જ્યારે કોઈ બાળક,વયસ્ક કે વૃધ્ધ વ્યક્તિ આત્મહત્યા કરવાની વાત કરે …..
આજે માણસને જીવનમાં અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે.જીવનમાં અનેક પ્રકારના પડકારો આવે છે. કુટુંબો વિભક્ત બનતા, બાળકોના ઉછેરમાં જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. એકલતાના પ્રશ્નો, વ્યાવસાયિક ક્ષેત્રે હરિફાઇના પ્રશ્નો,આર્થિક મુશ્કેલીઓ,કૌટુંબિક સંબંધોના પ્રશ્નો માણસને નિરાશામાં ધકેલી દે છે. આવા સમયે તેને જો કોઈ સહારો ના મળે તો તે આત્મહત્યા કરવા પ્રેરાય છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જે ઘણી વાર આત્મહત્યા કરવાનું કહે છે તે કરે નહીં. પરંતુ આ ગેર માન્યતા છે. આ વ્યક્તિ સિગ્નલ આપે છે,કેટલીક વાર કહે છે,કેટલીક વાર કહેતા નથી,પરંતુ એકલા રહેવાનુ પસંદ કરે છે,બોલતા નથી, ત્યારે તેમના માનમાં જે વાતનું દુખ છે, જે તેમને મરવાના વિચારો માટે પ્રેરે છે. આ સ્થિતિ તેમના માટે નિ:સહાયની હોય છે.તેમને પોતાને કોઈ જ રસ્તો દેખાતો નથી,હારી ગયા, થાકી ગયા, સહન નહીં થઈ શકવાની લાગણી અનુભવે છે. મનમાં તે તેને માટેની વ્યૂહરચના ઘડે છે.
આવી ઘટના બને તે પહેલા શું કરીશું ?
જો કોઈ પણ બાળક,પુખ્ત વ્યક્તિ,વૃધ્ધ વ્યક્તિ કે તમારી આસપાસની વ્યક્તિ નિરાશ દેખાતી હોય, કોઈ સાથે વાતો ના કરતી હોય અથવા મરી જવાની વાત કરે છે,જીવવાનો કોઈ અર્થ નથી,જીવીનથી કંટાળી ગયો છું/ગઈ છું,જેવી વાતો કરે તો નીચેની બાબતોને સમજો અને તે મુજબ અનુસરો.
- તેને એકલા ના છોડશો,ઘરમાં આત્મહત્યા માટે ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓ ના રાખશો અથવા ઠેકાણે મુકશો.
- તેને આવું કરાય? તારા માતા-પિતા,બાળકોનું શું થશે તે તો વિચાર કર તેવું ક્યારેય ના કહેશો.
- તેને જેમની સામે નફરત છે તેનાથી દૂર રાખો.
- મૃત્યુના વિચારો કેમ આવે છે ? મનમાં શું ચાલી રહ્યું છે ? શું મુશ્કેલી અનુભવી રહ્યા છો ? જેવા પ્રશ્નો પૂછી શકાય,તેમાંથી બીજા શું રસ્તા નીકળી શકે તેવું તેમને લાગે છે ? વ્યક્તિ જેમની સાથે નિકટતા અનુભવે છે તે જ તેમની સાથે આવી વાત કરે તે યોગ્ય છે.
- એ વ્યક્તિએ શું કોઈ યોજના બનાવી છે તે જાણવાનો પ્રયત્ન કરો.
- જો વ્યક્તિનો પોતાના પરનો કાબૂ ના હોય કે અત્યંત નિરાશાજનક સ્થિતિ હોય તો તેમને તાત્કાલિક માનોચિકિત્સક પાસે લઈ જવું.જ્યાં દવાઓ ઉપરાંત આપઘાતના વિચારોમાંથી બહાર લાવવા માટે પ્રોફેસનલ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ અપાવવું.
- વ્યક્તિને કુટુંબના બધાએ સલાહ આપવી જરાય યોગ્ય નથી.
- કોઈ પણ જાતનું દબાણ ઊભું ના કરવું.
- કોઈ પણ જાતની શરતો ના મૂકવી.જેમ કે તું જો કઈ કહીશ નહીં તો હું તને મદદ નહીં કરું.
- તે વ્યક્તિ આવું વિચારે છે માટે તે નબળા મનની છે કે તેને જીવન જીવતા નથી આવડતું કે ગાંડપણ છે તેવું ના માનવું,તેવું વ્યક્ત ના કરવું.
- તેને ચેલેન્જ ના આપવી કે મરી જવાનું બોલવું સહેલું છે કરવું અઘરું છે,કરી બતાવ.
- આવી વ્યક્તિમાં દોષિતપણાની ભાવના વ્યક્ત થાય તેવું ક્યારેય ના કરવું.
- જો વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય અને બચી ગયા હોય તેવા સંજોગોમાં, તેમની સાથે તેમનું પગલું ખોટું હતું,આવું ના કરાય,તેના લીધે કુટુંબીજનો કેટલા દુખી થઈ ગયા તેમ કહેવાને બદલે,જે કારણસર તેણે આત્મહત્યા નો પ્રયત્ન કર્યો હતો તે સ્થિતિ કે વ્યક્તિથી તેને દૂર રાખવી, તેને આ ઘટના વિષે વારંવાર યાદ ના કરાવવું કે તેની સાથે તે અંગે ચર્ચાઓ ના કરવી. તેની કાળજી લેવી.પણ બંધનમાં ના રાખવા. તેની સાથે એવું કમ્યુનિકેશન કરવું કે જીવનમાં બીજા કયા રસ્તાઓ હોય શકે છે.
- વ્યક્તિ જેની સમક્ષ,આત્મહત્યાના વિચાર અંગે વાત કરે છે તેમણે સ્વસ્થ રહેવું જરૂરી છે,તેમની સાથે કોઈ શિખામણરૂપ કે સૂચનરૂપ વાર્તાલાપને બદલે સમસ્યા નિવારણની દિશામાં તેમને લઈ જવા માટેનું પ્રત્યાયન કરવું જરૂરી છે.
- આવા કિસ્સાઓને કુટુંબમાંથી કોઈ કે મિત્રોમાંથી કોઈ પણને કેમ પ્રત્યાયન કરવું તે આવડે તે જરૂરી નથી, આ બાબતને ગંભીરતાથી લઈને પ્રોફેસનલ કાઉન્સેલિંગ કે સાઇકિયાટ્રિકના સુપરવિઝનમાં રાખી શકાય. તે દરેક કેસ મુજબ જુદું હોય શકે છે. ડોક્ટર કે કાઉન્સેલર પાસે જવા માટે વ્યક્તિને જબરજસ્તી નહીં પણ સમજ આપીને તૈયાર કરવા જરૂરી છે.
- આપણા સમાજમાં કૌટુંબિક સામાજિક સંબંધો જ્યારે બગાડે છે ત્યારે એ હદ સુધી સંબંધો ખરાબ થાય છે કે કેટલીક વખત વ્યકતીને આત્મહત્યા માટે પ્રેરવામાં આવે છે,આ સ્થિતિ આવે નહીં તે માટે નાના મોટા ઝગડામાં પણ કાઉન્સેલિંગ લઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. સંબંધોમાં પરિવર્તન આવી શકે છે,કોઈ પણ કાળે જેવા છે તેવા સંબંધો નિભાવીને જીવવવું પડશે તેમ માનવું યોગ્ય નથી, તેના બીજા રસ્તાઓ હોય શકે છે.
- કુટુંબીજનોએ આવા સમયે રોકકળ,ગભરાટ કે ગુસ્સો ના કરવા,કુટુંબનું વાતાવરણ પ્રેમભર્યું ,સુમેળભર્યું રાખવું જરૂરી છે.
- આવું બનવા માટે વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ, કૌટુંબિક કે બાહ્ય અસરકર્તા પરિબળો અને સંબંધો જવાબદાર હોય શકે છે.