દલિત સમુદાયની ચળવળ
ભારતમાં યુગોથી ધાર્મિક- સામાજિક રીતે અન્યાય, અત્યાચાર અને શોષણનો ભોગ બનેલા દલિતોની સ્થિતિ સમાજમાં નિમ્ન રહી છે. દલિતોમાં પોતાની સ્થિતિ વિશેની ચેતના પેદા થઈ ત્યારથી તેઓ પોતાના અધિકારો, સમાનતા માટેની માંગ કરતા થયા છે. જેમાંથી વિવિધ પ્રકારની દલિત ચળવળ દેશમાં થઈ છે. દલિત ચળવળની વાત કરીએ છીએ ત્યારે કેટલાક ચોક્કસ પ્રશ્નોના સંદર્ભમાં તેનો વિચાર કરવો જરૂરી લાગે છે ,જેમ કે આ દલિત ચળવળના પ્રકારો શું હતા? તેના મુદ્દાઓ અને સ્વરૂપ શું હતું ? તે ચળવળ સમયે સામાજિક વિરોધાભાસ અને સામાજિક, રાજકીય ,સાંસ્કૃતિક સ્થિતિ શું હતી? આ ચળવળની સમાજ ઉપર વ્યાપક અસરો શું ઊભી થઈ? જુદા જુદા મુદ્દાઓ પર થયેલી ચળવળોની સમગ્રલક્ષી કોઈ અસર ઊભી થઈ શકી છે?
દલિત ચળવળને સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની રીતે બે રીતે જોવામાં આવે છે. સુધારાવાદી સામાજિક ચળવળ જેમાં સમાજની વ્યવસ્થાઓ મૂલ્યો સંસ્થાઓને બદલવાની માંગ હોય છે .બદલાવ સમાજમાં મર્યાદિત રીતે આવે છે. બીજી ચળવળ ક્રાંતિકારી ચળવળો છે,જેમાં સમાજમાં મૂળગામી પરિવર્તન લાવવા ઇચ્છે છે .દલિત ચળવળ ઉપરના જે અભયાસો થયા છે તેને આધારે દલિત ચળવળને ત્રણ રીતે વિભાજિત કરી શકાય છે. એક સામાજિક માળખામાં કે ગામ અથવા જ્ઞાતી વ્યવસ્થામાં પરિવર્તન માટેની પછાત વર્ગોની ચળવળો. બીજું વ્યક્તિગત દલિત ચળવળ એટલે કે અમુક ચોક્કસ વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ચળવળ. ત્રીજું ,તેથી વધુ દલિત ચળવળની તુલના અને વિશ્લેષણ કરીને પરિવર્તન અને સ્થિતિને સમજવાનો પ્રયત્ન થાય છે.
દલિત ચળવળોને આપણે કોઈ પણ પ્રકાર કે વિભાગમાં વિભાજિત કરીએ પણ આખરે તે દરેક ચળવળ મુખ્યત્વે ધ્યેય તો સમાનતા, સ્વતંત્રતા ,બંધુતા ,સામાજિક ન્યાય અને વિકાસનું છે. પ્રશ્ન એ થાય છે કે આ ધ્યેય કેટલે અંશે પ્રાપ્ત થઈ શક્યું છે? દેશના જુદા જુદા પ્રદેશોમાં થયેલી ચળવળમાં કેટલા અંશે તેના ધ્યેયમાં સફળતા મળી છે? પરંતુ મોટાભાગની ચળવળ નિષ્ફળ ગઈ છે .જેના કારણોમાં હિન્દુ સમાજના માળખાની જડતા, ધાર્મિક રૂઢિચુસ્તતા તથા ચળવળમાં જોડાયેલા લોકોની નબળી આર્થિક સ્થિતિએ તેમને ટકવા દીધા નથી. થોડે ઘણે અંશે સફળ થયેલી ચળવળોએ સામાજિક ધાર્મિક સ્થિતિમાં થોડી સુધારણા જરૂર કરી છે. સમાજમાં વલણોમાં થોડું પરિવર્તન આણ્યું છે. આવી ચળવળોએ સ્થાનિક સ્તરે કેટલીક નવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. જે જોડાણ પામીને સમાજ ઉપર વિવિધ પરિવર્તન કરેં છે
જોગદંડ (1991:14) કહે છે, દલિત ચળવળ લોકોના દરજ્જાના સમતળીકરણની માંગ છે. અને તે દલિતોની નવી ચેતનાનું સાચું પ્રત્યક્ષીકરણ છે. આ નવીજાગૃતિ તેઓને માત્ર સ્વમાન,આત્મનિર્ણયનો અધિકાર અને ગૌરવ આપે છે તેવું નથી પણ તેનો ઉદ્દેશ ઊંચી જ્ઞાતિઓ અને સમાજના વર્ગોના વર્ચસ્વ સામે વિરોધ ઉભો કરે છે. જેઓ આ ચળવળમાં જોડાયા છે તેઓ પોતાના સ્વમાન, એકતાની ભાવના અને સામાજિક -આર્થિક દરજ્જાની સુધારણાની ઈચ્છા રાખે છે.
દલિત ચળવળનો ઉદ્દેશ માનવ ગરિમા, ન્યાય, સમાનતા અને બંધુતાનો છે. દલિતોનો વિરોધ શોષણ અને અન્યાય સામે છે, તે પરંપરાગત મૂલ્યો, ધોરણો, તંત્રનો વિરોધ કરે છે. બીજી રીતે કહીએ તો દલિત ચળવળ સામાજિક- ધાર્મિક પ્રતિબંધો, આર્થિક -સામાજિક શોષણ અથવા સત્તાની વહેચણી પૂરતા વેતનની માંગ કે જમીનની વહેંચણીના મુદ્દાને પ્રકાશમાં લાવે છે.
દલિત ચળવળનું સ્વરૂપ જોઇએ તો તે મુદ્દાઓ પ્રમાણે અલગ અલગ હોય છે. કેટલાકમાં તે લડાયક સ્વરૂપે હોય છે, તો કેટલાક માટે આર્થિક શોષણ અને સામાજિક અત્યાચારના સક્રિય પ્રતિકાર સ્વરૂપે હોય છે. આવા પ્રતિકારમાં ઘણી વખત સંઘર્ષો પેદા થાય છે. જેમાં બંને પક્ષે નુક્શાન થાય છે. પરંતુ કોઈપણ ચળવળમાં સંગઠીત પ્રયત્ન આવશ્યક તત્વ છે.ટૂંકમાં દલિત ચળવળના સ્વરૂપોમાં પ્રતિકાર (Resistance)આંદોલન (Agitation) અને વિરોધ (Protest) મુખ્ય છે.
19 મી સદીમાં જ્યોતિબા ફુલેની પ્રેરણા હેઠળ શરૂ થયેલી જ્ઞાતિવાદ વિરોધી ચળવળ1920 માં મહારાષ્ટ્રમાં અને તમિલનાડુમાં બ્રાહ્મણ વિરોધી ચળવળ તરીકે આગળ ચાલી અને પછી તેનો ડો.આંબેડકરના નેતૃત્વ હેઠળ વિકાસ થયો. આઝાદી પછી દલિતો સામે બે રસ્તા હતા. હિંદુ સમાજ સાથે સમન્વય કરવો અથવા બાબા સાહેબે ચીંધેલા માર્ગે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આંબેડકરની વ્યૂહરચના હતી કે શોષણ, અત્યાચાર અને જ્ઞાતિ વ્યવસ્થા સામે વિરોધ કરવો. આંબેડકરની વિચારસરણી અસ્પૃશ્યતા અને સામાજીક અક્ષમતાઓ જે હિંદુ ધર્મ અને જ્ઞાતિપ્રથાને કારણે હતી તેના મુદ્દાઓને રજૂ કરતી હતી. જેની નિસ્બત રાજકીય સત્તા અને લાભોની વહેચણી, આત્મસન્માન મેળવવું અને ગૌરવાન્વિત સામાજિક ઓળખ ઊભી કરવી તથા સામાજિક આર્થિક શોષણ અને વેઠમાંથી મુક્તિ મેળવવાની હતી. આંબેડકરનું આહવાન એ હતું કે દલિતોએ બ્રાહ્મણવાદી હિંદુવાદને પરાસ્ત કરવા તથા સમાનતા અને સ્વતંત્રતાવાળા સમાજ માટેનો રસ્તો ખુલ્લો કરવા નિર્ણાયક ભૂમિકા ભજવવાની છે. આર્થિક સમાનતા સિદ્ધ કરવા જ્ઞાતીનો નાશ થવો જોઇએ એવો મૂળભૂત ભાર આંબેડકરે મુક્યો હતો . આંબેડકરની ફિલસૂફી નવજાગૃતિની ફિલસૂફી હતી. જેને સામાજિક મુક્તિવાદ તરીકે ઓળખવામાં આવે છે. ડો. આંબેડકરના પ્રયાસોનું જેને કેન્દ્ર કહેવાય તે મહારાષ્ટ્રના મહારો હતા. આંબેડકરના વિચારોને આધારે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં દલિત ચળવળ ઘણી વિકાસપામી. આંબેડકરે કરેલી રિપબ્લિકન પાર્ટી, જેમાં મુખ્યત્વે મહારો હતા, તેમણે ભૂમિ માટેના ઘણા સત્યાગ્રહ કર્યા હતા. પરંતુ આંબેડકરના મૃત્યુ બાદ દસેક વર્ષમાંજ આ ચળવળ વેરવિખેર થઈ ગઈ હતી. ગુજરાતમાં આંબેડકરની વિચારસરણી અને લડત પદ્ધતિ ધીમે ધીમે વિકાસ પામી હતી. આંબેડકરવાદી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં દલિતોના હોટલ પ્રવેશ, મોટર બસ પ્રવેશ તથા મંદિર પ્રવેશ જેવા આંદોલનો થયા. પરંતુ ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવી દલિત સંઘર્ષની લડાયક શૈલી વિકસિત થઈ શકી નહી.
આંબેડકર પછી મહારાષ્ટ્રમાં મુંબઈમાં દલિત પેન્થરનો 1972માં ઉદભવ થયો. જેમાં એક જબરજસ્ત વિદ્રોહનો અવાજ હતો. દલિતોની જાગૃતિના મુદ્દાઓમાં માણસ તરીકેની ઓળખ પ્રાપ્ત કરવી, શિક્ષણ મેળવવું, વિકાસમાં ભાગીદારી અને રાજકીય સત્તા હાંસલ કરવાનો હતો. આ જાગૃતિએ જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યા॰ બંદુક દ્વારા સત્તા મેળવવી, નિશાળામાં ભણીને સત્તા મેળવવી, મતો વડે સત્તા મેળવી, શેરીઓમાં કૂચ કરીને સત્તા મેળવી, ગામડાઓમાં રેલીઓ કાઢવી તથા મીટિંગ ગોઠવવી અને તેના દ્વારા સત્તા મેળવી આ જાગૃતિથી જુદા જુદા પ્રકારના સંગઠનો પણ રચાયા. જેમાં ડાબેરી પક્ષોની ઝુંબેશમાં સામેલગીરીથી દલિતોમાં સ્વાયત્ત સંગઠનોની રચના થઈ.1981માં “દલિત વોઇસ “ નામના એક અંગ્રેજી સામાયિકની બેંગલોરમાં સ્થાપના થઇ. ગુજરાતમાં પણ દલિત પેન્થર દ્વારા ડો. આંબેડકર સાથેનું અનુસંધાન ફળીભૂત થયું. તેમજ શિક્ષણ, સંગઠન અને સંઘર્ષનું સૂત્ર પુનઃ પ્રસ્થાપિત થવા માંડ્યુ. ગુજરાતમાં તેની ભૂમિકા અત્યાચાર અને અન્યાય સામે પ્રતિક્રિયાની રહી. પરંતુ આંદોલન લાંબુ ચાલ્યું નહીં અને વિસ્તર્યું નહીં. ગુજરાતમાં દલિત પેન્થર દ્વારા દલિત સાહિત્યનો વિકાસ જરૂર થયો. પેરેગ્રાફ પછી દલિત સમુદાયમાં નવી નેતાગીરી તેમજ આંદોલનાત્મક રીતે સક્રિય નવા કાર્યકરોની હરોળ ઉભી થઇ. જેમાં રાષ્ટ્રીય સ્તરે દલિતોના માનવધિકાર માટેની ઝુંબેશનું મંચ ઊભું થયું, જેણે દલિતોની અમાનવીય સ્થિતિની રજૂઆત તથા અધિકારોની માગણીની રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઘોષણા કરી. તેના દ્વારા સરકાર અને સમાજ ઉપર દબાણો ઉભા કરવા પ્રયત્નો કર્યા. ગુજરાતમાં નવસર્જન, બિહેવિયરલ સાયન્સ સેંટર, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ જેવી સંસ્થાઓએ, દલિતોના જમીન, પાણી, રહેઠાણ, સામાજિક ભેદભાવ, અત્યાચારો જેવા પ્રશ્નો પરત્વે દલિતોમાં સભાનતા ઊભી કરીને સામાજિક ન્યાયનું આંદોલન ઉભુ કર્યું છે. આ દલિત આંદોલનના એજન્ડામાં પાંચ મુખ્ય મુદ્દાઓ છે.( મેકવાન 2001) અસ્તિત્વ, સલામતિ, સ્વીકૃતિ, સ્વમાન અને સંપૂર્ણ વિકાસ . આ પાચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દલિત આંદોલને નક્કર કાર્યક્રમો આપ્યા છે. જેમાં ભાગીદારી અને અસરકારકતા, સામાજિક અને રાજકીય સમાનતા, શોષણ અને ભેદભાવ નાબૂદ કરવા, જમીન સુધારા, માથે મેલું ઉપાડવાની પ્રથાનો અંત, લઘુત્તમ વેતન, શિક્ષણમાં અનામત વ્યવસ્થા, હિંસા સામે રક્ષણ અને સ્ત્રી વિકાસના કાર્યક્રમો આપ્યા છે. આમ ગુજરાતમાં દલિત ચળવળ એક નવા સ્વરૂપે વિકસી છે. પરંતુ ગુજરાતના સંદર્ભમાં દલિત ચળવળનો સર્વાંગી અભ્યાસ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ થયો નથી. આ એક મહત્વના સંશોધનનો વિષય છે, જે દલિતોની સ્થિતિ અને તેમાં આવેલા પરિવર્તન ઉપર પ્રકાશ પાડી શકે છે.
ડો.આનંદી પટેલ