દલિતોની વિવિધ સમસ્યાઓ :

1. નીચો દરજ્જો અને જ્ઞાતિગત પૂર્વગ્રહોમાંથી પેદા થતી સમસ્યાઓ :

  વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા આવી તેમ માનવામાં આવે છે . વર્ણવ્યવસ્થા મુજબ શુદ્રોંનો સૌથી નીચો દરજ્જો હતો . સમાજમાં સફાઈનું કામ , મરેલા ઢોર ખેંચી જવાનું કામ, ચામડું પકવવાનું કામ , માથે મેલુ ઉપાડવાનું કામ , શહેરોમાં રોડ અને જાહેર શૌચાલયોની  સફાઈનું કામ આજે પણ દલિતો દ્વારા જ થાય છે , કારણ કે આ સ્વચ્છતાના કાર્યો અપવિત્ર ગણવામાં આવે છે , અને તે કરનારને પણ અપવિત્ર માનવામાં આવે છે . તેથી તેઑ સમાજમાં નીચા છે અને બિન દલિતો ઊંચા છે તેમ માનવામાં આવે છે , બિન દલિતો તેમના પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે . દલિતો ગુરુતાગ્રંથિથી અને બિન દલિતો લઘુતાગ્રંથિથી પીડાય છે . દલિતો પ્રત્યે તેઓ અસ્પૃશ્ય છે, બિન દલિતો પર તેમણે આધારિત જ જીવન જીવવું પડે અને તેઓ ક્યારેય બિન દલિતોથી આગળ કે ઉપર જઇ ના શકે તેવી માનસિકતા ધરાવે છે . જેને કારણે દલિતો માટે અનેક જોગવાઇઓ કરવા છતાં તેમનો સામાજિક અને આર્થિક દરજ્જો નીચો છે

2. સત્તા અને સંપત્તિની વંચિતતા :

   સામાજીક કોટિક્રમ  મુજબ શ્રમનું  વિભાજન આપણા સમાજમાં જોવા મળે છે. એટલુજ નહીં પરમપરાગત ચાલ્યા આવતા આર્થિક કાર્યો જ દરેકે કરવાના તેવી ફરજ પાડવામાં આવે છે , ખાસ કરીને દલિતોને . તેને પરિણામે દલિતો સંપત્તિ ધરાવી શકતા નથી , સંપત્તિ ખરીદી શકતા નથી.ગામમાં જમીન વેચવાની હોય તો દલિતોની ખરીદ શક્તિ હોવા છતાં પણ તેઓ ખરીદી શકતા નથી ,કારણ કે બિન દલિતો તેમને  જમીન વેચતા નથી . તેથી તેમનું અન્ય સમુદાય પર આધારિતાપણું જોવા મળે છે . ઉત્પાદનનું સાધન ના હોવાથી તેમણે મજૂરી જેવા કાર્યો કરવા પડે છે . જ્યાં સરકાર દ્વારા દલિતોને જમીનો ફાળવવામાં આવી છે ત્યાં પણ તે જમીનો ખૂબ ખરાબ છે તેથી તેમાંથી કસું ઉત્પાદન મળી શકતું નથી , કેટલીક વખત તો આ જમીનો પર બિનદલિતોએ કબજો જમાવેલો હોય છે તેથી પોતાની જ જમીનમાં તેમણે મજૂરી કરવી પડે છે .

પંચાયતમાં અનામત દાખલ કર્યા પછી પણ સાચા અર્થમાં તેમની ભાગીદારી ઊભી થઈ શકી નથી . કારણ કે તેઓ સ્થાન મેળવી શક્યા છે પરંતુ દરજ્જો નહીં . એટલે કે તેમણે પંચાયતમાં કોઈ નિર્ણયો બિન દલિતોને પૂછયા વગર લેવાના હોતા નથી . ઘણી જગ્યાએ તો સરપચ હોવા છતાં તેમની ખુરશી પર તેઓને બદલે વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિની વ્યક્તિ બેસે છે . ચૂંટણી વખતે દલિતોએ કોને મત આપવો તે પણ વર્ચસ્વી જ્ઞાતિની વ્યક્તિ કહે તેમને આપવો પડે છે . સામાજિક ન્યાય સમિતિ જે ખાસ દલિતો માટે જ બનાવવામાં આવી છે પરંતુ તેના ચેરમેન કે સભ્યો પોતાની કોઈ સત્તાનો ઉપયોગ કરી શકતા નથી.

3. દલિતોમાં સામાજિક સ્તરીકરણ અને ભેદભાવો :

   સદીઓથી હિન્દુ ધર્મમાં જણાવ્યા મુજબ વર્ણવ્યવસ્થાને સમાજ અનુસરતો આવ્યો છે . વર્ણવ્યવસ્થા માંથી જ્ઞાતિઓ આવી અને તેમાં પણ સમાજની સેવા કારનાર શુદ્ર લોકો સૌથી નીચું સ્થાન ધરાવતા. સૌથી ઊંચા બ્રાહ્મણો, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર એમ કોટિક્રમિત  વ્યવસ્થા સમાજમાં સ્થાપિત થઈ હતી તે આજે પણ માણસોના વ્યવહારમાં જોવા મળે છે. જ્ઞાતિ વ્યવસ્થા એ સામાજિક સ્તરીકરણ છે જે જુદી જુદી જ્ઞાતિઓને જુદા જુદા સ્તારોમાં સ્તરીકૃત કરે છે . હમેશા માણસ  પોતાનાથી ઊંચા છે તેમની પાસેથી વર્તન કેમ કરવું તે શીખે છે . અને તે મુજબ સમાજના ઉપલા વર્ગો જેવી રીતે દલિતો સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે , અસમાનતા રાખે છે તે જ જોઈને દલિતોમાં પણ તેવું વર્તન કે સ્તરો જોવા મળે છે . દલિતોમાં પણ વણકર ઊંચા અને વાલ્મીકિ નીચા માનવામાં આવે છે . તેમની સાથે રોટી બેટી વ્યવહાર નથી, ખાન પાન વ્યવહાર નથી અને ત્યાં પણ અસ્પ્ર્શ્યતાના અમુક સ્વરૂપો જોવા મળે છે.

4. પરંપરાગત મલીન વ્યવસાયો સંબંધિત સમસ્યા :

  શહેર હોય કે ગામ , જાહેર જગ્યાઓ હોય કે ખાનગી તમામ જગ્યાઓ પર શૌચાલય કે રોડ સફાઈના કાર્યો દલિતોએ  જ કરવાના હોય છે . અન્ય કોઈ જ્ઞાતીના માણસો રોજગારી ના હોય તો ભૂખે મરે પણ આવા સફાઈના કાર્યો સ્વીકારતા નથી . તમામ મ્યુનિસિપાલિટીના કાયમી કામદારોને માટે આપણે એમ કહીએ કે તેમને  આપણે સો ટકા અનામત આપી દીધી છે . સૌથી ખરાબ સ્થિતિ તો માથે મેલુ ઉપાડનાર અને ગટરમાં અંદર ઉતરીને સાફ કરનાર કામદારોની છે . મરેલા ઢોરને ખેંચી જવા અને ચામડું ઉતારવું જેવા કાર્યો તેઓ કરે છે . જે કાર્યો માટે તેમની પાસે આધુનિક સાધનો હોતા નથી તેથી અત્યંત દયનીય સ્થિતિમાં તેમણે કાર્યો કરવા પડે છે . બીજી બાજુ આ કાર્યો કરનારને અસ્પૃસ્ય ગણવામાં આવે છે

5. દલિતોનું આર્થિક પરાવલંબન અને શોષણ :

દલિતો પાસે જમીનો ખૂબ ઓછી છે ,તેઓ ખરીદી શકતા નથી, ગામડાઓમાં તેમણે મુખ્યત્વે ખેત મજૂરીના કાર્યો કરવા પડે છે , તેમની પાસે જમીન ના હોવાથી તેઓ પશુપાલન પણ કરી શકતા નથી, તેમણે બળતણ, દૂધ,છાસ, ઉછીના પૈસા, દલિતોની અંદર ઝગડા થાય ત્યારે ન્યાય મેળવવા જેવી  તમામ બાબતોમાં દલિતોએ બિનદલિતો પર આધાર રાખવો પડે છે . આર્થિક પરાવલંબન હમેશા શોષણ પેદા કરે છે . દલિતો હમેશા પરાવલંબી રહે તેમ બિન દલિતો ઈચ્છે છે અને તે પ્રમાણે  સમાજની તમામ વ્યવસ્થાઓ બને છે . સ્ત્રીઓનુ જાતિય શોષણ પણ થાય છે , દલિતો જીવનભર  દેવામાં જ રહે છે .

6 દલિતો પર થતાં અત્યાચારો :

સમાજમાં શિક્ષણ વધ્યું છતાં ઊંચનીચના ભાવો ગયા નથી .દલિતોનું સ્થાન સમાજમાં સૌથી નીચું માનવામાં આવે છે , આભડછેટનું સ્વરૂપ બદલાયું છે. દલિતો પ્રત્યે આજે પણ દરેક જગ્યાએ છુપો ભેદભાવ રાખવામા આવે છે. બીજી બાજુ દલિતોમાં શિક્ષણ વધ્યું છે તેથી તેમના તરફથી સમાનતાની માંગ વધી છે ,તેમાં પણ ખાસ કરીને યુવાનો હવે પોતાના નીચા દરજ્જાને સ્વીકારતા નથી, એટલુજ નહીં તેઓ હવે પોતાના પરંપરાગત કાર્યો કરવા માંગતા નથી . અને તેમાના બેદભાવો/અત્યાચારો સામે ફરિયાદ કરતાં થયા છે .તેથી બિનદલિતો એમ સમજે છે કે જેઓ હમેંશા અમારા તાબામાં રહ્યા તેઓ હવે અમારી સામે બોલતા થયા છે ? તેથી તેઓ વધુ આકરા બનીને દલિતોને દબાવવા માટે વધુ અત્યાચાર કરતાં થયા  છે . આવા અત્યાચાર શારીરિક , માનસિક , આર્થિક અને જાતિય રીતે થાય છે . દલિતો માટે અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવે છે .

7. અસ્પૃસ્યતા અને પ્રતિબંધોથી વિકાસ સંબંધિત સમસ્યાઓ :

દલિતો સાથે સદીઓથી અસ્પૃસ્યાતાનો વ્યવહાર રાખવામા આવે છે , હિન્દુ ધર્મ મુજબ ગંદા કાર્યો કરનારને સ્પર્શ ના કરવો તે  અપવિત્ર ગણાય છે તેમ માનવામાં આવે છે , પરંપરાગત રીતે દલિતો સમાજની સ્વછતાના કાર્યો કરતાં આવ્યા છે , કે સમાજ તેને માટે તેમને  ફરજ પાડે છે . આજે થોડો સુધારો છે કે સાથે પ્રવાસ કરે છે ,સાથે ભણે છે , સાથે નોકરી ધંધા  કરે છે પરંતુ ખાન પાન , રોટી બેટી વ્યવાહાર કે સામાજીક  પ્રસંગોમાં તેમનાથી અંતર આજે પણ છે. ગામની સફાઈના કામ હોય, મ્યુનિસાપાલિટીના સફાઈ કામદાર હોય, ગટર સફાઈ કરનાર હોય ,ચામડું ઉતારનાર ,પકવનાર એ તમામ  દલિત સમુદાયમાંથી આવે છે . એમ કહેવાય કે તે કામ તેમણે જ કરવાના હોય છે

દલિતો પર અનેક પ્રકારના પ્રતિબંધો જોવા મળે છે . જેમ કે ગામમાં તેઓ હિન્દુ હોવા છતાં મરણ પામનાર વ્યક્તિને ચિતા આપી શકતા નથી પરંતુ દાટવા પડે છે, તેમના વાસ ગામના છેવાડે  હોય છે , તેમના કૂવા કે પાણીના સ્ટેન્ડ પોસ્ટ જુદા હોય છે. શાળાઓમાં મધ્યાન ભોજનમાં દલિત બાળકોને જુદા બેસાડવામાં આવે છે , શાળામાં તેમના બાળકો પાણી પી શકતા નથી . જમીન ખરીદી શકતા નથી, પશુપાલન કરી શકતા નથી . ઈનસર્ટકરવું , મૂછો રાખવી કે મૂછો આંબળવી , ઓવરટેક કરવું વગેરે અંગેના ગર્ભિત નિયમો હોય છે , ઘોડા પર બેસીને ફુલેકું ફેરવી શકતા નથી . આવા અનેક પ્રકારના પ્રતિબંધો આજે પણ જોવા મળે છે .  

8. દલિતોની હિજરતની સમસ્યાઓ :

 છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં દલિતોની હિજરતની ઘટનાઓ જોવા મળે છે . હિજરત એટ્લે ગામમાં વસતા દલિત સમુદાય પર એવું દબાણ અન્ય સમુદાય ઉપર ઊભું કરવામાં આવે કે જેથી આખાયે દલિત સમુદાયે ગામ છોડીને હાથે પગે રાતોરાત નીકળી જવું પડે છે . આવી ઘટના અથવા તો પરિસ્થિતિનું નિર્માણ ઘણા લાબા સમયથી શરૂ થયું હોય છે . હિજરતનો અભયાસ કહે છે  કે જ્યાં દલિતોમાં શિક્ષણ  વધ્યું છે, યુવાનો હવે આધુનિક મૂલ્યોને અપનાવતા થયા છે તેઓ બિન દલિતોના કોઈ દબાનોને સ્વીકારવા તૈયાર નથી ત્યારે તેમની બદલાયેલી આંતરક્રિયા બિન દલિતો માટે પડકારરૂપ લાગે છે અને તેથી તેઓ દલિતો ઉપર વધુ અત્યાચાર ગુજારે છે , આવા કેસમાં દલિતો પોલીસ ફરિયાદ કરે છે જે બિન દલિતો સહન કરી શકતા નથી અને તેઓ દલિતોને મારી નાખવાની/ દલિત વાસ સળગાવી દેવાની વાત કરે છે ત્યારે  દલિતો પોતાના જીવ બચાવવા માટે ઘર અને બધુજ છોડીને ,ગામ છોડીને સલામત સ્થળની શોધમાં બીજે જાય છે તેને હિજરત કહીએ છીએ . આવી રીતે ગામ છોડીને જવું પડે છે ત્યારે પોતાના મૂળ ઉખડી ગયાની લાગણી અનુભવે છે , ખૂબ દુખી અને નિરાધારપણાની લાગણી અનુભવે છે .

9. ધર્મ/જ્ઞાતિ પરીવર્તન અને દલિત અસ્મિતા સંબંધિત સમસ્યાઓ :

આજે દલિતો પોતાને દલિત તરીકે ઓળખાવવાનું પસંદ કરતાં નથી ,કારણ કે દલિત છે તેમ ખબર પડે તો તેમની સાથે ભેદભાવ કે પૂર્વગ્રહ રાખવામા આવે છે. તેથી તેનાથી બચવા માટે દલિતો પોતાની અટક બદલે છે અથવા તો ધર્મ પરીવર્તન કરે છે. ઘણા દલિતો ખ્રિસ્તી ધર્મ કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે.  બાબા સાહેબ આંબેડકરે પણ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો . પરંતુ ખ્રિસ્તી ધર્મ કે બૌધ્ધ ધર્મમાં પણ તેમની સાથે ઓરિજિનલ ખ્રિસ્તી અને વટલાયેલા ખ્રિસ્તી તરીકે વ્યવહાર થાય છે. એટલું જ નહીં નામ અને અટક બદલ્યા પછી પણ તેમના મૂળ શોધીને તેમની સાથે દલિત તરીકેનો જ વ્યવહાર થાય છે . આમ અટક કે ધર્મ બદલ્યા પછી પણ તેઓ પોતાની ઓળખના સવાલો ધરાવે છે .

10 દલિતોના માનવ અધિકાર ભાંગની સમસ્યાઓ

માનવ અધિકારોનું હનન ત્યારે થાય છે કે જ્યારે રાજ્ય કે રાજ્ય સિવાની કોઈ પણ વ્યક્તિ ,વ્યક્તિના માનવ અધિકારોનો દૂર ઉપયોગ કરે ,અવગણના કરે કે તેને નકારે .નીચેની પરિસ્થિતી  દલિતોના માનવ અધિકાર ભંગની  છે .

  • દલિતો જમીન ખરીદી શકતા નથી .દલિતો કોઈ પણ જગ્યાએ મકાન / પ્રોપર્ટી ખરીદી શકતા નથી .
  • દલિતો અન્ય સમુદાયની જેમ લગ્નમાં ઘોડા પર બેસીને ગામમાં વરઘોડો કાઢે તો અત્યાચાર થાય
  • દલિતો સાથે અનેક પ્રકારના ભેદભાવો રાખવામા આવે છે .જેનાથી તેઓ સતત ભેદભાવભરી અને અસલામતીની માનસિકતા અનુભવે છે .
  • આજે પણ મલીન વ્યવસાયો કરવા માટે ફરજ પાડવામાં આવે છે .
  • દલિત યુવાન કે યુવતી અન્ય જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન કરે તો ખૂન કે હુમલાઓ થાય છે .
  • સામાજિક, આર્થિક રાજકીય,શૈક્ષણિક અધિકારો અન્ય જ્ઞાતિઓ ભોગવી શકે છે તે દલિતો ભોગવી શકતા નથી કારણ કે તેમની સામે અનેક અવરોધો સમાજમાં ઊભા કરવામાં આવ્યા છે 
  • અનામત દ્વારા રક્ષણ આપવા છતાં પણ સમાજમાં અનેક ભેદભાવોન કારણે દલિતો સમાન સ્થિતિ કે તકો પ્રાપ્ત કરી શકતા નથી .

રાજ્યએ કાયદા બનાવ્યા છે , બંધારણમાં જોગવાઇઓ કરી છે છતાં દલીતો  તેમના માનવ અધિકાર ભોગવી શકતા નથી.

11. ગરીબી અને સીમાંતિકરણ :

    દલિતો પાસે ગામડાઓમાં પોતાના ઉત્પાદનના સાધન નથી . તેથી તેમણે ખેત મજૂરી કરવી પડે છે . ગામમાં જ પૂરતી રોજગારી ના મળવાથી તેમણે સ્થાળાંતર કરીને અન્ય જગ્યાએ કે શહેરોમાં મજૂરી કરવા જવું પડે છે . આમ સ્થળાંતરીત અને અસંગઠીત કામદાર તરીકે તેમણે ખૂબ જ અસલામતીભરી અને આર્થિક રીતે નબળી સ્થિતિમાં જીવવું પડે છે. ગરીબ માણસ તકોના અભાવને કારણે વધુને વધુ હાંસિયામાં ધકેલાતો જાય છે . તેમને  માટે અનામતની જોગવાઈ હોવા છતાં તેમાં પણ પૂર્વગ્રહોને કારણે તેમને  કેવી રીતે બાકાત રાખવા તેની ટેકનિકો વાપરવામાં આવે છે . અસમાનતા અને ભેદભાવો તેમને છેવાડે ધકેલે છે .