સોશ્યલ વર્કને એક પ્રોફેશન તરીકે સમજવા માટે તેની સૌથી છેલ્લામાં છેલ્લી વ્યાખ્યાનો આધાર લઈને તેને વર્તમાનમાં આપણા દેશના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરીશું અને તેમાંથી જ આ વ્યવસાયમાં કયા પડકારો છે તે પણ નીકળી આવશે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોશ્યલ વર્ક -2023 માં સમાજકાર્યને વ્યાખ્યાયિત કરેલ છે તે મુજબ તેમાં નીચેના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવી છે.
- સોશ્યલ વર્ક એ વ્યવહાર આધારિત વ્યવસાય અને શૈક્ષણિક શાખા છે
- સામાજિક પરીવર્તન અને વિકાસ તથા વ્યક્તિઓના સશક્તિકરણ અને મુક્તિ માટે કામ કરે છે.
- સામાજિક ન્યાય,માનવ અધિકાર,સામૂહિક જવાબદારી અને વૈવિધ્યતાનું સન્માન અને આદર કરવો એ સિધ્ધાંતો તેના કેન્દ્રમાં હોય છે.
- સમાજકાર્ય,સામાજિક વિજ્ઞાનો, માનવવિદ્યાઓ અને દેશજ જ્ઞાનના આધારભૂત સિધ્ધાંતોને આધારે સમાજકાર્ય એ વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે કામ કરીને તેમની જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમની સુખાકારીમાં વધારો કરે છે.
1.સોશ્યલ વર્ક એ વ્યવહાર આધારિત વ્યવસાય અને શૈક્ષણિક શાખા છે
આજ મુદ્દાઓને આજે ભારતના સંદર્ભમાં સમજીએ. સમાજકાર્ય એ એક પ્રેકટિસનો વ્યવસાય છે.જેમાં જ્ઞાન આધારિત લોકોને વૈજ્ઞાનિક રીતે મદદ કરવામાં આવે છે. જે જ્ઞાન ચોક્કસ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. આ બાબતને આપણે ચકાસવાની જરૂર છે. કારણ કે આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેના સિલેબસમાં ખૂબ તફાવત છે, આ સિલેબસ સ્થાનિક સ્થિતિને અનુરૂપ હોવો જોઈએ, અનુભવી નિષ્ણાંતો દ્વારા ઘડાયેલો હોવો જોઈએ,બદલાતી સ્થિતિ/સ્થાન પ્રમાણે તેમાં ફેરફારો થવા જોઈએ. સ્નાતકનો સિલેબસ અને અનુસ્નાતકના સિલેબસમાં શું ફેર હોય અને શીખવવાની પાધ્ધતિની સમજ હોય, યુજીસીની ગાઈડલાઇનને જરૂર ધ્યાનમાં લેવી પડે તેમ છતાં તે જરૂરિયાત આધારિત હોવો જોઈએ.
સૌથી મોટો પ્રશ્ન આજે છે તે અનુભવી અધ્યાપકોનો અને તેને માટે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં યોગ્ય પગાર માટેના ધોરણો હોવા જરૂરી છે.આજે મોટા ભાગનું શિક્ષણ સેલ્ફ ફાયનાન્સ કોલેજો દ્વારા થાય છે,જેમાં અધ્યાપક તરીકે જેઓ જોડાય છે તેઓ એક તો અધ્યાપક તરીકેના પોતાના શોખ કે પ્રતિષ્ઠા માટે જોડાય છે, સ્થિરતા ઈચ્છે છે, માટે ઓછા પગારમાં પણ ઓછી કુશળતાઓ અને જ્ઞાન સાથે પણ તેમની તૈયારી હોય છે.
પ્રેકટિસની વાત કરીએ તો દિવસે દિવસે ક્ષેત્રકાર્યનું મહત્વ શિક્ષણમા ઓછું થતું જાય છે. ક્ષેત્રકાર્યમાં સતત ગાઈડન્સ દ્વારા વિદ્યાર્થીઓ થીયરી આધારિત લોકો સાથે કાર્યો કરતાં શીખે તે વાત જાણે ભૂલાતી જાય છે. પ્રોગ્રામ એ શીખવા માટેનું સાધન નહીં પણ માર્ક મેળવવા માટેના માપદંડ બની ગયા છે. વિદ્યાર્થીઓના રસના વિષયો જરૂર ધ્યાનમાં લેવા જોઈએ પણ ક્ષેત્રની પસંદગીથી ક્ષેત્રકાર્ય પૂરું થાય ત્યાં સુધીના દરેક તબક્કામાં શું અધ્યાપકોનું માર્ગદર્શન મળે છે ? પરિપક્વતાપૂર્ણ પ્રેક્ટિસ માટે અનુભવ આધારિત શીખવાની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. તે એક આયોજનબધ્ધ પ્રક્રિયા છે?
આજે કયા ક્ષેત્રોમાં કેસવર્ક, જૂથકાર્ય,સામુદાયિક સંગઠન અને બીજી પધ્ધતિનો ઉપયોગ થાય છે?તે એક સંશોધનનો વિષય છે. એમ.એસ.ડબલ્યુનો અભ્યાસ કરેલ વિધ્યાર્થીઓ મોટે ભાગે જે સંસ્થાઓ સાથે જોડાય છે કે પછી સરકારના વિભાગો સાથે જોડાય છે તેમને માટે તેમને રોજગાર આપનાર કહે તેમ,તે પધ્ધતિથી કાર્યક્રમો,પ્રોજેકટમાં પરિણામલક્ષી કે ટાર્ગેટલક્ષી કામ કરવાના હોય છે. આપણા દેશમાં સોશ્યલ વર્ક એજન્સીઓ ઓછી છે,તેથી આમ બને છે. એના મૂળમાં સોશ્યલ વર્કનો એક વ્યવસાય તરીકે સ્વીકાર થયો નથી. નોકરી રાખનારાઓને પ્રોફેશન વિષેની સમજ નથી, તેને માટે સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે જે ઇન્ટરેક્સન થવું જોઈએ,સતત જોડાણ બની રહેવું જોઈએ તે નથી, જોડાણ મહદ અંશે પ્લેસમેંટ માટે હોય છે. સમાજમાં કેટલા લોકો,કેટલી સંસ્થાઓ, કેટલા સરકારના વિભાગો સમાજકાર્યને એક વ્યવસાય તરીકે સમજે છે,તેનું મહત્વ સમજે છે? અરે UGC જ સ્વીકારતી નથી અને તેથી જ તો આ વિષયને માનવ વિદ્યાશાખામાં મૂકે છે. જ્યાં સુધી વ્યવસાય તરીકે જ સ્વીકૃતિ ના થાય ત્યાં સુધી કાઉન્સીલ બનવાનો સવાલ નથી. આ માટે એક એક ડગલું આગળ વધવું પડે અને તે માટેનું પ્રથમ ડગલું છે,ગુજરાત સ્તરનું સોશ્યલ વર્ક પ્રેકટીસનરનું સંગઠન બને,સોશ્યલ વર્ક એજ્યુકેટરનું સંગઠન બને તે ખૂબ જરૂરી છે.
2.સમાજકાર્ય સામાજિક પરીવર્તન અને વિકાસ તથા વ્યક્તિઓના સશક્તિકરણ અને મુક્તિ માટે કામ કરે છે.
સોશ્યલ વર્કને યોજનાઓ અને કાર્યક્રમો પૂરતું સીમિત ના બનાવતા,સમાજકાર્યનું લક્ષ્ય તો પરીવર્તન,વિકાસ, સશક્તિકરણ તથા લોકોને તેમની વ્યથાઓ;દુખોમાંથી મુક્તિ અપાવવાનું છે.આ શાસ્ત્રીય શબ્દો કે વિભાવનાઓ માત્ર નથી પરંતુ તે સમાજકાર્યના આપણા તમામ કામોના મૂલ્યાંકન માટેની પારાશીશી છે. તેની ખબર કેવી રીતે પડે? આ દરેક માટેના,જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ તેના સૂચકાંકો નક્કી કરી તેની પ્રક્રિયાઓ નક્કી કરી ધાર્યા પરિણામો અને પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે દરેક પ્રેક્ટિસનરે રિફ્લેક્ટિવ પ્રેકટિસને અપનાવવી પડે,જેમાં પોતાના કાર્યોને,અનુભવોને,પ્રક્રિયાઓને,નિર્ણયોને આલોચનાત્મક રીતે જોઈને તેમાં સુધારા કરવા પડે. આપણે એક બૃહદ સ્તરે અભ્યાસ કરીએ કે ગુજરાતમાં સામાજિક પરીવર્તન,વિકાસ,સશક્તિકરણ કે લોકોના દુખદર્દમાંથી મુક્તિ અપાવવામાં આપણા સમુદાયે શું પ્રભાવ ઊભો કર્યો છે. આપણું પ્રતિનિધિત્વ બૃહદ સ્તરે ઓછું છે,સૂક્ષ્મ સ્તરે વધુ છે,એટ્લે કે નીતિ ઘડતર અને લોકો માટેની નિર્ણાયક ભૂમિકામાં આપણું પ્રતિનિધિત્વ ઓછું છે,આપણે તેનાથી દૂર પણ રહીએ છીએ.
વંચીતો ને દલિતો,નબળા અને પછાત વર્ગોને,જરૂરિયાતમંદોને સમાજ/સરકાર/સંસ્થાઓ પહેલા તો તેમની આ ઓળખને,આ જરૂરિયાતને સ્વીકારે તે જરૂરી છે. હવે તો આ બધાનો વિકાસ થઈ ગયો છે,તેમને પૂરતા લાભ મળી ગયા છે તે બાબતોને જરા માઈક્રોસ્કોપથી જોવાની જરૂર છે.
સશક્તિકરણ,પરીવર્તન,વિકાસની સાચી પરિભાષા જરૂરિયાતમંદ લોકો સાથે કામ કરતાં કરતાં નિષ્પન્ન થશે,થીયરી પ્રેક્ટિસથી સમજાશે અને પ્રેકટિસથી બદલાશે. આ માટે શિક્ષણ દ્વારા વલણ ઘડતરનું કાર્ય સૌથી મહત્વનુ છે. આપણે જ્યારે મર્યાદિત સંશાધનો છે ત્યારે સૌથી પહેલા કોના સુધી પહોંચીશું? છેલ્લામાં છેલ્લો વ્યક્તિ. તેના સુધી આપણે ખરેખર સાત કોઠા વીંધીને પહોંચી શકીએ છીએ.
સમાજકાર્યકરો અનેક ટાંચા સાધનો સાથે કામ કરે છે,સમાજના અનેક પડકારો હોય છે, અને તેમાં જ્યારે તેમને આવા દુખી લોકો સુધી પહોંચવું છે ત્યારે પોતાની સલામતીના પ્રશ્નો લાગે છે. કારણ કે પાઉલો ફેરી કહે છે તેમ આવા લોકોને જગાડશો,બેઠા કરશો તો કાલે તેઓ તમારી સામે થશે, તંત્રને પડકારશે. માટે તેમને જીવવા પૂરતું આપીને તાબામાં રાખવા જરૂરી છે. દા.ત. સ્ત્રીઓ માટે આવું કહેતા ઘણા લોકો જોવા મળશે.
3. સામાજિક ન્યાય,માનવ અધિકાર,સામૂહિક જવાબદારી અને વૈવિધ્યતાનું સન્માન અને આદર કરવો એ સિધ્ધાંતો સમાજકાર્યના કેન્દ્રમાં હોય છે.
સામાજિક ન્યાય એ સમાજના અમુક લોકો માટેના ભેદભાવોમાંથી જન્મે છે અને સાધનોની અસમાન વહેંચણી કે તેને પ્રાપ્ત કરવાની પહોંચમાં ઊભા કરેલા અવરોધોમાંથી જન્મે છે. કોટિક્રમોમાં ઉચ્ચ સ્તરે છે કે સમાજમાં જે સ્થાપિત હિતો છે તેઓ આવા પ્રકારની અન્યાયની સ્થિતિનું નિર્માણ કરે છે. આ અસમાનતા અને ભેદભાવો દૂર કરવાનું કામ સમાજકાર્યકરોનું છે,તોજ સમાજમાં ન્યાયની સ્થિતિનું નિર્માણ થશે.
માનવ અધિકાઓ એ કુદરતી અધિકારો છે,જે દરેક માણસને પ્રાપ્ત થવા જોઈએ,પરંતુ આજે દરેક સમાજમાં જેઓ પાછળ છે,જેઓ સમાજના સંશાધનો મેળવવા સક્ષમ નથી, નબળા છે તેમના આ અધિકારો અન્યો દ્વારા નકારવામાં આવે છે જે આખરે સરકારની જવાબદારીમાં આવે છે કે તેઓ સમાજની વ્યવસ્થાઓ,સંશાધનોની દરેક માટે ઉપલ્બદ્ધિ જરૂર હોય ત્યાં એવા વર્ગના લોકો માટે વિશેષ સુવિધાઓ અને કાયદાઓ દ્વારા તેમને પોતાના અધિકારો પ્રાપ્ત થાય તેવી જોગવાઈ કરે અને જ્યાં હિંસા થાય છે ત્યાં ભોગ બનેલા લોકોને રક્ષણ આપે છે.
વૈવિધ્યતાનો સ્વીકાર -જ્યાં ભેદભાવ છે ત્યાં વૈવિધ્યતાનો અસ્વીકાર હોય છે.આજે દરેક સમુદાયમાં જોઈશું તો વ્યક્તિઓ પોતાના કુંડાળાં બનાવીને જીવે છે અને બીજાઓનો વિરોધ કરે કે ના કરે પરંતુ તેનો સ્વીકાર નથી કરતાં હોતા. આપણે આદર તેનો જ કરીએ છીએ જે આપણો આદર કરે છે. પરંતુ દરેક વ્યક્તિ જો બીજાઓનો આદર કરતાં થશે તો સમાજ આદરપાત્ર બનશે. વૈવિધ્યતાનો સ્વીકાર અને આદર આપવામાં સૌથી અવરોધક હોય તો તે માણસની અંદર રહેલી કટ્ટરતા અને નકારાત્મકતાઓ છે. શિક્ષકોએ આ કામ વિદ્યાર્થીઓમાં વાવવાનું છે અને પ્રેક્ટિસનર્શે લોકો સાથેના કામ દરમ્યાન પોતાના વ્યવહારમાં લાવવાનું છે.
4. સમાજકાર્ય, સામાજિક વિજ્ઞાનો ,માનવ વિદ્યાઓ અને દેશજ જ્ઞાનના આધારભૂત સિધ્ધાંતોને આધારે એ વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે કામ કરીને તેમની જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમની સુખાકારીમાં વધારો કરે છે. – થોડું સર્વે કરીશું તો સમાજકાર્યકરો જુદા જુદા ક્ષેત્રમાં શું કરી રહ્યા છે, તો સમજાશે કે મોટો ભાગ રાહત,કલ્યાણ અને વિકાસ માટેના કાર્યો કરે છે,તેને માટેની સરકારની યોજનાઓનો લાભ અપાવવો એ જરૂરી છે જ અને સરળ પણ છે,પરંતુ લોકોને તેમની હાડમારી કે સમસ્યાઓના મૂળ શોધતા કરવા,તેઓ જાતે પોતાને માટે સક્રિય નહીં થાય,વિચારતા નહીં થાય,વિકલ્પો શોધતા નહીં થાય ત્યાં સુધી તેમના માટે નવી નવી સમસ્યાઓ સામે આવવાની છે અને આપણે તેમને મદદ કરતાં રહેવાના છીએ. આખરે સમાજકાર્યનો ગોલ તો એન્ડ ઓફ સોશ્યલ વર્કનો છે. સમાજકાર્ય અનેક વિદ્યાશાખાઓના જ્ઞાનનો ઉપયોગ કરીને માનવાની સુખાકારીમાં વધારો કરવાનો પ્રયત્ન કરે છે.માનવના પ્રશ્નના ઉકેલમાં તેમને ડોક્ટર,મનોચિકિત્સક,મનોવૈજ્ઞાનિક,શિક્ષક,સરકારી તંત્ર વગેરે અનેક લોકો સાથે સંકલન કરવું જરૂરી બને છે. તેને માટે આ બધી વિદ્યાશાખાઓ અને તેની કામગીરીથી પણ તેમણેવાકેફ રહેવું પડે છે.સમાજ્કાર્યકારે કોઈ પણ સમસ્યામાં તેના તાર્કિક સંત સુધી પ્રયત્ન કરવાનો છે,એટલે કે ક્યારેય તેમણે પોતાની સલામતી માટે કે નિરાશ થઈને છોડી દેવાનું નથી.કોરોના જેવી કટોકટીની સ્થિતિમાં પણ આખરે તો સમાજ્કાર્યકારોએ જ હિમત દાખવવી પડે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પધ્ધતિ, કોલેજો યુનિવર્સિટીઓમા આંતરિક મૂલ્યાંકન કે ઓનલાઈન મૂલ્યાંકનને કારણે સમાજકાર્યના શિક્ષકોનું મળવાનું, વૈચારિક આદાનપ્રદાન, એકબીજામાંથી શીખવાની તકો ઓછી થઈ હોય થવું લાગે છે. સતત નવા પડકારોમાં શું કરી શકાય તે સાથે રહીને પ્રેકટીસનર અને સમાજકાર્યના પ્રોફેસરોએ આ દિશામાં ચર્ચા કરીને સમાજકાર્ય વ્યવસાયને યોગ્ય દિશા આપવાનું કામ કરતા રહેવાનું છે.