સમસ્યાને સ્પષ્ટ રીતે સમજવી, વ્યાખ્યાયિત કરવી અને તેના મુખ્ય ખ્યાલોને, તેમની વચ્ચેનાં સંબંધોને ગોઠવવાની પ્રક્રિયા.  બધા સંશોધકો એ બાબતે સંમત છે કે ગુણાત્મક સંશોધનની શરૂઆત સ્પષ્ટ સંકલ્પનાઓ સાથે થતી નથી.તેમાં સંશોધન નિસબત અને અભ્યાસ વિષય ચુસ્ત રીતે રચિત હોતો  નથી.જોકે ગુણાત્મક સંશોધન અંગેની સમકાલીન ચર્ચાઓમાં એવી રજૂઆત થાય છે કે ગુણાત્મક અભ્યાસોમાં સંશોધન મુદ્દાઓની સમજ સ્પષ્ટ પણે હોવી જોઈએ કે નહીં ?જોકે આવી સમજ બિનરચીત અને કામ ચલાઉ પ્રકારની જ હોય.

એ સ્વીકારવું જરૂરી છે કે બધા જ સંશોધનો કોઈ પૂર્વ સમજથી જ શરૂ થાય છે પછી તે સ્પષ્ટપણે કહેવાયું હોય કે ગર્ભિત રીતે. જો કે સંશોધનની શરૂઆતમાં, સંશોધન મુદ્દાઓ વિશે સ્પષ્ટપણે કહેવાયું ના હોય તો પણ ગર્ભિત સમજ સંશોધન તપાસના પ્રકારને પ્રભાવિત કરે છે.આમ ગર્ભિત અને સ્પષ્ટ સમજ કે જેના ખ્યાલોનું બંધારણ અને ખ્યાલો વચ્ચેના આંતર સંબંધોની પ્રકૃતિને ઓળખવામાં આવી હોય છે તે માહિતીની શોધ માટે દિશા બતાવે છે. ગુણાત્મક સંશોધન પદ્ધતિ શાસ્ત્રની જ્ઞાન મીમાંસા સ્વીકારે છે કે સામાજિક જગતના અર્થનું બંધારણ તેને વર્ણવવા માટે જે લેબલ કે નમૂનાનો ઉપયોગ થાય છે તે અનુભવોમાંથી નીપજેલ સમજણનું પરિણામ હોય છે. એ જાણવું જરૂરી છે કે સંશોધન સામાજિક ઘટનાના અર્થનું આરોપણ કરે છે પણ સાથે સાથે સંશોધક સંશોધન મુદ્દાઓની સમજ પણ પૂરી પાડે છે. સંશોધન મુદ્દાઓની સમજ સંશોધનના અનુભવો અને સમજણથી જુદા રાખી શકાય નહીં. ઉપર મુજબનું તર્ક આપ્યા પછી એમ કહી શકાય કે સંશોધન અભ્યાસના મુદ્દાની સંકલ્પનાની રચના સ્પષ્ટ પણે થવી જોઈએ. જો કે તે કામચલાઉ પ્રકારે જ હોય છે.સ્પષ્ટપણે કહેવાયેલ પૂર્વ વિભાવના કે સમજ માહિતીની શોધની સાથેસાથે વિભાવનાઓનો વિકાસ અને તેમના આંતર સંબંધો તથા પારદર્શક પ્રક્રિયા ઊભી કરશે.

ગુણાત્મક સંશોધનમાં સ્પષ્ટપણે કહેવાયેલ વિભાવના કે સમજ બિનરચિત, લચીલી અને શિથિલ હોય છે તેથી સંશોધન મુદ્દાઓનું વ્યવસ્થિત અન્વેષણ સરળતાથી કરી આપે છે.આવી પૂર્વ સમજ સંશોધન મુદ્દાઓના સંદર્ભે ઉપલબ્ધ જ્ઞાનનું સુગ્રથન કરે છે. તેમાં શૈક્ષણિક સાહિત્ય અને ક્ષેત્રીય અનુભવો બંનેનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ /ખ્યાલોનું અને ખ્યાલો વચ્ચેના આંતર સંબંધોનું બનેલું હોય છે. શરૂઆતના તબક્કામાં ખ્યાલો સંવેદના જગાડે છે જે શરૂઆતની માહિતી મેળવવા માટેનો માર્ગ બતાવે છે. દા.ત.મહેતાની ( 1999) એનજીઓની વ્યૂહરચનાને ઓળખવી અને સમજવી તેના અભ્યાસમાં પૂર્વ મુદ્દાઓ કેવી રીતે ઉભા થાય છે ?આ ક્રાઈટેરિયા એ સંવેદનશીલતા પેદા કરનાર ખ્યાલો છે અને તેમનો ઉપયોગ એનજીઓ દ્વારા લેવાતા વ્યૂહાત્મક નિર્ણયોને ઓળખવામાં ઉપયોગ થયો છે? તે બે વચ્ચે સંબંધ છે કે સંવેદનશીલ ખ્યાલ તે માટે દિશા પુરી પાડે છે જે માહિતીની તુલના માટે સરળતા કરી આપે છે. ગુણાત્મક સંશોધન પદ્ધતિશાસ્ત્ર એ સ્વીકારે છે કે સમસ્યા ની સંકલ્પના બિનરચિત રીતે રાખીને કામ કરવું. અને સમજ માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણ દ્વારા પરિવર્તન પામે છે

આગમનાત્મક સંશોધન પ્રક્રિયામાં માહિતીનું વર્ગીકરણ એ પૂર્વ સમજમાંથી માળખું વિકસાવવા ક્ષેત્ર આધારિત અનુભવોમાં સુપરિભાષિત સૈદ્ધાંતિક નિવેદનને વિકસાવે છે.આમ છેલ્લે નિષ્કર્ષ વિવિધ હિતધારકોના દૃષ્ટિબિંદુને સમાવે છે અને તેને સમગ્રલક્ષી રીતે સુગ્રથિત કરીને ગુણાત્મક સંશોધન પદ્ધતિશાસ્ત્ર દ્વારા ક્ષેત્રીય અભ્યાસના સંદર્ભને રજૂ કરે છે.

ત્રિકોણીકરણ –

એક જ વિષયને સમજવા માટે વિવિધ પદ્ધતિઓ, માહિતીસ્ત્રોતો અથવા સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જેને અંગ્રેજીમાં Triangulation કહે છે. બીજી રીતે કહીએ તો એક જ બાબતને એકથી વધુ રીતે તપાસવી.જેથી પરિણામ વધુ સાચું આવે. આ શબ્દનું સ્પષ્ટ ગુજરાતી કરીએ તો ત્રિકોણીકરણ એવું થાય.ત્રિકોણીકરણ શબ્દ નૌકા વિદ્યા અને જમીન સર્વેમાંથી ઉછીનો લીધો છે.એનો અર્થ એ છે કે નિશ્ચિત બિંદુનું ઘનિષ્ઠ ચિત્ર પ્રાપ્ત કરવા માટે બે કે તેથી વધુ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે માણસ બાયનોક્યુલર દ્વારા સ્પષ્ટ અને ગહન દ્રષ્ટિ મેળવે છે. તેમ સ્પષ્ટ અને ગહન નિરીક્ષણ મેળવવા બહુવિધ સ્ત્રોત ઉપર આધાર રાખવામાં આવે છે.જો કે તેને અનુઆધુનિકવાદીઓ  સ્વીકારતા નથી. તેમની દલીલ એ છે કે આવા સંશોધનના નિરીક્ષણમાં કોઈ નિશ્ચિત બિંદુ હોતું નથી.

Norman Ddenzin 1978 એ ચાર પ્રકારના ત્રિકોણીકરણ ગુણાત્મક સંશોધનમાં બતાવ્યા છે.

૧. સૈદ્ધાંતિક ત્રિકોણીકરણ – માહિતીના એક સમુચ્ચયનું અર્થઘટન કરવા બહુવિધ સિદ્ધાંત કે દ્રષ્ટિકોણોનો ઉપયોગ કરવો. જેમકે અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીના અભ્યાસમાં માહિતીનું વિશ્લેષણ કરવા માટે માર્કસની  થીયરી,ફેમિનિસ્ટ થીયરી અને સાયકોએનાલેટિક થિયરીનો ઉપયોગ થઈ શકે. આ પ્રકારના ત્રિકોણીકરણ વિવિધ નિષ્કર્ષો મેળવવા માટે હોય છે. જેને કારણે આપણે ઘટના માટેના વિસ્તૃત દ્રષ્ટિકોણો મેળવી શકીએ પણ તેનું અર્થઘટન અલગ રીતો દ્વારા અને અલગ સૈદ્ધાંતિક દ્રષ્ટિથી જોઈએ છીએ.

એક જ માહિતીમાંથી ઉદ્ભવતી વાત અથવા ચિત્રમાં જ્યારે સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ વચ્ચે ઘર્ષણ કે સંઘર્ષ પેદા થાય છે ત્યારે સૈદ્ધાંતિક ત્રિકોણ તેના ઇરાદાને પૂરો કરવામાં કામમાં નથી આવતો.  ૨.પદ્ધતિશાસ્ત્ર ત્રિકોણીકરણ -એક જ વિષય પર અભ્યાસ કરવા એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ કરવો. દા ત.એક જ અભ્યાસમાં ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિનો ઉપયોગ થાય. અત્યાચારનો ભોગ બનેલ સ્ત્રીઓના અભ્યાસમાં દસ્તાવેજી માહિતીના વિશ્લેષણ માટે ઇતિહાસ પદ્ધતિ અને મુલાકાતની માહિતીનું વિશ્લેષણ કરવા ગ્રાઉન્ડેડ થીયરી પદ્ધતિનો ઉપયોગ થાય છે.

૩. નિરીક્ષક ત્રિકોણીકરણ -એક કરતાં વધુ નિરીક્ષકોનો માહિતી એકત્રીકરણમાં ઉપયોગ. દા. ત. એથનોગ્રાફિક અભ્યાસ, શહેરી ઘર વિહોણાઓનો અભ્યાસ  માટે Snow and Anderson એ (1991) માં વિવિધ નિરીક્ષકોનો ઉપયોગ વધારે ચોકસાઈ અને વિશ્વસનીયતા માટે કર્યો હતો. જ્યારે માહિતીના વિશ્લેષણ વખતે આપણી પાસે વિવિધ કોડર(analytic Triangulation) હોવા જોઈએ જેથી કેટેગરીઝ અને થીમ નીપજે છે તે જુદા જુદા કોડરની એકમતિથી બને છે.

૪. માહિતી ત્રિકોણીકરણ એક કરતાં વધુ માહિતીના સ્ત્રોતનો ઉપયોગ. (મુલાકાત, દસ્તાવેજો, નિરીક્ષણ) આ સૌથી વધુ જાણીતો ત્રિકોણીકરણ છે. વિવિધ પ્રકારની માહિતીનો ઉપયોગ પુષ્ટિ આપવાના હેતુથી થાય છે. જ્યારે ક્ષેત્રીય નોંધ,મુલાકાત અને દસ્તાવેજી સાધનોમાંથી મળતી માહિતી  કેન્દ્રનુગામી ગતિ ( convergent) કરનાર અને એકબીજાને ટેકો આપનાર હોય છે,ત્યારે આપણે આપણા નિરીક્ષણ અને નિષ્કર્ષો માટે વધારે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.

ગુણાત્મક અભ્યાસો ક્ષેત્રીય નોંધ અને મુલાકાત માહિતીને વિશિષ્ટ રીતે સમાવે છે.

આમ ત્રિકોણીકરણમાં જ્યારે વિવિધ સ્ત્રોત દ્વારા મેળવેલ માહિતીમાં વિસંગતતા હોય ત્યારે કયા ઉપર વધુ આધાર રાખવો તે વિચારીને નિર્ણય કરવો પડે છે અથવા આ અલગતાને નવી આંતરદ્રષ્ટિ માટેની તક તરીકે પણ જોઈ શકાય છે.

અર્થ( Meaning)

સમાજલક્ષી મનોવિજ્ઞાનની પદ્ધતિમાં આત્મલક્ષીતા અનિવાર્ય છે તેવી દલીલ મેક્સ વેબર ભારપૂર્વક કરે છે.વેબરના મત મુજબ સામાજિક ઘટનાઓ અર્થપૂર્ણ છે. આ અર્થપૂર્ણતા જ તેની પદ્ધતિને આત્મલક્ષી બનાવે છે.

રુન્ડર દર્શાવે છે કે સમકાલીન ફિલસોફર પીટર વિન્યે પણ વેબર જેવી દલિલ કરી છે, વિન્ચનાં મત મુજબ સામાજિક ઘટના અર્થપૂર્ણ ઘટનાઓ છે અને તમામ અર્થપૂર્ણ ઘટનાઓ નિયમ દ્વારા નિયંત્રિત થાય છે.માણસની સામાજિક પ્રવૃત્તિઓ નિયમ દ્વારા નિયંત્રિત છે. રૂઢિ,રિવાજો, નિયમો પ્રમાણેના વ્યવહારો, રમતગમત,લગ્ન, વ્યાપાર કે રાજ્યના સંદર્ભમાં આપણે જોઈએ છીએ. પ્રશ્ન એ છે કે અમુક નિયમોને અનુસરવું કે એનું ઉલ્લંઘન કરવું એટલે શું કરવું તે બાબત આપણી સમજણ પરાનુભૂતિપૂર્વકની સમજણ છે. કુદરતી વિજ્ઞાનોમાં આપણને જે જાતની કારણમુલક સમજુતી મળે છે તેનાં કરતાં માનવીના સામાજિક વ્યવહારોના અર્થ પામવાની પરાનુભૂતિપૂર્વકની સમજણ તદ્દન ભિન્ન છે.પરિણામે સામાજિક વિજ્ઞાનમાં હેતુલક્ષી વૈજ્ઞાનિક પદ્ધતિને સ્થાન નથી. વિન્ચની દ્રષ્ટિએ તાત્વિક વિશ્લેષણ એ જ સમાજશાસ્ત્રની પદ્ધતિ હોય શકે કારણ કે સમાજશાસ્ત્ર તત્વ જ્ઞાનનો એક ભાગ છે.

રુન્ડર “ અર્થ “(Meaning) શબ્દના બે ઉપયોગ પરત્વે આપણું ધ્યાન દોરે છે. વેબર અને વિન્યના મતની સમીક્ષા કરે છે, એક, અર્થ શબ્દનો ઉપયોગ અર્થવિજ્ઞાનલક્ષી છે દા. ત. સસલું શબ્દનો અર્થ શું? આવો પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે શબ્દ કઈ વસ્તુને નિર્દેશ કરે છે તે બાબતનો ખ્યાલ કરીએ છીએ. શબ્દનો અર્થ તેની વસ્તુ નિર્દેશકતા દ્વારા આપવામાં આવે છે. આવા અર્થને  semantic meaning કહેવાય છે

અર્થ શબ્દ નો બીજો ઉપયોગ મૂલ્યાંકનલક્ષી છે. દા. ત. હજાર રૂપિયાની નોટો ચલણમાંથી નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણયનો અર્થ શું? અમેરિકાના પ્રમુખની પાકિસ્તાનની મુલાકાતનો અર્થ શું? અહીં અર્થ એટલે સૂચકતા મૂલ્ય કે મહત્વ દર્શાવે છે.

સામાજિક ઘટનાઓના અર્થનો વિચાર કરીએ ત્યારે આપણે મુખ્યત્વે મૂલ્યાંકનના સંદર્ભમાં જ અર્થ શબ્દ પ્રયોજીએ છીએ. પરંતુ અર્થ શબ્દ વ્યવસ્થિત રીતે સંદિગ્ધ છે તે કબૂલવું જોઈએ. રૂન્ડર સ્વીકારે છે કે  મૂલ્યાંકનના સંદર્ભમાં સામાજિક ઘટનાઓનો અર્થ હોય છે. પરંતુ મૂલ્યાંકનની પ્રવૃત્તિ સમાજ વિજ્ઞાનના ક્ષેત્રમાં આવી શકે જ નહીં તેઓ દાવો રૂન્ડરને માન્ય નથી.  વેબરના મતમાં મુખ્ય મુશ્કેલી એ છે કે અમુક કાર્યનો અમુક વ્યક્તિને મૂલ્ય છે તેવું જાણવા માટે આપણે તે વ્યક્તિના માનસની પરાનુભૂતિ દ્વારા સમજણ મેળવવી જોઈએ. જો આમ ન થાય તો આપણે આ સામાજિક ઘટનાઓના અર્થને જ સમજી ન શકીએ પરંતુ સામાજિક ઘટનાઓના અર્થ મૂલ્ય સમજવા માટે આપણે અમુક ખાસ પ્રકારની પરાનુભૂતિપૂર્વકની સમજણ મેળવવી જોઈએ તેવી શરત રૂંડરના મત મુજબ અનિવાર્ય નથી.

એક દલીલ એ પણ કરવામાં આવે છે કે મૂલ્ય પરક( મૂલ્ય ,માન્યતા અને દ્રષ્ટિકોણ આધારિત) શબ્દોને અનુરૂપ વ્યક્ત કરી શકાય તેવી વર્તનની કોઈ ચોક્કસ તરાહ ન હોવાથી મૂલ્ય ૫રક , શબ્દોને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રામાણ્ય દર્શાવી શકાય નહીં. રૂન્ડરનાં મત મુજબ આવું હોતું નથી.

મૂલ્ય પરક શબ્દોવાળી ધારણાઓને અનુરૂપ કોઈક પ્રકારની નિરીક્ષ્ય પરિસ્થિતિ મળી આવે તો પણ ધારણા ચકાસણી શક્ય બને છે. મૂલ્યપરક શબ્દોના પ્રામાણ્ય માટે ધોરણબધ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિ કામ ન આવી શકે. તેવું રૂંડર સ્વીકારતા નથી.સામાજિક વિજ્ઞાનો સામાજિક ઘટનાઓના અર્થની ચર્ચા કરે છે તે વિધાન સ્વીકારો તો પણ આવો અર્થ પામવા માટે  એક પ્રકારની પરાનુભૂતિ પૂર્વકની સમજણ અનિવાર્ય છે અથવા તો  આવો અર્થ પામવા માટે પ્રચલિત સમાજશાસ્ત્રીય પદ્ધતિ અપર્યાપ્ત છે. તેવા દાવાઓમાં તથ્ય નથી તેમ રૂંડર માને છે.સમાજ વિજ્ઞાનોમાં આ કારણોસર પ્રમાણિત વસ્તુ પરક ( તથ્ય આધારિત તટસ્થ)પદ્ધતિ ન હોઈ શકે તેવો મત સ્વીકાર્ય નથી. અલબત્ત આવા વિજ્ઞાનોમાં નિરપેક્ષ વિશ્વાસનિયતા અને  નિશ્ચિતતા નથી રહેતી,નિરપેક્ષ નિશ્ચિતતા ન હોય એ જ વિજ્ઞાનનું લક્ષણ છે, કારણ કે વિજ્ઞાન અનુભવ આશ્રિત છે, અને કોઈપણ અનુભવાશ્રિત વિધાન નિરપેક્ષ નિશ્ચિતતા ધરાવતું નથી.

વૈજ્ઞાનિક વર્ણનો અને વૈજ્ઞાનિક સમજૂતીઓ કોઈપણ અપૂર્વ વિશિષ્ટ ઘટનાઓની સજીવ વાસ્તવિકતાને પામી ન શકે તો તે વિજ્ઞાનનો દોષ નથી.કારણ કે વિજ્ઞાનનું લક્ષ જ વર્ણન અને સ્પષ્ટીકરણ છે. દારૂના અભ્યાસમાં દારૂની માદકતા ન હોઈ શકે તે વાત ભાગ્યે જ યાદ કરાવવાની હોય.

સમાજ વિજ્ઞાનના વિષયવસ્તુમાં આત્મલક્ષીતા

સમાજ વિજ્ઞાનોમાં પદ્ધતિ કે વિધાનોમાં હેતુલક્ષીતા હોતી નથી અને પૂર્વગ્રહ મુક્ત અવલોકનો હોતા નથી. માટે સમાજ વિજ્ઞાનો કુદરતી વિજ્ઞાનો જેવા ગણી શકાય નહીં એવી દલીલ કરવામાં આવે છે. તેથી કેટલાક એમ માને છે કે સમાજ વિજ્ઞાનોમાં હેતુલક્ષીતા નથી માટે તેનો વિજ્ઞાનનો દરજ્જો નીચો છે. બીજું કેટલાક એમ માને છે કે સમાજ વિજ્ઞાનોમાં કુદરતી વિજ્ઞાનો જેવી હેતુલક્ષીતા હોવી જ ના જોઈએ. કારણ કે સમાજ વિજ્ઞાનને પોતાના ખાસ વિષય છે અને ખાસ પદ્ધતિ છે .આમ એક બાજુ હેતુલક્ષીતાનો અભાવ સમાજ વિજ્ઞાનની મર્યાદા તરીકે ગણવામાં આવે છે, તો બીજી બાજુ હેતુલક્ષીતાનો અભાવ સમાજ વિજ્ઞાનની ખાસિયત તરીકે મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. રૂંડર ના મંતવ્ય મુજબ હેતુલક્ષીતાના જુદા જુદા ભેદ પાડીએ તો પદ્ધતિ અને વિધાનોની હેતુલક્ષીતા સમાજ વિજ્ઞાનનોમા શક્ય છે. અહીં હવે નેગલે આ વિષયમાં રજૂ કરેલ મતનો ઉલ્લેખ કરીએ.

(અ) હેતુલક્ષી વર્તન માનવીના વર્તનને સમજવા માટે હેતુ, ઇરાદા, મનોવલણો કે મૂલ્યો સમજવા જોઈએ. હેતુ, ઇરાદા, મનોવલણો કે જેઓનું સીધું નિરીક્ષણ થઈ શકતું નથી. કેવળ માનવીના વર્તન ઉપરથી તેના હેતુ કે ધ્યેય કે ઈરાદા કે પ્રયોજન પ્રમાણે વર્તન કરવાનો અનુભવ કર્યો હોય તો તેઓ નિરીક્ષક બીજાના વર્તન પાછળ રહેલી પ્રેરણા અંગે કંઈ ખાસ પ્રકારનું જ્ઞાન મેળવી શકે નહીં. આમ નિરીક્ષકે બીજા માણસોના મનમાં કલ્પનાથી પ્રવેશ કરવો જોઈએ અને પરાનુભૂતિપૂર્વક તેમના વર્તનની સમજણ મેળવવી જોઈએ .આમ વૈયક્તિક અનુભવ વગર નિરીક્ષકો માનવ વ્યવહારોના કારણો હેતુઓના રૂપમાં સમજી શકે નહીં.સામાજિક નિરીક્ષક જે લોકોનું નિરીક્ષણ કરે છે તે સજીવ ચિત્તતંત્રો ધરાવે છે. તેઓ તેમના પોતાના હેતુઓ અને ઈરાદાઓ જાણે છે.સામાજિક નિરીક્ષક તેમને વિશે તેમના કરતાં આ બાબતમાં વધુ જાણી શકે તેવું કેવી રીતે બને? સમાજલક્ષી વિજ્ઞાનોનો અભિગમ આ દૃષ્ટિએ આત્મલક્ષી છે અને હેતુલક્ષી પદ્ધતિએ તેનો અભ્યાસ કરવાનો અર્થ જ નથી. નિરીક્ષક પોતે પણ સમાજનો એક સક્રિય સભ્ય છે. તેને પોતાને પણ હેતુ, ઇરાદા કે ધ્યેયો અને મૂલ્યો હોય છે. માણસના વર્તનનું પ્રેરણાલક્ષી અર્થઘટન કરવું પડે છે. આ પ્રેરણાલક્ષી અર્થઘટન માટે નિરીક્ષકને પોતાને તે પ્રકારના પ્રેરિત વર્તનના અનુભવો થયા હોવા જોઈએ. હેતુઓ,ઇરાદાઓ કે મૂલ્યો રદ કરીને કેવળ માનવીના બાહ્ય વર્તનનો હેતુલક્ષી પદ્ધતિથી અભ્યાસ થઈ શકે.આવો અભ્યાસ હેતુલક્ષી બને પણ માનવ વ્યવહારોમાં જે કંઈ મહત્વનું છે તે બધાનો તેમાં છેદ ઉડી જાય છે. માટે હેતુલક્ષી વર્તનવાદ સમાજ વિજ્ઞાનોમાં સ્વીકાર્ય નથી. જો આવું વર્તનવાદ સ્વીકાર્ય ન હોય તો પછી હેતુલક્ષીતા વ્યક્તિગત હોવાથી સામાજિક વિજ્ઞાનનું વિષયવસ્તુ જ હેતુલક્ષી નથી તેવું ફલિત થાય છે અને જે વિજ્ઞાનનું વિષયવસ્તુ જ હેતુલક્ષી ન હોય તેની પદ્ધતિ તો ક્યાંથી હેતુલક્ષી હોઈ શકે? ટૂંકમાં એક, સમાજલક્ષી વિજ્ઞાનોનું વિષયવસ્તુ હેતુલક્ષી છે બે, સામાજિક વર્તનનું કેવળ વર્તનવાદી અર્થઘટન અસ્વીકાર્ય છે અને ત્રણ, માણસોને માનસિક સ્થિતિઓ ( હેતુ,ઈરાદા) નું પ્રદાન કરવાનું કાર્ય વિજ્ઞાનની વસ્તુલક્ષી પદ્ધતિઓના ક્ષેત્રની બહાર છે એટલે ચાર, સમાજ વિજ્ઞાનમાં હેતુલક્ષીતા જરૂરી નથી.

નેગલની  દ્રષ્ટિએ આ દલીલ અસ્વીકાર્ય છે તેઓ એ સ્વીકારે છે કે માણસનું વર્તન હેતુલક્ષી છે. આવા હેતુલક્ષી વર્તનની સમજૂતી માટે માણસોમાં આંતરિક માનસિક સ્થિતિઓની ધારણા કરવી પડે છે એ બાબતનો પણ નેગલ સ્વીકાર કરે છે, પરંતુ નેગેલના મત મુજબ સામાજિક વિજ્ઞાનો માત્ર માણસોની આંતર પ્રક્રિયાઓ કે સ્થિતીનો જ અભ્યાસ કરે છે તેમ કહેવું વધારે પડતું છે.

સામાજિક વિજ્ઞાનોમાં ઘણી એવી સામાજિક ઘટનાઓનું નિરીક્ષણ થાય છે કે જેમાં માનવીની આંતરિક માનસિક સ્થિતિઓનો ઉલ્લેખ કરવાનું અનિવાર્ય નથી.

(બ) સામાજિક હકીકતો-હેતુલક્ષી વર્તનની સમજૂતી આપતા સમાજલક્ષી વૈજ્ઞાનિકનાં મત મુજબ માનવીનાં વર્તનની માનવીને ખબર ન હોય તેવી કોઈ માહિતીનો ઉપયોગ ના કરવો જોઈએ, તેવી અપેક્ષા નિરર્થક છે. સમાજલક્ષી વિજ્ઞાનોમાં વર્ણન અને સ્પષ્ટીકરણની પરિભાષા મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી હોવી જોઈએ તેવું મંતવ્ય અસત્ય છે કારણ કે જે કંઈ મનોવૈજ્ઞાનિક છે તે આત્મલક્ષી છે તેવું તેમાં ધારી લીધું છે. આ ઉપરાંત સમાજ વિજ્ઞાનના ઘણા નિરીક્ષણો અને સ્પષ્ટીકરણો “સામાજિક હકીકતો” વિશેના હોય ,તેમાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાનો ઉલ્લેખ કરવાનો પ્રશ્ન  રહેતો નથી. મનોવિજ્ઞાનમાં માનવવાદી દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો હોય તો પણ વૈજ્ઞાનિક પદ્ધતિ તો એની એ જ હોઈ શકે તેમ રાયચાલક માને છે.માણસનું વર્તન જટિલ છે હેતુલક્ષી છે વગેરે બાબતનો સ્વીકાર કરવાથી માણસનો અભ્યાસ કેવળ આત્મલક્ષી જ હોય તેવો મત સ્વીકાર્ય નથી. હેતુલક્ષી વર્તનનો પણ હેતુલક્ષી અભ્યાસ થઈ શકે છે માટે માણસનું વર્તન હેતુલક્ષી છે એ વાત આગળ કરીને સમાજ વિજ્ઞાનમાં હેતુલક્ષીતા અશક્ય છે તેમ કહેવું યોગ્ય નથી.

(ઈ) સમજણ -નેગલનાં મત મુજબ સમાજ વિજ્ઞાનીઓનો અભ્યાસ એક ખાસ પ્રકારની સમજણ માંગી લે છે તે ધારણા જ અસિદ્ધ છે. સામાજિક ઘટનાઓ અર્થપૂર્ણ છે અને માણસનું વર્તન હેતુલક્ષી છે આ બંને બાબતોના સ્વીકાર ઉપરથી એમ ફલિત થતું નથી કે હેતુલક્ષી વૈજ્ઞાનિક અભ્યાસથી કંઈ જુદી એવી સમજણ સામાજિક નિરીક્ષક પાસે હોવી જોઈએ .વેબરે દર્શાવેલું છે કે સામાજિક ઘટના સમજવા માટે તમારે આંતરિક માનસિક સ્થિતિઓ વિશે ધારણા કરવી પડે. આપણી પોતાની માન્યતાઓ, મૂલ્યો કે પ્રેરણાઓ વિશેની આપણી સમજણ સામાજિક ઘટનાઓને સમજવા માટે જરૂરી છે. આવી સમજણ હેતુલક્ષી છે.

વેબરનો આ મત નેગલ સ્વીકારતા નથી વેબરે અર્થઘટનાત્મક સમજણ (Interpretative understanding) ની સંકલ્પના રજુ કરી છે. એક ઘઉંના વેપારીને અમુક આર્થિક નિર્ણય કરવાનો છે. આ ઘટના સમજવા માટે તમારે ઘઉંના વેપારી સાથે તાદાત્મ્ય અનુભવી કલ્પનાથી તેની મનઃ સ્થિતિ પામી જઈને સમજણ મેળવવી જોઈએ. આ મત પાછળની ધારણા એ છે કે સામાજિક નિરીક્ષક જે હેતુઓ કે મૂલ્યોનું આરોપણ અન્ય વ્યક્તિઓ કે જૂથો પરત્વે કરતો હોય છે તે હેતુ કે મૂલ્યોનો તેને પોતાને અનુભવ હોવો જોઈએ. જો તેને પોતાને આવો અનુભવ ન થયો હોય તો કલ્પના દ્વારા તેને અનુભવની નવરચના કરવી જોઈએ.નેગલે આ ખ્યાલને તથ્યહીન માનીને નીચેના પ્રશ્નો ઉઠાવે છે

માનસિક દર્દીઓને સમજવા માટે શું મનોચિકિત્સકોએ પોતે બીમાર પડવું જોઈએ ?હિટલરની કારકિર્દી સમજવા માટે શું ઇતિહાસકારે પોતે હિટલર જેવી જ આક્રમકતા તિરસ્કાર અને વેરવૃતિઓ નો અનુભવ કે કલ્પના કરવાની પણ જરૂર ખરી? જાતીય વિકૃતિઓની સમજૂતી મેળવવા માટે સમાજ વિજ્ઞાનીએ પોતે કોઈ એક વિકૃતિનો ભોગ બનવું પડે ખરું ?દાખલા તરીકે આર્થિક વૃદ્ધિનો દર, જન્મદર ,ગુનાનો દર, બુદ્ધિ આંક, રાષ્ટ્રીય આવક વગેરે ઘટનાઓમાં અમુક વ્યક્તિઓની આંતરિક માનસિક સ્થિતિઓના ઉલ્લેખનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી ટૂંકમાં નેગલના મત મુજબ સમાજ વિજ્ઞાનનું વિષયવસ્તુ કેવળ આત્મલક્ષી છે એ મત અસ્વીકાર્ય છે.

મનોવિજ્ઞાનમાં હવે વર્તનવાદના વોટસન પ્રેરિત સિદ્ધાંતોનું ચલણ પણ ઘટી ગયું છે ચેતના અને મનના વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે છે એવું હવે મનોવિજ્ઞાનીઓ  સ્વીકારવા લાગ્યા છે.

(ક) વર્તનવાદ -વર્તનવાદનો જ્યારે અમેરિકન મનોવિજ્ઞાનમાં 20મી સદીના પ્રારંભમાં ઉદ્ભવ થયો ત્યારે તેમાં માનસિક ક્રિયાઓ વિશેના વિધાનોને વિજ્ઞાનમાંથી તદ્દન રદ કરી નાખવાનો અતિશયોક્તિભર્યો આગ્રહ હતો, તે બાબત નેગલ નોંધે છે. પરંતુ ત્યાર પછી મનોવિજ્ઞાનમાં જે વર્તનવાદનો વિકાસ થયો તે માત્ર પદ્ધતિમુલક વર્તનવાદ તરીકે જ થયો છે. અત્યારે માનસિક કે ચેતન સ્થિતીઓનો ઇનકાર કરીને કેવળ માનવીના હલનચલનનો મનોવિજ્ઞાનના વિષય તરીકે તેને ગણાવવાનો ભાગ્યે જ કોઈ આગ્રહ રાખે છે.માણસો આવેગો  અનુભવે છે, સંવેદન અનુભવે છે. વિચારો કરે છે, હેતુઓ ધરાવે છે અને તેમનું વર્તન પ્રેરિત વર્તન હોય છે .આ બધી હકીકતો હવે સમકાલીન મનોવિજ્ઞાનમાં દરેકને સ્વીકાર્ય બની છે. સમકાલીન વર્તનવાદીઓનો આગ્રહ માત્ર પદ્ધતિ મુલક ધારણાઓ વિશેનો છે. જે કંઈ માનસિક ઘટનાઓ ધારવામાં આવે છે તેમાં નિરીક્ષ્ય પરિમાણો તો હોવા જ જોઈએ .આ નિરીક્ષ્ય પરિમાણોનો અભ્યાસ હેતુલક્ષી રીતે થઈ શકે છે. આ બાબત સમાજલક્ષી અને ચિકિત્સાલક્ષી મનોવિજ્ઞાનમાં સ્વીકારવામાં આવી છે, વર્તનવાદીઓ હેતુલક્ષીતા પદ્ધતિથી નિરીક્ષ્ય વર્તનનો અભ્યાસ કરે છે. માનસિક સ્થિતિનો ઇનકાર કરવામાં હવે  તેઓને  રસ નથી. એટલે સામાજિક ઘટનાઓનો વર્તનવાદી દ્રષ્ટિએ જરૂર અભ્યાસ થઈ શકે. જો તેવો અભ્યાસ થઈ શકતો હોય તો પછી વૈજ્ઞાનિક હેતુલક્ષીતા સામાજલક્ષી વિજ્ઞાનોમાં શક્ય છે એવું સ્વીકારવું જોઈએ .વર્તનવાદને વૈજ્ઞાનિક સંશોધન કાર્યક્રમના એક પદ્ધતિ મુલક અભિગમ તરીકે હવે ગમે તે સામાજિક વિજ્ઞાનોમાં સ્વીકારી શકાય .વર્તનવાદને નામે માણસના હેતુ મુલક વર્તનની ઘટનાઓને માત્ર ભ્રમણાઓ ગણીને રદ કરવામાં આવે છે  એટલું આપણે જોવું પડે.

સમજણ( Verstehen)-

કેટલાક એવો દાવો કરે છે કે સામાજિક વિજ્ઞાનનોમાં વસ્તુ નિષ્ઠ(objective) સ્પષ્ટીકરણ કરતા સમાનુભૂતિકારક સમજણ (Empathetic Understanding)વધારે જરૂરી છે અને તેને પરિણામે સમાજ વિજ્ઞાનોની પદ્ધતિ કુદરતના વિજ્ઞાનની પદ્ધતિ કરતા તદ્દન નિરાળી હોવી જોઈએ .એક માતા પોતાના પુત્રના વર્તનને જે રીતે સમજી શકે છે તે રીતે એક મનોવિજ્ઞાની તેનું વર્તન કદાચ ન સમજી શકે .સામેના પાત્રની સ્થિતિમાં આપણે આપણી જાતને મૂકીને આપણી કલ્પનાથી તેની લાગણીઓ જરૂરિયાતો સમજી લઈએ છીએ .આ સમજણ સમાનભૂતિપૂર્વકની સમજણ છે .એક હિંદુ મુસ્લિમ બિરાદરોની સમાનભૂતિપૂર્વક સમજણ પ્રાપ્ત કરી શકે તો કેવું સારું ?વ્યવહારમાં આવી સમજણથી ઘણા કાર્ય થાય છે ,બીજી વ્યક્તિનાં દૃષ્ટિબિંદુ સાથે તાદાત્મ્ય સાધી લેવાથી વધુ સમજાય છે. સામાજિક કાર્યોમાં પ્રતિકાત્મકતા અને અર્થપૂર્ણતા હોય છે, આ અર્થપૂર્ણતા અને પ્રતિકાત્મકતા અને સમજણ પરાનુભૂતિપ્રેરિત છે. બે જૂથો વચ્ચે ખૂબ સાંસ્કૃતિક અંતર હોય તો અમુક પ્રકારની પરાનુભૂતિપૂર્વકની સમજણ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી હોય છે. વ્યક્તિ પોતાની સાંસ્કૃતિક ભૂમિકાના સંદર્ભમાં ઘટનાઓનો પ્રત્યક્ષ કરતી હોય છે .વ્યક્તિ અમુક અનુભવમાંથી પસાર થઈ હોય તો બીજાની પરિસ્થિતિ વધુ સહાનુભૂતિથી સમજી શકે છે.

આવી સમજાણ વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ કરતા વધુ આંતરિક(emic) છે .વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ બહીર્લક્ષી  (etic) છે. બે ઘટનાઓ વચ્ચે બહારથી જે સંબંધ દેખાય તેની સમીક્ષા તેમાં થાય છે. ઘટનાના અંતરંગમાં પ્રવેશવાની તેમાં જરૂર નથી. પરંતુ માનવ વ્યવહારોની કેવળ બાહ્ય સમજુતી પર્યાપ્ત નથી.માનવ વ્યવહારોના ઊંડાણ સુધી જવું હોય તો પરાનુભૂતિ થવી જોઈએ.

વર્ગીય અને પક્ષીય જૂથોની અસર હેઠળ વ્યક્તિ પોતાના અવલોકનો કરે છે અને તારણો મેળવે છે. એટલે ઘણીવાર સામાજિક સંઘર્ષ થાય છે એક શહીદનું માનસ સમજવા માટે,એક પ્રેમીનો આપઘાત સમજવા માટે કે પ્રેમિકા પામવા માટે,તેનું ધર્મ પરિવર્તન સમજવા માટે આપણે તેની માનસિક આંતરિક સ્થિતિમાં કલ્પનાથી આપણી જાતને મૂકવી જોઈએ. માણસ કેવળ નિરીક્ષક નથી તે સામાજિક ક્રિયામાં ભાગીદાર છે. સામાજિક ક્રિયામાં ભાગીદારી પરાનુભૂતિ ઉપર અવલંબે છે. સમાજ વિજ્ઞાનો પરાનુભૂતિને અવગણે તો કેવળ બાહ્ય સ્પષ્ટીકરણ જ મેળવે છે.પરંતુ પરાનુભૂતિને સ્વીકારે તો તેની વૈજ્ઞાનિક પદ્ધતિમાં તેનો સમાવેશ કરવો મુશ્કેલ છે.પરિણામે સમાજ વિજ્ઞાનોમાં બંને રીતે મુશ્કેલી છે.

સમાજ વિજ્ઞાનોમાં વિશિષ્ટ પ્રકારની સમજણ જરૂરી છે અને આ સમજણ પરાનુંભૂતિ પ્રેરિત હોય છે. તેને કારણે સમાજ વિજ્ઞાનો તદ્દન જુદો વૈજ્ઞાનિક દરજ્જો ધરાવે છે તે દલીલ પણ રૂ ન્ડર સ્વીકારતા નથી. બીજાની સ્થિતિનો પરાનુભૂતિથી ખ્યાલ કરીને કંઈક સમજણ મેળવવાની શક્યતા હોય તો પણ ધારણાઓને ચકાસવાની વૈજ્ઞાનિક રીતોમાં તેનો સમાવેશ થઈ શકે નહીં. પરાનુભૂતિને પણ પ્રામાણ્યના પ્રશ્નો તો છે જ, કઈ રીતે આપણે જાણી શકીએ કે પરાનુભૂતિથી આપણે બીજાના વર્તનનો અર્થ પામીએ છીએ,કે તેની મન સ્થિતિનો પરિચય મેળવીએ છીએ તે જ એક સ્વયં ધારણા છે અને તેને ચકાસવાની પણ જરૂર તો રહે છે.પરંતુ તેને વિશ્વસનીયતા અને યથાર્થતાના પ્રશ્નો પણ અન્ય કોઈપણ ધારણાની વિશ્વસનીયતા અને યથાર્થતના પ્રશ્નો જેવા જ છે. પરંતુ તે સમાજશાસ્ત્રીય સંશોધનની અનિવાર્ય પદ્ધતિ ના ગણી શકાય તેવો રુન્ડરનો મત છે. ટૂંકમાં સમાજલક્ષી વિજ્ઞાનોમાં કોઈપણ ખાસ પ્રકારની પરાનુભૂતિ પ્રેરિત સમજણ અનિવાર્ય છે તે કારણે તેનો દરજ્જો પ્રાકૃતિક વિજ્ઞાનોથી જુદો છે તેવી દલીલ રુન્ડર સ્વીકારતા નથી.

વસ્તુનિષ્ઠ( Objective )

સમાજ વિશેના અવલોકનો કેટલે અંશે વસ્તુનિષ્ઠ છે તે અંગે પણ ભારે ઉહાપોહ થયો છે. માણસ માત્ર પ્રેક્ષક નથી સમાજ વિજ્ઞાનીઓ અમુક રાજકીય કે આર્થિક વિચારસરણીમાં પુરસ્કર્તા  હોય છે. વર્તમાન સરકારોની નીતિના પક્ષમાં હોવાથી કે તેની વિરુદ્ધ હોવાથી સમાજશાસ્ત્રીઓ કેટલેક અંશે નિષ્પક્ષ અવલોકન કરી શકે છે તે પણ શંકા પાત્ર છે.આપણે અગાઉ જોયું કે કુદરતી વિજ્ઞાનમાં પણ “શુદ્ધ હકીકતો”નું અવલોકન થઈ શકે છે કે નહીં તે અંગે ઘણાને શંકા પડે છે. તમે જો ટેલિસ્કોપ વાપરો તો તમને જે હકીકત મળી તે ટેલિસ્કોપ અંગેના સિદ્ધાંતને સાચો ધારી લીધો એટલે જ મળી. હકીકતોને પ્રાપ્ત કરવા માટે પણ ઘણી ધારણાઓ કરી લેવી પડે છે. આ ધારણાઓ પૂર્વભૂમિકારૂપે જ્ઞાન બની જાય છે.કુદરતી વિજ્ઞાનમાં પણ જે સિદ્ધાંતમાં નિરપેક્ષ હકીકત પ્રાપ્ત કરવાની મુશ્કેલી હોય તો પછી સમાજ વિજ્ઞાનોમાં તો આ મુશ્કેલી વધી જાય છે .કારણ કે કુદરતી વિજ્ઞાન માટે સહાયક સિદ્ધાંતો હોય છે જ્યારે સમાજ વિજ્ઞાનોમાં તો સહાયક પૂર્વગ્રહો, મૂલ્યો,પક્ષીય સ્થાપીત હિતો, મનોવલણો વગેરેનો સમાવેશ થાય છે. લોકશાહીમાં વિરોધપક્ષો શાસક પક્ષની નિષ્ફળતાઓ જ જુએ છે અને શાસકપક્ષ વિરોધ પક્ષની નબળાઈઓ જ જુએ છે, શું જોવું અને જોયેલું છે તેનું કેટલું મહત્વ આપવું તે બાબત સામાન્ય માણસના નહીં પણ ખુદ નિષ્ણાતોના નિર્ણય પણ પર ઘણા અતાર્કિક પરિબળોથી પ્રભાવિત થાય છે. સામાજિક કે કાનૂની વ્યવસ્થા અંગે સમાજ વિજ્ઞાનોના નિષ્ણાતોને જીવનદ્રષ્ટિ, પક્ષીય જોડાણો અને અમુક વિચારસરણીના આગ્રહી સ્વીકારની તેમના નિર્ણય ઉપર અસર પડે છે

પૂર્વગ્રહયુક્ત નિરીક્ષણના અર્થમાં સમાજ વિજ્ઞાનીઓ વસ્તુનીષ્ઠતા ધરાવતા નથી, એટલું જ નહીં ઘણાની દ્રષ્ટિએ તેમના વિધાનોમાં ઘણા ઘટકો માત્ર કલ્પિત કે માનસિક હોય છે કે જે અનુસાર વાસ્તવમાં કશું અસ્તિત્વમાં નથી. આ અર્થમાં પણ સમાજવિજ્ઞાનીઓ વસ્તુનીષ્ઠ નથી તેમ કહેવાય છે.

સમાજ વિજ્ઞાનોમાં જે પદ્ધતિઓ વપરાય છે તે પણ કુદરતી વિજ્ઞાનનો જેવી વસ્તુનિષ્ઠ નથી અને તેના પરિણામો વિશ્વાસપાત્ર નથી તેઓ દાવો કરવામાં આવે છે. પ્રશ્નોત્તરી અમુક રીતે તૈયાર કરો તો અમુક ઉત્તરો જરૂર આવે, મનોવિજ્ઞાનીઓના પ્રયોગોમાં પાત્ર પાસેથી અપેક્ષિત પરિણામો આવે એ કસોટીઓના ઉપયોગમાં પણ સર્વદેશી વિશ્વસપાત્રતા ન હોય. કઈ પદ્ધતિ કેવા સંશોધનમાં પ્રયોજવી તે અંગે નિષ્ણાતોમાં જ સહમતિ નથી.

હેતુલક્ષીતાના જુદા જુદા અર્થ-

હેતુલક્ષીતા અંગેનો વિવાદ પણ  રુંન્ડરની દ્રષ્ટિએ સ્પષ્ટતા માંગી લે છે.હેતુલક્ષીતાના ઘણા અર્થ છે. એક અર્થમાં આત્મલક્ષીતાની સાથે તેનો વિરોધ દર્શાવવામાં આવે છે. દા. ત. જ્ઞાતાની મન:સ્થીતી ને કારણે જે ભ્રમ થાય તે આત્મલક્ષી પરિબળોથી થયો અને વ્યક્તિની માનસિક સ્થિતિને લીધે થયો તેમ કહી શકાય. આમ હેતુલક્ષી અને આત્મલક્ષી એ બે શબ્દો બિનમાનસિક અને માનસિક એ અર્થમાં પ્રયોજવામાં આવતા હોય છે.

પરંતુ હેતુલક્ષી અને પૂર્વગ્રહમુક્ત અવલોકન, એ અર્થમાં જ આપણે અહીં ચર્ચા કરવી પડે તેમ રુંન્ડર માને છે તેમ છતાં હેતુલક્ષીતાના જુદા જુદા અર્થો વિશે વધુ સ્પષ્ટતા થવી ઘટે.

૧. હેતુલક્ષીતા એટલે આપણી માન્યતાઓ કે માનસચિત્રોનું બાહ્ય હકીકતો સાથે બંધ બેસતાપણું. આપણા વિચારો અને માનસચિત્રો વસ્તુના બરોબર પ્રતિબિંબરૂપે હોય તો જ તે હેતુલક્ષી છે તેવી માન્યતા લોક ફિલ્સુફીના સમયથી વધુ પ્રચલિત બની છે.

આ સિદ્ધાંતમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે

(અ)માનસ પ્રતિમાઓ કયા અર્થમાં વસ્તુઓની પ્રતિકૃતિ છે? બરફના ટુકડા અને બરફની પ્રતિમા વચ્ચે કયા અર્થમાં સામ્ય છે? શું બરફની પ્રતિમા સ્વયં બરફ જેવી ઠંડી છે?

(બ) આપણા બધા વિચારો માનસ પ્રતિમાઓ નથી. દા. ત. અમુક ગાણિતિક વિચારો કોઈ ચોક્કસ તત્વોના પ્રતિબિંબો નથી

(ક) આ ઉપરાંત, આપણા વિચારો કે પ્રતિમાઓ અને બાહ્ય જગતની વસ્તુઓ વચ્ચે મેળ બેસે છે તે આપણે કેવી રીતે જાણી શકીએ? શું આપણે બાહ્ય વસ્તુને પહેલા સીધી રીતે જાણી લઈએ છીએ અને પછી તેની સરખામણી તે અંગેના માનસિક સાથે કરીએ છીએ?

વિચારો કે માણસ ચિત્રો વસ્તુઓના જાણે કે ફોટોગ્રાફ છે તેવો સિદ્ધાંત રુંડર ( snapshot theory ) તરીકે ઓળખાવે છે અને હેતુલક્ષીતાના આવા સિદ્ધાંતની ખામીઓ તેઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે.

 ર . હેતુલક્ષીતાનો બીજો અર્થ “સત્ય અહેવાલ” છે આ અર્થ રુંન્ડર  સ્વીકારે છે. “સત્ય” કે “અસત્ય” એ વિધાનો માટે વપરાતા શબ્દો છે. ગરમી કે ઠંડી ઘટનાઓ છે. તે સત્ય કે અસત્ય ના હોય. ઘટનાઓ વિશેનાં વિધાનો સત્ય કે અસત્ય હોય. કોઈ અહેવાલ સત્ય હોય તો તે હેતુલક્ષી છે કારણ કે તે આપણને બીજા સત્ય વિધાનો માનવા તરફ દોરે છે.

૩. હેતુલક્ષીતાનો ત્રીજા અર્થમાં પદ્ધતિ માટે વપરાય છે. અમુક પદ્ધતિ હેતુલક્ષી છે માટે વિશ્વાસપાત્ર અને યથાર્થ છે તેમ આપણે તપાસી શકીએ છીએ. ન્યાયની અદાલતોની કામગીરીમાં હેતુલક્ષી રીતે તપાસ થવી જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવે છે. સંશોધનો યોગ્ય રીતે થઈ રહ્યા છે કે કેમ તે અંગેના પ્રમાણો વિશે આપણે હેતુલક્ષીતાનો આદર્શ સ્વીકારીએ છીએ. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બુદ્ધિ કસોટીઓ હેતુલક્ષી છે. તેમ કહેવાનો અર્થ એ છે કે કસોટીઓ પ્રમાણભૂત હોવી જોઈએ .એટલે કે તેની વિશ્વાસનીયતા અને યથાર્થતા પ્રમાણિત થયેલી હોવી જોઈએ. તેનું ગુણપ્રદાન ( scoring) કરવાની વિધિ પણ ધોરણબધ્ધ હોવી જોઈએ. જુદી જુદી ઘટનાના માપનના વિવિધ સાધનો પણ આ જ અર્થમાં વસ્તુ પરખ છે. અમુક સાધનો દ્વારા માપનમાં કઈ જાતની ભૂલ થાય છે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવતી હોય છે .અલબત્ત કોઈપણ સાધન કે પદ્ધતિ નિરપેક્ષ રીતે વિશ્વાસપાત્ર છે કે યથાર્થ છે તેમ કહેવું સ્વવ્યાધાતી  છે, કારણ કે કોઈપણ નીરક્ષણગમ્ય પદ્ધતિ નિરપેક્ષ રીતે વિશ્વાસપાત્ર નથી. ક્ષતિક્ષમતા વિજ્ઞાનની ધારણાઓ અને સાધનોનું મહત્વનું લક્ષણ છે. કોઈપણ પદ્ધતિમાં ભૂલ થવાની તાર્કિક અશક્યતાઓ હોતી નથી.