દલિતોની સમસ્યાઓમાં સમાજકાર્યની ઉપયોગીતા અને પડકારો
વ્યવસાયિક સમાજકાર્ય એ માણસ જાતની સામાજિક સમસ્યાઓમાં મદદ કરવાનો વ્યવસાય છે, જેના દ્વારા લોકોને તેમની સમસ્યાઓમાં એવી રીતે મદદ કરવામાં આવે છે કે જેથી તેઓ સ્વયં મદદ કરતા થાય. વ્યવસાયિક સમાજકાર્યના બે મહત્વના મૂલ્યો છે એક માનવીનું ગૌરવ અને બીજું સામાજિક ન્યાય. ગૌરવનો ખ્યાલ એ સૂચિત કરે છે કે ગૌરવ મેળવવો એ માનવજાતનો અધિકાર છે. એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર ગૌરવ સાથે જીવન જીવવા માટે જરૂરી તમામ આવશ્યક્તાઓ પ્રાપ્ત કરવાનો દરેક માણસને અધિકાર છે. બીજું મૂલ્ય સામાજિક ન્યાય, એ સૂચિત કરે છે કે સામાજિક ન્યાય વ્યક્તિ અને જૂથોના તેમની ક્ષમતાઓનો યોગ્ય વિકાસ અને સાર્વજનિક સુવિધાઓ મેળવવાના અધિકારોને નિશ્ચિત કરે છે. સામાજિક ન્યાય એવી આદર્શ સ્થિતિ છે જેમાં સમાજના બધા સભ્યોને સામાન્ય રીતે મૂળભૂત અધિકારો, સમાન રક્ષણ, સમાન તકો, સમાન ફરજો અને સમાન સામાજિક લાભો મળતા હોય. અભ્યાસમાં દલિતો પ્રત્યેના સમાજના વલણો તથા અત્યાચારોની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. દલિતોની આ સ્થિતિ એ સામાજિક અન્યાયની છે. સામાજિક અન્યાયની સ્થિતિ ત્યારે પેદા થાય છે જ્યારે સમાજમાં દલિતોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. હજુ આજે પણ દલિતો પ્રત્યેક જ્ઞાતિગત પૂર્વગ્રહ જોવા મળે છે. તેમના પ્રત્યે ભેદભાવ રાખીને અસમાનતા ઊભી કરવામાં આવે છે. માનવ અને નાગરિક તરીકેના અધિકારો પરની તરાપ દલિતોને સાધનો અને તકો પ્રાપ્ત કરવાના સમાન હકને નકારે છે અને સમાજના વિકાસમાં તેમની ભાગીદારીને મર્યાદિત કરે છે. શોષિત દલિતો અમાનવીયકરણનો ભોગ બન્યાની લાગણીનો અનુભવ કરે છે જે અપમાનીત સ્થિતિ દર્શાવે છે.
જો માનવીનું ગૌરવ અને સામાજિક ન્યાય સમાજકાર્યના મહત્વના મૂલ્ય હોય તો દલિતોની સમસ્યા વ્યવસાયિક સમાજ કાર્યકરોની નિસ્બતનો વિષય બનવી જોઇએ. વ્યવસાયિક સમાજ કાર્યકર દલિતો પ્રત્યેના સમાજના જાતિગત પૂર્વગ્રહો દૂર કરીને પર્યાપ્ત શિક્ષણની સુવિધાઓ અને તકો પૂરી પાડીને સાચા અર્થમાં રાજકીય ભાગીદારીની સ્થિતિનું નિર્માણ કરી શકે છે. સવર્ણો ઉપરનું આર્થિક પરાવલંબન દૂર કરીને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ તથા વ્યવસાયમાં તકો પૂરી પાડીને દલિતોને સ્વનિર્ભર બનાવી શકાય છે. આરોગ્ય તથા સુખાકારી જેવા મુદ્દાઓમાં સામાજિક સંસ્થાઓ દ્વારા તકો અને સાધનોનું વિતરણ કરીને વ્યવસાયિક સમાજ કાર્યકર પ્રત્યક્ષીકરણ કરી શકે છે. સમાજના વંચિતો પ્રત્યે પ્રતિબદ્ધ અને જવાબદાર સમાજ કાર્યકર પાસે અપેક્ષિત છે કે તે આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં સામાજિક આર્થિક નીતિઓ ઘડવાના કાર્યમાં મહત્વનું પ્રદાન કરી શકે. સામાજિક સેવાઓ પહોંચાડવાના કાર્યમાં દલિતો પ્રત્યે કોઈપણ જાતનો ભેદભાવ રાખવામાં આવે નહીં તેની કાળજી લઈ શકે. આ રીતે સમાન ધોરણે લાભો અને અધિકારોની ખાત્રી પૂરી પાડીને દલિતોનું ગૌરવ અને સામાજિક ન્યાયના મૂલ્યને દ્રઢ બનાવી શકાય છે.
ગાંધીજી જેને છેવાડાના માણસો કહેતા હતા અને વ્યવસાયિક સમાજ કાર્યકરો જેમને સીમાંત જૂથ કહે છે તેવા દલિતોની સ્થિતિ સૌથી નિમ્ન છે. સમાજકાર્યના બન્ને મૂલ્યોની દ્રષ્ટિએ દલિત મુક્તિ અને દલિત ઉત્થાન સમાજકાર્ય નિસબતમાં અગ્રસ્થાને હોવી જોઇએ. પરંતુ તેનાથી આધારિત મુદ્દાઓને વિશેષ રીતે દલિતોની સમસ્યાઓ વ્યવસાયિક સમાજ કાર્યકરોની નિસ્બતનો વિષય ભાગ્યે બન્યો છે. ગુજરાતમાં જોઇએ તો ઘનશ્યામ શાહ, અરવિંદ શાહ, આઈ પી દેસાઇ, એસ. પી. પુનાલેકર, મકરંદ મહેતા જેવા સમાજશાસ્ત્રીઓ કે સમાજ વૈજ્ઞાનિકોએ દલિતો વિશેના અભ્યાસ કર્યા છે. દલિતો અને જ્ઞાતિ વ્યવસ્થા વિશે સ્થિતિનું વિશ્લેષણ કર્યું છે. ગાંધી વિચારધારાવાળી કેટલીક સંસ્થાઓએ અસ્પૃશ્યતા નાબુદી, રોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાઓમાં કામ કર્યું છે. આઝાદી પછી સરકારની સહાય લઈને કામ કરતી સંસ્થાઓએ સરકારની યોજનાઓ દ્વારા દલિતોને લાભો પહોંચાડવાના છુટા છવાયા પ્રયત્નો કરેલા જોવા મળે છે. 1970 ના દાયકામાં દલિત પેન્થર ચળવળ ઊભી થઈ. જેના દ્વારા દલિતોને આક્રમક બનીને હકો છીનવી લેવા એલાન થયું. જેણે દલિતોમાં પોતાની સ્થિતિ વિશે વિરોધ પેદા કર્યો. ત્યાર પછી માનવ અધિકાર ચળવળવો થઈ , તેમાં જે તે વંચિત દલિત આદિવાસી સમુદાયમાંથી જ કેટલાક લોકોએ પોતાના સમુદાયના અધિકારો અને ઉત્થાન માટેની આગેવાની લઇને કામ શરૂ કર્યું . આંબેડકરની વિચારધારાને વરેલા આવા કેટલાક દલિતોએ સેવાઓ પહોંચાડવાનું કાર્ય કરતા દલિતોને સંગઠિત કરીને સંઘર્ષ દ્વારા ન્યાયની સ્થિતિને હાંસલ કરવાના કાર્યને વધારે મહત્વ આપ્યું. સામાજિક ન્યાય માટે મથતા દલિત કર્મશીલોએ સંસ્થાઓ સ્થાપીને સંગઠિત પ્રયાસો હાથ ધર્યા છે. તેઓએ દલિતોના મુદ્દાને તળથી (MICRO Level) વ્યાપક સ્તરે (Macro Level) અને ગામથી વૈશ્વિક સ્તરે જોડવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આ બધા પ્રયત્નમાં વ્યવસાયિક સમાજ કાર્યકરોનું પ્રદાન શું તે પ્રશ્ન થાય છે. શું સમાજકાર્યના ક્ષેત્રોમાં દલિતોના ક્ષેત્રને સ્થાન મળ્યું છે? એ સત્ય છે કે વ્યવસાયિક સમાજકાર્યની નિસબત અને કેન્દ્રિતતામાં આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પુન સ્થાપન, કુટુંબ અને બાળ કલ્યાણ, યુવક કલ્યાણ, પર્યાવરણ, સ્ત્રીપુરુષ જાતિગત સંવેદનશીલતા વગેરે વિષયો રહ્યા છે. દલિત મુક્તિને સમાજકાર્યના ક્ષેત્રોમાં મોટે ભાગે સ્થાન મળ્યું નથી.
વ્યવસાયિક સમાજકાર્યની માણસજાતની સમસ્યાઓનું નિરાકરણ કરવાની કેટલીક મહત્ત્વની, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. જેવી કે વૈયક્તિક સેવાકાર્ય, જુથકાર્ય,સામુદાયિક સંગઠન, સમાજકાર્ય સંશોધન, સમાજ કલ્યાણ વહીવટ અને સામાજિક ક્રિયાપદ્ધતિ. દલિતોની સમસ્યાઓમાં સામાજિકક્રિયા પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ વ્યવસાયિક સમાજ કાર્યકરોમાં સામાજિકક્રિયા પદ્ધતિનો ઉપયોગ ખૂબ ઓછી વ્યક્તિઓ કે જૂથો દ્વારા થતો જોવા મળે છે. મુરલી દેસાઈ અને લતા નારાયણનના જણાવ્યા મુજબ સમાજકાર્યના બધા વિદ્યાર્થીઓ સામાજિક કર્મશીલો બને તે અવાસ્તવિક અપેક્ષા છે.(1998:585) યુજીસીની બીજી રિવ્યૂ કમિટી(1985:197) જણાવે છે કે, સમાજ કાર્યકરોએ સમર્થકર્તા કરતા માર્ગદર્શક, શિક્ષક, હિમાયતી, દલાલ કે વાટાઘાટકારના તરીકે કાર્ય કરવાનું છે .અને જો જરૂર હોય તો લોકોવતી તેમની સ્થિતિમાં સામનો કરવાના કાર્યને આગેવાની આપવી. સામાજિકક્રિયા સમાજ કાર્યકરોની વિવિધ ભૂમિકાઓમાંની એક છે જે સમાજિક કાર્યકર જરૂર પ્રમાણે અદા કરી શકે છે. વિશેષ સ્થિતિમાં કઈ ભૂમિકા અને વ્યૂહરચનાની જરૂર છે તે સમાજ કાર્યકરો પોતે નક્કી કરેં છે.
દલિતોની સમસ્યાઓમાં સમાજના તંત્રનું પરિવર્તન કરવાની જરૂર છે. લોકોને શિક્ષણ આપીને લોકશક્તિ ઉભી કરી શકાય જેના દ્વારા લોકો પોતાની જરૂરિયાત માટે સીધા પગલાં ભરીને પરિવર્તન લાવે. આવી સમસ્યાઓના વ્યવસાયી સમાજ કાર્યકરો સામાજિક્રિયા પદ્ધતિ દ્વારા વ્યાપક સ્તરે(Macro) લેવલે દરમિયાનગીરી કરી શકે છે. પરંતુ વ્યાપક સ્તરે દરમિયાનગીરી કરવાનું સમાજ કાર્યકરો ઓછું પસંદ કરેં છે. સમાજમાંથી ક્યારેક એવા પ્રતિભાવ મળે છે કે વ્યવસાયિક સમાજકાર્યકરો પોતાના સ્થાનને, કારકિર્દીને સલામત રાખીને સમાજકાર્ય કરે છે. તેઓ કોઈ જોખમ ઉઠાવવા માગતા નથી તથા સમાજ કાર્યકરો સેવાર્થી કેન્દ્રિત હોય છે.તેમના પ્રયત્નો મોટેભાગે તંત્રમાં પરિવર્તનના હોય છે.તંત્રનું પરિવર્તન કરનારા હોતા નથી. આજે વ્યવસાયિક સમાજકાર્યકરો ગ્રામ્ય સ્તરે કાર્ય કરેં છે, તેમાંના ઘણાખરા એવું માને છે કે દલિતોને જે સમસ્યાઓ છે તે મુખ્યત્વે આર્થિક પછાતપણાની છે, જે વાસ્તવિક રીતે જ્ઞાતિ આધારિત ભેદભાવો અને દમનના કારણે છે. ભારતમાં વ્યવસાયિક સમાજકાર્યકરો પણ જ્ઞાતી વ્યવસ્થાનો એક ભાગ છે અને કેટલાક અંશે તેઓ પણ જ્ઞાતીગત પૂર્વગ્રહોથી મુક્ત નથી. જેઓ દલિતોના મુદ્દાઓમાં સંશોધન કે અધિકાર માટેની લડતમાં સામેલ થયા છે, તેવા બિનદલિત સમાજકાર્યકરો સામે પણ દલિત સમુદાય એવો નિર્દેશ કરેં છે કે આ બધા દલિતોના મુદ્દાઓમાં સંશોધન કરીને, સક્રિય લડતમાં જોડાઈને પોતાની પ્રતિષ્ઠા ઉભી કરી રહ્યાં છે. આમ બંને કારણસર આજે દલિત સમસ્યાઓ એ માત્ર દલિત કાર્યકરો કર્મશીલોની નિસ્બત રહી છે. દલિત અને બિનદલિત બન્નેના જ્ઞાતિગત પૂર્વગ્રહો છોડવાની જરૂર છે.
દલિતોની સમસ્યાઓ સમાજકાર્યની નિસબતનો વિષય બને તે માટે સમાજકાર્ય શિક્ષણમાં ક્ષેત્રને મહત્વનું સ્થાન મળવું જોઇએ. સમાજકાર્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાતિગત પૂર્વગ્રહમાં પરિવર્તન લાવી શકાય છે. દલીતોની વાસ્તવિક સ્થિતિની સમજ પૂરી પાડીને તેમનામાં ન્યાય, સ્વમાન અને દલિતોના ગૌરવ માટે કામ કરવાનો ઉત્સાહ અને પ્રતિબધ્ધતા ઊભી કરવી જોઇએ. દલિતો ઉપર થતા અત્યાચારોને હિજરત જેવી સમસ્યા દલિતોના માનસ પર કેવો કઠુરાઘાત પહોંચાડે છે અને તેમના અસ્તિત્વનો જ અસ્વીકાર કરેં છે, તે બાબતો પરત્વે સમાજ કાર્યકરોમાં સંવેદનશીલતા ઉભી કરવી ખૂબ આવશ્યક છે. યુજીસી દ્વારા તૈયાર કરેલ મોડેલ કરીક્યુલમમાં પણ દલિતોના ક્ષેત્રને યથાયોગ્ય સ્થાન મળ્યું નથી. ખૂબ ઓછી એવી શિક્ષણ સંસ્થાઓ હશે જ્યાં વ્યવસાયિક સમાજ કાર્યકરોને આ ક્ષેત્ર વિશે શિક્ષણ આપવામાં આવતું હશે. ગુજરાત વિદ્યાપીઠ ગાંધી વિચારધારા આધારે ચાલતી સંસ્થા છે જેમાં વ્યવસાયિક સમાજકાર્યના શિક્ષણમાં દલિતોના વિકાસ વિષય પર વિદ્યાર્થીઓને શીખવવામાં આવતો અભ્યાસક્રમ કદાચ નમૂનારૂપ હશે.