સ્વતંત્રતા પૂર્વે થયેલ સમાજ સુધારણા આંદોલન :

આપણા દેશમાં 18 મી સદીમાં અંગ્રેજોના આગમન સાથે એક નવી પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રારંભ થયો. અંગ્રેજી સત્તા સ્થિર થયા પછી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પામેલા લોકો પર પાશ્ચાત્ય આચાર -વિચાર અને રહેણી કરણીનો ઘેરો પ્રભાવ પડવા માંડ્યો હતો. બીજી બાજુ ખ્રિસ્તી મિશનરીઓએ લોકોને ખ્રિસ્તી બનાવવાની જોરદાર પ્રવૃત્તિ ઉપાડી હતી. પરિણામે ભૂતકાળમાં બન્યું છે તેમ ભારતીય સંસ્કૃતિ પુનઃ એક વાર પશ્ચાત્ય સંસ્કૃતિ સાથે સંઘર્ષમાં આવી. પૂર્વ -પશ્ચિમની સંસ્કૃતિઓના ઘર્ષણમાંથી આપણી સુપ્ત ધાર્મિક ચેતના બ્રહ્મોસમાજ, પ્રાર્થના સમાજ, થીઓસોફી, રામકૃષ્ણ મિશન, આર્ય સમાજ વગેરે આંદોલનોરૂપે જાગી ઉઠી.આ આંદોલનનોએ ઓછેવત્તે  અંશે  જુના ધર્મને નવી પરિસ્થિતિ અનુસાર નવું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો. ભારતની ભૂમિમાં ગાંધીજીએ જે કાર્ય કરવાનું હતું તેની ભૂમિકા તૈયાર કરવામાં, ધર્મ અને સમાજ સુધારણાના આંદોલનોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

  1. રાજારામમોહન રાય અને બ્રહ્મોસમાજ

નવોદિત ભારતના પ્રથમ પુરુષ એટલે રાજા રામમોહનરાય. તેઓ સમાજ સુધારણા આંદોલનના આદ્ય સ્થાપક હતા.  વિવેકાનંદે તેમને તુલનાત્મક ધર્મના પિતા કહ્યા છે. આધુનિક યુગમાં સર્વધર્મ પ્રત્યે આદર ધરાવનારાઓમાં રાજારામમોહન રાય પહેલા હિન્દી હતા. તેમણે હિન્દી, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે ધર્મોનું મૂળ ભાષાઓમાં ઊંડું અધ્યયન કર્યું હતું. અને એ વિશે ઘણું લખ્યું હતું.

સમાજ સુધારણાના કાર્યો -સામાજિક સુધારણાના ક્ષેત્રમાં રાજારામે  પહેલ કરી હતી. સતી થવાના અમાનુષી  રિવાજ  સામે તેમણે ઝુંબેશ ઉપાડી હતી અને સતી પ્રથા નાબૂદી માટેનો કાયદો ઘડાવ્યો હતો. સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, આંતરજ્ઞાતીય લાગનોની  હિમાયત કરી. બહુપત્નીત્વ, કન્યા વિક્રય, લાજની  પ્રથા, જ્ઞાતિભેદ વગેરેનો તેમણે વિરોધ કર્યો હતો. ધાર્મિક દ્રષ્ટિએ વિદેશ ગમન પાપ ગણાતું હતું.  ત્યારે જાતે વિદેશ ગમન કરીને માન્યતા દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.

બ્રહ્મો સમાજની સ્થાપના -હિન્દુ મુસલમાન અને ખ્રિસ્તી ધર્મના સંઘર્ષના એ સમયમાં દરેક ધર્મના અનુયાયીઓ  સહજ રીતે સ્વીકારી શકે તેવા ધર્મની આવશ્યકતા તેમને જણાઈ હતી. તેથી 1828માં કલકત્તામાં ઉપનિષદની બ્રહ્મવિદ્યાના પાયા ઉપર તેમણે બ્રહ્મસમાજની સ્થાપના કરી હતી. મનુષ્યના બંધુત્વની ભાવના, નિરાકાર, મંગળમય, સર્વવ્યાપી ઈશ્વરમાં શ્રદ્ધા એ બ્રહ્મ,સમાજના ધાર્મિક સિદ્ધાંતો હતા. ધર્મ નીતિ દયા, પરોપકાર વગેરે સદગુણોની વૃદ્ધિ થઈ, ભિન્ન ભિન્ન ધર્મના અનુયાયીઓમાં સંપ વધે અને એકતા થાય એવા પ્રયત્નો કરવા એ એમનો હેતુ હતો. બ્રહ્મ સમાજનું મંદિર નાતજાત કે રંગના, જાતિ કે ધર્મના ભેદ વિના સર્વ મનુષ્ય માટે ખુલ્લું હતું. તેમાં કોઈપણ પ્રકારનો ધાર્મિક ક્રિયાકાંડ કરવાનો  નિષેધ હતો. બ્રહ્મો સમાજે હિન્દુ ધર્મની સુધારણા અને અન્ય ધર્મો તરફ ઉદાર વલણ કેળવવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યો.

રાજારામમોહન રાયના આકસ્મિક અવસાન પછી કોઈપણ જાતના બંધારણ કે નિયમો વગર બ્રહ્મો સમાજની અસર ઓછી થતી ગઈ. પરંતુ દેવેન્દ્રનાથ ટાગોર 1843 માં તેમાં જોડાતા બ્રહ્મો સમાજમાં નવો પ્રાણ આવ્યો. તેમણે ઉપાસના, સ્તુતિ અને પ્રાર્થનાને મહત્વ આપ્યું. બ્રહ્મો સમાજના સિદ્ધાંતોનો ફેલાવો કરવા તેમણે ‘તત્વબોધિની પત્રિકા” નામનું વર્તમાન પત્ર શરૂ કર્યું.

 ઇ.સ. 1857માં કેશવચંદ્ર સેન બ્રહ્મોસમાજમાં જોડાયા. તેમની વકૃત્વશક્તિ અને લોકપ્રિયતાને કારણે બ્રહ્મોસમાજનો ઘણો પ્રસાર થયો. તેમણે પ્રાર્થનામાં ખિસ્તી ધર્મની લાગણીવશતા અને સાચા હૃદયના પશ્ચાતાપનો ઉમેરો કર્યો.કેશવચંદ્ર સેનાના પ્રયત્નોને કારણે જ ઈ.સ. 1865 સુધીમાં બંગાળ, પંજાબ તથા મદ્રાસમાં કુલ 54 શાખાઓની સ્થાપના થઈ હતી કેશવચંદ્ર આંતરજ્ઞાતીય લગ્નો, પરદેશગમન તથા વિધવા પુનર્લગ્ન વગેરેનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. બ્રાહ્મણવાદના તેઓ વિરોધી હતા. આ બધાને કારણે દેવેન્દ્રનાથ ટાગોરે કેશવચંદ્રને બ્રહ્મોસમાજમાંથી બરતરફ કર્યા.

2.કેશવચંદ્ર સેન અને પ્રાર્થના સમાજ

કેશવચંદ્ર સેણે  ક્રાંતિકારી સુધારાની તરફેણ કરી હતી. તેમણે નવા બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેઓ બ્રાહ્મણવાદ અને વેદનાં વિરોધી હતા. સ્ત્રીઓને પણ આ સમાજમાં દાખલ કરવામાં આવી હતી. તેમના કાર્યને પરિણામે ઇ.સ 1872માં સરકારે બાળલગ્ન તથા બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ મૂકતો અને વિધવા વિવાહને કાયદેસર ગણતો કાયદો પસાર કર્યો હતો.

1864 માં જ્યારે કેશવચંદ્ર સેન મુંબઈ આવ્યા, ત્યારે તેમની પ્રેરણાથી ઈ.સ. 1867 માં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ. પ્રાર્થના સમાજ અને બ્રહ્મો સમાજ વચ્ચે તફાવત એ હતો કે પ્રાર્થના સમાજના અનુયાયીઓ બ્રહ્મોસમાજના અનુયાયીઓની જેમ, પોતાને હિન્દુ સમાજની બહાર ગણવાને બદલે હિન્દુ  સમાજ તથા હિન્દુ ધર્મના જ સભ્યો ગણતા.

પ્રાર્થના સમાજ પણ એકેશ્વરવાદ અને મૂર્તિરહિત ઈશ્વરની ઉપાસનામાં માનતા હતા. સંત તુકારામ, રામદેવ, એકનાથ, રામદાસ, જેવા સંતોની ઉદાર ભાવનાથી પ્રાર્થના સમાજ ઉપર ખૂબ અસર પડી હતી. પ્રાર્થના સમાજે ધાર્મિક સુધારણા કરતા સામાજિક સુધારણા પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિધવા વિવાહ, આંતરજ્ઞાતીય લગ્નો,આંતરજ્ઞાતિય  ભોજનોને ઉત્તેજન અને બહુપત્નીત્વનો  વિરોધ કર્યો હતો. પ્રાર્થના સમાજ દ્વારા પંઢરપુરમાં અનાથ આશ્રમ તથા માનસિક રોગોની હોસ્પિટલની સ્થાપના થઈ હતી.  આ ઉપરાંત વિધવા ગૃહો, રાત્રિ  શાળાઓ તથા પછાત જાતિના ઉદ્ધાર માટે જુદી જુદી સંસ્થાઓની સ્થાપના કરી હતી.ડો. રાનડેના પ્રયત્નોને લીધે પુનામાં ડેક્કન એજ્યુકેશન સોસાયટી તથા વિધવા લગ્ન મંડળની સ્થાપના થઈ. પ્રાર્થના સમાજના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માટે “સુબોધ પત્રિકા” નામનું સામાયિક શરૂ કરવામાં આવ્યું.

મહારાષ્ટ્ર ઉપરાંત 1871માં અમદાવાદમાં પ્રાર્થના સમાજની શાખા સ્થાપવામાં આવી હતી. અમદાવાદમાં ભોળાનાથ સારાભાઈએ આ સમાજના આશ્રયે સામાજિક સુધારણાની ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તે પછી નડિયાદ, વડોદરા, નવસારી, સુરત વગેરે શહેરોમાં પણ તેની શાખાઓ સ્થપાઈ હતી.

3.દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ-

ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં ધર્મ પરિવર્તનનું કામ કરી રહ્યા હતા. અંગ્રેજી ભણેલો વર્ગ પાશ્ચાત્ય રહેણીકરણીની નકલમાં મશગુલ હતો. રાષ્ટ્રીય સ્વાભિમાન અસ્મિતાના દર્શન દુર્લભ બન્યા હતા. આ સંજોગોમાં આપણી સુપ્ત  રાષ્ટ્રીય સ્વાભિમાનની વૃદ્ધિને પુનઃ ઢંઢોળીને જાગૃત કરવાનું  કામ સ્વામી દયાનંદે 1824 થી 1883 માં કર્યું.

દયાનંદે પહેલીવાર ઘોષણા  કરી કે હિન્દ તો હિન્દી ઓ માટે છે.  દયાનંદે એ શોધી કાઢ્યું કે હિન્દુ ધર્મની સનાતન  પ્રેરણા અને આધાર વેદોમાં રહેલા છે .વેદોની અંદર રહેલી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ સંપત્તિના પાયા પર જ હિંદમાં એક આદર્શ સમાજ સ્થાપી શકાશે.

વૈદિક ધર્મનો સંદેશ લઈને દયાનંદ વંટોળની જેમ આખા હિંદમાં ઘૂમી વળ્યા. એમણે બુલંદ અવાજે વેદોની સર્વોપરીતા જાહેર કરી અને એ સિવાયના તમામ શાસ્ત્રો, હિંદુ ધર્મના દેવદેવીઓ, અવતારો પંથો પંથપ્રવર્તકો, મૂર્તિ પૂજા વગેરેને વેદ ધર્મથી ઉલટે માર્ગે ચઢાવનાર છે, એ સર્વેની એમણે આખરી ટીકા કરી હિંદુ ધર્મની પરંપરાગત અને લોક હૃદયમાં સ્થાન પામેલી શ્રદ્ધાઓ અને માન્યતાઓ પરના એમના આ અણધાર્યા અને જોરદાર હુમલાઓએ સનાતની વર્ગમા ભારે ખળભળાટ મચાવ્યો.

દયાનંદે રોજ ઊઠીને હિંદુ ધર્મની વગોવણી કરનાર ખ્રિસ્તી મિશનરીઓ અને મુસ્લીમ મૌલવીઓને

પણ ના છોડ્યા. કુરાન અને બાઈબલનો અભ્યાસ કરી, એમાં રહેલી ખામીઓ જાહેર કરી. મિશનરીઓ અને મોલવીઓના મોં એમણે બંધ કર્યા. પોતાના “સત્યાર્થ પ્રકાશ” નામના ગ્રંથમાં  વેદધર્મ સિવાયના તમામ ધર્મોનું ખંડન કર્યું.

આર્ય સમાજના કાર્યો- વૈદિક સંસ્કૃતિના આધારે નવો સમાજ રચવા આર્યસમાજે અનેક પ્રવૃત્તિ હાથ ધરી, વેદોનો દેશી ભાષાઓમાં અનુવાદ કરાવી તેનો પ્રસાર કર્યો. સ્ત્રીઓ અને શુદ્રોને વેદાધ્યયનનો  અધિકાર નથી, એ માન્યતાનો વિરોધ કર્યો. અસ્પૃશ્યતાને અવૈદિક ઠરાવી.  એના નિવારણ માટે એમણે ખૂબ કામ કર્યું. હજારો દલિતો અને અસ્પૃશ્યોને એમણે આર્ય સમાજમાં દાખલ કરી એમને સવર્ણોની સમાન દરજ્જો આપ્યો. શુદ્ધિની મૌલિક પ્રવૃત્તિ દ્વારા આર્યસમાજે  હજારો  વટાયેલા હિંદુઓને તથા જેઓ હિન્દુ નહોતા તેમને વૈદિક વિધિ મુજબ હિંદુ ધર્મમાં લીધા. જેથી ખ્રિસ્તી અને મુસ્લિમોની ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ઘટી. દયાનંદે સ્ત્રી પુરુષના સમાન દરજ્જા અને સમાન અધિકાર પર ભાર મૂક્યો. પ્રાચીન ગુરુકુળોને ધોરણે કેળવણીમાં ધર્મ, શારીરિક વિકાસ, હુન્નર ઉદ્યોગોને મહત્વ આપી, એમણે દેશના રાષ્ટ્રીય શિક્ષણનો પાયો નાખ્યો. સંસ્કૃતના જ્ઞાન અને પ્રચાર માટે સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરી. અનાથ અને વિધવાઓ માટે અનાથાશ્રમો અને વિધવા ગ્રુપો શરૂ કર્યા.

 અન્ય ધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા અને શુદ્ધિકરણની ક્રિયાની અનેક લોકોએ આકરી ટીકા કરી.

4.એનિબેસન્ટ  અને થીઓસોફીકલ સોસાયટી:

એનીબેસન્ટ અને થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ઈ.સ.1875 માં અમેરિકામાં આવેલ ન્યૂયોર્કમાં મેડમ બ્લેવેટસ્કી( રશિયન મહિલા) તથા કર્નલ આલ્કોટ નામના એક અમેરિકને કરી હતી. તેઓ બંને સ્વામી દયાનંદ સરસ્વતીના આમંત્રણથી 1879 માં ભારતમાં આવ્યા અને ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના  કાર્યમાં જોડાઈ ગયા.તેમણે આપેલા પ્રવચનોનો સાર હતો કે હિન્દુ ધર્મ એ તમામ ધર્મોમાં શ્રેષ્ઠ છે. હિન્દુ રાષ્ટ્રની આગેવાની હિન્દુ નેતાઓએ જ લેવી જોઈએ. 1886 માં મદ્રાસમાં થિયોફિકલ સોસાયટીની સ્થાપના થઈ. તેમણે પ્રાચીન ભારતની સંસ્કૃતિની ગૌરવ ગાથા અને મહાનતાના ગુણગાન ગાયા. તેમના ઉપદેશની ભારતીય જનતા પર ગાઢ અસર થઈ. ભારતીય જાણતા પર અને તેમની સંસ્કૃતિ પ્રત્યે અભિમાન જાગ્રત થયું.

મિસીસ એની બેસન્ટ 1893માં ભારત આવ્યા. ત્યારે તેમણે સોસાયટીનું કામ ઉપાડી લીધું. થીઓસોફીકલ સોસાયટી કોઈ પણ પ્રકારના જ્ઞાતી,જાતિ કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુત્વ સ્થાપવા પ્રયત્નશીલ બન્યું. આ સોસાયટીના સિદ્ધાંતોનો પ્રચાર કરવા મિસિસ એની બેસંટે બનારસમાં સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી.  જે પાછળથી બનારસ હિંદુ યુનિવર્સિટી તરીકે જાણીતી બની. શિક્ષણના પ્રચાર ઉપરાંત આ સંસ્થાએ બાળવિવાહ, કન્યા વિક્રયની પ્રથા,અસ્પૃશ્યતા વગેરે કુરીવાજોનો વિરોધ કરીને સમાજ સુધારણાનું પ્રસંશનિય કામ કર્યું હતું.

5.રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન:

દક્ષિણેશ્વરના રામ કૃષ્ણ પરમહંસે સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવું ધર્મદર્શન રજૂ કર્યુ.અને તેમણે બતાવ્યું કે ધર્મ યા ઈશ્વર એ વિદ્વત્તા, વાદવિવાદ કે બૌધ્ધિક  અનુમાનનો વિષય નથી. એ તો સાક્ષાત્કારનો, રોજના જીવનમાં અનુભવવાનો વિષય છે.

રામકૃષ્ણ સીધા સાદા વ્યક્તિ હતા ,જેમણે  આજના જેવું શિક્ષણ પ્રાપ્ત કર્યું નહોતું. પરંતુ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિકતા હતી. જેમાંથી બુદ્ધિશાળી, વિદ્વાન લોકો તેમનાથી આકર્ષાતા અને સ્ત્રી પુરુષો પોતાના પ્રશ્નો લઈને તેમની પાસે આવતા. સચોટ દ્રષ્ટાંતો દ્વારા ઉપદેશ આપી એમના દુઃખ દૂર કરતા.

રામકૃષ્ણનો સંદેશ હતો કે ઈશ્વરને માનવમાં ખોળો, તેઓ દરેક માનવીને ઈશ્વરરૂપે જ જોતા હતા. માનવ સેવાની આ પ્રેરણા તેમણે અનેક યુવાનોને આપી. તેમણે કહ્યું હતું કે જેમ જુદી જુદી નદીઓ સાગરમાં મળી જાય છે, તેમ જુદા જુદા ધર્મો એક જ ઈશ્વર પાસે લઈ જાય છે.  એમણે સર્વધર્મની સત્યતાને સ્વીકારવાની વાત કરી.

રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે મનુષ્ય સેવા અને ઈશ્વર દર્શન એ બંને આત્મશુધ્ધિ  વગર શક્ય નથી. સેવા પણ નિષ્કામ પ્રેમની અભિવ્યક્તિ રૂપ હોવી જોઈએ. તેમના જીવન અને ઉપદેશમાં સામાજિક પ્રવૃત્તિ પ્રત્યેનો એક નવો જ દ્રષ્ટિ  જોવા મળે છે.

સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન-

દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ એ જે સાધનાઓ અને અનુભૂતિઓ કરી તેનું તેમના વિદ્વાન શિષ્ય વિવેકાનંદે વૈજ્ઞાનિક ભાષામાં અતિ વિસ્તૃત ભાષ્ય કર્યુ. અને તેમાંથી વ્યવહારૂ સિદ્ધાંતો તારવી ભારત તથા પશ્ચિમના દેશોમાં એનો વ્યાપક પ્રસાર કર્યો. તેમણે ઈ.સ.1893માં શિકાગોમાં સર્વધર્મ પરિષદમાં હાજરી આપી. ભારત તરફથી વેદાંતનો સંદેશો સંભળાવ્યો.પરિષદમાં તેમણે સર્વધર્મની સત્યતા સ્વીકારવાની અને ભારતના ભૂખ્યા લોકોને, ધર્મને બદલે રોટીની મદદ કરવાની હૃદય સ્પર્શી અપીલ કરી.

ભારતમાં વેદાંતને યથાર્થ ક્રાંતિકારી વળાંક આપવાનું કામ તો વિવેકાનંદે જ કર્યું. પાંચ વર્ષના દેશના પરિભ્રમણ દરમિયાન લોકોની ભીષણ કંગાલયત,અસ્પૃશ્યતા,ઊંચનીચ્ન ભેદને, દિલની કઠોરતાના  જે દર્દનાક દ્રશ્ય એમણે જોયા તેનાંથી એમને પ્રતિતી  થઈ ચૂકી હતી કે શંકરાચાર્યનું વેદાંત અને બુદ્ધની કરુણાનો સહયોગ જરૂરી છે.

શંકરાચાર્યની બુદ્ધિ અને બુદ્ધની કરુણતાનો સમન્વય સાધી  રાષ્ટ્રોધ્ધારનું કામ કરવા સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. મિશનના સન્યાસીઓને રેલ, દુષ્કાળ, ધરતીકંપ અને અન્ય કુદરતી આફતોમાં સક્રિય સેવા કાર્યોમાં લગાડી, વ્યવહારૂ વેદાંતનું દર્શન કરાવ્યુ. તેમણે સંન્યાસીઓને કહ્યું હતું જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ ન લૂછી શકે અથવા મા બાપ વિનાના નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. વિવેકાનંદે કહ્યું સાચી ઈશ્વર ભક્તિ દરિદ્રનારાયણની સેવામાં છે.  તેમણે સંન્યાસીઓને શારીરિક શ્રમ અને સામાજિક પ્રવૃત્તિઓ તરફ વાળ્યા.  આમ વિવેકાનંદનો ધાર્મિક પુનર્જાગરણમાં ફાળો બહુ મોટો છે.