દલિતોની સમસ્યા મુક્તિના માર્ગો
આપણા દેશમાં જ્ઞાતિ આધારિત સામાજિક માળખામાં આજે પણ દલિતો પ્રત્યે વર્તાતા ભેદભાવો માનવો વચ્ચે અસમાન સ્થિતિ સર્જે છે. આવા ભેદભાવ વર્ષોથી ચાલ્યા આવ્યા છે. જુદા જુદા સમયે દલિતોએ પોતાની સ્થિતિનું અર્થઘટન શું કર્યું છે ?અને તે સ્થિતિમાંથી બહાર નીકળવા તેમણે કેવા જુદા જુદા માર્ગો લીધા છે? તે જાણવું જરૂરી બને છે. આ દ્રષ્ટિએ જોઈએ તો ધર્મ પરિવર્તન, સંઘર્ષ અને હિજરત એ ત્રણ રીતે દલિતોએ પોતાની સમસ્યામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યો છે.
ધર્મ પરિવર્તન દ્વારા દલિતો પોતાના સ્થાનને બદલવા ઇચ્છે છે. દલિતોની સમસ્યાઓ હિંદુ ધર્મમાંથી જન્મેલી છે વર્ણ વ્યવસ્થામાં શુદ્રોના ભાગે જે કામ આવ્યું તે સમાજની સ્વચ્છતા જાળવવાનું હતું. સમાજના સેવક તરીકેનું હતું. આ સફા નું કાર્ય જેને સમાજમાં ગંદુ કામ ગણવામાં આવે છે તે કાર્ય કરનારને અપવિત્ર માનવામાં આવે છે અને તે કોઈ એક સમુદાયનું જ કાર્ય માનવામાં આવે છે. આ પવિત્રતા અને અપવિત્રતાના ખ્યાલો શુદ્રો વિશે મનુસ્મૃતિ જેવા ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતા ઉલ્લેખો, શુદ્ધ્રોરૂપી દલિતો પ્રત્યે ધાર્મિક હિન્દુઓમાં, આજે પણ હિનભાવ પેદા કરતા જોવા મળે છે. પરિણામે જે ધર્મએ દલિતોને હીન બનાવ્યા છે, અપવિત્ર ગણ્યા છે, તે ધર્મનો જ સર્વથા ત્યાગ કરવો અને અન્ય ધર્મ અપનાવવો, એવું કેટલાક દલિતોએ પસંદ કર્યું છે. દલિતોના મસિહા ડો. બાબા સાહેબ આંબેડકરએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એ સુપ્રસિદ્ધ હકીકત છે. તેમણે દલિતોને કહ્યું હતું કે અન્યાય અને અસમાનતા પર આધારિત હિન્દુ ધર્મમાં રહીને આપણે આપણી ઉન્નતિ નથી કરી શક્યા.વર્ણ વ્યવસ્થા મનુષ્ય માત્રની ઉન્નતી માટે મોટો અવરોધ છે. બૌદ્ધ ધર્મ એટલે અંગીકાર કર્યો છે, કારણ કે બૌદ્ધ ધર્મમાં તમામ લોકોને સમાન ગણવામાં આવે છે. બૌદ્ધ સંઘ સમુદ્ર જેવો છે સંઘમાં સર્વે એક સમાન છે. આમ માનવ માનવ વચ્ચે ભેદ કરતા હિન્દુ ધર્મનો ત્યાગ કરી ડોક્ટર આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો.
આજે બૌદ્ધ ધર્મ જ્યારે ભારતમાંથી જાણે અસ્ત થઈ ગયો હોય તેવી સ્થિતિ છે, ત્યારે અનેક દલિતો ખ્રિસ્તી ધર્મ અપનાવતા જોવા મળે છે. તેઓ પોતાના નામ તથા અટક બદલતા જોવા મળે છે. આમ આવા ધર્મ પરિવર્તન અને જ્ઞાતિગત ઓળખના ચિન્હો બદલીને તેના દ્વારા તેઓ પોતાની ઓળખ બદલવા માંગે છે. સમાજમાં પોતાનું સ્થાન બદલવા માંગે છે. તેમના પ્રત્યેની લોકોની દ્રષ્ટિ અને વલણો બદલવા માંગે છે. અને સાથે સાથે વર્ષોથી પોતાનામાં દલિત તરીકેની જે માનસિકતા જન્મેલી છે તેને પણ બદલવા માંગે છે. પરંતુ વાસ્તવિકતા જોવાનો પ્રયત્ન કરીએ તો ધર્મ પરિવર્તન કર્યા પછી પણ આજે દલિત ખ્રિસ્તી કે દલિત બૌદ્ધ તરીકેની ઓળખ ઊભી થઈ છે. અને તે રીતે તેઓને અલગ રીતે જોવામાં આવે છે. દલિતો પોતે પણ એવું અનુભવી રહ્યા છે કે ધર્મ પરિવર્તનથી તેઓની ઓળખ બદલી શકાતી નથી. તેઓએ જે હેતુથી જે સમસ્યામાંથી બહાર નીકળવા માટે પરિવર્તન કર્યું હતું, તે સમસ્યા તો યથાવત જ રહેવા પામી છે.
સમસ્યા મુક્તિનો દલિતો જે બીજો રસ્તો લે છે તે સંઘર્ષનો છે. સંઘર્ષ એટલે ન્યાય માટેની લડત ડો. બાબા સાહેબ આંબેડકર એ દલિતોને સૂત્ર આપ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. દલિતો શિક્ષિત બને તો પોતાના અધિકારો પ્રત્યે સભાન બને, આ સભાનતા સંગઠનમાં પરિણમે, પરિણામે શોષણ સામે સંગઠિત અવાજ ઊઠે અને અહિંસક સંઘર્ષ દ્વારા દલિત મુક્તિના ધ્યેયને પ્રાપ્ત કરે. તેવું બાબાસાહેબનું માનવું હતું.
સંઘર્ષને સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ તો એ સામાજીક અંતરના વધતા જતા પ્રમાણનો નિર્દેશ કરે છે. સમાજના જુદા જુદા એકમો વચ્ચે વધતા અંતરને પરિણામે સામાજિક વિરોધ પેદા થાય છે. અને આ વિરોધ એ સંઘર્ષને જન્મ આપે છે. સંઘર્ષના આ ખ્યાલને દલિતોની વાસ્તવિક સ્થિતિ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાંક ક્યાંક ગામડાઓમાં દલિત- બિનદલિત સંઘર્ષ થતા જોવા મળે છે. આઝાદી બાદ વેઠપ્રથા નાબૂદી અને ગણોતધારા જેવા કાયદાઓએ દલિતોને વેઠમાંથી મુક્તિ અપાવી. અને સાથે સાથે શિક્ષણ મળતા તેઓને પોતાની શક્તિ ક્ષમતાઓને ઓળખવાની તક મળી. જેને કારણે કેટલેક અંશે વ્યવસાયમાં પરિવર્તન આવી શકે છે. આવું પરિવર્તન જે દલિતોમાં આવ્યું છે, તેઓ હવે પોતાના સ્થાન વિશે પ્રશ્ન કરતા થયા છે, શા માટે કોઈની ગુલામી કરવી? અન્યાય સામે શા માટે પગલાં ન લેવા? શા માટે અત્યાચારો સહન કરવા? આવા પ્રશ્નો તેમના મનમાં ઉપસ્થિત થયા છે. આ પ્રશ્નો પેદા થવામાં દલિતોના ન્યાય માટે કાર્યરત ગુજરાતની સંસ્થાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. અને તે પણ 70 ના દાયકા પછીની સંસ્થાઓ, કર્મશીલો જેમણે માત્ર દલિતોના કલ્યાણનું કાર્ય નહીં પરંતુ દલિતોમાં ચેતના જગાવવાનું કાર્ય કર્યું છે. એને પરિણામે ક્યાંક ક્યાંક દલિતો બિન દલિતો દ્વારા સર્જાયેલ અન્યાયકારી વ્યવસ્થાઓ, વ્યવહારો,સામે વિરોધ કરતા થયા છે. આવા વિરોધોના થોડાક ઉદાહરણ આપી શકાય તેટલા જ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં સંગઠિત રીતે આવી વ્યવસ્થાઓને બદલવા માટે પોતાના અધિકારો માટેના પ્રયત્નો થયા હોય. જેમ કે નવસર્જન સંસ્થા દ્વારા સુરેન્દ્રનગરમાં જમીન ભોગવટા માટે ઉપાડેલી લડત, ધોળકામાં દલિતોના પાણીના પ્રશ્ન માટેની લડત, કે પરિવર્તન સંસ્થા દ્વારા પાદરામાં દલિત ખેત મજૂરોમાં લઘુતમ વેતન મેળવવા માટેનો સંગઠિત પ્રયત્ન હોય,ગોલાણામાં ચાર દલિત કાર્યકરોનું ખૂન થતાં ન્યાયિક કાર્યવાહી માટેની લડત, રાણપુરમાં માથે મેલું ઉપાડવાની ના પાડતા સફાઈ કામદારોની પંચાયત દ્વારા થયેલી છટણી સામેની લડત કે પછી અમરેલી જિલ્લાના દેવળીયા ગામે દલિતોના સામાજિક બહિષ્કાર સામેની લડત. આ બધા પ્રયાસો ન્યાય માટેનો સાચો સંઘર્ષ છે. સમાજમાં ક્યાંક ક્યાંક બીજા આવા ઉદાહરણો જોવા મળે છે. પરંતુ તે એકલ દોકલ દલિતો દ્વારા અને તે પણ મુખ્યત્વે કાયદા દ્વારા ન્યાય મેળવવાના સ્વરૂપે જોવા મળે છે. આમને સામને પ્રદર્શિત વિરોધનું સ્વરૂપ કે આમને સામને થતી ન્યાયની લડાઈનું સ્વરૂપ હજુ ભાગ્યેજ જોવા મળે છે. જેમકે દલિતો માટેના પ્રતિબંધોનું ખંડન કર્યું હોય, દલિતો માટેની અલાયદી વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કર્યું હોય, સત્તાને હાંસલ કરવા જંગે ચડ્યા હોય તેવા ઉદાહરણો જવલિત જોવા મળે છે. કારણ કે સત્તા અને શક્તિના સામર્થ્યમાં દલિતોએ હજુ ઘણું પ્રાપ્ત કરવાનું બાકી છે. પરંતુ કાયદાકીય પગલાં લેવાથી બિનદલિતો સામેનો વિરોધ ખુલ્લો થાય છે, અને તેથી બંને વચ્ચેનું અંતર વધે છે. એક બાજુ એમ પણ કહેવાય છે કે જ્યાં દલિતો જાગ્રત બન્યા છે ત્યાં સંઘર્ષનું પ્રમાણ વધુ છે. કારણ કે કાયદાકીય પગલાં લેવા તે વર્ષોથી આધિપત્ય ભોગવતા બિનદલિતોને પડકારવા બરોબર છે. અને તે સ્થિતિ બિન દલિતો માટે અસહ્ય બને છે. પરિણામે તેઓ દલિતોને વધારે ડામવાનો પ્રયત્ન કરે છે અને તેને માટે એવા રસ્તાઓ લેવાય છે કે ,જેમાં કાયદો પણ કશું કરી શકતો નથી. જ્યાં અત્યાચાર પ્રતિબંધક ધારાનો ઉપયોગ થાય છે ત્યાં શું સામાજિક ન્યાયની સ્થિતિ હાંસલ થઈ શકે છે ખરી? હા, એથી કાયદાનો એક પ્રભાવ અવશ્ય ઉભો થયો છે. આ કાયદા હેઠળ થયેલ ફરિયાદમાં દલિતની તરફેણમાં ચુકાદો પણ મળે છે અને કેટલાક બનાવમાં બિન દલિતોને સજા પણ થાય છે. પરંતુ આ કાયદાકીય ન્યાય દલિતો માટે તે ગામમાં રહેવું મુશ્કેલ કરી મૂકે છે. આખરે તો દલિતોને તે જ ગામમાં રહેવાનું છે, એ સામાજિક, આર્થિક, રાજકીય માળખામાં જીવવાનું છે. બિન દલિતો ભલે આ ન્યાયને પડકારી ન શકે પણ કાયદાની ચુંગાલમાં ફસાયા વગર દલિતોને માફ કરતા તો તેઓ શીખી જાય છે. જેને પરિણામે દલિતોની સ્થિતિ વધુ કપરી બનતી હોય છે. કાયદાકીય ન્યાય હંમેશા સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરી શકતો નથી. આમ માત્ર કાયદાકીય પગલા દ્વારા દલિતોની સ્થિતિ બદલાઈ શકવાની નથી. પરંતુ દલિતો જ્યારે સાચા અર્થમાં સત્તા પ્રાપ્ત કરશે, સાધનો પ્રાપ્ત કરશે, સામર્થ્ય પ્રાપ્ત કરશે, સંગઠિત થશે ત્યારે તેમાંથી એક એવો સંઘર્ષ પેદા થશે જે સમાજની વ્યવસ્થાઓમાં પરિવર્તન કરી શકશે. પરંતુ આ સંઘર્ષના રસ્તાઓ રચનાત્મક હોવા જોઈએ. જેનાથી સમાજનું જ્ઞાતિ આધારિત અસમાનતાવાળું માળખું તૂટે અને દરેકને સમાન તક અને દરજ્જો હાંસલ કરવાની મોકળાશ મળે. આમ સામાજિક ન્યાય મેળવવા માટેના સંઘર્ષનો રસ્તો સાચો છે, પરંતુ એ દિશામાં હજી દલિતોએ ઘણું કરવાનું બાકી છે.
સમસ્યા મુક્તિનો ત્રીજો રસ્તો દલિતો લે છે તે છે હિજરતનો, તમામ દલિત કુટુંબો વર્ષોથી જે ગામમાં વસ્યા હોય તે ગામને છોડીને જવું પડે તેવી સંગઠિત હિજરતની ઘટનાઓ સમાજ સમક્ષ પ્રકાશમાં આવી રહી છે. એટલે કે દલિતો છાના છપના એક ગામ છોડીને બીજે ગામ જઈને વસે છે તેવું થતું નથી. પરંતુ આવી સંગઠિત ઘટનાને હિજરત ગણવી તથા તેને માનવ અધિકારનો પ્રશ્ન ગણવો. જેમાં સરકારની એ જવાબદારી બને છે કે આવા વિસ્થાપિત થયેલા દલિતોને રક્ષણ પૂરું પાડવું. તાત્કાલિક આશ્રય આપવો અને કોઈક સ્થાને તેમને પાયાની સુવિધાઓ સાથે કાયમી વસવાટ પૂરો પાડવો. કારણ કે જે ગામ છોડીને તેમણે આવવું પડ્યું છે ત્યાં તેઓ પોતાની સ્થાવર મિલકતો, ઘરવખરી,ઢોર ઢાંખર તમામને છોડીને આવ્યા હોય છે. એટલે એમને નવેસરથી જીવન સંસારની શરૂઆત કરવી પડે છે. આ કોઈ એવું સ્થળાંતર નથી કે બે ચાર દલિત કુટુંબો પોતાની રોજગારી રળવા એક ગામથી બીજે ગામ ગયા હોય, પરંતુ આતો આખાય દલિત સમુદાય માટે ગામમાં અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન ઉભો થાય છે. તેમનો સામાજિક બહિષ્કાર થાય છે. ખુનામરકી થવાનો ભય તોળાતો હોય છે અને એ સ્થિતિમાં સરકાર તેમને રક્ષણ કે જીવનની સલામતી માટેની ખાતરી આપી શકતી નથી. તેથી આવી હિજરત એ માનવ અધિકારનો પ્રશ્ન બને છે. એટલે દલિતો દ્વારા જ્યારે પણ આવા સંજોગોમાં હિજરત થાય છે ત્યારે શહેરી દલિત આગેવાનો દલિતોમાં કામ કરનારી સંસ્થાઓ તેમની મદદે દોડી જાય છે. અને સરકાર સામે પડાવ, રજૂઆતો, આવેદનપત્રો દ્વારા ન્યાય માટેની, માનવ અધિકાર માટેની ઘા નાખવામાં આવે છે. પરંતુ અહીં એક પ્રશ્ન એ થાય છે કે હિજરત કરનાર દલિતો આ સ્થિતિને તેમના ગૌરવના, તેમના સન્માનના પ્રશ્ન તરીકે જુએ છે ખરા? તે તેમની સ્થિતિનું શું અર્થઘટન કરતા હશે? અને સાથે બીજો પ્રશ્ન એ પણ થાય છે કે શું આવી હિજરતે કોઈ દલિત સમસ્યાનો ઉકેલ છે ખરો?
ગામડાઓમાં બિન દલિતો પોતાની વેઠ કરાવવા, તેમના ખેતરમાં મજૂરી કરાવવા, બે-ચાર દલિત કુટુંબોને ગામમાં લાવીને વસાવે છે. તેમાંથી સમયાંતરે દલિત વસ્તીમાં વધારો થાય છે. આઝાદી પછી જોઈ શકીએ છીએ કે દલિતો માટે શિક્ષણના દ્વાર ખુલ્યા છે. અનામત દ્વારા નોકરીઓની તકો વધી છે. પરિણામે દલિતોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ગામમાં દરબારો, પટેલો કરતા પણ કેટલીક જગ્યાએ દલિતોમાં શિક્ષણનું પ્રમાણ વધુ છે. તેમના શહેર સાથેના સંપર્કો વધ્યા છે. તેથી કરીને તેમની જીવનશૈલી બદલાય છે. આમ જે સ્થિતિને કારણે તેઓ સમાજમાં પછાત, નીચા ગણાતા હતા તેમાંથી તેઓ ઊંચે ઉઠ્યા છે. પરંતુ તેમની સ્થિતિમાં આવેલ આ બદલાવ સમાજની અન્ય જ્ઞાતિઓને સ્વીકાર્ય બનતો નથી. અને તેથી જ અન્ય જ્ઞાતિઓની સામે પ્રશ્ન આવે છે કે જેને ગામમાં લાવીને અમે વસાવ્યા હતા તે વસવાયા આજે અમારી બરોબરી કરે? અમારાથી આગળ નીકળી શકે ?આ અને આવા અનેક પ્રશ્નોમાંથી સર્જાતી માનસિક સ્થિતિ દલિતો તરફના અત્યાચારોમાં પરિણામતી જોવા મળે છે.
દલિતો દ્વારા લેવાતા ત્રણેય રસ્તાઓની ઉપર કરેલી ચર્ચાને આધારે એ સ્પષ્ટ થાય છે કે ધર્મ પરિવર્તનથી દલિતોની ઓળખ બદલી શકાય નથી. પરંતુ જો તેઓ સંગઠિત બનીને યોગ્ય રીતે સંઘર્ષ કરે તો સામાજિક ન્યાય હાંસલ થઈ શકે, તેવું લાગે છે. હિજરત વિશે એમ કહી શકાય કે હિજરત થયેલ દલિતોનું પુનર્વસન જ્યાં થાય છે, ત્યાં આવા પ્રશ્નો નહીં સર્જાય? આ સંદર્ભમાં સંશોધકે સંઘર્ષ અને હિજરતની બે ઘટનાઓ ને જોવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં એક ઘટના એ છે કે જેમાં ધોળકા તાલુકાના વટામણ ગામે દલિત યુવાન પર ખૂની હુમલો થયેલો અને તેની ફરિયાદ કરતા સાત કોળી પટેલોને જેલમાં પુરેલા. આ બનાવ વિશે થોડું સામાયિકોમાં વાંચ્યું હતું,તેથી અત્યાચારની આ ઘટનાને સમજવા માટે વટામણ ગામની મુલાકાત લીધી. દલિત સ્ત્રીઓ યુવાનો વૃદ્ધોને મળીને પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો તેઓની વાતો પરથી સમજાયું કે વટામણના દલિતો પર કોળી પટેલો દ્વારા અનેક શારીરિક માનસિક અત્યાચારો થાય છે, દલિતોમાં શિક્ષણ વધ્યું છે અને જાગૃતિ વધતા તેઓ હવે આત્યાચારોનો સામનો કરતા થયા છે. વળી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બન્યા છે. ગામ ઉપરનું તેમનું અવલંબન ઓછું થયું છે. પરિણામે એક વાત દલિતોએ સ્પષ્ટપણે જણાવી કે કોળી પટેલો ગમે તેટલો ત્રાસ આપશે તો પણ અમે આ ગામમાંથી જવાના નથી.આમ દલિતો સ્થિતિનો સંગઠિત બની મુકાબલો કરતાં થાય તેજ સાચો રસ્તો છે.
ડો.આનંદી પટેલ
જ્ઞાતિમાં ઊંચ નીચક્રમ ,અત્યાચારો અને દલિતોની હિજરત -અભ્યાસ