મહિલા રજસ્વલા હોય ત્યારે તેને પેઈડ રજા આપવી જોઈએ ? તમે શું માનો છો

સુપ્રીમ કોર્ટ કહે છે રજા આપવાથી મહિલાઓ નોકરી ગુમાવશે.આજે આ બાબતે મહિલાઓની સ્થિતિ વિષે  થોડી છણાવટ કરીશું.

દીકરી 12-15 વર્ષે રજસ્વલા બને ત્યારે મોટે ભાગે તેના વિષે નહિવત જાણકારી હોય છે. આ જાણકારી પણ બહેનપણીઓ જેને  માસિક શરૂ થઈ ગયું હોય તેના દ્વારા ખબર પડે છે. કેટલીક વખત તો તે એટલી શરમજનક બાબત અથવા ડરાવની બાબત લાગે છે કે કોને કહેવું ,આ શું  થાય છે ,મને લોહી કેમ નીકળે છે ,મારા કપડાં કેમ બગડે છે ,વગેરે મૂંઝવણો અનુભવે છે . જો શાળામાં પહેલી વખત થયું હોય તો મને ખબર નથી કે કોઈ શિક્ષકે તેને સમજ આપી હોય. ઘેર મોકલીને માતાને કહેવા જણાવાય છે. ડર સાથે,શરમ સાથે તે માતાને જણાવે છે. માતા ખુશ થઈને કહે છે આજે તો ઘરમાં કંસાર બાનાવાશે. કેમ કે દીકરી હવે સંપૂર્ણ સ્ત્રી બની છે. પ્રજનન કાર્ય માટે હવે તે લાયક બની છે. પરંતુ માસિક કેમ આવે તેની વૈજ્ઞાનિક સમજ માતા પાસે પણ હોતી નથી. આવું સ્ત્રી હોય એટ્લે થાય,આટલી જ ખબર હોય છે. હજુ પણ ગામડાઓમાં મહિલા રજસ્વલા હોય ત્યારે પાળવામાં આવે છે,એટ્લે કે તેને રસોઈ ઘરમાં નહીં જવાનું,ધાર્મિક સ્થળે નહીં જવાનું ,કોઈને અડવાનું નહીં,માત્ર વાસણ કપડાં પાણી સાથે થતાં કામો કરવાના. આ હવે મોટે ભાગે ગામડાઓમાં, શહેરમાં  ધાર્મિક લોકોમાં જોવા મળે છે. મહિલા દૂર બેસે એટ્લે ઘરના સ્ત્રી-પુરુષ,અડોશ- પાડોશ  બધાને ખબર પડે,પણ તે એવો વિષય કે તેની ઘરમાં કે જાહેરમાં ચર્ચા ના થાય.કારણ કે તે ખાનગી,શરમ જનક અને અંગત બાબત કહેવાય.કેટલાય મંદિરોમાં તો આવી મહિલાઓએ મંદિરમાં આવવું નહીં તેવું પણ લખ્યું હોય છે.આજ બાબતે દક્ષિણ ભારતમાં શબરીમાલા મંદિરમાં 10-50 વર્ષની  મહિલાઓને જ મંદિર પ્રવેશ હતો  અને મહિલાઓને પુજા માટે પ્રતિબંધ હતો.કેટલીક મહિલાઓએ આ મુદ્દે લડત આપી,આ આંદોલન મહિલાને ગૌરવ,સમાનતા અને સમાજની માનસિકતા બદલવા માટેનું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું મ્હિલાઓનો પ્રવેશ રોકવો એ બંધારણીય હકકોનું ઉલ્લંઘન છે અને તમામ ઉમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી.

માસિક સ્ત્રાવ અંગેની વૈજ્ઞાનિક સમજ માત્ર સ્ત્રીઓને જ નહીં,પણ છોકરાઓ અને પુરૂષોને પણ આપવી જોઈએ,કે જેથી આ સમયમાં દીકરી કે મહિલાની પૂરતી કાળજી લેવાય અને અઘટિત વર્તન ના કરે.માસિક સ્ત્રાવ અંગેની ઘણી બધી ગેરમાન્યતાઓ વૈજ્ઞાનિક માહિતીના અભાવે જ હોય છે. મને યાદ છે કે શિક્ષણ દરમ્યાન જ્યારે જીવનચક્રના તબક્કાઓ વિષે માસિક અને મેનોપોઝ વિષે સમજાવતી ત્યારે છોકરા છોકરીઓ (21 વર્ષના ) એકી ટશે,શાંતિથી સાંભળતા, તેમની આંખો પરથી સમજાતું કે આ વિષે તેમને સાચી માહિતીની કોઈ સમજ નથી. જો યુવાનો આ બાબતને સમજશે તો તે પોતાની બહેન,માતા,પત્નીની આ સ્થિતિને સમજી શકશે અને તેમના માટે સંવેદનશીલ બનશે. 

માસિકની શરૂઆત 12-13 વર્ષથી શરૂ થાય છે. મોટે ભાગે 28-30 દિવસની સાઇકલ હોય છે. ચાર થી પાંચ દિવસ માસિક આવે છે. માસિક કેમ આવે છે ? સ્ત્રીના ગર્ભાશયમાં  લોહી અને ટીશ્યુનું પડ બને છે,જો સ્ત્રી બીજનું શુક્રાણુ સાથે મિલન ના થાય તો શરિરને તેની જરૂર હોતી નથી અને એટ્લે  આ પડ લોહી સાથે બહાર નીકળે છે. તે ગંદુ હોતું નથી. માસિક ચક્રની સાચી સમજ નીચેની આકૃતિમાં બહુ સ્પષ્ટ રીતે સમજાય છે   

થોડા વર્ષો પહેલા ગુજરાતમાં નલિયામાં એક સ્કૂલના કન્યા છાત્રાલયમાં એક ઘટના બની હતી તે આપણે સૌ જાણીએ જ છીએ કે જેમાં છોકરીઓએ માસિકમાં હોય ત્યારે પાળવું પડતું,તેમને અલગ રાખવામા આવતી ,કેટલીક જગ્યાએ બેઠક,ભોજન અને પ્રવૃત્તિઓમાં પ્રતિબંધ મુકાતો ,તેમની શારીરિક તપાસ જેવી ફરિયાદો પણ સામે આવી હતી. જે છોકરીઓને પસંદ ના હોવાથી તેઓ માસિકમાં છે તે જ જણાવતા નહીં અને તેની ગૃહમાતાને જાણ થતાં છોકરીઓની તપાસ કરવા જેવુ અમાનવીય કૃત્ય કર્યું. આ બધી બાબતો દીકરીઓ માટે માનસિક રીતે ત્રાસદાયક હતી .દીકરીઓ તરફથી ફરિયાદ થતાં સંસ્થાઓએ સખત વિરોધ કર્યો અને જાણ થતાં મીડિયામાં હાહાકાર મચ્યો. ગુજરાતમાં આ બાબતે જેન્ડર રિસોર્સ સેન્ટર અને યુનિસેફ દ્વારા શાળાઓ માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી. માસિક બાબતે શારીરિક રીતે થતો દુખાવો ,વધુ પડતું માસિક આવવાથી અશક્તિ આવવી, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી અનેક પીડાઓ સહન કરવાની હોય છે .તેની સાથે આવા  સામાજિક ભેદભાવોનો ભોગ બનવું પડે છે.  

મહિલાએ માસિક સ્ત્રાવની શરૂઆત સમયે ,બાળક જન્મે ત્યારે અને માસિક જાય ત્યારે ,આ ત્રણેય તબક્કામાં ઘણી  શારીરિક ,માનસિક પીડાઓ સહન કરવી પડે છે. બાળકના જન્મ સમયે યુજીસીએ કરેલ પહેલ  સરાહનીય છે કે બાળક 18 વર્ષનું ના થાય ત્યાં સુધીના સમાયગાળામાં બધુ મળીને બાળકના જન્મથી 180 દિવસની સવેતન માતૃત્વ લીવ મળે છે,જે તમામ ક્ષેત્રની,તમામ વ્યવસાય ની મહિલાઓને મળવી જોઈએ. પણ મે જોયું છે કે  આ રજાઓ આપીને જાણે એમ્પ્લોયર મહિલા ઉપર કૃપા કરતાં હોય તેવો ભાવ વ્યક્ત કરે છે,મહિલાઓને ઘેર રહીને પણ સોપેલા કામો કરવા ફરજ પાડે છે. જે બતાવે છે કે કાયદાઓ હોવા છતાં મહિલાઓ દબાયેલી રહે છે. અને સાચા અર્થમાં અધિકારો મેળવી શક્તિ નથી.

મેનોપોઝ દરમ્યાન પણ સ્ત્રીઓને અનેક શારીરિક -માનસિક વિટંબણાઓમાંથી પસાર થવું પડે છે.ખૂબ ગુસ્સો આવવો,ડિપ્રેશન થવું ,કશું કરવું ગમે નહીં ,માસિક જવા વિષેની ગેરસમજણો,વધુ પડતું અને વધુ દિવસો સુધી માસિક આવવાથી નબળાઈ આવવી, છાતી ભારે લાગવી, પેઢુમાં દુખાવો, જેવા અનેક લક્ષણો આ સમય દરમ્યાન જોવા મળે છે. પરદેશમાં અને હવે અહી પણ તેની હોર્મોન થેરપી કરવામાં આવે છે પણ તેની આડ અસરો પણ ઘણી છે. કેટલીક વખત બાળકો અને કુટુંબીજનો સ્ત્રીના વર્તનને ગાંડી થઈ ગઈ છે, વૃદ્ધ થઈ ગઈ છે કહીને હાંસી ઉડાવે છે કે તેની અવગણના કરે છે. પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને કાયમ કહેતી કે તમારી માતાના મેનોપોઝની સ્થિતિને,તેમની મુશ્કેલીઓને  સમજજો અને તેને સહાયરૂપ થજો.

ઘણી વખત મહિલાઓને પ્રેગનેન્ટ હોવાથી ઈન્ટરવ્યૂમાં પસંદ કરવામાં આવતી નથી. મારો એક અનુભવ છે,એક સરકારી વિભાગમાં ઈન્ટરવ્યૂ નિષ્ણાંત તરીકે ગઈ હતી, ત્યારે એક મહિલાનો ઈન્ટરવ્યુ ચાલતો હતો, ઉમેદવાર મહિલા સારા જવાબો આપતી  હતી, તેથી બે પ્રશ્નો વધુ પુછવાનું મન સહજ રીતે જ થાય. આ પ્રક્રિયા દરમ્યાન વિભાગના મુખ્ય વ્યક્તિ જે મારી બાજુમાં બેઠા હતા તેમણે પેનલમાં તેમના જ વિભાગમાં કામ કરતા એક મહિલા કર્મચારીને બોલાવીને કાનમાં કંઈક કહ્યું,, જે વાત તે મહિલા કર્મચારીએ મને આવીને કાનમાં કહ્યું કે, આ મહિલા પ્રેગ્નન્ટ છે તેથી તેમને લેવાનાં નથી માટે હવે વધુ પ્રશ્ન ના પુછશો. 

છેલ્લે જયારે નિર્ણય લેવાનો હતો ત્યારે એ અધિકારીને કહ્યું આ વલણ બરોબર નથી.ઘણી ચર્ચા કરી કે મહિલાઓને આ કારણસર પસંદ નહીં કરીને તેને અન્યાય કરીએ છીએ. તેમણે કહ્યું પણ થોડા સમયમાં અમારે રજા આપવી પડે. અમારું કામ નબળું  થાય. બીજા કોઈને રાખવાની જોગવાઈ નથી. આમાં સરકારની નીતિ મુખ્યત્વે અને પુરુષ અધિકારીનું વલણ બંને જવાબદાર છે. આવો બીજો એક કિસ્સો એક સંસ્થામાં બે વિદ્યાર્થીઓને મારી ભલામણથી અને સંસ્થાની જરૂરિયાત હતી એટ્લે કાર્યકર તરીકે લીધી. બે મહિના પછી સંસ્થાના મુખ્ય મહિલા સંચાલકનો ફોન આવ્યો કે આતો બંને બહેનો પ્રેગનન્ટ છે. મે કહ્યું એતો મહિલા જ તો પ્રેગનન્ટ થશેને !માસિક,પ્રેગનન્સી અને મેનોપોઝ જેવી સ્થિતિ મહિલાઓની ગતિશીલતાને ઘટાડે છે ,તેમના સાથે થતાં ભેદભાવને કારણે વિકાસને અવરોધે છે.

આ બધી ચર્ચા કરવાનું કારણ મહિલાને માસિક સ્ત્રાવ,સગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમ્યાન અનેક જાતના ભેદભાવો અને અવગણનાઓનો ભોગ બનવું પડે છે.

તાજેતરમાં એક PIL માં માંગ હતી કે તમામ મહિલાઓને દર મહિને પેઇડ લીવ આપવી જોઈએ. આ બાબતે સુપ્રીમ કોર્ટે માસિક દરમ્યાન લીવ ફરજિયાત આપવા અંગે ઇનકાર કર્યો.તેમણે કહ્યું આ બાબત કાયદાથી ફરજિયાત કરવી યોગ્ય નથી ,કારણ કે આવી રજા ફરજિયાત કરવાથી મહિલાઓને નોકરીમાં પસંદ કરવાની શક્યતા વધારી શકે છે. આમ સુપરિમા કોર્ટના જજને ચિંતા છે  કે, રજસ્વલા સ્ત્રીને રજા આપવાનો કાયદો લાવીશું તો મહિલાઓને નોકરી નહીં મળે, જો જજ આવું કહે તો તે જેન્ડર ન્યુટ્રલ સ્ટેટમેન્ટ નથી, જજનાં ચુકાદા એવા હોય કે જે વિકાસને રૂંધનાર સમાજની માન્યતાઓ, સરકારી વલણ બદલવા માટે ફરજ પાડે. પણ જજને જ જ્યારે વિશ્વાસ નથી કે આવા કાયદાનું પાલન મહિલાઓ પ્રત્યે તટસ્થ રીતે થશે તેવું સ્પષ્ટ ઉપરોક્ત વિધાનમાં દેખાય છે.

 માનો કે મહિલાઓને રજા મળી અને જો મહિલાઓ ઘરે રહેશે તો  તેણે ઘરના કામ નહીં કરવા પડે? એને એવું સાંભળવા મળશે કે બધી સ્ત્રીઓને માસિક તો આવે અમે કોઈ દિવસ સુઈ નથી રહ્યા ?આમ સ્ત્રીને ક્યાય  આરામ તો મળવાનો જ નથી.

મહિલાઓએ પોતાની સ્થિતિ મુજબ વધુ પીડા થતી હોય તો સારવાર લેવી જોઈએ. આવી સ્થિતિમાં કોઈ અધિકારી સમક્ષ લાચારી દાખવવી નહીં, નહીં તો તેઓ એનો ગેરલાભ ઉઠાવીને પછી મહિલાનું શોષણ કરશે.છેલ્લે એટલું જ કહેવું છે કે મહિલાઓ તમારી સાથે થતાં ભેદભાવોનો મુકાબલો કરાતા શીખો,લાચાર ના બનો, પરંપરાઓ તમારા શોષણ માટેની વ્યવસ્થાઓ છે તેને  સમજો અને બદલવા માટે પ્રયત્ન કરો.

પ્રો,આનંદી પટેલ-તા 22 માર્ચ 26