સામાન્ય રીતે આવી ઘટના બને છે ત્યારે દીકરો કે દીકરી ભાગી ગયા તેવા શબ્દનો ઉપયોગ થતો જોવા મળે છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે આવું શા માટે બને છે?અને આવું બને ત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ?

 સૌથી પહેલા આપણે એ વાતની ચર્ચા કરીશું કે 18 થી નાની વય હોય જેને સગીર બાળક કહીએ છીએ, તેઓ શા માટે ઘર છોડી દે છે ?માતા કે પિતા અપરમાતા-પિતા હોય,માતા-પિતા દ્વારા હિંસા થતી હોય, માતા-પિતા દ્વારા ભણવા કે બીજા કામ કરવા બાબતે દબાણ કરવામાં આવતું હોય ,માતા કે પિતામાંથી કોઈ મૃત્યુ પામ્યું હોય અને બાળકની કુટુંબમાં જરૂરિયાતો પૂરી ના થતી હોય,કોઈના બહેકાવામાં બાળક આવી જાય છે જેવા અનેક કારણો હોય શકે છે. પરંતુ આજે આપણે  આ ઉંમરે  વિજાતીય આકર્ષણથી બાળક માતા-પિતાને કહ્યા  વગર ઘર છોડી દે છે,તેના વિષે વાત કરીશું.  આ ઉંમરનો સમયગાળો એ તરુણાવસ્થાનો સમયગાળો છે સામાન્ય રીતે આ ઉંમરમાં છોકરા અને છોકરીઓને પરસ્પર વિજાતીય આકર્ષણ હોય જ, તે વૈજ્ઞાનિક છે. સૌથી પહેલા તો માતા પિતાએ આ બાબતને સ્વીકારવાની છે.  પરંતુ આપણા સમાજમાં મા બાપ નાની વયે બાળ લગ્ન કરાવે છે તેને તેઓ  માન્ય ગણે છે. પરંતુ બાળકો જો ઘર છોડીને વિજાતીય વ્યક્તિ સાથે  જતા રહે છે ત્યારે માતા પિતા માટે મોટા પ્રશ્નો ઊભા થાય છે. આવું બનવાનું કારણ એ છે કે આ ઉંમરમાં જો માતા પિતા કે શિક્ષકો દ્વારા યોગ્ય સમજ પૂરી પાડવામાં ન આવે ત્યારે આવી ઘટના વિશેષ  બને છે.  આ ઉંમરમાં બાળકોને સહજીવન, જાતીય જીવન વિશેની કોઈ સમજ હોતી નથી. તેથી ઘણા કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે છોકરો અને છોકરી ઘર છોડીને જતા રહે, એક બે દિવસ ગમે ત્યાં રહે, પછી ઘરે પાછા ફરે છે અથવા તો રસ્તા પર આવી જાય છે,કારણ કે તેમની પાસે જીવવા માટે પૈસા હોતા નથી કે કોઈ દિશા હોતી નથી.  સોશિયલ મીડિયા કે મિત્રો પાસેથી જાતીયતા  અંગે જે કંઈ શીખ્યા હોય છે એ જ તેમની પાસે હોય છે.

માતા પિતાને ચિંતા થાય તે સહજ છે પરંતુ માતા પિતાની તરુણ પ્રત્યેની જવાબદારી શું છે તેની સમજ માતા-પિતામાં હોતી નથી. તેથી જ આવી ઘટના બને છે. આ ઉંમરે બાળક સાથે  કેટલા માતા પિતા પોતાના બાળકમાં થતા શારીરિક ફેરફારો અંગે ચર્ચા કરતા હશે ? બાળકના મનમાં ઊભા થતા સવાલોના જવાબો આપતા હશે? શારીરિક ફેરફારો અંગે બાળકોની ગેરસમજને દૂર કરતા હશે અને સમજને કેળવતા હશે ? આપણે ત્યાં તો બાળકને તરુણ બનતા જ તેઓ ખોટા પગલા ન ભરે તે માટે એક પ્રકારનો ભય ઊભો કરવાનું કામ માતા પિતા કરે છે જે તદ્દન ખોટી બાબત છે. જો શારીરિક ફેરફારો અને જાતીય જીવન વિશેની સાચી સમજ પૂરી પાડવામાં આવે તો કદાચ બાળક કોઈ અયોગ્ય પગલા નહિ ભરે.આ ઉમરમાં બાળકો પોતાની ઓળખ વિષે વધુ સભાન બને છે,પોતાના દેખાવ વિષે વધુ સભાન બને છે,વિજાતીય સમવયસ્ક પ્રત્યે તેઓ વધુ આકર્ષાય છે ત્યારે કેટલીક વખત માતા-પિતા તેમના આ વર્તન માટે ટોકે છે,રોકે છે,ટોણાં પણ મારે છે,ત્યારે વડીલોએ પોતાના આ દિવસોને /આ અવસ્થાને યાદ કરવા જોઈએ અને તે સમયે તેમને થતી લાગણીઓ શું હતી તે યાદ કરવું જોઈએ. 

  તરુણાવસ્થામાં દીકરી જ્યારે માસિક ઋતુ સ્ત્રાવમાં આવે છે ત્યારે ઘણા કુટુંબોમાં કંસાર બનાવીને તેને મનાવવામાં આવે છે. કેમકે દીકરી હવે સંપૂર્ણ સ્ત્રી બની છે. આ ઉંમરમાં દીકરાને વીર્ય સ્ત્રાવની શરૂઆત થાય છે.  માસિક સ્ત્રાવ અને વીર્ય સ્ત્રાવ શું છે? શા માટે થાય છે ? જાતીય જીવન શું છે જો નાની ઉંમરમાં જાતીય સમાગમ કરવામાં આવે તો કેવા પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે છે તે અંગેની સમજ તેની ઉંમરને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે આપવામાં આવે તો બાળકો આવી કોઈ ભૂલ નહીં કરે તેવી શક્યતા છે. 

 તેમ છતાં જ્યારે નાની ઉંમરમાં બાળક ઘર છોડી દે છે, પાછા આવે છે કે મળી આવે છે ત્યારે તેણે કોઈ બહુ મોટો ગુનો કર્યો છે તેવી રીતે તેની સાથે વ્યક્ત થવું જોઈએ નહીં. પરંતુ પ્રેમથી તેની સાથે શું થયું છે અને કેવા પ્રકારના જોખમો છે તેની  ચર્ચા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેની સાથેની વાતચીતમાં ક્યાંય પણ તેને દોષિત માનવામાં આવે છે તેવું વ્યક્ત થવું જોઈએ નહીં. માતા પિતા આ સ્થિતિમાં તેને સમજે છે કે સમજવાનો પ્રયત્ન કરે છે અને તેને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે બાળકને જણાવવું જોઈએ.

 છોકરો કે છોકરી જેની સાથે ઘર છોડીને ગયા હતા તેના વિશે તેમના  મનમાં પૂરી લાગણી હશે તેથી તેની આ લાગણી ઉપર ઘા કરવા જોઈએ નહીં. કારણ કે જે પણ ઘટના બની છે તેમાં બંને સહભાગીદાર હોય છે. છોકરીઓના કેસમાં માતા પિતા પોતાની છોકરીને  ભોળવીને લઈ ગયા તે પ્રકારની લાગણી અનુભવે છે. પરંતુ છોકરો કે છોકરી બંને જ્યારે સગીર હોય છે ત્યારે બંનેની સ્થિતિ સમાન હોય છે. જો પુરુષ  વયસ્ક હોય તો જરૂર તેમાં દીકરીને ભોળવવાની કે બદઇરાદાની સંભાવના હોય છે.માતા પિતા કેટલીક વખત છોકરાને પાઠ ભણાવવા માટે તેની ઉપર પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોધાવે છે. જેની સાથે તેમની દીકરી સંમત હોતી નથી.જે કિસ્સામાં એક પાત્ર સગીર અને બીજું પાત્ર જ્યારે પુખ્ત હોય અને આવી ઘટના બને તેની ચર્ચા આપણે અલગથી કરીશું.

દીકરી કે દીકરો મળી આવે ત્યારે  પહેલા બનેલી ઘટના,તેની સાથે જો જબરજસ્તી થઈ છે,તેમાં બીજા કોઈ સામેલ છે કે કેમ  તો તેની ચર્ચા અને સમજ કેળવવી. જોકે કેટલાક કેસમાં દીકરો કે દીકરી ઘર  છોડીને જાય છે ત્યારે  માતા-પિતાએ ફરિયાદ કરી હોય છે,તેવા કેસમાં બાળક  ઘરે આવે ત્યારે તેને  કેસ વિષે અને તેની પ્રક્રિયા  વિષે સમજ આપવી જરૂરી છે. બાળકની ઈચ્છા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી યોગ્ય નથી.કારણ કે જો તેમ થશે તો પોલીસ સ્ટેશનમાં પણ દીકરી તેના વિરુદ્ધ કોઈ બયાન નહીં આપે.  માટે ઉતાવળે કોઈ નિર્ણય કરવો નહીં કેટલીક વખત માતા પિતા આવા કિસ્સામાં બાળકી ઉપર ખૂબ દબાણ અને અત્યાચાર ગુજારે છે, તેને ઘરમાં પૂરી રાખે છે, સતત પ્રશ્નો કરે છે, સલાહ આપ્યા કરે છે. આવા કિસ્સામાં માતા-પિતા અને વડીલોએ આ પ્રમાણે કરવું જોઈએ.

  • આ પ્રકારની ઘટના માટે બાળક કરતાં માતા-પિતા દ્વારા થયેલ ઉછેર, વ્યવહાર,વલણો,વર્તન વધુ જવાબદાર હોય છે.જે અંગે તેમણે મનોમંથન કરવાની જરૂર છે .
  • બાળક પાછું આવે છે ત્યારે બાળકને અનેક કુટુંબીજનોને મળાવવું અને તેમના દ્વારા સમજાવવાનો પ્રયત્ન ના કરવો.બાળકને ઇમોશનલ બ્લેકમેલ ના કરવું.
  • બાળકને તેણે ગુનો કર્યો છે તેવી લાગણી દર્શાવવી નહીં. 
  • દબાણ,હિંસા,પૂરી રાખવું,મારવું  જેવુ વર્તન કરવું નહીં.
  • જેની સાથે ઘર છોડીને ગયા હતા તે દીકરો કે દીકરી પ્રત્યે ટીકા,ખરાબ શબ્દો કહેવા, ગુનેગાર કહેવો,તિરસ્કાર દર્શાવવો જેવી લાગણી બાળક આગળ વ્યક્ત  કરવાથી તેના મનમાં માતા-પિતા પ્રત્યે તિરસ્કાર અને સામેની વ્યક્તિ પ્રત્યે વધુ પ્રેમભાવ મક્કમ થાય છે. 
  • ઘરમાં બાળક પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ રહે,વાતાવરણ ગંભીર અને તંગ ના રહે તે જોવું જોઈએ. 
  • બાળક પાછું આવે છે કે મળી આવે છે ત્યારે તેને ખૂબ પ્રેમથી આવકારવું જોઈએ. પણ આવ્યા પછી તેની સાથે બાળકને જેની સાથે વધુ લાગણીથી જોડાયેલ છે તેમણે બાળક સાથે આખી ઘટના વિષે વાત કરવી જોઈએ. અને તેના મનની લાગણીઓને સમજવી જોઈએ,આવી ઘટનાનું શું પરિણામ આવી શકે તે અંગે તેની સમજ કેળવવી જોઈએ. બાળક સાથે બનેલી ઘટનાની શરૂઆતથી વર્તમાન સુધી બનેલી ઘટના,શું થયું,ક્યાં ગયા હતા તેના વિષે વાત કરવા કહેવું જોઈએ.તે કહે છે ત્યારે તેની વાતને જરા પણ શંકાથી ના લેવું,તેને એવા પ્રશ્નો ના પૂછવા જેથી તેને અવિશ્વાસ છે તેવું લાગે, તેની લાગણીઓને ખૂબ ધીરજથી સમજવી અને સાંભળવી જોઈએ.
  • શક્ય હોય તો બંને બાળકોના કુટુંબના વડીલોએ દુશ્મનાવટ કે તિરસ્કાર વગર ખુલ્લા મને બાળકોની સંભાળ અને તેમની ઉમર મુજબ તેમના વર્તનની ચર્ચા કરી તેમના માટે યોગ્ય શું છે તેની સમજ ઊભી કરવી જોઈએ. જરૂર લાગે તો કોઈ યોગ્ય વ્યક્તિને મીડીએટર તરીકે રાખી શકાય. 
  • જરૂર હોય તો મનોવૈજ્ઞાનિકની સારવાર /કાઉન્સેલિંગ લેવું  જોઈએ.