ફિલસૂફી  અથવા ફિલોસોફી એટલે શું? (Philosophy)

 ફિલોસોફીનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ. 

 વેબસટર ડીક્ષનરી પ્રમાણે ફિલસુફી એ વિજ્ઞાન છે. જે સામાન્યમાં સામાન્ય તથ્યો, વાસ્તવિક સિદ્ધાંતો, માનવ પ્રકૃતિ અને નિયમોની શોધ કરે છે. ખાસ કરીને વિજ્ઞાન કે જેમાં તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર વગેરે જ્ઞાનના શાસ્ત્રોનો  સમાવેશ થાય છે 

 તમામ જ્ઞાનની શાખાઓને તેની ફિલસૂફી  છે. ફિલસુફીના ત્રણ મુખ્ય ભાગો છે 

1. તત્વ મીમાંસા 2. જ્ઞાનમીમાંસા 3.  મૂલ્ય મીમાંસા 

1.  તત્વમીમાંસા (Ontology)

 તત્વ મીમાંસા અંતર્ગત નીચેની બાબતોનો અભ્યાસ થાય છે.તે વાસ્તવિકતા શું છે? માનવની પ્રકૃતિ શું છે ?તેનો અભ્યાસ કરે છે. તત્વ મીમાંસામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

ઈશ્વર સંબંધી તત્વજ્ઞાન, ઈશ્વરનું અસ્તિત્વ છે ?જો છે તો તેની સાબિતી શું છે? ઈશ્વર અને જગત વચ્ચે શું સંબંધ છે? બ્રહ્માંડના મૂળતત્વો શું છે? આ મૂળ તત્વો ભૌતિક છે?  આધ્યાત્મિક સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું?  આત્મા સંબંધિત તત્વજ્ઞાન- આત્મા છે ?આત્મા અને શરીર વચ્ચે શું સંબંધ છે? સૃષ્ટિ અથવા વિશ્વની ઉત્પત્તિ અને તેનો વિકાસ શું છે ?

 સત્તા શાસ્ત્ર- સત્તાનો સંબંધ પરમ સત્તા છે. પરમ સત્તાનું અસ્તિત્વ છે. પરમ સત્તા એટલે ઈશ્વર. 

ઉપરોક્ત તત્વમીમાંસાને સમાજકાર્યની ફિલસુફીના સંદર્ભમાં જોઈએ તો મનુષ્યનું, સમાજનું અસ્તિત્વ અને તેને સંબંધિત જે વાસ્તવિકતાઓ છે તેનું રહસ્ય શું છે તે શોધવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે આજે આપણે જોઈએ છીએ કે ઋતુઓમાં અસમાનતા ઊભી થઈ છે અને પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. તેને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે અંગે આજે મનુષ્ય એમ સમજતો થયો છે, કે પ્રશ્ન ઉઠાવતો થયો છે, કે આ વિશ્વમાં શું થઈ રહ્યું છે? ઈશ્વર કે એવી કોઈ પરમસત્તા છે? તે જાણવું એ સમાજકાર્યનું કાર્ય છે. સમાજની વાસ્તવિકતાઓને આપણે સમજીએ છીએ 

2. જ્ઞાનમીમાંસા (Epistemology)

 જ્ઞાનમીમાંસા એટલે જ્ઞાનનું વિજ્ઞાન.  તે સત્ય અને જ્ઞાનની પ્રકૃતિને શોધવાનું કામ કરે છે. જ્ઞાનનો અર્થ છે વસ્તુ, તથ્ય, ઘટના કે કથન અંગે સત્યને જાણવું. જ્ઞાનના પ્રકાર, તેનું સ્વરૂપ, લક્ષ્ય, ઉત્પત્તિ, જ્ઞાનનો વિકાસ, તેની સત્યતા, તેની સીમાનો અભ્યાસ થાય છે. જ્ઞાતા એટલે જાણવું અને જાણકારી વચ્ચેનો સંબંધ શું છે? સત્યની શોધમાં એક અભિગમ એ  છે જે પ્રત્યક્ષ જ્ઞાનને જ સત્ય માને છે.  એટલે કે પુરાવો ના હોય તો તે સત્ય નથી.  સત્યતાના પરીક્ષણ માટેની રીતો દ્વારા સત્ય શોધે છે.

સમાજ કાર્યના સંદર્ભમાં જોઈએ તો સમાજકાર્યનું પોતાનું જ્ઞાનનું માળખું છે.  અને અન્ય વિજ્ઞાનોના જ્ઞાનનો પણ ઉપયોગ કરીએ છીએ. સમાજકાર્યના સિદ્ધાંતો, કુશળતાઓ ભૂમિકાઓ, પદ્ધતિઓ એ સમાજકાર્યનું જ્ઞાન છે. આ જ્ઞાનનો સતત વિકાસ થતો રહ્યો છે. આપણે સમાજકાર્યનો ઇતિહાસ જાણીએ છીએ.સામાજિક પરિવર્તન, સામાજિક સંબંધો, સમાજ અને તેની વ્યવસ્થાઓ, આ તમામનું જ્ઞાન એ સમાજકાર્યમાં ઉપયોગી છે.

3. મૂલ્ય મીમાંસા (Exiology)

 મૂલ્ય મીમાંસા એટલે મૂલ્યનું જ્ઞાન. તેમાં મૂલ્યોનું સ્વરૂપ,  તેનું જ્ઞાન વિશ્વ સાથે તેના સંબંધનો અભ્યાસ થાય છે. મૂલ્ય મીમાંસામાં નીચેની ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.  

– આચાર મીમાંસા:તેને નીતિશાસ્ત્ર પણ કહે છે જે વ્યક્તિના અથવા સમાજના સારા ખરાબ કર્તવ્ય પર ચિંતન કરે છે .તે નૈતિકતા અથવા અનૈતિકતા ઉચિત અનુઉચિત, ઇચ્છિત અનઇચ્છિત, સામાજિક અસામાજિક વ્યવહારના માપદંડ નક્કી કરે છે. 

– તર્કશાસ્ત્ર: તર્કના પ્રકારો અને તેને વિકસિત કરવાની પદ્ધતિઓનો અભ્યાસ કરે છે. તેમાં તર્ક,, તર્ક કરવાના સિદ્ધાંત તેની પદ્ધતિઓ, તેની સત્યતા, અસત્યતા વગેરે પર ચિંતન થાય છે. તર્કશાસ્ત્ર મનુષ્યના નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય તેની શોધ કરે છે.   

-સૌંદર્ય શાસ્ત્ર: સૌંદર્યનું, સ્વરૂપ તેનું અસ્તિત્વ, તેની વાસ્તવિકતા, તેનું મહત્વ વગેરેનો અભ્યાસ કરે છે. 

 સમાજકાર્યની ફિલસૂફીમાં જોઈએ તો સમાજકાર્ય પાયાના મૂલ્યોને આધારે કામ કરે છે. જેમાં વ્યક્તિનું ગૌરવ, સામાજિક ન્યાય, સન્માન,  પ્રત્યે વ્યક્તિની ફરજો અને લોકશાહી મૂલ્યો મહત્વના છે. સમાજકાર્યમાં સમાજ કાર્યકર માટે નૈતિક સિદ્ધાંતો નક્કી કર્યા છે.  જેને આચારસંહિતા કહીએ છીએ. જેને દરેક સમાજ કાર્યકરે અનુસરવાનું હોય છે.

સમાજકાર્યએ પોતાની પદ્ધતિઓ વિકસાવી છે, પરંતુ તે સતત સમાજની વાસ્તવિકતાઓને તર્કથી સમજીને ઊભા થતા પ્રશ્નોને ઉકેલવાના પ્રયત્નો કરે છે.  સમાજમાં બનતી ઘટનાઓ અંગે તથ્યો પ્રાપ્ત કરે છે અને તેની વચ્ચે સંબંધો જોઈને, કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરીને અર્થઘટન કરે છે, સિદ્ધાંતો સ્થાપે છે .

વિચારસરણી

સમાજકાર્યનો ઇતિહાસ જોઈએ તો માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી અતિ પ્રાચીન, પ્રાચીન, મધ્યયુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ, એમ જુદા જુદા તબક્કામાં મનુષ્ય અને સમાજનો વિકાસ થયો જોવા મળે છે. શિકારી અવસ્થામાંથી માણસ ટોળીમાં રહેતો થયો, ખેતી કરતો થયો, મજૂરો પાસે ખેતી કરાવતો થયો, પોતે માલિક બન્યો, ઔદ્યોગીકરણ થયું, વૈશ્વિકરણ થયું. આ તમામ તબક્કાઓમાં ઉત્પાદન, આર્થિક નિયંત્રણ, શાસક વર્ગ, સામાજિક વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું છે.

સમાજ વિજ્ઞાનોના વિકાસે  વ્યક્તિ, સમાજની વાસ્તવિકતાઓને, પ્રશ્નોને, તેના ઉકેલની નવી રીતો આપી. જ્ઞાનનો વિકાસ એ સામાજિક, આર્થિક, રાજનૈતિક પરિવર્તનો શું છે? કેમ છે? તે અંગે વિચારોની નવી દિશાઓ સતત ખુલતી રહી છે. જેણે કાળક્રમે નવી વિચારસરણીઓ આપી.

વિચારસરણી એ તાર્કિક વિચારોનો સેટ છે. દાખલા તરીકે ડાર્વિનવાદ જેને આધારે કોઈ ચોક્કસ દિશામાં કાર્ય કરી શકાય છે. આ વિચારસરણી નીચેના લક્ષણો ધરાવે છે.

-તે વૈશ્વિક રીતે સામાન્ય રીતે ક્રમિક અથવા ક્રમશઃ હોય છે.

-તે ઇચ્છિત સારા ભાવિ સમાજની દ્રષ્ટિ ધરાવે છે.

-તે રાજકીય પરિવર્તન કેવી રીતે આવે છે કે આવવું જોઈએ તે સમજાવે છે

– વિચારસરણીમાં ઇચ્છિત પરિવર્તન લાવવા માટેના લક્ષણો હોય છે.

– વિચારસરણી લોકોને જે છે તેને બદલવા નવું વિચારતા કરે છે.

– વિકાસને દિશા આપે છે,વિકાસની દિશા બદલે છે.

 સમાજ કાર્યના ઇતિહાસના સંદર્ભમાં કાળક્રમે જે વિચારસરણીઓ આવી તેણે  સમાજ કાર્યકરને, સમાજને, સમાજની સમસ્યાઓને,તેના ઉકેલને, જોવાનો નવો દ્રષ્ટિકોણ આપ્યો છે.આપણે જ્યારે બે વિચારસરણીને જોઈએ છે ત્યારે જૂની વિચારસરણીમાં, નવી વિચારસરણીના ઉદભવ માટેના કોઈ સંદર્ભ હોય છે. વિચારસરણીઓને મુખ્યત્વે ધાર્મિક અને બિનસાંપ્રદાયિક એમ બે પ્રકારે વહેંચી શકાય.

ધાર્મિક વિચારસરણી

  • આ વિચારસરણી જીવન અને મૃત્યુની પ્રકૃતિને સમજાવે છે. માનવ અને ઈશ્વર શક્તિ સાથે તેને સંબંધ હોય છે. આ તમામ ધાર્મિક વિચારસરણીમાં ભગવાન, માનવજાતની પ્રકૃતિ ,મૃત્યુ પછીના જીવનના ખ્યાલો એ તેમનો  વિષય હોય છે.
  • નૈતિકતા અને અનૈતિકતા, અધ્યાત્મિકતા, પરોપકારના કાર્યોનું જીવનમાં મહત્વ સમજાવે છે.
  • મોટાભાગના લોકો પોતાના ધર્મ સિવાય બીજા ધર્મના કે તેના સત્યને સ્વીકારતા નથી.
  • વિવિધ ધાર્મિક વિચારસરણીઓમાં કેટલીક સમાનતા અને તફાવત હોય છે.
  • ધાર્મિક વિચારસરણીઓ જોઈએ તો

એક, જુડો ક્રિશ્ચિયન વિચારસરણી

        બે, ક્રિશ્ચિયન વિચારસરણી

       ત્રણ, હિન્દુ વિચારસરણી

      ચાર, મુસ્લિમ વિચારસરણી  

 આ બધી વિચારસરણીઓનો એકબીજા ઉપર પ્રભાવ હોય છે.

 બિનસાંપ્રદાયિક વિચારસરણી

બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ વિચારસરણી એ સમાજના સામાજિક, આર્થિક કે રાજકીય પાસાઓના સંદર્ભમાં હોય છે.

ઇતિહાસમાં જોઈએ તો જેમ જેમ સમાજની વ્યવસ્થાઓ બદલાઈ, શાસન વ્યવસ્થા બદલાઈ તેણે સમાજને, મનુષ્યને જુદી જુદી રીતે અસરો કરી છે.

જ્ઞાનના વિવિધ ક્ષેત્રોનો વિકાસ થતાં બુદ્ધિવાદનો વિકાસ થયો. ભારતમાં જોઈએ તો આઝાદી સુધી લોકોની સમસ્યાઓમાં સમાજસેવકો, પરંપરાગત સંસ્થાઓ, દ્વારા મદદ કરવાની વિચારસરણી હતી. તે મુખ્યત્વે ધાર્મિક પ્રેરણાથી પ્રેરિત હતી. આઝાદી પછી કલ્યાણવાદની વિચારસરણી આવી. જેણે સમાજમાં પ્રશ્નોમાં રાજ્યની જવાબદારી છે તેમ વિચાર્યું. લોકો જેમની જરૂરિયાતો પૂરી થતી નથી, તેમને સરકાર મદદ કરે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે અધિકારની દ્રષ્ટિએ જોવાનો અભિગમ વિકસ્યો. જેમાં માનવ અધિકાર, નારીવાદ,બહુસાંસ્કૃતિકવાદ,સ્વતંત્રતા જેવી વિચારસરણીઓ વિકસી.

 આ તમામ વિચારસરણીઓનો સમાજકાર્ય પર પ્રભાવ જોવા મળે છે. દરેક વિચારસરણીની પોતાની માન્યતાઓ, મૂલ્યો હોય છે. અગાઉની વિચારસરણીઓની આલોચના હોય છે અને સમાજને વધુ સારી સ્થિતિમાં લઈ જવા માટેનો દ્રષ્ટિકોણ અને પ્રયત્ન હોય છે.