્ટને જોવાનું હેતુ એ છે કે સંશોધકે ખરેખર ઉપયોગમાં લીધેલ સામગ્રીની ગુણવત્તાને તપાસવી. પરિશિષ્ટ અંગેની વિગતો સંશોધન અહેવાલના વિષયવસ્તુમાં વિગતે દર્શાવવી જોઈએ .આમ પરિશિષ્ટમાં ચેક કરવાની બાબત પરિશિષ્ટની સર્વગ્રાહીતા અને ક્રમિકતા છે.આ ઉપરાંત બીજા પણ કેટલાક સૂચકો છે તે સંશોધન અહેવાલની ગુણવત્તા ને નિર્ધારિત કરવામાં મહત્વના છે જેવા કે,

*ભાષા અને અભિવ્યક્તિમાં જોડણી

*ટાઈપિંગ, પ્રિન્ટિંગ

*હાંસીઓ, બે લાઈન વચ્ચેની જગ્યા, અક્ષરોની સાઈઝ અને પ્રકાર

*ટેબલ ડાયાગ્રામ સમજૂતી અને ગ્રાફ રજૂ કરવાની જગ્યા

* બાઈન્ડીગ અને સમગ્ર ઉઠાવ

(2) સમસ્યા નિવારણ માટે સંશોધન અભ્યાસ કે વિશ્લેષણાત્મક પેપર

સંશોધનનું બીજું કારણ સમસ્યા નિવારણ માટે છે .આ હેતુ માટે વિવિધ પ્રકારના સંશોધનો હાથ ધરાય છે .સમસ્યા નિવારણને લગતા સંશોધનો કે વિશ્લેષણાત્મક પેપરો મોટેભાગે દરમિયાનગીરી સંશોધનો છે. જ્યાં ચોક્કસ દરમિયાનગીરી નક્કી કરવામાં આવે છે. સમસ્યા નાબૂદી માટે સમસ્યાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવામાં આવે છે .આ સમાજકાર્ય સંશોધનનો ઉચ્ચ પ્રકાર છે. બીજા પ્રકારના સમસ્યા નિવારણ સંશોધનો મૂલ્યાંકનાત્મક કે નિદાનાત્મક પ્રકારના હોય છે.આ પ્રકારના સંશોધનોનો મુખ્ય ઉદ્દેશ સમસ્યાના કારણોનું નિદાન તેની તીવ્રતાની ચકાસણી અને સમસ્યા નિવારણ માટેનો એક્શન પ્લાન બનાવવો તે છે. પદ્ધતિશાસ્ત્રની બાબતમાં સંશોધન અભ્યાસોમાં આગળ જણાવ્યું તેમ આ પ્રકારના અભ્યાસમાં પણ તે તમામ બાબતો મહત્વની છે દરમિયાનગીરી સંશોધન – સમાજકાર્ય સંશોધનનો હેતુ વિવિધ સંશોધન પદ્ધતિઓ ,સાધનો અને ટેકનિક દ્વારા સમાજકાર્યમાં જ્ઞાનને વધારવાનો અને સમાજકાર્ય પ્રેક્ટિસને વૈજ્ઞાનિક પ્રેક્ટિસ બનાવવાનું છે. તેથી જ્યારે સમાજકાર્ય સંશોધનને મુલવીએ છીએ ત્યારે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે શું સંશોધન અભ્યાસો / વિશ્લેષણાત્મક પેપરોના પ્રશ્નો નીચેના જવાબ આપે છે?

1.સમાજકાર્યનાં જ્ઞાનમાં વધારો કરે છે?

2. દરમિયાનગીરીની અસરકારકતાને માપે છે?

3. વૈકલ્પિક દરમિયાનગીરી સૂચવે છે ?

4.દરમિયાનગીરી માં સુધારો સૂચવે ?

5. દરમિયાનગીરીના પરિણામોને મૂલવે છે?

બીજા પ્રકારનાં સંશોધન કે શ્રેષ્ઠ વિશ્લેષણાત્મક સ્વાધ્યાય પેપરો સમસ્યા નિવારણ સંશોધનના છે તે મૂલ્યાંકનાત્મક અને નિદાનાત્મક હોય છે તેમાં નીચેના મુદ્દાઓ જોવા જોઈએ

1. સમસ્યાનું પ્રમાણ અને પ્રસ્તુતતા

2. નિરાકરણ શોધવું શોધ્યું છે તેની ગુણવત્તા

3. અભિગમની પુનરાવર્તિત ક્ષમતા

4. ઉકેલની ટકાઉ ક્ષમતા

5. અનુભવની ફેર બદલી યોગ્યતા

(3) જ્ઞાનના સર્જન માટે સંશોધન અભ્યાસો કે વિશ્લેષણાત્મક પેપર

ત્રીજા પ્રકારના સંશોધન અભ્યાસો કે વિલેશણાત્મક પેપરો જ્ઞાનના સર્જન માટેના છે. જ્ઞાનના સર્જનના સંદર્ભમાં ચકાસણી માટે આપણે પદ્ધતિશાસ્ત્રના પાસાઓની ચકાસણીથી શરૂઆત કરવી જોઈએ. કારણકે પદ્ધતિશાસ્ત્રમાં જો મર્યાદાઓ હોય તો સંશોધનના પરિણામો અથવા નવા જ્ઞાનના આધારો અથવા પાયાઓ વિશ્વાસનીય ન હોઈ શકે. સંશોધનની ભાષામાં જ્ઞાનનું સર્જન કરવામાં સામાન્યીકરણ ક્ષમતા અભિપ્રેત હોય છે સામાન્યીકરણ ક્ષમતાનો આધાર છેલ્લામાં છેલ્લા સુધારા વાળી સંશોધન ડિઝાઇન, ચલોનું નિયંત્રણ અને વિશ્વાસના સ્તર પર છે. જેને આધારે ઘટનાની આગાહી કરી શકાય છે અને માટે પદ્ધતિશાસ્ત્રના નિયમોની ગંભીરતા જરૂરી છે

પદ્ધતિશાસ્ત્રથી આગળ ઉપર વિચાર કરીએ તો જ્ઞાનના સર્જનનો આશય ધરાવતા સંશોધનમાં એક મહત્વનું પાસું મૂલ્યાંકન માટે એ છે કે સંશોધક કે લેખકની પોતાની સમજણ અને પોતાના સંશોધન ક્ષેત્રમાં અસ્તિત્વ ધરાવતુ જ્ઞાનનું મૂલ્યાંકન,જે મોટેભાગે પ્રથમ પરિચયાત્મક ચેપ્ટરમાં અને સાહિત્યની સમીક્ષાના ચેપ્ટરમાં રજૂ થયું હોય છે સૈદ્ધાંતિક સાહિત્યના મૂલ્યાંકન અને ચકાસણી દ્વારા સંશોધક જ્ઞાનતંત્રનો વિભાવનાત્મક નમૂનો આપે છે અને ક્યારેક અસ્તિત્વમાં છે તે જ વિભાવનાત્મક નમૂનો રજૂ કરે છે.આ બંને પ્રયત્ન વિભાવનાત્મક માળખાની શક્તિ અને મર્યાદાઓને ઓળખવામાં અને સાથે સાથે સંશોધન નિષ્કર્ષોમાં ગેપ ઓવરલેપ અને વિરોધાભાસ ને ઓળખવામાં દિશા પૂરી પાડે છે

મૂલ્યાંકનનું બીજું પાસું એ છે કે સંશોધક કે લેખક દ્વારા નવું પ્રદાન શું થયું છે ?શું સંશોધન નિસ્બતના ક્ષેત્રમાં નવા નિષ્કર્ષો પ્રાપ્ત કર્યા છે?નવા નિષ્કર્ષો તેની પ્રમાણ પોતાની અને વિશ્વસનીયતાની કસોટી માટે પર્યાપ્ત આધાર આપે છે ?સંશોધક દ્વારા જે સંશોધન પદ્ધતિ શાસ્ત્રનો સ્વીકાર થયો છે તે નિષ્કર્ષોની પ્રમાણભૂતતા અને વિશ્વાસનીયતાની ટેસ્ટ કરવા માટે પર્યાપ્ત સાવચેતી લેવાય છે?

સંદર્ભ:સ્ટેન્ડર્ડ ફોર એસેસમેન્ટ ઓફ ક્વોલીટીઇન સોસીયલ વર્ક એજુકેશન-નેશનલ સેમીનાર ,તાતા ઇન્સ્ટીટ્યુટ. ડો.લાલદાસ ,સોશિયલ વર્ક અને રીસર્ચ સેન્ટર,હૈદરાબાદ