મહિલાઓ પ્રત્યેની સમાજની કેટલીક માન્યતાઓ છે આજે કાઉન્સેલિંગના સંદર્ભમાં તેના વિષે આપણે વાત કરીશું

કાઉન્સેલર તરીકે કામ કરીએ છીએ ત્યારે એ યાદ રાખવાનું છે કે આપણે પણ સમાજનું એક અંગ છીએ. જીવનભર  સમાજમા જીવતા જીવતા સમાજની વિચારસરણી , માન્યતાઓ, મૂલ્યોથી આપણે પ્રભાવિત હોઇએ છીએ . પરંતુ કાઉન્સેલીંગ દરમ્યાન આપણે તેનાંથી મુક્ત રહેવું જરૂરી છે. નહીંતો ક્યારેક આપણે પૂર્વગૃહપ્રેરીત કાઉન્સેલિગ  કરીએ છીએ, જે યોગ્ય નથી. આપણે આવી કેટલીક માન્યતાઓને સમજીએ અને ચકાસીએ.

૧. કાઉન્સેલીંગ દરમ્યાન અનુભવે એવું લાગે છે કે મોટે ભાગે પુરુષો કરતાં સ્ત્રીઓનો વાંક વધારે હોય છે.

સૌથી પહેલા તો કાઉન્સેલીંગમાં કાઉન્સેલરે કોઈ પણ પક્ષનો વાંક શોધવાનો હોતો નથી. બિન તાલીમ પામેલા, બિનઅનુભવી,  કાઉન્સેલીંગ વિષય પરનું જેમણે શિક્ષણ મેળવ્યું નથી તેઓ પોતાના અનુભવ જગતને આધારે કેસનું મૂલ્યાંકન કરે છે. બીજી બાજુ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થામાં ઉછરેલ પુરુષ પોતાની વાત બહુજ સિફતપૂર્વક કરી શકે છે. આમ સ્ત્રીને દોષિત ઠેરવવા તેની પાસે પૂરતી સમજ અને આવડત હોય છે. બીજી બાજુ સ્ત્રી  કુટુંબમા શરુઆતથી જ દબાયેલ હોય છે. પુરુષ સમક્ષ કાઉન્સેલરની હાજરીમાં પણ પોતાની વાતને સ્પષ્ટ રીતે મૂકી શકતી નથી.અને તેથી સમસ્યા સ્ત્રીના કારણે જ છે, તેજ તેના કેન્દ્રમાં છે તેવું કેટલીક વખત કાઉન્સેલરને પણ સાચું લાગવા માંડે છે. કાઉન્સેલરે કોઈપણ પક્ષનો વાંક જોવાને બદલે તેમણે સમસ્યાનું મૂળ શું છે,કયું વર્તન તેને માટે જવાબદાર છે, કયા પરિબળો તેને માટે જવાબદાર છે તે શોધવાનું છે. અને બંને પક્ષ સાથે તેનું વિશ્લેષણ અને ચર્ચા કરવાની છે કે જેથી બંને પક્ષને પોતાના વર્તન અને સમસ્યાના કારણોમાં શું બદલાવ લાવવાની જરૂર છે તે સમજાય છે. જો કોઈનો વાંક શોધવામાં આવે અને તેમને કહેવામાં આવે તો વ્યક્તિના મનમાં રોષની ભાવના પેદા થાય છે જે ક્યારેય સમસ્યાના સમાધાન માટે ઉપયોગી બનતું નથી.

બીજી  બાબત એ છે  કે સમસ્યાનાં મૂળમાં જો સ્ત્રી વધુ જવાબદાર છે તેમ હોય તો પણ અહીં તેનું આવું વર્તન શાથી બન્યું છે.તેનાં મૂળ શોધવાનો  કાઉન્સેલરે પ્રયત્ન કરવાનો  છે.   કાઉન્સેલીગની તાલીમમાં એક કાઉન્સેલરે  કહ્યું કે  તેમના કેસમાં સ્ત્રી ખૂબ જીદી છે. એના કારણે જ પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ અહીં કાઉન્સેલરે સ્ત્રીનો જ વાંક છે તેમ જોવાને બદલે તેનું આવું  જિદ્દી વર્તન શાથી છે તે શોધવાનો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો છે.

૨. સ્ત્રી અને પુરુષ બંને છૂટા પડતાં હોય ત્યારે પહેલો પ્રયત્ન એજ કરવો જોઈએ કે બાળક ગમે તે ઉંમરનું હોય પણ તે સ્ત્રી પાસે જ રહે . 

 સ્ત્રી અને પુરુષ જ્યારે છૂટા પડે છે ત્યારે સામાન્ય રીતે સ્ત્રી બાળકને પોતાની સાથે જ રાખવા માંગે છે.  સ્ત્રી બાળક માટે વધારે ઇમોશનલ હોય છે અને તેને બાળક પોતાની પાસે હશે તો એક આધાર રહેશે તેમ વિચારે છે. બાળક તેના માટે જવાબદારી રહેશે તેવું સ્ત્રી વિચારતી નથી, પુરુષ આ વાત સમજે છે અને બીજા લગ્ન કરવામાં બાળક નડતર બનશે તેમ તે સમજે છે. તેથી પુરુષ સ્ત્રી પાસે બાળક રહે તેમ મોટે ભાગે ઈચ્છે છે. પરંતુ કેટલીક વખત જો બાળક છોકરો હોય તો તેવા સંજોગોમા પુરુષ તેને રાખવા ઈચ્છે છે. આ સ્થિતિમાં કાઉન્સેલર પણ એક સ્ત્રી તરીકે બાળકને માતાની છત્રછાયા હોય તો વધુ સારું તેમ માનીને બાળક સ્ત્રી સાથે રહે તે વાતને સપોર્ટ કરે છે. જોકે કાઉન્સેલરે આ બાબતમાં કાયદો શું કહે છે તે પણ ધ્યાનમા રાખવું જોઈએ. ટૂંકમાં આ પ્રશ્નમાં કાઉન્સેલરે કોઈ પણ પક્ષે ભાવનાત્મક રીતે નિર્ણય ના લેવાય અને સ્ત્રીનું હિત અને બાળકનું હિત સચવાય તે મુજબ નિર્ણય થાય તે દિશામાં સ્ત્રીને પ્રેરિત કરવા જોઈએ . 

બીજું સ્ટેટમેન્ટમાં લખ્યું છે તે મુજબ કાઉન્સેલરે શું કરવું જોઈએ તે પહેલેથી નક્કી કરી લેવાનું નથી કે તે પ્રકારનું વલણ ધરાવવાનું નથી . 

૩ . છૂટાછેડા ના છૂટકે જ કરવા જોઇએ સ્ત્રીનું ભાવિ તેમાં જ વધુ સલામત છે.

અગાઉની સેશનમાં આપણે ચર્ચા કરી ગયા કે કાઉન્સેલરે પોતાના કોઈ વલણો આધારીત નિર્ણય કરવાનો નથી. છૂટાછેડા કરવા કે ના કરવા તે અંગેનો નિર્ણય  લેવા માટે સેવાર્થી સક્ષમ બને તે  માટે તેમને પોતાની પરિસ્થિતિનું પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓ તથા પડકારોનું વિશ્લેષણ કરતા કરવાનું કાર્ય કાઉન્સેલરે કરવાનું છે. તેઓને નિર્ણય લેવામાં કાઉન્સેલર મદદરૂપ થઇ શકે છે. એક કેસમાં સ્ત્રી  આવે છે. જેનું અડધુ મોં બળી ગયાની નિશાનીઓ હોય છે. કાઉન્સેલર પૂછે છે ત્યારે તે જણાવે છે કે ત્રણ વર્ષ પહેલા તેના પતી અને સાસુએ તેને સળવગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો તે પછી તે તેના પીયરમાં હતા. હવે તેમના સાસુ  ગુજરી ગયા છે.હવે પતિ તેમને પાછા બોલાવે છે. આ સ્થિતીમાં પહેલી નજરે કાઉન્સેલરને એજ વિચાર આવે છે કે સેવાર્થીએ ના જવુ જોઈએ, પરંતુ ધીરજપૂર્વક તેઓ શા માટે જવા તૈયાર છે તે સમજવું જોઈએ. આખરે તેમના પતિને તેઓ વધારે સારી રીતે સમજી શકે છે. પરંતુ હવે તેમનો પતિ શા માટે બોલાવે છે?હવે પછી ફરીથી તેઓ આવું કૃત્ય નહીં કરે તેની શું ખાત્રીલાગે છે? વગેરે ચર્યા કરીને સેવાર્થીને જોખમોથી જાગૃત કરવા જોઈએ.

બીજું પતિ સાથે જ સ્રીનું ભાવિ સલામત છે તે માન્યતા સેવાર્થી, કાઉન્સેલર કે સમાજમાંથી દુર થવી જોઈએ .

૪ સ્ત્રીએ જીવનભરની સલામતી માટે લગ્ન કરવા જ જોઇએ .

સમાજમાં આપણે એવું સાંભળતા આવ્યા છે કે સ્ત્રીએ લગ્ન કરવા જોઈએ, કારણ કે આખી જિંદગી તેના માટે એકલા રહેવું અઘરું બની જાય છે. આ પાછળનું કારણ એ છે કે સમાજમાં સ્ત્રીને સલામતી નથી. તમારી આસપાસ અથવા તમારા ધ્યાનમાં હોય તેવી સ્ત્રીઓમાં કેટલી અપરિણિત  સ્ત્રીઓ છે અને આમાંથી કેટલી સ્ત્રીઓ એકલી રહે છે, આ બાબત બહુ મહત્વની છે. તમે જોશો કે બહુ જ જવલ્લે આવી અપરીણિત સ્ત્રીઓ એકલી રહેતી તમને જોવા મળશે.  આવી  સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે અને તેઓ સામાન્ય રીતે માતા-પિતા કે ભાઈ સાથે રહેવાનું પસંદ કરે છે કારણ કે સમાજમાં જ્યારે સ્ત્રી એકલી રહે છે ત્યારે તેની આસપાસ રહેનારા લોકો તેના ઉપર શંકા કરે છે તેમના ઘેર કોઈ આવે તો પણ કોણ આવ્યું હશે? તેમની સાથેના સંબંધો શું હશે ?જેવા શંકા  અને ચર્ચાઓ કરતા  જોવા મળે છે. બીજી બાજુ આપણે જોઈએ છે કે  કેટલી બધી સ્ત્રીઓ લગ્ન પછી અત્યાચારો અને હિંસા નો ભોગ બને છે, ત્યારે આપણે કેવી રીતે એમ કહી શકીએ કે સ્ત્રી લગ્ન કરે તો તેને સલામતી મળે છે. સ્ત્રી  લગ્ન કરે કે અપરિણિત  રહે બંને સ્થિતિમાં તે અનેક અસલામતી, અત્યાચાર, હિંસાનો ભોગ બનતી આપણે જોઈએ છે. એટલે આ માન્યતાને આપણે નકારવી જોઈએ એનો અર્થ એવો નથી કે સ્ત્રીએ લગ્ન ન કરવા જોઈએ સ્ત્રી પુરુષનું સહજીવન આનંદદાયક હોય, તે ખૂબ સુખ આપનારું હોય છે.પરંતુ કોઈ સ્ત્રી લગ્ન કરવા ઇચ્છતી નથી ત્યારે સમાજે કે કુટુંબે તેના ઉપર કોઈપણ ફોર્સ કરવો જોઈએ નહીં.  લગ્ન કરવા એ સ્ત્રીની મરજી છે માટે સ્ત્રીઓમાં એ હિંમત અને શક્તિ પેદા કરવાની જરૂર છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં મુકાબલો કરી શકે છે. તો તે પરણી થશે કે અપરિણીત  હશે પણ જીવનમાં પોતાને સુખદાયક પરિસ્થિતિ નિર્માણ કરી શકે છે.કેટલીક વખત કોઈ મા- બાપ પોતાની દીકરી કે જે અપરિણીત રહેવા માંગે છે તેને કાઉન્સિલર પાસે લઈને આવે છે કે તમે એને સમજાવો કે તે  લગ્ન કરવ હા પાડે.  ત્યારે કાઉન્સેલરે આ માન્યતાને બરોબર ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કરવાનું છે.

૫. સ્ત્રી બાળક ઇચ્છતી ના હોય તો પણ પુરુષની ઇચ્છાને માન આપવું જોઈએ.

બાળકને જન્મ આપવો એ સ્ત્રી અને પુરુષ બંને માટે આનંદનો વિષય હોય છે. બાળકને જન્મ આપવામાં સ્ત્રીએ વધુ કષ્ટ સહન કરવા પડે છે . આજના યુગમાં ઘણી બધી સ્ત્રીઓ પોતાના શારીરિક સુડોળપણા માટે કે બાળકની જવાબદારી સંભાળવા માટે પોતાને સક્ષમ સમજતી નથી, બંને નોકરી કરતા હોવાથી પણ સમય આપી શકે તેમ નથી હોતા,તેથી બાળકને જન્મ આપવા માંગતા નથી. આ સ્થિતિમાં પુરુષ જો બાળક ઇચ્છતો હોય તો સ્ત્રી સાથે સમજાવટ કરવી જોઈએ, તેની માનસિકતા તેનામાં રહેલી માન્યતાઓ કે ભયને સમજીને તે અંગે દબાણ નહીં પણ ચર્ચા કરવી જોઈએ. તેની સંમતિ હોય તો તેને માટે કાઉન્સેલિંગ પણ લઈ શકાય છે. કુટુંબના કોઈ દબાણો તેને ના થાય તેની પુરુષે કાળજી લેવી જોઈએ. બીજું કે બાળક હોવું જ જોઈએ, નહીં તો  સમાજ શું કહેશે, વંશ નહીં ચાલે, કોઈ વારસદાર નહીં રહે વગેરે માન્યતાઓથી દુર રહેવું જોઈએ. ઘણી વખત પુરુષ બાળકો ઈચ્છતા નથી. તેવું પણ બની શકે છે . આ અંગે જીવનના અન્ય નિર્ણયની જેમ સાથે મળીને ધીરજ પુર્વક  નિર્ણય લેવો જોઈએ.

૬. મારા ઉપરી પુરુષ છે તેથી તેઓ જ્યારે સ્ત્રીઓ વિરુધ્ધમા સ્ટેટમેન્ટ કરે ત્યારે હું ચુપ રહેવાનું પસુંદ કરું છું.

આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે, પુરુષ એમ માને છે કે તે કહે તેમ સ્ત્રીએ કરવું જોઈએ, સ્ત્રી વિશે તે કોઈ પણ ટીકા કરી શકે છે, તેને ના ગમે તેવું બોલી શકે છે અને તેમ છતા સ્ત્રી તેની સામે જવાબ કે વિરોધ કરી શકતી નથી. આ બાબત ઉછેર દરમિયાન સ્ત્રી સમજી ગઈ હોય છે કે તેણે આવા સમયે ચુપ રહેવાનું હોય અને જો તે વિરોધ કરે તો તેનું શું પરિણામ આવી શકે છે તેની તેને જાણ હોય છે.તેથી નોકરીનાં સ્થળે કે કુટુંબમાં સ્ત્રી પોતાનાં અંગે થયેલા સ્ટેટમેન્ટ માટે ચુપ રહેવાનું પસંદ કરે છે. જે સ્ત્રીનું શોષણ જ છે.સ્ત્રીને પોતાની વાત મૂકવાનો અને તે સાચી હોય તો પુરુષ દ્વારા તે સ્વીકારાવવું જરૂરી છે.

૭. દરેક દંપતીને બાળક તો હોવા જ જોઈએ, તેઓ જ મોટી ઉમરે સહારો બને છે.

આ માન્યતાને કારણે આજના યુગમાં માતા પિતાને પોતાની અપેક્ષાઓ પુરી નહીં થતા દુખી થવું પડે છે. હવે બદલાતા કુટુંબમા ઘડપણમા બાળકો પર આધારિત રહેવું ના પડે તેવી વ્યવસ્થા વ્યક્તિએ અને સમાજે કરવી જોઈએ. માતા પિતા પોતાના જીવનની બધી કમાણી બાળકો પાછળ ખર્ચી નાખે છે. આધારિતપણું હંમેશાં શોષણને જન્મ આપે છે. એટલે બાળક હોવા જ જોઈએ અને તે જ સહારો બનશે તેવી આશા રાખવી જોઈએ નહીં. અને જેમને બાળક નથી થતું અથવા બાળક નથી તેઓ પોતાની વ્યવસ્થા કરી લેતા હોય છે એટલે ઘડપણમાં બાળક સહારો બને તે માટે બાળક હોવા જોઈએ તે માન્યતા યોગ્ય નથી.

૮. સ્ત્રીએ જ લગ્ન જીવનમાં સમાયોજન સાધવુ જોઈએ. પુરુષો ક્યારેય સમાયોજન માટે પ્રયત્નશીલ નથી હોતા.

કેટલીક વખત કાઉન્સેલર પણ સમાજનાં પુરુષનાં આધિપત્યને સ્વીકારી લે છે અને હંમેશાં સ્ત્રીને જતું કરવા સમજાવે છે. પરંતુ પહેલાં તો સમાયોજન એટલે શું તે સમજવું જરુરી છે. પતિ પત્ની વચ્ચે કોઈ પણ વાદવિવાદ, સંઘર્ષ કે મતભેદ થાય છે ત્યારે સામાન્ય પણે કોઈ એક વ્યક્તિ બીજાની વાતને સ્વીકારી લે છે, કેટલીકવાર તે મનથી નહીં પણ  કમને સ્વીકારે છે કારણકે તે આ બાબતને પતાવવા માંગે છે. મોટાભાગે સ્ત્રીઓ નમતુ જોખે છે . સમાયોજન એટલે એકબીજાને પરિસ્થિતિમાં અનુકૂળ થવું. તમે નદી પર ના સાંકડા લાકડાના પુલ પર સામસામે આવેલી બે બકરીની વાર્તા સાંભળી હશે જેમાં બેમાંથી એક બકરીએ પાછા જવું પડે. જો તેઓ એકબીજાનો સામનો કરે તો બંને નદીમાં પડી જાય તેવી શક્યતા છે તે સમયે જે સમજદાર બકરી છે તે પાછા પગે કિનારા પર જાય છે અને સામેની બકરી બ્રિજ ક્રોસ કરી લે છે તે પછી તે સામે કાંઠે જાય છે. હવે સવાલ છે કે બેમાંથી કોણ સમજદાર છે સામાન્ય રીતે પુરુષના વર્ચસ્વીપણાને બાજુ પર રાખીએ તો કોઈપણ પરિસ્થિતિમાં પુરુષ કે સ્ત્રી પોતાની સમજદારી બતાવી શકે છે અને એકબીજાને અનુકૂળ થઈ શકે છે. આમાં ક્યાંય પણ કોઈનો પણ ઇગો વચ્ચે આવવો જોઈએ નહીં તો જ લગ્નજીવન સારી રીતે ચાલી શકે છે. અનુકૂળ થવાની બાબતને સામેની વ્યક્તિ એપ્રિસિયેટ કરતા શીખે તે ખૂબ જરૂરી છે. જે સ્ત્રી લગ્ન પહેલા 25 વર્ષ પોતાના કુટુંબ સાથે જે જીવનશૈલીથી જીવી છે અને હવે જ્યારે તે પતિ ના ઘરે આવે છે ત્યારે તેના માટે બધું જ નવું હોય છે. તે સમયે સ્ત્રી એ જ તમામ બાબતમાં અનુકૂળ થવું જરૂરી નથી. પુરુષે આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને સ્ત્રીને કુટુંબના અન્ય સભ્યો કેવી રીતે અનુકૂળતા કરી આપે તે માટે પ્રયત્નશીલ બનવું જરૂરી છે. કાઉન્સિલિંગ દરમિયાન કાઉન્સિલરે  આ સમજ ધરાવવાની છે.

૯.પુરુષ પ્રધાન સમાજમા પુરુષના વર્ચસ્વીપણાને સ્વીકારવું જ રહ્યું, નહીં તો જીવન અઘરું બને છે.

કુટુંબ અને સમાજની વ્યવસ્થાઓ એવી બની છે કે ઉછેરથી જ સ્ત્રી કરતાં પુરુષનું વર્ચસ્વ વધુ હોય છે, જેથી પુરુષ પોતાને સ્ત્રી કરતા વધુ શક્તિશાળી, બુદ્ધિશાળી, નિર્ણય શક્તિ ધરાવનાર અને સ્ત્રી પુરુષનાં તાબામાં હોય તેમ સમજે છે. પુરુષની આ સમજને અનુસરતા બાળપણથી જ સ્ત્રીને શીખવવામાં આવે છે. સ્ત્રીને નાજુક , લજ્જાવન, શારીરિક રીતે નબળી સમજવામાં આવે છે. તેમ છતા જો કોઈ સ્ત્રી આ બાબતનો અસ્વીકાર કરે તો સમાજ તેને વગોવે છે, તેને પુરુષની રક્ષામાં, તાબામાં રહેતા શીખવે છે. આમ આ રીતે ટેવાયેલા પુરુષો પણ પોતાના વચૅસ્વીપણાંનો સ્ત્રી સ્વીકાર કરે તેમ આગ્રહપુર્વક વર્તે છે. જો સ્ત્રી તેના વર્ચસ્વીપણાને ના સ્વીકારે તો જીવનમાં અનેક પડકારો સહન કરવા પડે છે. 

૧૦. કુદરતી રીતે જ સ્ત્રીની રચના એવી છે કે તેને  વધુ કાળજી અને રક્ષણની જરૂરીયાત હોય છે.

 બાળપણથી જ સ્ત્રીનો ઉછેર એવી રીતે થાય છે કે તે ખૂબ નાજુક છે તેને રક્ષણની જરૂરિયાત હોય છે. મોટી થાય પછી પણ માતા પિતા દ્વારા એવું કહેવામાં આવે છે કે તેણે નાજુક અને  શરમાળ રહેવું જોઈએ.  છાતી કાઢીને નહીં પરંતુ તેનામાં નજાકત હોવી જોઈએ.સ્ત્રીએ હંમેશા પુરુષના તાબામાં પુરુષના રક્ષણમાં રહેવું જોઈએ.  તેમ કરવાથી જ તે સલામત રહે છે અને સુખી થાય છે. કહેવત છે કે સ્ત્રી બાળપણમાં માતા-પિતા ઉપર, લગ્ન પછી પુરુષો પર અને ઘડપણમાં બાળકો ઉપર આધારિત હોય છે. સ્ત્રીનું શરીર એવું છે કે જેમાં એની કાળજી લેવાની એનું રક્ષણ કરવાની વધારે જરૂરિયાત હોય છે પરંતુ આ વાતને સ્ત્રીઓએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. બાળપણથી બનેલી માનસિકતાને તેણે બદલવાની છે. સ્ત્રીને વધુ કાળજીની જરૂરિયાત માત્ર ગર્ભાવસ્થા અને બાળકના જન્મ સમયે  જરૂરી હોય છે. બાકીના સમયમાં સ્ત્રી પોતાના શરીરની કાળજી લેતો તે શારીરિક રીતે સશક્ત હોય છે.  આમ જુઓ તો સવારથી લઈને સાંજ સુધી પુરુષ કરતાં પણ વધારે કાર્યો સ્ત્રી કરે છે.  સ્ત્રીને પોતાના રક્ષણ માટે માત્ર શારીરિક બળની જરૂર નથી. પરંતુ તે પોતાના તર્ક અને બુદ્ધિથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે વિચારી શકે છે. એટલે કે સ્ત્રી પોતાનો મુકાબલો કરવા સક્ષમ છે તે શારીરિક રીતે પણ સક્ષમ છે, પરંતુ તેની માનસિકતા એવી બનાવવામાં આવે છે કે તેને નાની નાની બાબતોનો ડર લાગે. તેને પોતે શારીરિક રીતે નબળી છે તેવું અનુભવે. ઘણી વખત તમે જોતા હશો કે સ્ત્રી જ્યારે માસિકમાં હોય છે ત્યારે તે પોતાની જાતને ખૂબ નબળી સમજે છે. પરંતુ સ્ત્રીએ પોતાની શારીરિક સ્થિતિને સમજીને તે મુજબ જરૂર લાગે તેટલો આરામ અને દવા લઈને પોતાને સશક્ત બનાવી જોઈએ.  સ્ત્રીની આવી સ્થિતિનો, આવી લાચારીનો લાભ ઘણી બધી વખત પુરુષો લેતા હોય છે.  સ્ત્રીને પણ પોતાના પ્રત્યે કોઈ આવી લાગણી બતાવે, પોતાની કાળજી લે તો ગમતું હોય છે. પરંતુ સ્ત્રીએ પોતે સ્વીકારવાનું છે કે પોતે  કેટલી બધી બાબતમાં કુટુંબની કાળજી લે છે ત્યારે  તેને કોઈ  વિપરીત પરિસ્થિતિ સિવાય કાળજીની જરૂરિયાત અનુભવવી જોઈએ નહિ.  આમ સ્ત્રીએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.  આ કાર્ય કાઉન્સિલિંગ દરમિયાન કાઉન્સેલરે કરવાની છે સ્ત્રીને વધુ મજબૂત બનાવવાની છે.

૧૧. કુટુંબની સ્થિરતા અને સુખનો આધાર મુખ્યત્વે સ્ત્રી ઉપર હોય છે. 

આપણે સમાજમાં સાંભળીએ છીએ કે જો કોઈ કુટુંબમાં કોઈ આપત્તિ આવી પડે તો આ સ્ત્રીના પગલાં સારા નથી તેવું કહેવામાં આવે છે. સ્ત્રીએ કુટુંબમાં તમામની કાળજી લેવાની છે તમામના વર્તનને અનુરૂપ થવાનું છે. તમામની જરૂરિયાતોને પૂરી કરવાની છે.પુરુષની ઓછી કમાણી હોય ત્યારે કે વધુ કમાણી હોય ત્યારે કુટુંબને કેવી રીતે સંતુષ્ટ અને સુખની  સ્થિતિમાં રાખવું તે સ્ત્રીની બુદ્ધિમત્તા પર આધારિત હોય છે. તે હંમેશા બધાને સાચવવામાં બધાના સુખનો વિચાર કરવામાં તમામ દુઃખો પોતે વેઠે છે. તેમ છતાં જો કુટુંબમાં બધું સરખું ચાલતું હોય અને સુખ શાંતિ હોય તો તેને માટે સ્ત્રીને જશ મળતો નથી, ત્યારે તો પુરુષ પોતાનાથી આ બધું થયું છે તેમ વર્તે છે. પરંતુ જો કંઈ પણ ખરાબ થાય છે, સમસ્યાઓ સર્જાય છે ત્યારે તેના દોષનો ટોપલો સ્ત્રી પર નાખવામાં આવે છે. કુટુંબમાં સુખ કે દુઃખ એકલી સ્ત્રી પર આધારિત નથી હોતા. તેમાં કુટુંબના તમામ વ્યક્તિઓનો ફાળો હોય છે માટે આ માન્યતાને બુદ્ધિપૂર્વક સમજવી જોઈએ અને તેને નકારવી જોઈએ. 

૧૨. સ્ત્રીઓ ગૃહ કાર્ય કરે છે અને પુરુષો રોજગારી રળે છે.

સામાન્ય રીતે પરંપરાગત શ્રમ વિભાજન થયું છે તે મુજબ સ્ત્રીઓ ગૃહ કાર્ય કરે છે અને પુરુષો રોજગારી રળે છે. જે સ્ત્રીઓ નોકરી નથી કરતી તેમને પૂછીએ કે તમે શું કરો છો? તો તેમનો જવાબ હશે કંઈ નહીં. જે સ્ત્રી સવારથી લઈને રાત સુધી કુટુંબમાં તમામ લોકો કરતા વધારે કાર્ય કરે છે તે એમ કહે છે કે હું કંઈ કરતી નથી. સમાજમાં જે કામનું વળતર મળે છે તે કાર્ય જ મહત્વના સમજવામાં આવે છે. તો શું સ્ત્રી ઘરના અનેક કાર્યો કરે છે તેને કોઈપણ પ્રકારના વળતર  વિનાના કામ તરીકે જોવામાં આવે છે? અહીં એક ઉદાહરણ જોઈએ કે જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમણે પોતાના ઘરે રસોઈ બનાવનાર, સફાઈ કરનાર, બાળકને રાખનારને જે પૈસા ચૂકવવા પડે છે તેનું મૂલ્ય જોઈએ તો જ્યારે સ્ત્રી ઘરે હોય છે ત્યારે તે આ તમામ કાર્યો કરે છે. એનો અર્થ એવો નથી કે સ્ત્રીના આ કાર્યને આપણે એક નોકરિયાત તરીકે મુલવીએ. પરંતુ તેના આ કાર્યોની નોંધ લેવી જોઈએ. તેના કાર્યોને સન્માનથી જોવું જોઈએ, તે આ કાર્યો ન કરે તો ઘર કેવી રીતે ચાલે ?તેનો વિચાર કરીએ તો સમજાય કે સ્ત્રીના આ ગૃહ કાર્યો પુરુષની રોજગારી કરતા પણ કુટુંબની સુખાકારી અને શાંતિ માટે વધુ મહત્વના છે. પરંતુ પુરુષ કમાય છે એટલે પૈસાનો તોર, રુવાબ હોય છે. આ બાબત કાઉન્સેલરે તેમની પાસે આવતા દંપતીને અને કુટુંબીજનોને બરોબર સમજાવવાની છે.

૧૩. લગ્ન માટે પુરુષ સ્ત્રી કરતાં ઉંમરમાં મોટો, ઊંચો, વધુ ભણેલો,વધુ કમાતો હોવો જોઈએ.

 લગ્નના પાત્રની પસંદગી વખતે આપણે જોઈએ છીએ કે સમાજમાં સ્ત્રીના કુટુંબમાં આ માન્યતા જોવા મળે છે કે ઉંમરમાં પુરુષ સ્ત્રી કરતાં મોટો હોવો જોઈએ, ઊંચાઈમાં સ્ત્રી કરતાં પુરુષો ઊંચો  હોવો જોઈએ, સ્ત્રીના ભણતર કરતાં પુરુષનું ભણતર વધુ હોવું જોઈએ અને સ્ત્રી કરતાં પુરુષ વધુ કમાતો હોવો જોઈએ. આજ બાબત પુરુષ પક્ષે પણ જોવા મળે છે.  એટલે કે સમાજમાં આ ધોરણો સર્વ સામાન્ય છે આ બાબત સ્પષ્ટ કરે છે કે પુરુષનું સર્વોપરી હોવું તેનો સમાજ સ્વીકાર કરે છે. જેથી સ્ત્રી તેના તાબામાં રહી શકે. પુરુષો માને છે કે મારા પગાર કરતાં સ્ત્રીનો પગાર વધારે ન હોવો જોઈએ, નહીં તો તે મારા ઉપર રૂવાબ  કરી શકે છે. ઘણી વખત વધુ દેખાવડી સ્ત્રીઓને પુરુષો પોતાની મિલકતની જેમ સાચવી રાખે છે. તેને એકલાને બહાર જવા દેતા નથી, નોકરી કરવા દેતા નથી, પોતાની પત્ની સ્વરૂપવાન છે તેનું ગૌરવ જરૂર લે છે પરંતુ તેના  વિકાસ માટે તેઓ ક્યારેય વિચારતા નથી.

૧૪. પુરુષને નોકરીથી સલામતી મળે છે, જ્યારે સ્ત્રીને લગ્નથી સલામતી મળે છે. 

જ્યાં સુધી પુરુષને નોકરી મળતી નથી ત્યાં સુધી તેને જીવનમાં બીજા પર આધારિત રહેવું પડે છે અને પોતાના જીવનમાં તે સલામતી અનુભવતા નથી. જે પુરુષને નોકરી નથી તેનું સમાજમાં કોઈ મૂલ્ય નથી હોતું. તેના માટે લગ્ન કરવા પણ મુશ્કેલ બને છે માટે જ્યાં સુધી પુરુષને નોકરી નથી મળતી અથવા તો તેની પાસે કોઈ રોજગારી નથી હોતી, ત્યાં સુધી તે પોતાને સલામત સમજતો નથી. બીજી બાજુ જ્યાં સુધી સ્ત્રીના લગ્ન નથી થતા ત્યાં સુધી તેને સલામતી મળતી નથી. માતા પિતા પણ એમ માને છે કે સ્ત્રીના ઝડપથી લગ્ન થઈ જાય. એટલે એમને કોઈ ચિંતા નહીં. પુરુષ લગ્ન પછી એનો રક્ષક બને છે એટલે માતા પિતાને દીકરીની કોઈ ચિંતા રહેતી નથી. સમાજમાં જે સ્ત્રીઓના લગ્ન ગોઠવાતા નથી ત્યાં સુધી સ્ત્રી અને કુટુંબને ચિંતા રહે છે. કુટુંબ એવું વિચારી શકતું  નથી કે સ્ત્રી માટે લગ્ન કરવા જ મહત્વના નથી, સ્ત્રી ઈચ્છે તો લગ્ન વગર પણ જિંદગી જીવી શકે છે. આ બાબત આદર્શ જરૂર છે કારણ કે સમાજમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીને એકલા રહેવું ખૂબ મુશ્કેલ છે.  સ્ત્રી કે સમાજ આ વસ્તુને સ્વીકારી શકતા નથી. જ્યારે આપણે એમ કહીએ છીએ કે સ્ત્રીને લગ્નથી સલામતી મળે છે, પરંતુ કેટલી બધી સ્ત્રીઓ જેમના લગ્ન થયા છે તેમની સાથે પુરુષ દ્વારા અત્યાચાર અને હિંસા થતી જોવા મળે છે તેને આપણે કેવી રીતે જોઈશું? પુરુષ અન્ય લોકોથી પોતાની સ્ત્રીની સલામતી રાખે, પરંતુ પોતાની સ્ત્રી પર અત્યાચાર કરવાની પોતાને છૂટ છે કે અધિકાર છે તેમ સમજે છે. તો આપણે કેવી રીતે માની શકીએ કે લગ્નથી સલામતી મળે છે.  પુરુષ કે સ્ત્રીને જીવનની સલામતી મેળવવા માટે પોતે સક્ષમ બનવું પડે છે.  કોઈપણ પરિસ્થિતિનો મુકાબલો કરતા શીખવું પડે છે.  આ બાબતને કાઉન્સેલરે સેવાર્થી સાથેના સંવાદમાં પતિ પત્નીના માનસ પર અંકિત કરવી પડે છે. 

૧૫. દહેજ પ્રથાને પોષવામાં સ્ત્રીઓ મુખ્યત્વે જવાબદાર હોય છે કારણ કે સ્ત્રીઓને જ દહેજ ગમે છે 

સ્ત્રીઓને દહેજ ગમે છે તે બાબત સાચી નથી. પરંતુ સ્ત્રીઓ વિચારે છે કે હું જે ઘરમાં જઉં છું ત્યાં મારા જેઠાણી પોતાના પિયરમાંથી તમામ  રાચરચીલુ અને દાગીના લાવ્યા છે. જો હું પિયરમાંથી આ વસ્તુઓ નહીં લઈ જઉ તો કુટુંબમાં મારૂ મહત્વ  ઓછુ રહેશે, મારે મેણા ટોણા સાંભળવા પડશે,તેથી સ્ત્રીઓ માતા પિતા પાસેથી દહેજ લઈ જવાનું વિચારે છે. એટલે પરોક્ષ રીતે સ્ત્રીઓ દહેજ ઈચ્છે છે એમ કહી શકાય. બીજું સ્ત્રીઓ ક્યારેય પોતાના માતા પિતા ઉપર ભાર રૂપ થવા માંગતી નથી હોતી. પરંતુ સમાજ અને સાસરીના કુટુંબને વશ થઈને માતા પિતા પાસેથી દહેજ લઈ જાય છે. માતા પિતા પણ આખરે એમ ઈચ્છે છે કે દહેજ આપવાથી દીકરી સુખી થાય તો પોતે મુશ્કેલી વેઠીને પણ દહેજ આપવા માંગે છે. આજના જમાનામાં કાયદો હોવા છતાં માતા પિતાની મિલકતમાં દીકરીને ભાગ આપવામાં આવતો નથી અથવા દીકરી પોતે પણ પોતાના ભાઈ પાસેથી કોઈ મિલકત લેવામાં માંગતી નથી. તેથી લગ્ન સમયે માતા પિતાને એમ થાય છે કે દીકરીને જેટલું અપાય તેટલું આપવું. આમ દહેજ એ સમાજે ઊભું કરેલું દૂષણ છે. જેને સ્ત્રીના માતા પિતા અને સાસરીયા તમામ એને વશ થાય છે. સાસરીયા એમ ઈચ્છે છે કે અમે અમારી દીકરીને આપીએ તો અમારી વહુ પણ તેના પિયરમાંથી ઘરવખરી અને દાગીના લઈને આવે. દહેજ પ્રતિબંધક કાયદો હોવા છતાં આજે દહેજ માગવામાં આવે છે. દહેજ લઈ જવામાં આવે છે, દહેજ આપવામાં આવે છે અને દહેજને કારણે સ્ત્રીઓના અપમૃત્યુ થાય છે. ત્યારે કાઉન્સેલરની ભૂમિકા મહત્વની બને છે કે તેમણે દરેક સેવાર્થી અને કુટુંબીજનો સાથે આ બાબતે વિગતે ચર્ચા કરવી જરૂરી છે.