સામાજિક પરિવર્તનને પ્રેરણા આપતી વર્તમાન  વિચારસરણીઓ 

ટકાઉ વિકાસ (Sustainable Development)

 વિશ્વમાં ટકાઉ વિકાસની સર્વત્ર ચર્ચા થાય છે. માનવ વિકાસ ટકી શકે તેવો, એટલે કે ભવિષ્યની અગણિત પેઢીઓ માટે ચાલુ રહે તેવો હોવો જોઈએ. અત્યારની પેઢી ઝડપી વિકાસ માટે વિશ્વની કુદરતી સંપત્તિ વાપરી નાખે તો ભવિષ્યની પેઢી માટે શું બચશે? ટકાઉ વિકાસની કોઈ સર્વસ્વીકૃત વ્યાખ્યા નથી. તેની પાંચ ખાસિયતો નીચે મુજબ છે.

  1.  ટકાઉ વિકાસ લાંબા ગાળાનું દ્રષ્ટિબિંદુ અપનાવે છે– અર્થકારણે ઝડપથી વિકાસ માટે ટૂંકાગાળાનું દૃષ્ટિબિંદુ અપનાવ્યું છે. ઝડપી નફો મેળવવા ખાનગી ક્ષેત્ર જાતજાતની ઉત્પાદન અને માર્કેટિંગ ટેકનિકો અપનાવે છે. તે ઉપરાંત ઘણા રાષ્ટ્રોની સરકારો લોકોના શિક્ષણ અને આરોગ્યની ઉપેક્ષા કરે છે. જનઆરોગ્ય અને જનશિક્ષણ સમાજને લાંબાગાળામાં ફાયદા કરે છે. જગતના ગરીબ દેશોમાં તેની અવગણના થાય છે.
  2. ટકાઉ વિકાસ વૈવિધ્યને આવકારે છે– જૈવિક વૈવિધ્યને લીધે કુદરતી સાધનોના સ્ત્રોત લાંબા ગાળા સુધી ટકી રહે  છે. ભવિષ્યની પેઢીઓને તેના લાભ મળે છે. આને લીધે ઇકોસિસ્ટમ જળવાય છે. અર્થકારણમાં ઉત્પાદનનું વૈવિધ્ય ગ્રાહકો માટે અનેક વિકલ્પો પૂરા પાડે છે.
  3.  ટકાઉ વિકાસ સંકલિત દ્રષ્ટિ બિંદુ અપનાવે છે- માનવીય સિસ્ટમ અને કુદરતી સિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલ છે. માનવીય સિસ્ટમ કુદરતના તત્વો પર અસર કરે છે અને કુદરતી સાધનો માનવ સમાજ ઉપર અસર કરે છે. કુદરતી સાધનો નાશ પામે તો માનવ સમાજનો નાશ થાય. માનવ સમાજ અને પ્રકૃતિ વચ્ચેના સંકલનને સમજીશું તો જ ટકાઉ વિકાસ સધાશે.
  4.  ટકાઉ વિકાસ સામાજિક સમાનતા અને ન્યાય સાથે સંકળાયેલ છે – સમાનતાના ત્રણ પાયા છે. દેશ દેશ વચ્ચેની સમાનતા, દેશની અંદરના વર્ગો કે સમૂહ વચ્ચેની સમાનતા અને ચાલુ પેઢી તથા આવતી પેઢીઓ વચ્ચેની સમાનતા.  સામાજિક ન્યાય વિના આર્થિક વિકાસને ટકાવવો મુશ્કેલ છે. અત્યારના આર્થિક વિકાસની વિકરાળ સમસ્યા દુનિયાના ગરીબ દેશો અને ધનિક દેશો વચ્ચેની અસમાનતા છે. વળી દરેક દેશમાં પણ જુદા જુદા જૂથો વચ્ચેની આર્થિક અસમાનતાનો તથા સામાજિક ન્યાયનો પ્રશ્ન પણ એટલો જ બિહામણો છે. સામાજિક અસમાનતા અને ન્યાય વિના સમાજમાં હિંસા ફાટી નીકળે છે. વળી બે પેઢીઓ વચ્ચેની સમાનતાનો અર્થ એ થાય છે કે અત્યારની પેઢી કુદરતના સાધનો વાપરી નાખે છે, તો ભવિષ્યની પેઢી માટે કઇ બચે નહીં અને તેઓ ગરીબ જ રહે.
  5.  ટકાઉ વિકાસ લોક ભાગીદારીની અપેક્ષા રાખે છે– ટકાઉ વિકાસ માટે લોકોની નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી જોઈએ. આ માટે સમુદાયો અને સમૂહને પૂરતી માહિતી અપાવી જોઈએ. તેઓને સજાક બનાવવા પડે. કુદરતી સાધનો પર માનવ સમુદાયનું જીવન આધારિત હોય છે. ભારતીય આયોજન ઉપરથી લાદેલી પ્રક્રિયા છે.

ઉપરની પાંચ ખાસિયતો ટકાઉ વિકાસની છે.  પરંતુ ટકાઉ વિકાસના પાંચ મહત્વના પાસાઓ છે જે એકબીજા સાથે સંકળાયેલ છે, તે એકબીજાને અસર કરે છે. જે નીચે મુજબ છે.

અ.  પર્યાવરણીય ટકાઉપણું– આર્થિક વિકાસ કુદરતના સાધનોને જાળવીને થવો જોઈએ. કુદરતની સિસ્ટમ અતિ નાજુક છે. તેમાં એક ઠેકાણે ગાબડું પડે તો બીજે ઠેકાણે સિસ્ટમ ભાગી પડે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પીવાના પાણીને કેવી રીતે પ્રદૂષિત કરી માનવજીવનને ખતરામાં મૂકે છે, તે આપણે જાણીએ છીએ. વળી માનવ વસ્તીમાં અપ્રતિમ વધારો પણ કુદરતની સિસ્ટમને ભયમાં મૂકે છે. માનવ જીવન માટે સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને અપ્રદૂષિત અન્ન જરૂરી છે. આર્થિક વિકાસ નાજુક ઈકોસિસ્ટમને તોડી નાખે તો ઉપરની બાબતો શક્ય બને નહીં, ટકાઉ વિકાસની ચર્ચા વિશ્વમાં શરૂ થઈ. તે પર્યાવરણની ચિંતામાંથી થઈ છે. ગરીબીની સમસ્યામાંથી નહીં.

બ. આર્થિક ટકાઉપણું– આર્થિક વિકાસ જરૂરી છે કે તે માનવ વિકાસ માટે તકો ઊભી કરે છે.આર્થિક વિકાસ ત્યારે જ શક્ય બને, જ્યારે કુદરતી સાધનોને વેડફવાને બદલે માનવ જાત તેનો કાર્યક્ષમ ઉપયોગ કરે. વળી તેણે જનસમાજને વાજબી વળતર મળે તેવી રોજગારી પૂરી પાડવી પડે. આર્થિક વિકાસ થાય પરંતુ કરોડો લોકોને અર્થપૂર્ણ કામ ન મળે તો તે માનવ સમાજમાં મોટો અસંતોષ ઉભો કરે છે. અત્યારે જગત સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે ગરીબોની આર્થિક કાર્યક્ષમતા કેવી રીતે વધારવી? ગરીબોનું શિક્ષણ તથા કૌશલ્ય વધારવાની દિશામાં આર્થિક નીતિઓ ઘડાય તથા ગરીબોને આર્થિક સાધનો વધુ સુલભ બને તે દિશામાં જગતની ઘણી સરકારો પ્રયત્ન કરી રહી છે.  રોજગારી વિનાનો આર્થિક વિકાસ સામાજિક અસંતોષ કે હિંસામાં પરિણમે છે.

ક. રાજકારણીય ટકાઉપણું– આર્થિક વિકાસ રાજકારણની સ્થિરતા વિના ટકતો નથી.બે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય કે પછી દેશની અંદર કોમી તથા  વંશીય રમખાણો ફાટી નીકળે, તેવી સ્થિતિમાં આર્થિક વિકાસ સ્થગિત થઈ જાય છે. જૂથો વચ્ચેના સંઘર્ષનું નિરાકરણ કરવાની રાજકીય કુનેહ  શક્તિ દેશ પાસે હોવી જોઈએ. જ્યાં લોકોના હક્કો અને અધિકારોનો છડે ચોક ભંગ થાય તેવી રાજકીય વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા ટકાવી શકતી નથી. રાજ્યમાં મિલેટ્રીની ભૂમિકા મર્યાદિત હોવી જોઈએ. કેટલીક વખત  મીલેટરી, પોલીસ કે  રાજ્ય સામાન્ય માનવીના અધિકારો છીનવી લે છે.  જેમ જેમ આર્થિક વિકાસ સિદ્ધ થતો જાય તેમ તેમ તેને અનુરૂપ રાજકીય પદ્ધતિ પણ વિકસવી જોઈએ.

ડ. સામાજિક  ટકાઉપણું – આ માટે ત્રણ શરતો મહત્વની છે. માનવ અધિકારોનું પાલન, લોકશાહી, સારો સ્વચ્છ અને પારદર્શક સરકારી વહીવટ તથા સંઘર્ષ નિવારણની લોકશાહી પદ્ધતિ.

 આર્થિક વિકાસ લાંબા ગાળા માટે ટકી રહે તે માટે નીચેની ચાર બાબતો નું પાલન થવું જોઈએ.

  • આવકની અસમાનતા ઘટાડવી જોઈએ. દરેક દેશના સ્થાપિત હિતો  દેશની આવકમાંથી ઘણો મોટો હિસ્સો પડાવી લે છે.  આ સ્થાપિત હિતો  દેશની આર્થિક અને રાજકીય નીતિઓમાં ઘડતર પર કાબુ ધરાવતો હોય છે.  તેઓ આ નીતિઓ કાયમ રાખવા માંગે છે. બજારના પરિબળો પર સંપૂર્ણ આધાર, આર્થિક અસમાનતા વધારે છે.  જો સરકારી ખર્ચ ગરીબોની તરફેણમાં થાય તો આવકની અસમાનતા ઘટે છે.  પરંતુ જો સરકાર પ્રતિષ્ઠા ભર્યા મોટા મોટા પ્રોજેક્ટ, દા.ત. એટમ બોમ્બ બનાવવા પાછળ ખર્ચ કરે તો આવકની અસમાનતા ઘટતી નથી. વળી જમીનની સુધારણાના, ન્યાયી વહેંચણીના કાયદાઓ ઘડાય અને તેનો અમલ થાય, તો ગરીબોની આવક વધે છે.  ગરીબોની ઉત્પાદકતા કે કાર્યક્ષમતા વધારવાનો ઉપાય યોજાય તો પણ તેમની આવક વધે છે.
  • સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતા વધવી જોઈએ– સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો છે.  એટલું જ પૂરતું નથી.  આર્થિક વિકાસમાં સ્ત્રીઓના વિકાસની વાત અલગ રીતે બજેટમાં મુકાય તો સ્ત્રીઓને ફાયદો થાય તેમ છે. તે વિના ઝડપી આર્થિક વિકાસ પણ સ્ત્રીઓની સામાન્ય શક્તિને અને ખરીદ શક્તિને વધારતી નથી.
  •  આરોગ્ય અને શિક્ષણમાં રોકાણ વધવું જોઈએ– જન આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણમાં રોકાણ કરવાથી માનવ સાધનોનો વિકાસ થાય છે. આ રોકાણથી આર્થિક ફાયદો થાય છે. માત્ર એટલા માટે નહીં પરંતુ શિક્ષણ અને આરોગ્ય દ્વારા માનવજીવન વધુ લાંબુ તથા સમૃદ્ધ બને, તે પોતે જ એક સ્વતંત્ર ધ્યેય છે.
  • લોક વિકાસમાં લોક ભાગીદારી હોવી જોઈએ– વિકાસના તમામ તબક્કે લોક ભાગીદારીનો ખ્યાલ હવે સર્વ સ્વીકૃત બનતો જાય છે. સ્થાનિક સંસ્થાઓની વિકાસ પ્રક્રિયામાં વધુ સ્વાયત્તતા હોવી જોઈએ. રાજકીય અને આર્થિક નિર્ણય પ્રક્રિયામાં સ્ત્રીઓની ભાગીદારી આવશ્યક ગણવી જોઈએ. લોક ભાગીદારીને અસરકારક બનાવવા લોકોને સંગઠિત કેવી રીતે કરવા તે જગતના ધનિક દેશોમાં ગંભીર સમસ્યા છે.  લોકો ધર્મ, જ્ઞાતિ કે ટ્રાઇબને આધારે કરોડોની સંખ્યામાં સંગઠિત થાય છે, પરંતુ આર્થિક સ્થિતિ સુધારવા સંગઠિત થતા નથી. તે ગંભીર પ્રશ્ન છે.

ઈ સાંસ્કૃતિક ટકાઉ – આર્થિક વિકાસ માટે અમુક સાંસ્કૃતિક મૂલ્યો ભયજનક પુરવાર થાય છે. જ્યારે કેટલાક સાંસ્કૃતિક મૂલ્યો સહાયક બને છે. દા.ત. ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ પ્રથા તથા ધાર્મિક આધ્યાત્મિક મૂલ્યો કેન્દ્ર સ્થાને છે. જે આર્થિક વિકાસ માટે નુકસાનકારક છે. આર્થિક વિકાસ  સાંસ્કૃતિક મૂલ્યોને તોડી નાખે છે. તેનાથી સ્થાનિક પ્રજા અસુરક્ષિતતાની લાગણી અનુભવે છે. દા. ત. આર્થિક વિકાસને પરિણામે સ્ત્રી નોકરી કરતી થાય અને પતિની જોહુકમીને સહન ના કરે, તો બંને વચ્ચેના સંઘર્ષમાં પરિણમે, તે આવકારદાયક છે.  તેવી જ રીતે આર્થિક વિકાસને પરિણામે નવી પેઢી જૂની પેઢીને માન ના આપે, તેમની આમાન્યા ના જાળવે અને તેમના અભિપ્રાયને અવગણે તે પણ આવશ્યક છે. ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે જે આર્થિક વિકાસ માટે સહાયક છે. જુના અને નવા સાંસ્કૃતિક તથા સામાજિક મૂલ્યો વચ્ચે સંતુલન રાખીને આર્થિક વિકાસ કેવી રીતે સિદ્ધ કરવો તે જગતના ગરીબ દેશો માટે મુખ્ય પ્રશ્ન છે.

લોકશાહી :

લોકશાહી લોકોને સ્વતંત્રતા આપે છે કાયદા સામે સૌને સમાન ગણે છે, તથા ન્યાયની ખાતરી આપે છે. સહકારને ઉત્તેજન આપે છે જેનાથી સુગ્રથિત સમાજ બને છે.  સમાજકાર્યનું ધ્યેય પણ આવા સમાજની રચનાનું છે. તેથી જ સમાજકાર્ય લોકશાહીના, સ્વતંત્રતા અને સમાનતાના મૂલ્યોને સ્થાપિત કરવા પ્રયત્ન કરે છે.

સ્વતંત્રતા એટલે  સમાજના સભ્યોના વિચાર, વર્તન અને વાણી માટેની  સ્વતંત્રતા.  પરંતુ આ પ્રકારનું સ્વાતંત્ર્ય જો દરેક વ્યક્તિ ભોગવે તો તેમાં પરસ્પર સંઘર્ષ ઉત્પન્ન થાય છે. કારણ કે એક વ્યક્તિનું સ્વાતંત્ર્ય  બીજી વ્યક્તિઓના સ્વાતંત્ર્યમાં અવરોધો ઊભા કરે છે. જેથી સામાજિક સંઘર્ષ અને તાણની અવસ્થા ઉત્પન્ન થાય છે.  સમાજકાર્ય આવી સ્થિતિમાં સમાજના લોકો પોતાની સ્વતંત્રતા માટે સ્વયં શિસ્ત કેળવે અને પોતાનું હિત અને સમાજના હિત વચ્ચે સમાયોજન સ્થપાય  તે દિશામાં પ્રયત્ન કરે  છે.

લોકશાહીનું બીજું મૂલ્ય છે સમાનતા. આ સમાનતા એટલે સંપત્તિની સમાનતા, કાયદા સમક્ષની સમાનતા અને નાત, જાત, વંશ, જાતિ, રાષ્ટ્ર વગેરેને લગતા તફાવતને ધ્યાનમાં લીધા વિનાની તકની અને દરજ્જાની સમાનતા. પરંતુ દરેક સમાજમાં આજે કોઈને કોઈ પ્રકારના ભેદભાવો જોવા મળે છે. તેમાંથી ઊભી થતી અસમાનતાને દૂર કરવી જરૂરી છે.

લોકશાહીમાં વૈવિધ્યને અવકાશ છે. લોકશાહીમાં વ્યક્તિત્વની આગવી લાક્ષણિકતાનું દમન થતું નથી. જો માણસમાં પ્રચ્છન્ન શક્તિ હોય, યોગ્યતા હોય, પોતાની શક્તિમાં વિશ્વાસ હોય, તો તે જે ઈચ્છે  તે હાંસલ કરી શકે છે, તેની કોઈ મર્યાદા નથી. લોકશાહીમાં ભેદભાવો અંગેની સમાનતા કેળવાય છે અને તેની ન્યાયની માંગ સતેજ બને  છે. જ્યાં વ્યક્તિની વૈવિધ્યતાનું,અભિવ્યક્તિનું, દમન થાય છે, જ્યાં ન્યાયની સ્થિતિને નકારાય છે, ત્યાં સમાજકાર્ય લોકોને સંગઠિત કરી લોકશાહીમાં લોકોની આ વાતને બુલંદ કરવા સામાજિક ક્રિયાનો ઉપયોગ કરે છે. આમ લોકશાહીમાં અસંતોષ હોઈ શકે અને આ અસંતોષને કાર્યાત્મક બનાવી શકાય અને તેમાંથી લોક આંદોલનો ઊભા થઈ શકે.

લોક કેન્દ્રિત વિકાસ

 લોક કેન્દ્રિત વિકાસ એટલે લોકો દ્વારા, લોકો માટે, લોકોનો વિકાસ. ટૂંકમાં લોકો પોતે પોતાના વિકાસના પ્રયત્નમાં સામેલ હોવા જોઈએ અને તેઓ તેનો લાભ મેળવનાર હોવા જોઈએ. લોક કેન્દ્રિત વિકાસ માટે નીચેના આવશ્યક ઘટકો છે.

  1. જાગૃતિ -લોકો પોતાની સ્થિતિ અને પર્યાવરણની વાસ્તવિકતાથી જાગ્રત હોવા જોઈએ. તો જ તેઓ સંપૂર્ણ રીતે સહભાગી બની શકે.
  2. સામાજિક સંગઠન– સ્થાનિક સંસાધનોને ઉપલબ્ધ કરવામાં અને પોતાના વિકાસમાં પૂર્ણ સહભાગીદારી માટે લોકોના જૂથો અને સ્થાનિક સંગઠનો બને તે જરૂરી છે.
  3. ભાગીદારી– વિકાસ ત્યારે જ લોકોની વાસ્તવિકતા અને જરૂરિયાતોને પ્રતિબિંબિત કરશે જ્યારે માત્ર વિકાસની પ્રક્રિયા સંપૂર્ણ ભાગીદારીવાળી હશે. લોકોની જિંદગીને આકાર આપતા નિર્ણયો અને પ્રક્રિયાઓમાં લોકોની સંપૂર્ણ ભાગીદારી હોવી જોઈએ.
  4. સ્વનિર્ભરતા– લોકોને આવક કે વળતર મળે તેવી રોજગારીની પ્રક્રિયામાં સંપૂર્ણપણે ભાગીદારી હોવી જોઈએ. તેમની ઉત્પાદકતા વધે તે માટે તેમને સક્ષમ બનાવવાની જરૂર છે. સ્થાનિક સમુદાયમાંથી સાધનો ઉપલબ્ધ થતા હશે તો, લોકોનું પોતાના વિકાસ ઉપર વધુ નિયંત્રણ થશે.
  5. સંપોષકતા– માત્ર વર્તમાન પેઢીઓ માટે નહીં પણ ભાવિ પેઢીઓ માટે પણ તકોની કાળજી રાખવી.ભૌતિક, માનવીય, અને પર્યાવરણીય એમ તમામ પ્રકારની સંપત્તિનું જતન અને વર્ધન થવું જોઈએ.

 આમ લોક કેન્દ્રિત વિકાસ લોકોનું સશક્તિકરણ કરનારો હોય, તે પરિણામલક્ષીને બદલે પ્રક્રિયા પર ભાર મુકતા હોય. લોકોમાં વિશ્વાસ રાખનારો હોય. લોક કેન્દ્રિત વિકાસ માટે લોકોની ક્ષમતાઓ વધારવામાં, સરકાર, સંસ્થાઓ અને વ્યવસાયીકોની એ ભૂમિકા છે, કે તેઓ લોકોને સહાયક પર્યાવરણ પૂરું પાડવા જરૂરી સેવાઓ પૂરી પાડે. સમાજ કાર્યકર લોક કેન્દ્રિત વિકાસ માટે સરકારની નીતિઓ કાર્યક્રમની આલોચના કરે છે. તેને સુસંગત બનાવવા માટે નીતિ ઘડતરની પ્રક્રિયા પર  દબાણ ઊભું કરવું અને તેમાં દરમિયાનગીરી કરવી જેવા કાર્યો કરે છે. તથા વંચિત જૂથોની સમસ્યાઓની હિમાયત કરે છે.

સામાજિક ચળવળ:

ઇતિહાસને જોતા એવા નોંધપાત્ર સમય જોવા મળે છે જ્યારે લોકો ખૂબ ગરીબીમાં કે ખૂબ ગુલામીમાં જીવતા હતા. પરંતુ તેમણે વિરોધ કર્યો નહોતો. સતત ગરીબી કે નુકસાન માણસોને ક્રાંતિકારી બનાવતા નથી. પરંતુ તે સ્થિતિમાં તેઓ મુંગે  મોઢે સહન કરી લે છે. વિરોધ અને તેમાંથી ચળવળ ત્યારે જ થાય છે, જ્યારે લોકોના જીવનની સ્થિતિમાં થોડો સુધારો થવાની શરૂઆત થાય છે. એક વખત જીવનનું સ્તર ઊંચું આવવા લાગે છે ત્યારે લોકોની અપેક્ષાનું સ્તર ઊંચું આવવા લાગે છે. તે સમયે જો ખરેખર સ્થિતિમાં સુધારો ધીમો પડે છે, તો બળવો કે વિરોધ કે વિદ્રોહ કરવાની ઈચ્છા પેદા થાય છે. કારણ કે વધતી અપેક્ષાઓમાં હતાશા આવે છે.

કેટલીક વખત અથવા મોટેભાગે પોતાની સ્થિતિ પ્રત્યે અસંતોષ કે તેમાંથી પ્રગટતી અપેક્ષાઓને લોકો સમજી નથી શકતા, કે વ્યક્ત કરી નથી શકતા. જેથી આવા સંજોગોમાં સામાજિક કર્મશીલોની ભૂમિકા મહત્વની બને છે. તેઓ લોકોમાં તેમની સ્થિતિ પ્રત્યેની સમજ વિકસાવે છે. તેમનામાં અસંતોષ અને અપેક્ષાઓ પેદા કરે છે. જેમાંથી વિરોધ પેદા થાય અને પોતાના અધિકારો માટે આંદોલનોને પેદા કરવામા ટેકો કરે છે. આવા અનેક મનુષ્ય જીવનના સામાજિક પાસાઓ છે, જેમાંથી સામાજિક આંદોલન પ્રગટ્યા છે. જેવા કે સામાન્ય લોકોનું આરોગ્ય અને સુખાકારી, જંગલો, વૃક્ષો અને સામુદાયિક સાધન સંપત્તિ પર સ્થાનિક અથવા ખેડૂતોના અધિકારો,  સૂક્ષ્મ હિંસાઓ અને શોષણ પ્રથાઓનો વિરોધ અને કચડાયેલાઓના માનવીય ગૌરવ અને વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટેની હિલચાલો, સ્ત્રીઓના હક્કો વેઠપ્રથા અને બાળમજૂરી, બાળશોષણ, સામેની ચળવળો મહત્વની છે. આવી અનેક ચળવળો આજ  સુધી દેશમાં થઈ છે. જેમ કે ઉતરાખંડની ઝાડ બચાવવા માટેની ચીપકો આંદોલન ( સુંદરલાલ બહુગુણા), છત્તીસગઢની ખાણિયાઓની લડત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં બંધુઆમુક્તિ આંદોલન, કર્ણાટકના કનકપુરમાં ખાણોના ખોદકામ અને ગ્રેનાઇટની નિકાસ સામે ખેડૂતોનો સત્યાગ્રહ, ઝારખંડ મુક્તિ મોરચાની ચળવળો, સ્ત્રીઓ પરના અત્યાચારો અને દહેજપ્રથા વિરોધી આંદોલનો, નર્મદા બંધ સામેના આંદોલનો, અણુ ઊર્જા મથકો સામેના આંદોલનો જાણીતા છે. આ બધી ચળવળો આર્થિક અને રાજકીય માગણીઓ પૂરતી મર્યાદિત નથી. તેના પર્યાવરણીય સૃષ્ટિ, સમતુલા, ઇકોલોજી, સંસ્કૃતિ, શૈક્ષણિક તેમજ માનવીય ગૌરવની પ્રતિષ્ઠા જેવા માનવતાવાદી પરિણામો પણ એટલા જ મહત્વના અને સૂચક છે. જેમની સામે આ લડતો થાય છે, તેના મૂળ સમાજમાં રહેલા હોય છે. પરંતુ આ ચળવળ અસરગ્રસ્તો, ભોગ બનેલા લોકોની સંપૂર્ણ ભાગીદારીથી તેમના દ્વારા ચાલતા હોવા જોઈએ. તો જ તે પરિણામલક્ષી બની શકે.

Tilly કહે છે કે જ્યારે લોકો પાસે તેમનો અવાજ રજૂ કરવા માટેનો સંસ્થાકીય ઉપાય નથી હોતો અથવા જ્યાં તેઓની જરૂરિયાતો રાજ્ય સત્તા દ્વારા સીધી રીતે દબાવી દેવામાં આવી હોય છે, ત્યારે તેના ઉપાય તરીકે જૂથના સાધનોની જમાવટ કરવામાં આવે છે. તેઓ વધુમાં એમ કહે છે, સામાજિક ચળવળ સમાન હિત અથવા સમાન ધ્યેયોની જાળવણી માટેની, પ્રસ્થાપિત સંસ્થાઓના પ્રભાવ બાદ થતી સામૂહિક ક્રિયા છે.

Neil Smelser સામાજિક ચળવળ માટે નીચેના છ તત્વોને મહત્વના ગણે છે.

  1.  સ્થિતિ માટે વિરોધ અને સામૂહિક વર્તન- સામૂહિક વર્તન એટલે સ્વયંભૂ પેદા થતું લોકોનું વર્તન. લોકો પોતાની એક સમાન સ્થિતિનો સરખો અનુભવ કરે છે. તેને માટે તેમના મનમાં વિરોધ જન્મે છે અને આ લાગણી, વિરોધ સામૂહિક બને છે.
  2. દબાણો- પોતાની સ્થિતિનો વાસ્તવિકતાઓનો વિરોધ કરવા માટે સામૂહિક સ્તરે દબાણ ઊભા થાય છે. સ્થિતિ પડકારરૂપ બને છે.
  3. સમાન પ્રતિભાવ- પોતાની સ્થિતિની સમજ સમાન બને છે. તેઓ ભેગા થઈ, બનાવ, ઘટના, સ્થિતિ, સંજોગોને પરિભાષિત કરે છે. અને તેનો પ્રતિભાવ કેવી રીતે આપવો તે સર્વસ્વીકૃતિથી નક્કી થાય છે.
  4. સામૂહિક ક્રિયા માટે ઉત્તેજિત થાય છે.
  5. સંગઠિત ક્રિયા.
  6. સામાજિક નિયંત્રણ

આમ દરેક સામાજિક ચળવળમાં  આ તત્વો જોવા મળે છે.

નાગરિક સમાજ (Civil Society) :

નાગરિક સમાજ, નાગરિકોના બનેલા સમાજના એક વર્ગને સમાજવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ તરીકે નાગરિકો, મનુષ્ય વતી, મનુષ્યના કલ્યાણ માટે વિચારે છે. નાગરિક સમાજમાં એવી સંસ્થાઓનો સમાવેશ થાય છે કે જે સમાજમાં અન્ય વિભાગોથી જુદી છે. જેમ કે તે રાજકીય પક્ષો, સરકારી સંસ્થાઓ, મતદાનના ધોરણો, લશ્કર અને કાયદો અને વ્યવસ્થાપનનું તંત્ર, ન્યાયતંત્ર, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને  તેમની પારસ્પરિક વ્યવસ્થાઓ જેવી રાજ્ય અને બજારની સંસ્થાઓથી જુદી છે.

 નાગરિક સમાજમાં મંડળો અને સામાજિક પ્રવૃત્તિનો સમાવેશ કરતા સામાજિક ધોરણો અને વ્યવહારોનો સમાવેશ થાય છે. સમકાલીન સંદર્ભમાં, સામાજિક આંદોલનો, લોકોના સંગઠનો, માળખાઓ અને મંડળો, મહિલાઓ અને યુવાનોના જૂથો અને સામુદાયિક જૂથોનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતીરાજ, નાની ઉત્પાદક સહકારી મંડળીઓ, ગ્રામ સમિતિઓ, પાણી, સિંચાઈ અને શિક્ષણ માટેની સમિતિઓ એ નાગરિક સમાજની સંસ્થાઓના નવા સ્વરૂપો છે. આમ નાગરિક સમાજ પ્રણાલિગત અને આધુનિક માળખાના વિવિધ પ્રકારના કર્તાઓનો બનેલો છે.

નાગરિક સમાજની સંસ્થાઓ વચ્ચે ભેદ પાડવાનું કારણ એ છે કે રાજ્ય અને બજાર, બંનેના જુદા જુદા લક્ષણો છે.  અને વિશ્વના વિવિધ દેશોમાં કેટલીક ઐતિહાસિક પ્રક્રિયાઓને લીધે તેમનું જુદું જુદું મહત્વ છે.

 નાગરિક સમાજની ભૂમિકા :

કેટલાક દેશોમાં રાજ્ય મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે કેટલાક દેશોમાં બજાર મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વમાં પ્રવર્તમાન અસમાનતા ઘટાડવામાં આ બંને મોડેલ સફળ થયા નથી. 1995 નો માનવ વિકાસ અહેવાલ જણાવે છે કે રાષ્ટ્રો વચ્ચે અને એક જ રાષ્ટ્રની પ્રજાઓ વચ્ચે ભારે અસમાનતા પ્રવર્તે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ “સંયુક્ત રાષ્ટ્રોએ” જે ધ્યેયો પ્રસ્થાપિત કર્યા છે, તે પાર પાડવામાં રાજ્ય કે બજાર બેમાંથી એકેય સફળ થયા નથી. પ્રવર્તમાન માળખાની નિષ્ફળતા નાગરિક સમાજમાં એવા નવા માળખાઓ ઊભા કરવાની જરૂરિયાત ઉપસાવે છે કે, જે મનુષ્યના અસ્તિત્વ સામે જ અને ખાસ કરીને સામાજિક આર્થિક રીતે પછાત એવા લોકોના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો કરતા પ્રશ્નોનો નિવેડો લાવી શકે.  વિકાસના આ બંને મોડેલો વચ્ચે તંદુરસ્ત માનવ સમાજને પ્રોત્સાહન આપવા માટે સંતુલન સાધવું  ખૂબ જ જરૂરી છે.

વિશ્વમાં જુદે જુદે સ્થળે અને ભારતમાં બિનસરકારી સંગઠનો દ્વારા જે સફળ પ્રયાસો હાથ કરવામાં આવ્યા છે તે સાબિત કરે છે કે, નાગરિક સમાજના વિવિધ વિભાગોને જો સાચી દિશામાં ગતિ આપવામાં આવે તો તેઓ સમાજના વંચિત વિભાગો માટે ખાસ્સા લાભ ઊભા કરવામાં શક્તિમાન બની શકે તેમ છે. અને તેથી તેઓ બજાર અને અન્ય  રાજ્ય વચ્ચે સંતુલન ઊભું કરવાના પરિબળની ભૂમિકા ભજવી શકે તેમ છે. રિયોમાં 1992માં મળેલી પૃથ્વી પરિષદ, 1993 ની માનવ અધિકારોની પરિષદ, કેરોની 1994 ની વસ્તી પરિષદ, બેજિંગની 1995 ની મહિલા પરિષદ, અને 1996 ની ઈસ્તમબુલની આવાસ પરિષદે, લોક કેન્દ્રીય વિકાસ પર આધારિત સંસ્થાઓના નવા સ્વરૂપોની રચના માટેના માર્ગ મોકળા કર્યા છે.  આ સામાજિક પરિષદોમાં બિનસરકારી સંગઠનોના મંચોએ જે ભૂમિકા ભજવી છે તે દર્શાવે છે કે, નાગરિક સમાજની સંસ્થાઓનો વ્યાપક સ્વીકાર થયો છે. અને તેમની વ્યાપક ભૂમિકા સ્વીકારાય છે.

એ જ રીતે 1995 દરમિયાન નીતિવિષયક અને કામગીરી વિષયક પ્રશ્નો અંગે બહુપક્ષીય બેન્કોમાં બિનસરકારી સંગઠનોનું દબાણ વધ્યું છે. બ્રેડ ફોર ધ વર્લ્ડ,ઓક્સફામ,ધ એનજીઑ વર્કિંગ ગ્રૂપ,  વિશ્વ બેંક અને  બિનસરકારી સંગઠનોનું કાર્યકારી જૂથ વગેરે જેવા માળખા દબાણ કરી રહ્યા છે. તેઓ ખરાબ રીતે આયોજિત અને અમલમાં મુકાતી વિકાસલક્ષી યોજનાઓ પ્રત્યે અસરકારક રીતે ધ્યાન ખેંચવામાં સફળ થયા છે.  અને આર્થિક તથા સામાજિક નીતિ વિષયક બાબતોમાં મૂળભૂત રીતે સુધારા કરાવવામાં પણ સફળ થયા છે.

ઉદારમતવાદ(Liberalism)

 ઉદારમતવાદ એ પશ્ચિમની વિચારસરણી છે. સામંતશાહીની પડતી અને તેના સ્થાને ઉદ્ભવેલી મૂડીવાદી સમાજના વિકારના પરિણામરૂપે ઉદારમતવાદ અસ્તિત્વમાં આવ્યો હતો. તેના શરૂઆતના સ્વરૂપમાં ઉદાર મતવાદ એ રાજકીય સિદ્ધાંત હતો. તેણે નિરંકુશ સત્તાવાદ અને સામંતશાહીના વિશેષ અધિકારો પર પ્રહારો કર્યા હતા.

19મી સદીના પ્રારંભકાળમાં ઉદારવાદી આર્થિક સિદ્ધાંત વિકસ્યો.  તેણે મૂડીવાદી અનિયંત્રણવાદની નીતિના ગુણોના વખાણ કર્યા હતા અને સરકારની તમામ પ્રકારની દરમિયાનગીરીને ધિક્કારી હતી. 19 મી સદીના ઉત્તરાર્ધ પછીના સમયમાં સામાજિક ઉદારમતવાદનું સ્વરૂપ ઉદ્ભવ્યું. જે કલ્યાણકારી સુધારા અને આર્થિક દરમિયાનગીરીની વધારે હિમાયત કરતું હતું. આ અભિગમ આધુનિક ઉદારમતવાદની મુખ્ય લાક્ષણિકતા બની ગયો.

ઉદારમતવાદના તત્વો લાક્ષણિકતાઓ

  1.  વ્યક્તિવાદ– વ્યક્તિવાદ એ ઉદારવાદી વિચારસરણીનું હાર્દ છે. ઉદારમતવાદ કોઈ પણ સામાજિક સમુદાય અથવા તો સામૂહિક સંસ્થા કરતા વ્યક્તિને સર્વોચ્ચ અને અગત્યનું સ્થાન આપે છે. તે વ્યક્તિને નૈતિક ગણે છે. ઉદારમતવાદનું લક્ષ્ય એવા સમાજની રચના કરવાનું છે, જેમાં વ્યક્તિઓ ફૂલીફાલી શકે, વિકાસ પામી શકે .
  2. સ્વતંત્રતા– વ્યક્તિ સ્વતંત્રતા એ ઉદારમતવાદનું હાર્દ છે. સ્વતંત્રતાને સમાનતા, ન્યાય કે સત્તા કરતા પ્રાથમિકતા આપવામાં આવી છે. વ્યક્તિની સ્વતંત્રતા એ કાયદાની મર્યાદામાં રહીને  ભોગવાતી સ્વતંત્રતા છે. કારણ કે એક વ્યક્તિની સ્વતંત્રતા એ અન્ય વ્યક્તિઓની સ્વતંત્રતા માટે ભયરૂપ બની શકે છે. આમ ઉદારમતવાદ એવી સ્વતંત્રતાનું સમર્થન કરે છે, જે તમામ વ્યક્તિઓ ભોગવી શકે.
  3. સમાનતા- ઉદારમતવાદ એવું સ્વીકારીને ચાલે છે કે નૈતિક દ્રષ્ટિએ તમામ વ્યક્તિઓ જન્મથી સમાન છે. કાયદા સમક્ષની સમાનતા, તકની સમાનતા, દરેકને મળવી જોઈએ તેમ માને છે. વ્યક્તિઓ અસમાન શક્તિઓ ધરાવતા હોવા છતાં પણ દરેક પોત પોતાની શક્તિ પ્રમાણે પોતપોતાનો વિકાસ કરવાની સમાન તક મેળવી શકે છે.
  4. સહિષ્ણુતા- ઉદારમતવાદ પ્રમાણે અન્ય વ્યક્તિઓને પોતાની જેમ બોલવાની, વિચારવાની અને વર્તવાની સ્વતંત્રતા હોવાથી, દરેક વ્યક્તિએ અન્ય વ્યક્તિઓ પ્રત્યે તેમની સ્વતંત્રતાના સંદર્ભમાં સહિષ્ણુતા ધરાવવી જોઈએ.  આવી સહિષ્ણુતા ધરાવતી વ્યક્તિઓનો બનેલો સમાજ  છેવટે સમૃદ્ધ બને છે.
  5. સંમતિ– ઉદારમતવાદ પ્રમાણે સત્તા અને સામાજિક સંબંધોનો પાયો સંમતિ અથવા તો સ્વૈચ્છિક રીતે કરવામાં આવેલી સમજૂતીઓ છે. આ દ્રષ્ટિએ સરકારનો આધાર પણ પ્રજાની સંમતિ છે સંમતિની લાક્ષણિકતામાંથી જ એવું તારણ તારવવામાં આવેલ છે કે સત્તાનું ઉદભવ સ્થાન પ્રજા છે. અને આવી સત્તા હંમેશા લોક સ્વીકૃતિ પર આધારિત છે.
  6. બંધારણવાદ– ઉદારમતવાદ રાજ્યને અને વિશેષ કરીને સરકારને વ્યવસ્થા અને સ્થિરતાની ખૂબ જ મહત્વની ખાતરી પૂરી પાડનાર તરીકે સ્વીકારે છે. આમ છતાં પણ ઉદારમતવાદીઓ એ હકીકતનો સ્વીકાર કરે છે કે, સરકાર સત્તાનો દુરુપયોગ કરવાની સત્તા ધરાવે છે. તેને અંકુશિત કરવા બંધારણની અનિવાર્યતા પર ભાર મૂકે છે. કારણ કે બંધારણ દ્વારા સરકારની ત્રણ શાખાઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. તેથી સત્તાનું કેન્દ્રીકરણ થતું નથી. અને ત્રણેય એકબીજા પર અંકુશ રાખે છે. બંધારણ દ્વારા પ્રજાના હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

સમાજકાર્યની આધુનિક વિચારસરણીઓ :

 બુદ્ધિવાદ (Rationalism)

 1600 મી સદીમાં બુધ્ધિવાદની શરૂઆત થઈ.15 મી સદીથી યુરોપમાં શરૂ થયેલા જ્ઞાનપ્રકાશ યુગ/અથવા નવજાગરણકાળમાં વિજ્ઞાન અને તર્કના આધારે ધર્મ સત્તા (ચર્ચની સત્તા) સામે વિદ્રોહ થયો. એનો પ્રભાવ આર્થિક, સામાજિક, રાજકીય બાબતો ઉપર પડ્યો. યુરોપ અને પછી અમેરિકામાં ધર્મસત્તા (ચર્ચ) એ આપેલી સામાજિક- સાંસ્કૃતિક આચારસંહિતાઓ અને નીતિ નિયમો સામે વિદ્રોહ થયો. વિજ્ઞાન તથા તર્ક આધારિત સામાજિક -સાંસ્કૃતિક આચારસંહિતાઓ અને નીતિ નિયમો સામે વિદ્રોહનું વાવાઝોડું ફૂંકાયું અને વિજ્ઞાન તથા તર્ક આધારિત સામાજિક સાંસ્કૃતિક સંરચનાઓ અને માનવ સંબંધો, સામુદાયિક સંબંધોના, મૂલ્યો દ્રઢ થવા માંડ્યા.

નવ જાગરણકાળે ધર્મની ધાર્મિક લાગણીઓ, માન્યતાઓ પ્રત્યે પ્રશ્નો કર્યા. ધર્મ દ્વારા ઈશ્વરની આ દુનિયા વિશે જે ભ્રમ અને ગેરસમજો ફેલાવાઈ હતી એની સામે વિજ્ઞાને પ્રકૃતિના સત્યોને અને સિદ્ધાંતોને લઈને સવાલો કર્યા. જ્ઞાનના સ્ત્રોત તરીકે ધર્મના બદલે કાર્યકારણ સંબંધે સ્થાન લીધું. વૈજ્ઞાનિક તથ્યો આપણા મૂલ્યોથી સ્વતંત્ર છે.  વૈજ્ઞાનિકોએ પ્રકૃતિના જે નિયમો શોધ્યા એને આધારે ધીમે ધીમે યંત્રો બનવાની શરૂઆત થઈ.

17મી સદીમાં યુરોપમાં ફિલોસોફરે મન અને વસ્તુના તફાવત પર ભાર મૂક્યો. ફિલોસોફરે મનને કેન્દ્રમાં રાખ્યો અને વસ્તુ વિશેની તપાસ વિજ્ઞાન પર છોડી. 19 મી સદી પૂર્ણ થતા આધુનિક વિજ્ઞાન એમાં વિશ્વાસ કરતું હતું કે સત્ય તે જ છે જે નિરીક્ષણ કરી શકાય છે. જેને માપી શકાય છે .

કલ્યાણવાદ (Welfarism) :

પ્રોટેસ્ટન્ટ દેશોમાં ઇંગ્લેન્ડ આગળ પડતું સ્થાન ધરાવતો હતો. જેણે ગરીબો માટે કામ કરવા અંગે કાનૂન બનાવ્યા. 1349માં કાયદા મુજબ લોકોએ કામ કરવું જરૂરી બન્યું. ભીખ માગવી તે કાયદા વિરુદ્ધનું બન્યું. સુધારણાના આ સમયમાં 1536 માં હેનરી પુવર લો બન્યો. જેમાં ગરીબો માટે સ્વૈચ્છિક કાર્યકરો ચર્ચ કરતા વધુ સારું કાર્ય કરી શકે છે તેમ કહેવાયું. 1572માં રાષ્ટ્રીય ટેક્સ જે ગરીબો માટે થતા કાર્યને પહોંચી વળવા માટે લેવામાં આવતો.

1600 માં જ્યારે ધર્મની આખરી સત્તાને સ્થાને વિજ્ઞાનને સ્થાન મળ્યું, ત્યારે વૈજ્ઞાનિકોએ એવી આલોચના કરી કે સીધી અને ધાર્મિક રીતે થતું દાન, ભેદભાવયુક્ત અને આવૈજ્ઞાનીક હોય છે. આ આલોચનાના પ્રતિભાવમાં ઇંગ્લેન્ડમાં એલિઝાબેથ પૂવર લો 1601 માં બન્યો. અમેરિકામાં પૂવર લો 1642 માં અમલમાં આવ્યો. 18મી સદીમાં કુટુંબ આધારિત બહારથી મદદ મળતી થઈ.

ઈલીઝાબેથ પૂવર લો લાચાર વ્યક્તિઓને મદદ પૂરી પાડતો હતો, કે જેઓની જરૂરિયાત વધુ હતી, નિરાધાર હતા, અપંગ હતા, લાંબા સમયથી બીમાર હતા, નિર્બળ હતા. તેમાં કયા ગરીબો મદદ મેળવવાની લાયકાત કે પાત્રતા ધરાવે છે અને કયા નહીં તે સ્પષ્ટ થયું.  જોકે બંને પોતાની ગરીબી માટે જવાબદાર હતા. એમ માનવામાં આવતું કે તેઓ રાજકીય મુશ્કેલી, તંત્રની નિષ્ફળતા, અને જેઓ બાળકને જન્મ આપે છે, પણ તેમને સાચવી નથી શકતા તે કારણભૂત હતું. પ્રોટેસ્ટન્ટના  નૈતિક નિયમો મુજબ જે લોકો કામ નથી કરતા તેઓ ગુનેગાર છે, અને અનૈતિક છે.

રાજ્ય શક્તિશાળી અને જમીનદાર વર્ગના હિતને રજૂ કરે છે. રાજ્ય માટે જાહેર હિત એ છે કે જેમાં આર્થિક ક્ષેત્ર અને સામાજિક સંબંધોની જાળવણી કરવી, કે જ્યાં  જમીનદારો તેના ઉપયોગ પોતાના લાભ માટે કરે છે. જેના ઉપર સરકારનું નિયંત્રણ જરૂરી બને છે. ચર્ચ કરતા રાજ્યનું મહત્વ વધુ છે. તે સરકારે સ્થાપિત કરવું જરૂરી હતું. સામાજિક સલામતી પૂરી પાડવા માટેની ડિઝાઇન તૈયાર થઈ તેમાં, ગરીબોને રાહત આપવી, તેમજ  ગરીબોની દેખરેખ  પોલીસો રાખે તેવા  માપદંડ દ્વારા થતી. પાછળથી ઉદારમતવાદીઓએ સરકારને મુક્ત વેપાર માટે છૂટ આપવી અને જેમને મોટું નુકસાન થયું છે, તેમને સામાજિક લાભો આપવા. બેરોજગારોને વિમાનો લાભ, ઘરડાને પેન્શન જેવી રાહતો માટે ભલામણ કરી.

ઇલિઝાબેથ પૂવર લોએ પાદરીની હકુમત નીચેના પ્રદેશમાં (પરગણા)  ગરીબોને મુક્ત કરવાની જવાબદારી  નક્કી કરી, જેને માટે તેમણે તેમના ઉપર દેખરેખ રાખનારા લોકોને નિમ્યા. જેમને ફંડ ભેગું કરવા અને રાહત આપવાની સત્તા આપી. આ સહાય તેમને જ મળતી, જેમને કુટુંબ, પડોશી, મિત્રો તરફથી કોઈ સહાય મળી શકે તેમ નથી કે પૂરતી નથી.  કામ કરી શકે તેવા ગરીબોને કામ કરવાની ફરજ પાડવામાં આવી અને જે અશક્ત હતા તેમને ભિક્ષુકગૃહ  કે આશ્રય ગૃહમાં મૂકવામાં આવતા. અહી રહેનારા લોકોની લઘુત્તમ જરૂરિયાતો પૂરી થતી અને ત્યાં વધુ કલાકો કામ કરવું પડતું, બંનેમાં ગરીબોની સ્થિતિ આકર્ષક નહોતી. આમ ગરીબોને મદદ મેળવવાની ઈચ્છા ના થાય તે માટે તેમને પ્રેરિત કરવાની હતી.

ગરીબો એ રાજ્યની જવાબદારી નથી, તેવું માલથસ જેવા ઉદારમતવાદી અર્થશાસ્ત્રીઓ માનતા હતા. તેમનો જાણીતો “પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન”ના નિબંધમાં તેમણે જણાવ્યું હતું કે અન્નની  ઉપલબ્ધતા કરતા વસ્તી ઝડપથી વધી રહી છે.  તેમણે કહ્યું હતું કે ગરીબોને રાહત મેળવવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તેઓ ઉત્પાદનમાં કોઈ ફાળો આપતા નથી. તેમણે કહ્યું કે દાન વસ્તી વધારો કરે છે, જેનાથી  તેમને માટે અન્નમાં વધારો થતો નથી. દાન લોકોને આળસુ બનાવે છે અને આધારિત બનાવે છે. અને માત્ર વસ્તી વધારો કરે છે. ગરીબોમાં વધારો કરે છે. તેમના મતે વસ્તી વધારા પર નિયંત્રણ એ જ ઉપાય છે. આ ઉદારમત વિચારસરણીએ રાજ્ય દ્વારા થતા કલ્યાણકાર્યોમાંથી સંગઠિત સ્વૈચ્છિક દાન તરફનું પરિવર્તન સૂચવ્યૂ. 1834 માં નવો પુવર લો આવ્યો. જેમાં  લોકોને મળતી મદદને સાચી માનવામાં ના આવી અને સરકાર તેમને રોજી આપવા માટે જવાબદાર નથી તેમ સમજવામાં આવ્યું.

તેમ છતાં ઇલિઝાબેથ પૂવર લોમાં ઘણા પરિવર્તનો કર્યા.  સમાજ અને સામાજિક કલ્યાણનો વિચાર શરૂ થયો.  સરકારની સમાજ કલ્યાણની નીતિ બનાવવામાં આવી. આ વિચાર દુનિયાભરમાં પ્રસર્યો.  મદદ માટે કયા ગરીબો લાયક છે તેમની લાયકાત નક્કી કરવી, તે પદ્ધતિ દુનિયાભરમાં જાણીતી બની.

1930 માં સમાજ કલ્યાણના કાર્યક્રમમાં મોટું પરિવર્તન આવ્યું, જેમાં સરકારની સમાજ કલ્યાણની જવાબદારીમાં વધારો થયો. કારણ કે વ્યક્તિ કે ખાનગી સંસ્થાઓ વ્યાપક સમસ્યાઓને હલ કરવામાં અશક્ત બની. સરકારી પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક અને જાહેર સંસ્થાઓની સાથે સાથે આ દિશામાં શરૂ થઈ. આ કલ્યાણ રાજ્યની શરૂઆત હતી. ઇંગ્લેન્ડમાં બીજા વિશ્વયુદ્ધ પછી સામાજિક વીમો અને બીજી સેવાઓ શરૂ થઈ. જે સામાન્ય રીતે બેવરેજ રિપોર્ટ 1942 તરીકે જાણીતો છે આ દસ્તાવેજ એ બીજા અન્ય દેશોને કલ્યાણ અંગેના વિચારો આપ્યા .

 ઉદારમતવાદ અને લોકશાહી (liberalism and Democracy)

 વ્યક્તિગત પહેલ અને વ્યક્તિગત નિયંત્રણના  વિચારે  નવી વિચારસરણી ઉદારમતવાદનું સ્થાન લીધું. ખેતીમાંથી ઉદ્યોગોનો વિકાસ થતા, ઉદ્યોગો માટે વધુ મજૂરોની જરૂર ઊભી થઈ. ઉદ્યોગ જૂથોના વિકાસથી, રાજા અને પાદરીઓની સત્તા ઘટી. બેન્કર, વેપારી, ઉત્પાદકોના નવા વર્ગો ઉદ્ભવ્યા. તેમની સત્તા અને નિયંત્રણ અસ્થાયી મિલકતો ઉપર હતી. લોકશાહીનો ઉદ્ભવ સામંતશાહીની કાનૂની સ્વીકાર્યતાને ખતમ કરવાનો અને રાજાની સત્તાને મર્યાદિત કરવા માટે થયો.

 ઉદારમતની વિચારસરણીએ વ્યાપક સામાજીક, રાજકીય, પરિવર્તન માટેનો પાયો નાખ્યો. જેનાથી યુરોપના વિવિધ વિભાગોમાં મજૂર માલિક વચ્ચેની ક્રાંતિ થઈ. ઇંગ્લેન્ડમાં 1688ની ક્રાંતિએ પાર્લામેન્ટની સર્વોચ્ચતાને સ્થાપિત કરી. જેમાં  સ્થાપિત કર્યું કે ,રાજકીય બાબતોમાં આખરી સત્તા  લોકોની છે, રાજાની નહીં. 1760માં બ્રિટિશ ગવર્મેન્ટે તેઓના બ્રિટિશ પાર્લામેન્ટમાં કોઈ પ્રતિનિધિ ન હોવા છતાં નોર્થ અમેરિકાના નાગરિકો ઉપર ટેક્સ નાખ્યો. પાછળથી 1775 માં તેમણે તેનો  ઇન્કાર કર્યો અને તેમાંથી યુદ્ધ થયું. આ યુદ્ધે અમેરિકાને સ્વતંત્ર બનાવ્યું અને 1781માં અધિકારોની જાહેરાત થઈ.

18 મી સદીમાં ફ્રાન્સ સામંતશાહી વ્યવસ્થામાં લાંબો સમય સુધી શોષણનો ભોગ બન્યું હતું. મોટાભાગના લોકો વધુ ટેક્સ, નબળી ખેતી અને સ્વતંત્રતાના અભાવથી પીડાતા હતા. ફ્રેન્ચ ક્રાંતિ સ્વતંત્રતા, ભાઈચારો અને સમાનતાના નારાથી થઈ. જેના પરિણામે 1789માં નાગરિકોમાં અધિકારોની જાહેરાત થઈ. આનાથી ફ્રાંસને લોકશાહી ન મળી પણ રાજાની સત્તા મર્યાદિત થઈ.  ઇંગ્લેન્ડ, અમેરિકા અને ફ્રાન્સની મુક્તિ માટેની ક્રાંતિએ કાયદાથી સંચાલિત સરકારની સ્થાપના કરી.

 આ ક્રાંતિ એ આજના રાષ્ટ્રો, રાજ્યોનો પાયો હતો. જે ઉદારમત વિચારધારા આધારિત હતો. જેણે ઉદ્યોગપતિઓ અને વ્યાપારી જૂથોને સત્તા આપી. રાષ્ટ્ર એ લોકોનો સમૂહ છે, જે સામાન્ય, સરખી સંસ્કૃતિ ધરાવે છે. સામાન્ય ઇતિહાસ અને ભાષા ધરાવે છે. અને તે રાષ્ટ્રીય એકતાની લાગણી અનુભવે છે. રાજ્ય એ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર છે, જેમાં  લોકો સ્વતંત્ર સરકાર ધરાવે છે.  રાજ્ય અને રાષ્ટ્ર એક હોઈ શકે.  જો તે બંનેની બાઉન્ડ્રી સરખી હોય.  રાષ્ટ્ર અને રાજ્યના ઉદભવથી રાષ્ટ્રવાદની વિચારસરણી પેદા થઈ. જેણે લોકોને એકબીજા સાથે જોડ્યા અને ગૌરવ તથા રાષ્ટ્ર માટે બલિદાન આપવાની ભાવના જગાવી. જોકે રાષ્ટ્રવાદે જુદા જુદા રાજ્યો વચ્ચે સંઘર્ષ અને તનાવ પેદા કર્યા. રાષ્ટ્રની આબરૂ અને કીર્તિ તથા મીલેટરીએ મેળવેલી જીતથી યુદ્ધ શરૂ થયા. ચુસ્ત રાષ્ટ્રવાદે વિવિધ જાતિ પ્રત્યે તિરસ્કાર અને લઘુમતી જૂથો પ્રત્યે  જુલમ, ત્રાસ શરૂ થયો.

ઉદારમત વિચારધારાથી 1700 માં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ.  યુરોપ અને નોર્થ અમેરિકામાં 1800ની શરૂઆતમાં ઉદ્યોગોની શરૂઆત થઈ. જેનાથી અનેક વસ્તુઓનું ઝડપી ઉત્પાદન યંત્રોથી મોટા પ્રમાણમાં થવા લાગ્યું. અને અનેક ફેક્ટરીઓ શરૂ થઈ.

 ઉદારમતવાદે  રાજકીય સત્તાની માત્રાને મર્યાદિત કરી, અને ખાનગી મિલકત ધરાવવા માટેની સ્વતંત્રતા અંગેના મૂળભૂત અધિકારોની વ્યવસ્થાને વિકસાવી. પ્રશિષ્ટ(Classical) અર્થશાસ્ત્રીઓ જેવા કે એડમ સ્મિથ વગેરેએ વ્યક્તિઓની મુક્તિ અંગે પોતાની ઊંડી સમજ વ્યક્ત કરી. તેમણે પોતાના આર્થિક ઉદારમતવાદ અંગે તેમના પુસ્તકમાં “The Wealth of Nation” ઉપર વિચારો લખ્યા.( 1776) જેણે મૂડીવાદના વિકાસ કે મુક્ત વેપારના સંદર્ભમાં મોટો પ્રભાવ ઊભો કર્યો. તેમણે જણાવ્યું કે માંગ અને પુરવઠાનું નિયંત્રણ માત્ર કિંમત અને વસ્તુઓથી નથી થતું. પરંતુ જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તેમની આવકોથી પણ થાય છે. મહત્વની વાત એ છે કે મુક્ત માગ અને પુરવઠાને પૂરો પાડવામાં કોઈ પણ વ્યક્તિએ દખલગીરી કરવી ન જોઈએ. તેમણે સરકારને કહ્યું કે તમે વેપારમાં દરમિયાનગીરી બંધ કરો, અને જેમને નુકસાન થયું છે તેવા લોકોને સામાજિક કલ્યાણના લાભો પૂરા પાડો.

શરૂઆતના ઉદારમતથી બંધારણીય સરકારની ફેવર થઈ. પરંતુ લોકશાહી તૂટી.  તેઓએ મધ્યમ વર્ગના લોકો જેઓ સંપત્તિ ધરાવતા હતા તેમને રાજકીય સત્તામાં ભાગ લેતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. મૂડીવાદીઓએ લોકશાહી સંસ્થાઓને નિયંત્રિત કરવા શક્તિશાળી લોબી  ઊભી કરી. આજે લોકશાહી માનવની શક્તિઓમાં વિશ્વાસ કરે છે, લોકશાહી એવી શાસન વ્યવસ્થામાં માને છે, જેમાં સંસ્થાઓ, સરકારના પ્રતિનિધિઓ, સંગઠિત રીતે નિર્ણય પ્રક્રિયામાં સામેલ થાય છે. લોકશાહી તેના સભ્યો પ્રતિ  પ્રતિબધ્ધતાની માંગ કરે છે.

 જ્હોન ડેવેના જણાવ્યા મુજબ લોકશાહીમાં  ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરવા કરતા તેના અનુભવની પ્રક્રિયા વધુ મહત્વની છે.  તો જ વિશેષ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે, અને તે પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે. અને તે પ્રક્રિયા ચાલુ રહે છે તેનું મૂલ્ય વધુ હોય છે. લોકશાહીના પાયાના લક્ષણો આજે જે છે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ચૂંટણી, બહુમતીથી નિયમો અને લઘુમતીના અધિકારો, રાજકીય પક્ષો, સત્તાનું વિકેન્દ્રીકરણ, બંધારણીય સરકાર અને ખાનગી સંસ્થાઓ છે.

બહુ પક્ષીય પ્રતિનિધિઓની લોકશાહી,એક પક્ષની લોકશાહી અને ભાગીદારીવાળી કે સીધી લોકશાહી એ લોકશાહીના જુદા પ્રકારો છે. ભારતમાં બહુપક્ષીય પ્રતિનિધિત્વવાળી લોકશાહી છે. જ્યારે ચાઇનામાં એક પક્ષની લોકશાહી છે. જ્યાં લોકો પક્ષો વચ્ચે પસંદગી નથી કરતા. પણ ઉમેદવારો વચ્ચે પસંદગી કરે છે.

ઉપભોક્તાવાદ અને સામાજિક ડાર્વિનવાદ(Utilitarianism and Social Darwinism):

 ઉદારમતવાદી વિચારસરણીએ અને ઔદ્યોગિક ક્રાંતિએ યુરોપિયન નેશનાલિઝમને વધુ આક્રમક અને પોતાનો  વિસ્તાર વધારવાની નીતિને અનુરૂપ  બનાવ્યું. આંતરરાષ્ટ્રીય વેપાર અને એશિયન, આફ્રિકન દેશોની સ્થાપના માટે તેણે ઉત્તેજના પૂરી પાડી. યુરોપિયન રાષ્ટ્ર, રાજ્યો, લાભની સ્થિતિમાં હતા,તેઓ ઉત્પાદન વધારીને તેમની પોતાની અર્થ વ્યવસ્થાની ક્ષમતા વધારી શકે, સંસાધનો ઉપર અને વસાહતોના લોકો ઉપર કબજો મેળવી શકે અને તે મુજબ તેઓ પોતાની અર્થ વ્યવસ્થાને બળવત્તર બનાવી શક્યા.  રાજ્યમાં ઉત્પાદનના સાધનો ઔદ્યોગિક માલમાં ફેરવાતા ગયા, જ્યારે બીજી આવશ્યક વસ્તુઓને કાચો માલ વસાહતોમાંથી મેળવવામાં આવતો. ઉપભોક્તાવાદ અને સામાજિક ડાર્વિનવાદની વિચારસરણીએ વિવિધ દેશોમાં શોષણને ન્યાયી  ઠેરવ્યુ.

ઉપભોક્તાવાદ 19 મી સદીના ઉદારમતવાદમાં જોવા મળે છે. ઉપયોગીતાના સિદ્ધાંતમાં એ જોવામાં આવ્યું કે માણસ જાતની દરેક ક્રિયા સુખ કે દુઃખ આપનારી છે. આ વિચારધારા ભૌતિક વિજ્ઞાનમાં સ્વીકારાઇ, તાર્કિક, બૌદ્ધિક, મોડેલના ઉપયોગેએ જાહેર કર્યું કે, કોઈ એકના સુખને અને દુઃખને ટાળીને દરેક વ્યક્તિ બીજા દરેક માટે વધુમાં વધુ  સુખ આપી શકે છે. એમાં માન્યતા એ હતી કે સમાજ એ જુદા જુદા વ્યક્તિઓના બનેલુ સંગઠન છે.  જે વ્યક્તિઓના સ્વહિત અને સહકારી ક્રિયા દ્વારા સંચાલિત હોય છે અથવા આવી વ્યક્તિઓના અહિત  કરવા માટે આવી દરમિયાનગીરી ઊભી કરવામાં આવે છે. અને તેને વૈજ્ઞાનિક ભૂમિકા પર નકારવી જોઈએ.

ચાર્લ્સ ડાર્વિન માલ્થસના જાણીતા વસ્તી અંગેના નિબંધથી પ્રભાવિત હતો. તેની એક વાતથી તે આકર્ષાયો કે જ્યારે એવા સંજોગો હોય કે જેમાં બધા માટે ખોરાક પૂરતો હોય ત્યારે અનુકૂળ પરિબળોને સાચવી રાખવા અને પ્રતિકૂળ પરિબળોનો નાશ કરવો. આમાંથી તેમણે survival of the fittestના ખ્યાલનો વિકાસ કર્યો .તે “on the origin of Species “માં 1859માં પ્રકાશિત થયો.

 સામાજિક ડાર્વિનવાદની થીયરી –

માનવની ઉત્ક્રાંતિમાં કુદરતી પસંદગી અને અસ્તિત્વ માટેના સંઘર્ષને અમલમાં મુકવાનો પ્રયત્ન છે જે થિયરીના વિકાસ તરીકે 19મી સદીમાં સામાજિક ઉત્ક્રાંતિ અને ઉત્ક્રાંતિવાદ તરીકે વિકસી.

સામાજિક ડાર્વિનવાદમાંથી એ ધારણા ઊભી થઈ કે સફળ વેપાર ધંધો કરનાર લોકો પોતાના દરજ્જા માટે પોતે જવાબદાર છે અને જેઓ નિષ્ફળ રહે છે તેઓ તેને માટે લાયક હોય છે.  આ દ્રષ્ટિએ જે સંગઠનો નફો કરે છે તે સફળ છે અને ઇચ્છિત છે, તેમાં એ  વિચારાતું નથી કે નફો કેવી રીતે મેળવ્યો છે. અને જેઓ નફો બનાવી શકતા નથી, તેઓ જીવવા માટે સક્ષમ નથી તેવું બતાવે છે. સતત અસ્તિત્વ માટે સાબિત કરતા રહેવું પડે છે.અસ્તિત્વ એટલે જ અસ્તિત્વ માટેની સક્ષમતા.બધી રીતે જોઈએ તો તે થવું જોઈએ અને કશું જ બદલી શકાતું નથી. આ બાબતો સામાજિક ડાર્વિનવાદ જેમ છે તેમ (Status Quo)ની સ્થિતિને જાળવી રાખવાની વાત કરે છે. જો કોઈ તેને બદલવામાં માને છે તો તે ભગવાન કે કુદરત માટે વિઘ્ન રૂપ બને.

ઉત્ક્રાંતિ વિચારોએ 19 મી સદીના અર્ધભાગમાં સામાજિક અને સાંસ્કૃતિક  માનવવંશશાસ્ત્રના નવા ક્ષેત્ર ઉપર વર્ચસ્વ મેળવ્યૂ. તે મુજબ પ્રવર્તમાન સમાજ કે જે ઉત્ક્રાંતિના તબક્કે જંગલી અવસ્થામાંથી નાગરિક સમાજ  થયો હતો.

સામાજિક ડાર્વિનવાદે લોકોને બે ભાગોમાં વહેંચી નાખ્યો હતો. ઉપયોગી અને બિનઉપયોગી, લાયક અને ગેરલાલાયક. જેણે બે ભાગો પાડ્યા  Haves and Haves not.પ્રોટેસ્ટંટ એથિક મુજબ જે અનૈતિક હતું તેને ઉદારમતવાદીઓમાં જેઓ ખુલ્લા બજારમાં બીજા સાથે હરીફાઈ કરવામાં રસ ધરાવતા નથી તેને  વિચલિત લોકો કહ્યાં. તેઓ આદિમ અને સીવીલાઈઝ, પછાત અને એડવાન્સ,અંધશ્રધ્ધાળું  અને વૈજ્ઞાનિક જેવા ભાગોએ વસાહતીકરણને ન્યાયી ઠેરવ્યું.  જ્યારે  વસાહતોને સ્વતંત્રતા મળી ત્યારે તેના  અવિકસિત  અને વિકસિત એવા ભાગો પડ્યા.

 ઉપભોક્તાવાદે વ્યક્તિગત માલિકીની દુનિયા બનાવી, વ્યક્તિવાદ એ આર્થિક વૃદ્ધિ માટે આવશ્યક બન્યો. સામાજિક મૂલ્યો, ઈચ્છાઓ અને જરૂરિયાતોની પ્રાપ્તિને ગૌણ માનવામાં આવતા. વ્યક્તિવાદને  તે રીતે સામાજિક અને આર્થિક વિચારસરણી તરીકે જોવાઇ, જેણે સ્વદોરવણી, સ્વ નિયંત્રણ અને આત્મસંયમી કે અહમનું  ઊંચું મૂલ્ય આંકયું.

 ઉદારમતવાદથી પહેલાના સામુદાયિક બંધનો, એક જૂઠતા, પ્રેમ અને હુંફને  એક સમુદાયની ભાવનાને બદલે આર્થિક સંબંધો ઊભા કર્યા. મનની ઉદારતા, જવાબદારી,ધીરજ, દયા, કરુણા અને વિનમ્રતા હાંસી પાત્ર બન્યા. અને લોભવૃત્તિ તથા તિરસ્કારની ભાવનાઓ નવા વિચારોમાં વિકસી, વર્ગો, લોકોમાં જૂથો બન્યા.  એમાંના કેટલાક બીજા માટે મજૂરો બન્યા, વિવિધ જગ્યાઓ કેટલાક જૂથોએ આર્થિક પ્રવૃત્તિ માટે મેળવી લીધી. આમાંથી એવો અર્થ થાય કે શારીરિક શ્રમે ઉત્પાદનમાં ભાગીદારી તરીકે અને માનસિક શ્રમ તેના  ફળોને માણવા લાગ્યા. ગુલામી અને વેઠથી મજૂરો, ઓપચારિક રીતે/ કહેવાતી રીતે મુક્ત થયા. પણ તેઓ મૂડીવાદીઓ ઉપર આર્થિક રીતે સંપૂર્ણ રીતે આધારિત બન્યા. કારણ કે તેમણે તેમને ત્યાં જ મજૂરી કરવી પડતી. કાલ માર્કસના જણાવ્યા મુજબ ઉત્પાદનના મૂડીવાદી સંબંધો, સામંતવાદી જેવા શોષણકારી હતા. પણ વ્યક્તિકેન્દ્રીતતા ઉદારમત વિચારોએ તે હકીકતને ઢાંકી દીધી.

વર્ગ સ્તરોમાં દરજ્જાના નિર્ણાયકો એ  મોટેભાગે વ્યક્તિગત મેરીટ બન્યા. જેને હરીફાઈમા પુરવાર કરવું જરૂરી હતું. જો કે તે વ્યવહારમાં શક્ય ન બન્યું. કારણ કે મોટાભાગના ઉત્પાદનના સાધનોથી વંચિત હતા અને ઉત્પાદનના ફળોથી વંચિત હતા.ઔદ્યોગીકરણે ઉત્પાદનને ઘર બહાર નીકાળ્યું. મોટાભાગના ઉદ્યોગોમાં મજૂરો કઠણ સ્થિતિમાં કામ કરતા રહેતા. ફેક્ટરીના મજૂરી  દરો  હેતુપૂર્વક  નીચા રાખવામાં આવતા, જેથી તેઓ કામ ચાલુ રાખે.

આમ લઘુમતી લોકોની સ્વતંત્રતા માટે બહુમતી લોકોને દબાયેલા રાખવા માટે તેમની સ્વતંત્રતાને હણી લેવામાં આવી. મત આપવા માટે મિલકતો અને વંશની લાયકાત ધીમે ધીમે ઓછી થઈ ગઈ. 19મી સદીના બીજા અડધા ભાગમાં કામદાર વર્ગે રાજકીય અધિકારોની માંગ કરી અને તે મેળવ્યા. મહિલાઓ  1920થી મત આપી શકી. પ્રતિનિધિત્વ લોકશાહી અલ્પજણ શાસન બની રહ્યું, જેમના નેતાઓના હિત અને હેતુઓ તેઓ જેમનું પ્રતિનિધિત્વ કરતા હતા તેનાથી જુદા હતા. સહભાગી લોકશાહી 500 વ્યક્તિના જૂથો સુધી અસરકારક બનતી.

 આખરે સુખને દરેક વ્યક્તિનો અંતિમ અધિકાર માનવામાં આવ્યો. આમ સ્વાર્થીપણાને સામાન્ય ગુણમાં પરિવર્તિત કર્યો. Kappen 1994 માં સમજાવે છે કે વ્યક્તિવાદ વ્યક્તિ ઉપર ભાર મૂકે છે એનો સમગ્રલક્ષી ખ્યાલ બીજા વ્યક્તિઓથી વિરુદ્ધનો છે તે Person થી જુદો છે.  જેનો સમાવેશી ખ્યાલ એ છે જે બીજા Personના સંદર્ભમાં ખ્યાલ આપે છે.

 સામાજિક ડાર્વિનવાદ વંશવાદ માટે અને અથવા બીજા વિવિધ માનવ જૂથો (Ethnic) અંગેના પૂર્વગ્રહોને તાર્કિકતા (Rationalism) આપે છે. કેટલાક જૂથોની લઘુતાગ્રંથિ કેટલીક હકીકતોથી  પુરવાર થાય છે કે તેમનો આર્થિક દરજ્જો નીચો છે કે તેમની શૈક્ષણિક સ્થિતિ નીચી છે, તેમનો સામાજિક દરજ્જો અન અપેક્ષિત છે. સામાજિક ડાર્વિનવાદના આ પાસાએ સમાનતાને સ્થાને અમેરિકાનોના પાયાના ધ્યેય, તકની સમાનતામાં ફેરવી નાખી.  ઉત્ક્રાંતિમાં સમાનતા ખરેખર પ્રાપ્ત થઈ શકી નહોતી અને તેથી તે અકુદરતી છે. તેમ છતાં અમેરિકા દરેકને તકની સમાનતા આપવાની વાત કરે છે. જો કોઈ આવી તકનો લાભ ના લઈ શકે તો તેનો અર્થ શું છે કે, તે પોતાની મર્યાદાને કારણે તે લઈ નથી શકતા, અને તેથી વધુ કઠોર રીતે તેઓ લઘુતા અનુભવે છે. એને એમ કહી શકાય કે ભોગ બનનારને જ દોષિત ઠેરવવામાં આવતા.

 પાશ્ચાત્ય સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી 1950 અને 1960માં આધુનિકરણની થીયરીને સમજાવે છે. જે થિયરી પાશ્ચાત્યકેન્દ્રી ઉત્ક્રાંતિવાદી છે, તે એમ માને છે કે ગરીબ દેશો વિકાસના નીચા સ્તરે સ્થગિત થઈ ગયેલા હતા અને તેમણે વિકસિત કે પાશ્ચાત્ય દેશોની દિશામાં આધુનિક થવું જોઈએ અને થઈ શકે, આધુનિકરણની થીયરીનું આંતરરાષ્ટ્રીય સત્તા સંબંધોમાં ધ્યાન ઓછું રહ્યું, તે અંગે તેમની આલોચના થઈ, જેને પરિણામે પૈસાદાર  દેશો ગરીબ દેશો પર વર્ચસ્વ ધરાવતા થયા.